કોરોનાએ ભલભલાના ખિસ્સા પર કાતર ફેરવી નાંખી છે. અનેક લોકોની નોકરી છુટી ગઇ છે તો ઘણાંએ તેમના ધંધા આટોપવા પડ્યા છે. કેટલાકના ધંધા ચાલે તો છે પરંતુ પહેલા જેવા નહીં. આવા સંજોગોમાં નિરાશાના વાદળો તમારા મન પર છવાઇ જાય તે સ્વાભાવિક છે. જો કે સમાજમાં કેટલાક વિરલાઓ એવા પણ છે જે આવી વિકટ પરિસ્થિતિમાં પણ નકારાત્મકતાથી દૂર રહી ઉર્જા અને ચેતના સાથે કામ કરી રહ્યા છે. આવી જ ચેતના ધરાવે છે ચેતનભાઇ પટેલ.
અમદાવાદને અડીને આવેલું છે પક્ષી અભયારણ્ય થોળ. આ થોળ ગામથી આઠ કિલોમીટર દૂર આવેલા મેઢા ગામના વતની છે ચેતનભાઈ પટેલ. આમ તો તેઓ રહે છે અમદાવાદમાં, પરંતુ માદરે વતન મેઢામાં તેમણે શ્રી રાધેકૃષ્ણ ગીર ગૌશાળા સ્થાપી છે. આ ગૌશાળામાં બધુ મળીને લગભગ 25 ગાયો છે. આધુનિક શેડ ધરાવતી આ ગૌશાળા શરુ કરવામાં ચેતનભાઇને સહયોગ મળ્યો છે તેમના મિત્ર જિગ્નેશ શાહનો.
તેમના આ કાર્યમાં તેમના ભાગીદાર રચના શાહ અને જીજ્ઞેશભાઈ શાહનો પણ ખૂબજ ફાળો છે અને સૌથી મહત્વનો અને અમૂલ્ય ફાળો છે તેમના પિતાશ્રી જયંતીભાઈનો.
સૌથી મહત્વની વાત એ છે કે ગાયોને ઓર્ગેનિક ચારો અને આહાર જ આપવામાં આવે છે. ચેતનભાઇ ગાયોના ભક્ત છે. ગાયને તેઓ માતા માને છે અને હવે તેઓ ગાયોની મહત્તમ સેવા કરવા માગે છે. 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેને તેમણે ગાય માતાને ભેટવાના દિવસ તરીકે ઊજવ્યો હતો. અમદાવાદથી અનેક મહેમાનો આ અવસરે તેમની ગૌશાળામાં આવ્યા હતા અને ગાયોને ભેટ્યા હતા.

ઇન્ટીરિયર ડિઝાઇનિંગથી ગૌશાળા સુધી
ચેતનભાઇ એક ઇન્ટીરિયર ડિઝાઇનર છે. તેમણે 8 વર્ષ સુધી ઇન્ટીરિયર ડિઝાઇનિંગનો બિઝનેસ કર્યો. 2020માં એટલે કે ગયા વર્ષે કોરોના સંક્રમણને પગલે સરકારે લૉકડાઉન લગાવ્યું. લૉકડાઉન દરમિયાન તેમનો બિઝનેસ પણ મંદ પડ્યો. ચેતનભાઇ જણાવે છે કે ગૌશાળા ખોલવાનું પ્લાનિગ તો છેલ્લા બે વર્ષથી હતું પરંતુ લૉકડાઉનના સમયગાળામાં આ ઇચ્છાએ હકીકતનું સ્વરુપ ધારણ કર્યું. કોરોનાકાળમાં લોકો ઓર્ગેનિકના નામે ગમે તેવી વસ્તુ ભટકાડી રહ્યા છે ત્યારે અમે 100 ટકા ઓર્ગેનિક દૂધનો વિકલ્પ આપી રહ્યા છીએ. અમે ગામડે વર્ષોથી ઘઉંની ખેતી કરીએ છીએ તેમાં પણ ગૌમૂત્રનો પ્રયોગ કરીએ છીએ. તેઓ વધુમાં કહે છે કે હાલ દરરોજનું લગભગ 70 લીટર દૂધ અને માસિક 15 થી 20 લીટર ઘીનું વેચાણ થાય છે.

પરિવારનો સહયોગ
ચેતનભાઈ કહે છે કે અત્યારે તો અમારો આખો પરિવાર આ કાર્યમાં પ્રવૃત થઇ ગયો છે. તેમનાં માતા કૈલાશબહેન માત્ર 30 મિનિટમાં બધી ગાયોને દોહી શકે છે. તેમના નાના ભાઈ મેહુલભાઈ અને તેમનાં ધર્મ પત્ની રચનાબહેન આ કાર્યમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ચેતનભાઈ પોતે પણ તમામ કાર્યો જાતે કરે છે. ગૌશાળાને કારણે ગૌમૂત્ર, ગાયનું દૂધ અને ઘી વગેરે અમદાવાદમાં પહોંચાડવાની એક ચેનલ તેમણે શરુ કરી છે.
ચેતનભાઈ કહે છે કે ગાયમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી હોય છે. તેનો જબરજસ્ત ઓરા હોય છે. ગાયનું દૂધ શ્રેષ્ઠ દૂધ ગણાય છે. ગીરની ગાયને જે ખૂંધ હોય છે તે સૂર્ય ઊર્જાનો આખા શરીરમાં સંચાર કરે છે. તેને કારણે એ દૂધ મળે છે તે સૂર્યની શક્તિ સાથેનું દૂધ હોય છે તેવું તેમનું કહેવું છે. તેઓ અમદાવાદમાં ગાયનું દૂધ 100 રુપિયે લીટર આપે છે. ગાયના દૂધમાંથી વલોણાની મદદથી કરેલું ઘી તેઓ 2400 રુપિયે લીટર આપે છે.
અમદાવાદમાં ઓર્ગેનિકનું ચલણ વધ્યું
અમદાવાદના શહેરીજનોમાં અત્યારે ગાયનું દૂધ અને ગાયનું ઘી ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે. એમાંય જે ગાયો ઓર્ગેનિક આહાર લેતી હોય તેનું દૂધ અને ઘી તો મોટા પ્રમાણમાં વેચાય છે. ચેતનભાઈની વિશેષતા એ છે કે તેમણે આ પ્રવૃતિ માત્ર પૈસા કમાવવા માટે નથી કરી. તેમને લોકડાઉન પહેલા પોતાના વ્યવસાયમાં સારા પૈસા મળતા હતા, પરંતુ ગાયની સેવા કરી શકાય અને લોકોનું આરોગ્ય સાચવી શકાય એવી પવિત્ર અને સામાજિક ભાવનાથી તેમણે આ પ્રવૃતિ શરુ કરી છે.
તેઓ કહે છે કે, ઓર્ગેનિક ખેતી એ ગુજરાતની સૌથી મોટી જરુરિયાત છે. કેમિકલ યુક્ત ખેતીને કારણે ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. એ સંજોગોમાં જો ગાય આધારિત ખેતી થાય તો ગુજરાતના લોકોનું આરોગ્ય સુધરે અને કેન્સરના દર્દીઓની સંખ્યા ઘણી ઘટાડી શકાય. એ હેતુને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગામે ગામ આવી ગૌશાળા બને તો ગુજરાતને ઘણો મોટો ફાયદો થાય.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે પણ ચેતનભાઈનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો, તેમને 99251 82614 નંબર પર તેમને કૉલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.