જમ્મૂમાં રહેતી 29 વર્ષીય રિદ્ધિમા અરોડાના પિતા બીમાર પડતાં તેણે તેની બ્રાન્ડ માર્કેટિંગની નોકરીમાં ત્રણ મહિનાનો બ્રેક લીધો અને ઘરે જ રહીને પિતાની દેખભાળ કરવા લાગી.
આ બાબતે તે કહે છે, “મારા 59 વર્ષીય પિતાને લિવર સિરોસિસ બીમારી થઈ ગઈ હતી અને ડૉક્ટરોએ કહ્યું કે, કઈંક થઈ શકે તેમ નથી. કારણકે, તેમની સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી હતી. તેઓ ઘરે હતા એટલે મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે, તેઓ પૌષ્ટિક ભોજન લે, જે સ્વચ્છ હોય અને સ્થાનિક સ્ત્રોતો દ્વારા જ આવેલ હોય.” તેમણે અલગ-અલગ હર્બલ ચા, આયુર્વેદિક ઉકાળા અને પારંપારિક ખાધ્ય પદાર્થોથી પિતાનો ઈલાજ શરૂ કર્યો.
તેમના પરિવાર દ્વારા ડબ્બામાં પેક્ડ ભોજન અને પ્રિઝર્વેટિવ્સ વાળાં ઉત્પાદનો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યાં. તેઓ બધો જ સામાન સ્થાનિક ખેડૂતો પાસેથી લેવા લાગ્યા. તો રિદ્ધિમાના પિતા નિયમિત ભારતીય હૉગ પ્લમ અને હરડે જેવી વસ્તુઓ લેવા લાગ્યા, જેમાં એન્ટીસેપ્ટિક ગુણો હોય છે.

વધુમાં તે જણાવે છે, “માત્ર ત્રણ મહિનામાં, તેમની સ્થિતિ સુધરવા લાગી અને સારું લાગવા લાગ્યું. જોકે લિવર સિરોસિસની બીમારીનો કોઈ ઈલાજ નથી, પરંતુ મારા પિતાએ તેમની ખાનપાનની આદતો બદલી અને નિયમિત કસરતો કરી પોતાના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો કર્યો. હવે તેઓ નિયમિત કામ કર જઈ રહ્યા છે અને મેવા, ઔષધીય જડીબુટ્ટીઓ, જૈવિક ઉત્પાદનો અને આયુર્વેદિક દવાઓના અમારા 80 વર્ષ જૂના પારિવારિક વ્યવસાયને સંભાળી રહ્યા છે.”
ખાન-પાનનું ધ્યાન રાખો:
રિદ્ધિમાએ જોયું કે, કેવી રીતે યોગ્ય ખાન-પાને પોતાના પિતાના સ્વાસ્થ્યમાં સુધારો કર્યો. એટલે તેમણે બીજાંના ખાન-પાનની આદતોમાં બદલાવ કરવા, તેમની મદદ કરવા, તેમની જીવન શૈલીમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો.

તેઓ જણાવે છે, “મોટાભાગના લોકોને જલદી બની જાય તેવું ભોજન ખરીદવાની આદત હોય છે. પરંતુ તેઓ એ નથી જોતા કે, તેમાં કઈ-કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે. શુગર ફ્રી ઉત્પાદનો, ડાયટ સપ્લીમેન્ટ્સ કે અન્ય સ્વસ્થ ભોજનના વિકલ્પોમાં કોઈને કોઈ હાનિકારક સામગ્રી હોય જ છે. પછી તેમાં મેંદો હોય, પ્રીઝર્વેટિવ્સ હોય કે પછી ફ્રુટોઝ. એટલે મેં પારિવારિક રેસિપિનો ઉપયોગ કરી આયુર્વેદિક, હર્બલ અને સ્વાસ્થ્ય ઉત્પાદનોની એક શ્રેણી શરૂ કરવાનો નિર્ણય લીધો.” વર્ષ 2019 માં તેમણે પોતાના આ વ્યવસાય માટે પોતાની નોકરી છોડી દીધી.
વર્ષ 2019 ના અંતમાં તેમણે ‘નમ્યા ફૂડ્સ’ નામથી પોતાનું સ્ટાર્ટઅપ લૉન્ચ કર્યું. જેના મારફતે, તેઓ લિવર અને હાર્ટને સ્વસ્થ રાખવા માટે હર્બલ ચાથી લઈને હેલ્ધી ‘બ્રેકફાસ્ટ મિક્સ’, ઈમ્યૂનિટી વધારતા લાટે, ગુણકારી નાસ્તા અને પીસીઓએસ અને ડાયાબિટીઝ નિયંત્રણમાં રાખતી ચા વગેરે ગ્રાહકો સુધી પહોંચાડે છે.
તેમણે સૌથી પહેલાં, પેઢીઓથી ઉપયોગમાં લેવાતી ઘણી રેસિપિઓ ભેગી કરી. ત્યારબાદ, તેમણે આયુર્વેદિક વિશેષકો સાથે વાત કરી. તેમણે અલગ-અલગ રેસિપિમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની માત્રા અને અનુપાત સમજવામાં તેની મદદ કરી. આ સિવાય, તેમણે ‘ઈન્ટરનેશનલ એકેડમી ઑફ આયુર્વેદ’ સાથે મળીને ‘યૂએબીએસ આયુર્વેદ’, બેંગલુરૂ દ્વારા ચલાવવામાં આવતો, ત્રણ મહિનાનો ‘આયુર્વેદિક સર્ટિફિકેટ કોર્સ’ પણ કર્યો.
રિદ્ધિમા કહે છે, “આમ તો, મારા પરિવારના પ્રભાવના કારણે મને આર્યુવેદિક કૉન્સેપ્ટની જાણકરી હતી, પરંતુ આ કોર્સથી મને મારી જાણકારી તાજી કરવામાં અને વધારવામાં મદદ મળી.”

જૈવિક ઉત્પાદનો:
પોતાના પારિવારિક સંપર્કો અને સ્થાનિક ખેડૂતો સાથે મળીને તેમણે કાચા માલ માટે સપ્લાય ચેન ઊભી કરી. તેઓ કહે છે કે, તેમાં કેટલાક મહિનાઓ લાગ્યા, કારણકે દેશી જડી બુટ્ટીઓ અને તેમના છોડની ખેતી કરતા ખેડૂતો શોધવા મુશ્કેલ હતું. આ સિવાય, બધા જ ખેડૂતો પાસે જઈને તેમનાં ઉત્પાદનો અંગે તપાસ કરી અને પછી તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું.
ત્યારબાદ, તેમણે પોતાના પરિવારમાં જ એક જમીન પર મેન્યુફેક્ચરિંગ યૂનિટની સ્થાપના કરી. તેમને પીસવા, કાપવા અને પેકિજિંગ માટે યોગ્ય મશીનોની ખરીદી કરી. ત્યારબાદ તેમણે રસોઈમાં એક્સપર્ટ કેટલાક સ્થાનીક લોકોને કામ પર રાખ્યા.
તેઓ કહે છે, “શરૂઆતના કેટલાક મહિનાઓમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બાદ, જાન્યુઆરી 2020 માં અમે ત્રણ હર્બલ ચા લૉન્ચ કરી.”
પંજાબના અમૄતસરમાં રહેતા 20 વર્ષના આર્યન મેહતા અને તેમના દાદાનું કહેવું છે કે, તેમને બંનેને રિદ્ધિમાના આ ખાધ્ય ઉત્પાદનોથી બહુ ફાયદો થયો છે. આર્યનના દાદાજીને હાર્ટ વાલ્વમાં બ્લોકિંગ હતું તો ડૉક્ટરોએ તેમને સ્વસ્થ ખાન-પાનની સલાહ આપી. આર્યન જણાવે છે, “મને એપ્રિલ 2020 માં ઈંસ્ટાગ્રામ પર નમ્યા ફૂડ્સ વિશે જાણવા મળ્યું અને મેં દાદાજી માટે, તેમની ‘હાર્ટ ટી’ ખરીદી. સતત ત્રણ મહિના સુધી તેને લેવાથી અને ખાન-પાનની બીજી આદતોમાં બદલાવથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો. ડૉક્ટરે પણ પછી ચેકઅપ કર્યા બાદ જણાવ્યું કે, તેમના સ્વાસ્થ્યામાં સુધારો થયો છે. “
આજે રિદ્ધિમાનું સ્ટાર્ટઅપ 26 અલગ-અલગ ખાધ્ય ઉત્પાદનો બનાવે છે, જેમાં હળદર લાટે પાવડર, ડાયાબિટીઝ/હાર્ટ/લિવર કેર ટી, રાગી/બાજરીથી બનેલ બ્રેકફાસ્ટ મિક્સ, પીસીઓએસ નિયંત્રિત કરતી ડ્રિંક, અને બાળકો માટે કોકોઆ ટેસ્ટવાળી તજ લાટે વગેરેનો સમાવેશ થાય છે.
રિદ્ધિમા કહે છે કે, તેમણે એક કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરી છે અને હવે તેમનાં ઉત્પાદનો ભારત સિવાય દુબઈ અને કેનેડા જેવા દેશોમાં પણ જાય છે.
તેમનાં ઉત્પાદનો તમે તેમની વેબસાઇટ કે અમેઝોન પરથી ખરીદી શકો છો.
આ પણ વાંચો: ‘ઑલ વિમેન કેન્ટીન’ જેણે ત્રણ હજારમાંથી બિઝનેસ વધારીને ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.