આપણામાંથી અઢળક લોકો ચિતલે બ્રાંડ (Chitale Bandhu)ને તેના શ્રીખંડ, દહીં અને અન્ય ડેરી ખાદ્યપદાર્થો ઉત્પાદકોથી ઓળખે છે. આ દેશી બ્રાન્ડ ગુજરાતી નાસ્તા ‘ભાખરવડી’ માટે ખાસ્સા લોકપ્રિય છે. આ ચિતલે બંધુ બ્રાન્ડની શરુઆત 1939માં મહારાષ્ટ્રના દૂરના વિસ્તારમાં રહેતા એક ડેરી ચલાવનારે કેટલીક ડઝનભર ભેંસોને ખરીદીને કરી હતી અને ડેરી
ફાર્મનો એક સફળ બિઝનેસ ઉભો કર્યો છે. જમીનદાર અને શાહુકારોની વચ્ચેથી આવતા ખેડૂત ભાસ્કર ગણેશ ચિતલે, જેને બાબા સાહેબના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને જરાપણ ખ્યાલ નહીં હોય કે તેમનો બિઝનેસ જોરદાર સફળતાના શિખરો સર કરશે.
ડેરી ફાર્મિંગથી શરુ થયેલો તેમનો આ બિઝનેસ આજે એક મોટું નામ બની ચૂક્યો છે. જેની મીઠાઈઓ અને ભાખરવડીની સાથે જ તેમને અન્ય ખાદ્ય ઉત્પાદનો દેશ-વિદેશમાં પસંદ કરવામાં આવે છે. ચલો તમને જણાવીએ તેમની સફળતાની અનોખી સ્ટોરી..
ભાસ્કર ગણેશ ચિતલે, મહારાષ્ટ્રમાં ખૂબ જ ફેમસ છે પરંતુ તેમની આ સફર એટલી પણ સરળ નહોતી. 20મી સદીની શરુઆતમાં ભાસ્કરે 14 વર્ષની ઉંમરે જ પિતાને ગુમાવ્યા હતાં. જે પછી, પોતાની માતાની દેખરેખ કરવા માટે તેમણે અભ્યાસ છોડવો પડ્યો હતો. તેઓ પછી મજૂરી કરવા લાગ્યા હતા. કેટલાક વર્ષોમાં તેમને લાગ્યું કે આવી રીતે ખેતરમાં મજૂરી કરવાથી તેમનું ગુજરાન નહીં ચાલે. પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ 1939માં સાંગલી જિલ્લાના ભિલવડીમાં આવી ગયા હતાં. અહીંથી જ શરુ થઈ ચિતલે બંધુની સફળતાની ગાથા…

શરુઆતની સફર
ચિતલે બંધુની ચોથી પેઢી આજે પણ વેપાર સાથે જોડાયેલી છે. બાબા સાહેબના પૌત્રના દીકરા ઈન્દ્રનીલ પોતાના પરિવારના ડેરી બિઝનેસમાં શરુઆતના દિવસો યાદ કરતા કહે છે કે,’પરિવાર સાથે ભોજન કરતા સમયે અમે બિઝનેસ સાથે જોડાયેલી વાતો કરતા હતાં. ત્યારે બિલકુલ એક બોર્ડ મિટિંગ જેવું જ વાતાવરણ બનતું હતું. મારા દાદા નરસિંહા, અમને ફેક્ટરી સાથે જ લઈ જતા હતાં.’
એક દાયકા પહેલા આ બિઝનેસ જોઈન કરનાર 32 વર્ષના ઈન્દ્રનીલે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ‘મારા પરદાદાએ 1918ની મહામારીમાં પોતાનું બધું જ ગુમાવ્યુ હતું. જે પછી તે ભિલવડી આવ્યા, જે કૃષ્ણા નદીના તટ પર સ્થિત છે. આ માટે જ વ્યવસાય શરુ કરવા માટે આ સારી જગ્યા હતી. અહીં સમગ્ર વર્ષ પાણી મળી જતું હતું અને મુંબઈ જવા માટે રેલવે લાઈન પણ હતી.’
ભિલવડીમાં પાળતુ જાનવર જેવા કે, ગાય, ભેંસ વગેરે માટે ચારો અને પાણીની પણ સુવિધા હતી. આ કારણે અહીં દૂધનું ઉત્પાદન પણ ખૂબ જ સારુ થતું હતું. અહીંથી જ બાબા સાહેબને ડેરી વ્યવસાય વિશે વિચાર આવ્યો. ઈન્દ્રનીલે જણાવ્યું કે, ‘જે દિવસોમાં ડેરી વ્યવસાયની સ્થાપના કરવામાં આવી હતી, તે દિવસોમાં દૂધનું પેશ્ચ્યુરાઈઝેશન અથવા તેની ગુણવત્તાના કોઈ માપદંડ નહોતા. દૂધને તાજું જ વેચવું પડતું હતું. અથવા તો તેને દહીં જેવા ખાદ્ય ઉત્પાદકોમાં બદલવામાં આવતું હતું. તેમણે આગળ જણાવ્યું કે શરુઆતમાં મુખ્ય રીતે એક‘B2B’ (બિઝનેસ ટૂ બિઝનેસ) સપ્લાયર હતા.

બ્રિટિશ રેલની મદદથી દૂધથી બનેલા ખાદ્ય ઉત્પાદકોને મુંબઈ મોકલવામાં આવતું હતું પરંતુ વીજળી ન હોવાના કારણે બજાર પર ધ્યાન રાખવું મુશ્કેલ હતું. ત્યારે બાબા સાહેબે પોતાના મોટા દીકરા રઘુનાથ ચિતલેને મુંબઈમાં બિઝનેસ સંભાળવા માટે પોતાની સાથે જ લાવ્યા. જે એ દિવસોમાં સુરતની એક મિલમાં કામ કરતા હતાં. દૂધ સપ્લાયનો બિઝનેસ કરવા માટે નિયમિત ગ્રાહકોનું હોવું જરુરી છે, એ દિવસોમાં ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. આ જ કારણ છે કે તેમણે પોતાનો બિઝનેસ મુંબઈની જગ્યાએ પુણે શિફ્ટ કર્યો.
ઈન્દ્રનીલે કહ્યું કે 1944માં મારા દાદા તથા રઘુનાથ રાવના નાના ભાઈ, નરસિંહા બિઝનેસમાં આવી ગયા, પરંતુ માત્ર B2B સપ્લાયર હોવામાં અનેક સમસ્યા હતી. તેમણે આગળ જણાવ્યું કે,’જ્યારે પણ છૂટક વેપારીઓ એવો દાવો કરતા કે દૂધ તાજુ નથી તો અમે તેમના દાવાને અયોગ્ય ઠેરવવા માટે અસમર્થ હતું. આ કારણે અમને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. અહીંથી જ અમે પોતાની બ્રાન્ડ (ચિતલે ડેરી) હેઠળ દૂધ વેચવાનું શરુ કર્યુ હતું.’
તેઓ અંદાજથી જણાવે છે કે તે દિવસોમાં ચિતલે પાસે આશરે 20 ગાય હતી અને પ્રતિ દિવસે 45થી 50 લીટર દૂધ વેચાતુ હતું. તેમણે આગળ જણાવ્યું કે,’અમે એટલું જ વેચી રહ્યા હતા, જેટલું અમે ઉત્પાદન કરી રહ્યા હતાં. અમારુ 10000 વર્ગફૂટનું એક ઘર હતું. જેની બાજુમાં એક શેડ હતો.’ 1950ના દશકના મધ્યમાં રઘુનાથના બે અન્ય ભાઈ પરશુરામ અને દત્તારેય પણ આ બિઝનેસમાં આવી ગયા.

ચિતલે ડેરીમાં દૂધ ઉત્પાદન વધારે હતું, જ્યારે દૂધના સંગ્રહની મોટી વ્યવસ્થા નહોતી. આ કારણે બિઝનેસને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. ‘ચિતલે ડેરી’ અને ‘ચિતલે બંધુ મિઠાઈવાલે’ ઈન્દ્રનીલે જણાવ્યું કે, ‘અમે આજે રોજ આશરે આઠ લાખ લીટર દૂધ પ્રોસેસ કરીએ છીએ, જેમાંથી ચાર લાખ લીટર દૂધ વેચાઈ છે અને બાકી બચેલા દૂધમાંથી દહીં, પનીર, શ્રીખંડ, ઘી અને દૂધ પાઉડર વગેરે બનાવવામાં આવે છે.’
શ્રીખંડ, સ્ટોર અને સરળ પ્રક્રિયા
આ ઈન્ટરનેટના સમયમાં, એવા સમય વિશે વિચારવું પણ અઘરું લાગે છે. જ્યારે ફીડબેક વ્યક્તિગત રીતે આપવામાં આવે છે. ઈન્દ્રનીલના પિતા સંજય ચિતલે કહે છે કે, ‘મારા પિતા (નરસિંહા) અને કાકા દ્વારા નિર્મિત બ્રાંડને આગળ લઈ જવાની જરુર હતી. કોઈ વેબસાઈટ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વગર જ, ગ્રાહકો સાથે અમારો સંપર્ક પણ સારો હતો. અમે પરિવાર જેવા જ હતા’ જૂની વાતોને યાદ કરતા સંજયે કહ્યું કે, ‘અમારા શ્રીખંડમાં ફેટના ટકા, નક્કી કરેલા માપદંડથી વધારે હતું. અમે તેની મંજૂરી લેવા માટે દિલ્હી જવાનું હતું. પૂર્વ રેલમંત્રી, રામ નાયક મારા પિતાના મિત્ર હતાં. જેમણે અમારી ખૂબ જ મદદ કરી હતી. તેમણે શ્રીખંડ દિલ્હી લાવવાનું કહ્યું જ્યાં તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી સુષમા સ્વરાજે પણ શ્રીખંડને ચાખ્યું અને પસંદ કર્યુ’

દૂધ અને તેમાંથી બનેલા ઉત્પાદનો ખરાબ થઈ જાય છે. આથી, તેમને સમય પર જ ગ્રાહકો સુધી પહોંચાડવું એ પણ એક મોટો પડકાર હતો. ઈન્દ્રનીલે જણાવ્યું કે, ‘1970 આસપાસ વાહનવ્યવસ્થા પણ એટલી સારી નહોતી તેમજ પેકેજિંગની પણ ઘણી જ સમસ્યા હતી. 1970 સુધી કાચની બોટલમાં દૂધ પહોંચાડવામાં આવતુ હતું. જે પછી અમે કાચા દૂધને અલગ અલગ જગ્યાએથી લાવતા હતા અને પ્રોસેસ કરતા હતા. પછી બજારમાં સવારે ચાર વાગ્યા સુધી દૂધની સપ્લાય કરતા હતા અને સવારે સાત વાગ્યા સુધીમાં તો અમે ગ્રાહકને પહોંચાડી પણ દેતા હતાં.’ આજે ડેરી બિઝનેસ સેન્ટરના આશરે 75 કિ.મી સુધી અનેક જગ્યાએ દૂધ સંગ્રહ કેન્દ્ર છે. ઈન્દ્રનીલે કહ્યું કે, ‘આશરે 40 હજાર ખેડૂતો અમારી સાથે કામ કરે છે, જે દૂધ સંઘને પોતાનું કાચુ દૂધ સપ્લાય કરે છે દરેક ખેડૂત આશરે 20 લીટર દૂધ સપ્લાય કરે છે.’
તેમણે આગળ જણાવ્યું કે, ‘છૂટક વેપારીઓ સાથે અમારે ઉધાર પર કામ કરવું પડતું હતું, જેના કારણે ખેડૂતોને નિયમિત રીતે ચૂકવણી થતી નહોતી. અમારે એક એવો રસ્તો શોધવાનો હતો જેથી રોકડની સમસ્યા ન થાય અને કેશ ફ્લોની જાળવણી પણ થાય આ કારણે અમે દૂધ તથા મિઠાઈ વેચવા માટે દૂકાનો શરુ કરી, જેથી નિયમિત કેશ ફ્લો જળવાઈ રહે.’ આ પ્રક્રિયાને વ્યવસ્થિત કરવા માટે આ બ્રાંડે હવે ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડાટા એનાલિસિસ અને ખેડૂતને ઓટોમેટેડ ચૂકવણી કરવા જેવી ટેક્નીક અપનાવી છે.
ઈન્દ્રનીલે કહ્યું કે, ‘આ ઉપરાંત ખાદ્ય ઉત્પાદનમાં એસ્ટીરોઈડ અને પેસ્ટીસાઈડ ન હોય. જેને સુનિશ્ચિત કરવા માટે નિયમિત રીતે અનેક રીતની તપાસ કરવામાં આવતી હતી. અમારુ દૂધ સપ્લાયનો બિઝનેસ મુંબઈ અને પુણે સુધી છે. જ્યારે ચિતલે મિઠાઈની માંગ દુનિયાભરમાં છે. અમારી બ્રાન્ડને 82 વર્ષ પૂરા થયા છે. પોતાના ખાદ્ય ઉત્પાદકોને વિદેશોમાં વેચવા માટે, અલગ દેશના નિયમોનું પણ પાલન કરવું પડે છે.’

ચિતલે બંધુની ભાખરવડી
વર્ષ 1983માં બિઝનેસમાં આવનાર સંજયે કહ્યું કે, ‘1980-95 વચ્ચેનો સમય બ્રાંડ માટે મહત્વપૂર્ણ હતો. અમે તે સમયે એક વિશિષ્ટ મહારાષ્ટ્રિયન બ્રાન્ડ હતાં. અમારી બ્રાન્ડ અન્ય સમુદાયો વચ્ચે પોતાની ઓળખ બનાવી રહ્યું હતું અને અન્ય ગ્રાહકોને આકર્ષવા માટે અમે ભાખરવડીનો વિકલ્પ આપ્યો હતો.’ 70ના દશકમાં નરસિંહાના એક પાડોશીએ તેમને એક ગુજરાતી નાસ્તા ભાખરવડીનો પરિચય કરાવ્યો. જે ભાખરવડીના નાગપુર વેરિયન્ટ બનાવતા હતાં.
જે પછી ચિતલેએ એક ગુજરાતી સ્નેકને બે રાજ્યોના સ્વાદને ધ્યાનમાં રાખીને બનાવવાનું શરુ કર્યું. ઈન્દ્રનીલે કહ્યું કે, ‘નાગપુરમાં તેને ‘પુડાચી વડી’ કહેવામાં આવે છે. આ એક મસાલેદાર અને તળેલો સ્પ્રિંગ રોલ છે. જેની ગુજરાતી વાનગી પણ તળેલી હોય છે. જેમાં લસણ અને ડુંગળી વધારે હોય છે. મહારાષ્ટ્રના સ્વાદ અને ગુજરાતી ભાખરવડીના આકારને મિક્સ કરીને અમે એક નવી ભાખરવડી તૈયાર કરવાનું વિચાર્યું’ નરસિંહાની ભાભી વિજ્યા અને પત્ની મંગળાએ ભાખરવડી બનાવવાની શીખી અને 1976માં ભાખરવડી બજારમાં વેચાવાની શરુઆત થઈ અને જલદી તેમની માંગ વધવા લાગી હતી.
સંજયનું કહેવું છે કે અમે ભાખરવડી માટે 100 લોકોને કામ પર રાખ્યા હતાં પછી પણ માંગ પૂરી કરવા માટે પર્યાપ્ત નહોતી. તેમણે કહ્યું કે, ‘1992-96 દરમિયાન મેં ભાખરવડી મશીનોને શોધીને અને શોધવા માટે અનેક મુસાફરી કરી હતી. મશીનો માટે ખૂબ જ શોધ કરવાની જરુર હતી. તે સમયે માત્ર ટપાલ દ્વારા જ સંપર્ક થતો જેથી ખૂબ સમય જતો હતો.’ ઈન્દ્રનીલે કહ્યું કે, ‘આજે અમારી પાસે ભાખરવડી બનાવવાની 3 મશીન છે. જેમાં એક કલાકમાં આશરે એક હજાર કિલોનું ઉત્પાદન થાય છે. જેમાં એક રીતે ચટપટો અને મસાલેદાર સ્વાદ જાળવી રાખવા માટે અમે એક વિશેષ રીતની લીલી અને લાલ મરચાઓ ઉગાડીએ છીએ.’
ચિતલે (Chitale Bandhu)નું પોતાનું એક ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં કેરીનો રસ તૈયાર કરવામાં આવે છે. જેને શ્રીખંડ અને કેરીની બરફી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે વર્ષભર તેનો સ્વાદ એક જેવો જ રહે. તેમનું ગુલાબજાંબુનું મિશ્રણ પણ લોકોને ખૂબ જ ગમે છે.

સ્થાનિક નામ બન્યું ઈન્ટરનેશનલ બ્રાન્ડ
આ કંપની જે દૂધની બોટલની ડિલિવરી સાથે શરુ થઈ હતી. હવે કીટો-વીગન ઉત્પાદનોમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે. ઈન્દ્રનીલે કહ્યું કે, ‘ઈન્ટરનેટની મદદથી અમે દુનિયાભરમાં પોતાના ઉત્પાદનોને ગ્રાહક સાથે જોડીએ છીએ. ઈ-કોમર્સની મદદથી અમે અનેક ખાદ્ય ઉત્પાદનો પણ લોન્ચ કરી રહ્યા છીએ. જે છૂટક બિઝનેસમાં વધારે નથી ચાલતા. જોકે, ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની માગણી વધારે રહે છે. જેમ કે, ઓછી ખાંડવાળા, કીટ ફ્રેન્ડલી અને વીગન ફ્રેન્ડલી ખાદ્ય ઉત્પાદન.’
ઈન્દ્રનીલે કહ્યું કે, ‘ચિતલે બ્રાંડ દેશની પહેલી એવી કંપની છે. જેણે 1971માં દૂધને પાઉચમાં પેક કરવાનું શરુ કર્યું હતું. પહેલા કાચની બોટલને સંભાળવી અને તેને સાફ કરવી ખૂબ જ મુશ્કેલભર્યું હતું. જેથી નુકસાન પણ ઉઠાવવું પડતું હતું. દૂધને પાઉચમાં પેક કરવાના કારણે અમે તેને વધારે જગ્યા સુધી પહોંચાડી શકતા હતાં.’ ચાર ભાઈઓ સહિત 10 કર્મચારીઓથી શરુ થયેલો આ બિઝનેસ આજે એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ચૂક્યો છે અને અહીં બે હજાર લોકો કામ કરી રહ્યા છે.
સંજયે કહ્યું કે, ‘લોકો વચ્ચે અમારી બ્રાન્ડની લોકપ્રિયતા એટલી વધારે હતી કે અમારે ક્યારેય અમારી ખાદ્યપદાર્થોનો પ્રચાર કરવાની જ જરુર પડી નથી. એ દિવસોમાં માત્ર દૂરદર્શન ચેનલ આવતી હતી, જ્યારે છાપામાં જાહેરાત આપવી ખૂબ જ મોંઘી હતી, આ કારણે અમે માત્ર તહેવારોના સમયે જ જાહેરાત આપતા હતાં.’
82 વર્ષ પછી પણ, આજે ગ્રાહકોને આકર્ષવા માટે અને જાળવી રાખવા માટે ચિતલે બંધુનું નામ જ કાફી છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: લૉકડાઉનમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો બિઝનેસ ન ચાલતાં અમદાવાદ નજીક બનાવી ગૌશાળા, વેચે છે ઑર્ગેનિક દૂધ-ઘી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.