મધુ હાંસદા ઝારખંડના પૂર્વમાં આવેલા સિંહભૂમ જિલ્લાના ગોહલા ગામના રહેવાશી છે. તેઓ એક ગ્રામ રોજગાર સેવક તરીકે કામ કરતા હતા. જોકે, તેમણે પોતાની નોકરી છોડીને ફૂલની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. હવે તેઓ નોકરીની સરખામણીમાં વધારે કમાણી કરી રહ્યા છે.
48 વર્ષીય મધુ કહે છે કે, “હું છેલ્લા 12 વર્ષથી રાજગોર સેવકના રૂપમાં કામ કરતો હતો. જ્યાં મને ઓછું વેતન મળવાની સાથે સાથે સમયસર પગાર પણ મળતો ન હતો. આટલા પગારમાં ચાર બાળકો, પત્ની અને માતાનું ભરણપોષણ કરવાનું કામ મુશ્કેલ હતું.”
આથી તેમણે પોતાની નોકરી છોડીને કંઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. આ જ કડીમાં તેમણે વર્ષ 2020માં વર્તમાનપત્રમાં સરકાર દ્વારા ફૂલોની ખેતીને આગળ ધપાવવાની યોજના વિશે જાણ્યું હતું.

જે બાદમાં તેમણે જિલ્લા ઉદ્યાગ વિભાગને અરજી કરી હતી. અરજીનો સ્વીકાર થયા બાદ તેમણે પોતાની 0.25 એકર જમીનમાં એક શેડ બનાવ્યો હતો. જ્યાં તેઓ જરબેરાની ખેતી કરે છે.
તેઓ કહે છે કે, “આ આખા સેટઅપ પાછળ આશરે 5.65 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ સંબંધિત વિભાગ તરફથી મને આ રકમ આપવામાં આવી હતી. આથી મને એક પણ રૂપિયાનો ખર્ચ થયો ન હતો.”
હકીકતમાં મધુને ઝારખંડ બાગકામ મિશન અંતર્ગત શરૂ કરવામાં આવેલી પ્રોટેક્ટેડ કલ્ટીવેશનલ ફ્લાવર યોજના અંતર્ગત સબસિડી મળી ગઈ હતી.
મધુએ શેડ બનાવવાનું કામ ઓગસ્ટ 2020માં શરૂ કર્યું હતું. ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં આ કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. હાલ મધુ પાસે પીળા, સફેદ, ગુલાબી અને નારંગી જેવા રંગના 3,200થી વધારે છોડ છે. જેનાથી દર મહિને આશરે 20 હજાર રૂપિયાની કમાણી થાય છે.

મધુ કહે છે કે આ પ્રયોગમાં તેમને મિથિલેશ કાલિન્દી જેવા અધિકારીઓએ ખૂબ મદદ કરી હતી.
પૂર્વ સિંહભૂમમાં ફૂલોની ખેતી વિશે જિલ્લા ઉદ્યાન અધિકારી મિથિલેશ કહે છે કે, “પૂર્વ સિંહભૂમ અને ખાસ કરીને જમશેદપુરમાં ફૂલોની ખૂબ સારું બજાર છે. અહીં મોટાભાગના ફૂલો બેંગલુરુમાંથી મંગાવવામાં આવે છે. આથી અમે વિચાર્યું કે જો ખેડૂતોને પ્રેરિત કરવામાં આવે તો સારું પરિણામ આવી શકે છે.”
તેઓ કહે છે કે, “આજની સ્થિતિને જોતા ખેડૂતોએ પોતાની ખેતીમાં વિવિધતા લાવવી જરૂરી છે. જેનાથી તેમને તેમની આવક વધારવામાં ખૂબ મદદ મળશે. અત્યારસુધી અમને ખૂબ સારા પરિણામ જોવા મળ્યા છે. વર્ષ 2020માં કુલ 12 ખેડૂતોએ અહીં 1,000 વર્ગ મીટરમા શેડ લગાવ્યા છે. આ તમામ ખેડૂતો પહેલા ધાન્ય અથવા શાકભાજીની ખેતી કરતા હતા. અમને આશા છે કે આગામી દિવસોમાં ફૂલોની ખેતીમાં વધારો થશે.”

જરબેરા ફૂલોની ખાસિયત:
મધુ કહે છે કે આ ફૂલ સજાવટ માટે કામ આવે છે. જો આ ફૂલની દાંડીને પાણીમાં રાખવામાં આવે તો તે ત 15 દિવસ સુધી તાજા રહે છે. આ જ કારણે તેનો ઉપયોગ ભેટ અના સજાવટ માટે થાય છે.
તે કહે છે કે, “લગ્નની સિઝનમાં હું એક ફૂલ આશરે 10 રૂપિયામાં વેચું છું. પરંતુ હંમેશા આવી જ માંગ નથી રહેતી. હાલ હું મારા ફૂલોને ચારથી પાંચ રૂપિયામાં વેચું છું. કોરોના કાળ બાદ પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ ફૂલોની માંગ પહેલા જેવી થઈ જશે. ભાવમાં પણ વધારો થશે.”

શું પરેશાની આવી છે?
મધુ કહે છે કે તેઓ ફૂલોને જમશેદપુરમાં વેચે છે, જે તેના ઘરથી 60 કિલોમીટર દૂર છે. માળી આ ફૂલોને લેવા ઘણી વખત તેમના ઘર સુધી આવે છે, ઘણી વખત નથી આવતા.
તે કહે છે કે, “અમે ફૂલ તો ઊગાડી લઈએ છીએ પરંતુ ઘણી વખત તેમને ખરીદવા માટે કોઈ નથી આવતું. આથી અમારે વેચવા માટે બજારમાં જવું પડે છે. જે અહીંથી 60 કિલોમીટર દૂર છે. ફૂલોને બસમાં લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે.”

પરિવાર મદદ કરે છે
મધુ કહે છે કે જરબેરાનો છોડ ખૂબ જ નાજુક હોય છે. નાની અમથી ભૂલ અનેક સમસ્યા ઊભી કરી શકે છે. આથી ફૂલોની દેખરેખ માટે તેમની માતા અને પત્ની મદદ કરે છે. આ જ કારણે મજૂરી પણ ચૂકવવી પડતી નથી. જોકે, ક્યારેક કામ વધી જાય છે ત્યારે ચાર-પાંચ લોકોની મદદ લેવી પડે છે.
કેવી રીતે કરે છે જરબેરાની ખેતી?
મધુએ ફૂલોની ખેતી માટે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ અપનાવી છે. આ ઉપરાંત તેઓ લીમડાને એક અઠવાડિયા સુધી પલાળી રાખીને તેનો કીટનાશક તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત છોડીની આસપાસ કોઈ ઘાસ ન હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

ભવિષ્યની યોજના
મધુ કહે છે કે તેમની પાસે પાંચ એકર જમીન છે. માટીની ગુણવત્તાને જોઈને તેના પર ખેતી કરવી મુશ્કેલ છે. આ જ કારણે તેઓ માછલી તેમજ પશુ ઉછેરમાં પોતાનું નસીબ અજમાવવા માંગે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં બાગકામ કરવાની પણ યોજના છે.
આ પણ વાંચો: લુપ્ત થતી વનસ્પતિને બચાવવા જંગલોમાંથી 11 લાખ દેશી બીજ ભેગાં કરી લોકોને મફતમાં પહોંચાડે છે આ શિક્ષક દંપતિ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.