ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ‘Discovery of India (ડિસ્કવરી ઑફ ઈન્ડિયા)’ માં તેમણે ભારતને વિરોધાભાસથી ભરપૂર ગણાવ્યો છે અને તેમનું આ વર્ણન ખરેખર અદભુત છે.
એક તરફ આપણા દેશમાં હજારો બાળકો કુપોષણ અને ભૂખમરાના કારણે મૃત્યુ પામે છે તો રોજનું હજારો લીટર દૂધ ભગવાનને ચઢાવવામાં આવે છે. વર્લ્ડ બેન્ક દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે, કુપોષણનો દર આખી દુનિયમાં સૌથી ઊંચો ભારતમાં જ છે.
મદ્રાસ હાઈકોર્ટ દ્વારા પણ વર્ષ 2014 માં એક પીઆઈએલ અંતર્ગત આદેશ આપવામાં આવ્યો હતો કે, દૂધના બગાડને બંધ કરવામાં આવે, જેને એક સકારાત્મક પગલું ગણી શકાય. જોકે બીજી તરફ કોર્ટે એમ પણ સ્વિકાર્યું હતું કે, કોઈપણ ધર્મ કે ટ્રસ્ટને તેને અનુસરવા માટે દબાણ ન કરી શકાય.

Photo Source
મેરઠના રહેવાસી કરણ ગોએલે તહેવારોના મહિનામાં દૂધનો બગાડ અટકાવવા પોતાના પૂર્વ ક્લાસમેટ સાથે મળીને એક ખાસ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી દૂધનો બગાડ અટકાવી તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, તેમણે મેરઠના બિલેશ્વર નાથ મંદિરના પ્રાંગણમાં શિવરાત્રીના દિવસે આ સિસ્ટમ મૂકવા માટે પૂજારીની મંજૂરી લીધી અને ભક્તોમાં તેની પત્રિકાઓ વહેંચી. બુધવારે તેમણે 100 લીટર કરતાં પણ વધારે દૂધ ભેગું કર્યું અને તેને વંચિત અને અનાથ બાળકોમાં વહેંચ્યું.

Photo Source
તેમનો આ વિચાર એકદમ સરળ અને તર્કસંગત છે, જેનાથી લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાતી નથી અને દૂધનો બગાડ પણ અટકે છે.
આ બાબતે કરણે પ્રકાશનને જણાવ્યું, “ભક્તો શિવલિંગની ઉપર રાખેલ કળશમાં દૂધ ભરે છે. અમે આ કળશમાં બે કાણાં પાડ્યાં છે. એક નીચે તળીયામાં છે અને બીજુ થોડે ઉપર. આ કળશમાં 7 લિટર દૂધ સમાઈ શકે છે. જેથી આમાં એ રીતે ગોઠવણી કરવામાં આવી છે કે, એક લિટર દૂધનો શિવલિંગ પર અભિષેક થાય છે ત્યારે 6 લિટર દૂધ બીજા કાણામાંથી પાઈપ મારફતે બીજા વાસણમાં ભેગું થાય છે.”

Photo Source
માત્ર 2500 રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવેલ આ સિસ્ટમથી લગભગ 150 લિટર દૂધ બચાવવામાં મદદ મળી છે. આ દૂધ પછી સત્યકામ માનવ સેવા સમિતિને આપવામાં આવ્યું છે, જેઓ અનાથ અને એચઆઈવી પોઝિટિવ બાળકોને આશરો આપે છે.
આ આખુ ઉપકરણ મંદિરના અધિકારીઓને સોંપવામાં આવ્યું છે, જેથી દર સોમવારે ભગવાનને ચઢાવવામાં આવતા દૂધમાંથી એક ભાગ શહેરનાં અનાથાશ્રમોમાં મોકલી શકાય.
અમને લાગે છે કે, આ પહેલને વધુમાં વધુ પ્રોત્સાહન મળવું જોઈએ આખા દેશમાં તેને અપનાવવી જોઈએ.
આ પણ વાંચો: આખા અમદાવાદના મંદિરોમાંથી ફૂલો અને કચરો ભેગો કરી આ યુવાનો બનાવે છે ખાતર, અગરબત્તી & બીજું ઘણું
આખા અમદાવાદના મંદિરોમાંથી ફૂલો અને કચરો ભેગો કરી આ યુવાનો બનાવે છે ખાતર, અગરબત્તી & બીજું ઘણું