Search Icon
Nav Arrow
Bharatbhai
Bharatbhai

લુપ્ત થતી વનસ્પતિને બચાવવા જંગલોમાંથી 11 લાખ દેશી બીજ ભેગાં કરી લોકોને મફતમાં પહોંચાડે છે આ શિક્ષક દંપતિ

કચ્છના આ શિક્ષક દંપતિનો ધ્યેય છે આસપાસ લુપ્ત થતી વનસ્પતિને સાચવી આગામી પેઢી સુધી પહોંચાડવી

“પહેલાં આપણી આસપાસ જાત-જાતની વનસ્પતિના ઝાડ-છોડ જોવા મળતા હતા. ખેતી દેશી અને પારંપારિક બીજોથી થતી હતી. પશુઓ દેશી ઘાસ-ચારો ખાતાં. પરંતુ હવે આસપાસ નજર કરી જુઓ, કેટલાં ઝાડ-છોડ જોવા મળે છે. આજનાં બાળકોને તો મોટાભાગની ઝાડ-છોડનાં નામ પણ ખબર નથી હોતી.” આ વાત કરતી વખતે ભરત મકવાણાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દર્શાઈ આવે છે.

35 વર્ષના ભરતભાઈ કચ્છ જિલ્લાની એક પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષક છે અને ઘણાં વર્ષોથી તેઓ પર્યાવરણ સંરક્ષણનાં કાર્યો સાથે સંકળાયેલા છે. ખેડૂત પિતાના ઘરે જન્મેલ ભરતભાઈને બાળપણથી જ પ્રકૃતિ સાથે બહુ પ્રેમ છે. સરકારી સ્કૂલમાં ભણ્યા એ દરમિયાનથી જ તેઓ બધા જ પ્રકારનાં ઝાડનાં બીજ ભેગાં કરી ઘરે લાવતા. પછી ઘરે આ ઝાડ-છોડ વાવતા. તેમના પિતા તેમને જંગલમાં લાકડાં કાપવા પણ લઈ જતા હતા, જ્યાં તેઓ અગલ-અલગ વનસ્પતિને ઓળખતા થયા.

Gujarat Teacher
Bharat Makwana with his students

આ અંગે ભરતભાઈ જણાવે છે, “મારા પિતાએ જંગલમાં મને ઘણી વનસ્પતિઓ સાથે ઓળખ કરાવી. જેમાંની એક હતી ડોડો, જેને લોકો જીવંતીના નામથી પણ ઓળખે છે. પિતાજી કહેતા કે, જીવંતીનાં પાન ચાવવાથી અને પત્તાંનું શાક બનાવી ખાવાથી કે પાનનો રસ પીવાથી આંખ નબળી નથી પડતી. જીવંતી વેલમાંથી આંખની દવાઓ પણ બને છે, એક જમાનામાં ઘરે-ઘરે જોવા મળતી જીવંતી અત્યારે શોધવા છતાં નથી મળતી.”

વર્ષ 2010 માં પોતાની મહેનત અને લગનથી ભારતભાઈએ એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળી. પરંતુ તેઓ જ્યારે શાળામાં બાળકોને ભણાવવા ગયા ત્યારે તેમણે જોયું કે, નાનાં-નાનાં બાળકો પણ ચશ્મા પહેરતાં હતાં. પછી તેમણે વિચાર્યું કે, એવું શું કારણ છે કે, આટલાં નાનાં-નાનાં બાળકોની આંખો પણ નબળી પડી રહી છે.

Teacher Couple
Bharat and Jagruti

આ બાબતે તેમણે લોકો સાથે ચર્ચા શરૂ કરી અને વિચાર-વિમર્શ કરવાના શરૂ કર્યા. ત્યારબાદ કેટલાંક સંશોધન કર્યાં અને લેખ વંચ્યા તો ખબર પડી કે, તેનું કારણ કોઈ ને કોઈ રીતે ખાન-પાન સાથે જોડાયેલ છે. આજકાલનું ભોજન પૌષ્ટિક ઓછું હોય છે અને બાળકો પહેલાંની જેમ લીમડો, ગિલોય કે જીવંતી જેવાં પાન પણ ચાવતાં તથી. જેનાથી શરીરના ઘણા વિકાર ઠીક થઈ જાય છે.

ભરતભાઈએ આ બાબતે કઈંક કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલાં તો લુપ્ત થતી ભારતની દેશી અને દુર્લભ વનસ્પતિઓને બચાવવી પડશે. આગામી પઢીને આવાં ઝાડ-છોડ અંગે જાગૃત કરવી પડશે. તેમણે તેમના પિતા સાથે આ બાબતે વાત કરી અને જંગલમાં જઈને જીવંતી અને બીજી ઘણી વનસ્પતિઓનાં બીજ ભેગાં કર્યાં. તેમણે તેમના પિતાને ખેતરમાં થોડી જમીન ખાલી છોડવા કહ્યું અને ત્યાં લગભગ 1200 ઝાડ-છોડ વાવ્યા.

સાથે-સાથે બીજ બનાવી ભરતભાઈએ તેમની સ્કૂલમાં પણ રોપ્યાં અને બાળકોને ઘરે લઈ જવા માટે છોડ પણ તૈયાર કર્યા. તેમની સ્કૂલના આ અભિયાનને જોઈ, બીજી સરકારી સ્કૂલોએ તેમનો સંપર્ક કર્યો. જેના અંતર્ગત ભરતભાઈની આ પહેલ ગુજરાતની ઘણી સ્કૂલો અને જિલ્લાઓ સુધી પહોંચી. બીજ તૈયાર કરવા અને પછી તેમાંથી છોડ તૈયાર કરવામાં ભરતભાઈનાં પત્ની જાગૃતિબેન પણ તેમની મદદ કરે છે. જાગૃતિબેન પણ એક સરકારી શાળામાં શિક્ષિકા છે અને તેમણે પણ પોતાના સ્તરે આ કામને ઘણું આગળ વધાર્યું.

Save Nature
They send seed couriers and also, prepares plants

જીવંતી બાદ ભરતભાઈ અને જાગૃતિબેને બીજી વનસ્પતિઓ જેવી કે, ગૂગળ, ગિલોય વગેરેનાં બીજ પણ ભેગાં કરવાનાં શરૂ કર્યાં. તેમણે તેમના પિતાને પણ પ્રેરિત કર્યા કે, તેઓ શાકભાજી પણ દેશી બીજથી જ વાવે.
હવે તેમની પાસે કોળું, કારેલાં જેવાં ઘણાં શાકભાજીનાં પણ દેશી બીજ છે. જો કોઈ આમાંથી કોઈપણ બીજ મંગાવે તો, તેઓ પોતાના ખર્ચે કૂરિયરથી તેમને મોકલાવે છે. જો કોઈને છોડ જોઈએ તો તેઓ ન્યૂનતમ ટોકન ચાર્જ લઈને તેમને મોકલી આપે છે. ગત વર્ષ સુધીમાં ભરતભાઈ 11 લાખ કરતાં પણ વધારે બીજ વહેંચી ચૂક્યા છે.

છેલ્લાં બે વર્ષથી તેઓ છોડ પણ તૈયાર કરે છે અને દર વર્ષે લગભગ 5,000 છોડ તૈયાર કરીને વહેંચે છે.

ભરતભાઈ અને જાગૃતિબેન આખા વર્ષ દરમિયાન પોતાના એક મહિનાનો પગાર આમાં ખર્ચે છે. તેમનું ઉદ્દેશ્ય છે કે, ‘હર-હર ડોડી, ઘર-ઘર ડોડી’, જેથી ઘરમાં ઝાડ-છોડ હોય. ભરતભાઈ કહે છે કે, ડોડીનાં બીજ વાવવાં ખૂબજ સરળ છે. તમે બીજને કોઈપણ કુંડામાં વાવી શકો છો. ખાસ ધ્યાનમાં રાખો કે, બીજ જેવડું હોય, તેની ઉપર માટી પણ એટલી જ હોય, જેથી તે સહેલાઈથી અંકુરિત થઈ શકે.

Save Nature
They have collected almost 11 lacs seeds

તેને નિયમિત પાણી આપતા રહેશો તો એક-દોઢ મહિનામાં જ તેનો વિકાસ થવા લાગશે. કોઈપણ વ્યક્તિ તેને ધાબા, બાલ્કની કે આંગણમાં વાવી શકે છે. ખાસ ધ્યાન રાખો કે, આ એક વેલ છે, એટલે ફેલાય છે બહુ, પરંતુ ખૂબજ ફાયદાકારક છે. ડોડી સિવાય ભરતભાઈ અને જાગૃતિબેન હવે શાકભાજીનાં દેશી બીજ પણ ભેગાં કરે છે અને લોકોમાં વહેંચે છે.

આ સિવાય, ભરતભાઈ ગુજરાતનાં 6 જિલ્લાઓમાં ફર્યા છે અને દરેક જિલ્લાની શાળા-કૉલેજોમાં જઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાગૄત કર્યા છે. ભરતભાઈ કહે છે કે, હવે લોકો પ્રકૃતિની જરૂરિયાત અને મહત્વને સમજી રહ્યા છે.

આજના સમયને જોતાં એ બહુ જરૂરી છે કે, આપણે અત્યારથી સંરક્ષણ માટે ઠોસ પગલાં લઈએ, જેવાં ભરતભાઈ અને જાગૃતિબેન લઈ રહ્યાં છે. જો શિક્ષક બાળકને બાળપણથી જ ઝાડ-છોડ સાથે બાંધશે તો, તેઓ આ શીખ હંમેશાં યાદ રાખશે.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: સફળ આર્કિટેક બની અર્બન ખેડૂત પણ, ધાબામાં પોતાના અને પડોશીઓ માટે ઉગાડે છે પૂરતાં શાકભાજી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon