પ્રાચીન કાળથી ગણિત અને આર્કિટેક્ચર વચ્ચે શું સંબંધ છે? જો તમારે આનો જવાબ જાણવો હોય તો કેટલાક જૂના સ્મારકોને ઉંડાણથી જાણો. પછી તે તાજમહેલ હોય કે કોણાર્કનું સૂર્ય મંદિરની સૂર્ય ઘડિયાળ કે ચારમિનાર હોય, આ તમામ સ્મારકોની રચના કરવામાં ગણિતના (Math in Indian Monuments)ઘણા પેટાવિભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે અલજેબ્રા, ફ્રેક્ટલ જ્યોમેટ્રી અને ત્રિકોણમિતિ. આ તમામ સ્મારકો દેશના સમૃદ્ધ સામાજિક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.
તો ચાલો આજે ફરી એકવાર તે સ્મારકોને જાણવાનો પ્રયાસ કરીએ, જે તમે પહેલા ઘણી વાર જોયા હશે. પરંતુ આ વખતે અંદાજ થોડો અલગ હશે. આજે આપણે આ સ્મારકોને ગણિત અને વિજ્ઞાનના અજોડ સમન્વયમાં જોઈશું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આર્કિટેક્ચરમાં તેનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે.
1. કંદરીયા મહાદેવ મંદિર

મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલું, કંદરિયા મહાદેવ મંદિર શહેરના પશ્ચિમી મંદિરોના ગ્રુપમાં સૌથી મોટું, સૌથી ઊંચું અને સૌથી વધુ અલંકૃત મંદિર છે. તે ચંદેલા શાસકો દ્વારા 950 અને 1050 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. ભગવાન શિવને સમર્પિત, આ મંદિર ભારતમાં મધ્યકાળના સૌથી સારા સંરક્ષિત મંદિરોમાંનું એક માનવામાં આવે છે.
શાનદાર રીતે તરાશવામાં આવેલી મૂર્તિઓ અને ઉંચી કિલ્લેબંધી આ મંદિરની ઓળખ છે. કિલ્લાના નિર્માણમાં, પ્રભાવશાળી ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તેનો આકાર પર્વતના શિખર જેવો દેખાય છે.
2. ચારમિનાર

કુતુબ શાહી રાજવંશના પાંચમા સુલતાન, મુહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા 1591માં હૈદરાબાદમાં તેનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. ચારમિનારને સ્મારકની સાથે સાથે મસ્જિદ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે સમયે પ્લેગ રોગચાળાના અંતની યાદમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ચોરસ માળખા પર બનેલ ચારમિનારમાં ચાર ભવ્ય કમાનો અને દરેક ખૂણે ચાર મિનારા છે, જે મુખ્ય માળખામાં બનેલું છે. તે જાણવું રસપ્રદ રહેશે કે સ્ટ્રક્ચરની ડિઝાઇનમાં ‘ચાર’ નંબર અને તેના ગુણાંક ઓછામાં ઓછા 22 સ્થળોએ જોઈ શકાય છે.
3. રાણકપુર જૈન મંદિર

રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું રાણકપુર જૈન મંદિર તેના ઉત્કૃષ્ટ સ્થાપત્ય માટે ખૂબ જ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે તેનું નિર્માણ 15મી સદીમાં ધરના શાહ નામના જૈન વેપારીએ કરાવ્યું હતું.
તે દેશના સૌથી મોટા જૈન મંદિરોમાંનું એક છે, જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથને સમર્પિત છે. તે તેના 1,444 કોતરેલા સ્તંભો માટે પણ જાણીતું છે. મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે ઘણા બધા સ્તંભો હોવા છતાં, સંકુલમાં બેઠેલી આદિનાથની મૂર્તિ ચારેય દિશાઓથી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
4. મોઢેરા સૂર્ય મંદિર

સૂર્યને સમર્પિત, મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. તે 1026 એડીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા પુષ્પાવતી નદીના કિનારે બાંધવામાં આવ્યું હતું. મંદિરના સભાખંડમાં 52 કોતરેલા સ્તંભો છે, જે વર્ષના અઠવાડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. અઠવાડિયાના સાત દિવસ માટે મંડપને સાત વિભાગોમાં વહેંચવામાં આવે છે. મંદિરના ફલક પર બનેલા 365 હાથી, એક વર્ષના દિવસોની સંખ્યાને દર્શાવે છે.
5. સમ્રાટ યંત્ર

વિશ્વનું સૌથી મોટું 73 ફૂટ ઊંચું સમ્રાટ યંત્ર રાજસ્થાનના જયપુરમાં જંતર-મંતર પર સ્થિત છે. તે રાજપૂત રાજા સવાઈ જય સિંહ II દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેણે 19 માળખાં બનાવ્યાં જે તારાઓ અને ગ્રહોની સ્થિતિની ગણતરી અને આગાહી કરે છે. તેમાંથી એક સમ્રાટ યંત્ર છે, જે એક પ્રકારની સૌથી મોટી સૌર ઘડિયાળ છે.
સમ્રાટ યંત્ર સમય માપવામાં તેની ચોકસાઈ માટે જાણીતું છે. તે 2 સેકન્ડની ચોકસાઈ સાથે સ્થાનિક સમય જણાવવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે.
6. વિરૂપાક્ષ મંદિર

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં હિન્દુ અને જૈન મંદિરોના સંકુલમાં, વિરુપક્ષ મંદિર સૌથી મોટું છે. આ મંદિર હમ્પીના ઐતિહાસિક સ્મારકો, ખાસકરીને પટ્ટડકલમાં સ્થિત સ્મારકોનાં સમૂહનો મુખ્ય ભાગ છે. ભગવાન શિવને સમર્પિત, આ મંદિરનું નિર્માણ 8મી સદીમાં રાણી લોક મહાદેવીએ પલ્લવો પર તેના પતિ વિક્રમાદિત્ય દ્વિતીયની જીત બાદ કરાવ્યુ હતુ. તે તેના ત્રિકોણાકાર ગુંબજ અને વર્ગાકાર વિન્યાસ માટે જાણીતું છે. તેનાથી ફ્રેક્ટલ પેટર્ન તૈયાર થાય છે અને કુદરતી ભૂમિતિની ઝલક આપે છે.
7. કોણાર્ક સૂર્ય મંદિરમાં સૂર્ય ઘડિયાળ

પુરી, ઓડિશામાં આવેલ કોણાર્ક સૂર્ય મંદિર 24 પૈડાં પર છે, જે સુંદર રીતે કોતરવામાં આવેલાં છે. તેના આ પૈડા સૂર્ય ઘડિયાળ છે જેનો ઉપયોગ દિવસ અને રાત સહિત, સમયની સટીક ગણતરી, એક મિનિટમાં કરવા માટે થાય છે. અહીં હાજર સનડાયલ અદ્વિતીય છે, કારણ કે તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં સમય દર્શાવે છે. તેમાં આઠ મુખ્ય કાંટા છે, જે 24 કલાકને આઠ સમાન ભાગોમાં વહેંચે છે. બે મુખ્ય કાંટા વચ્ચેનો સમય ત્રણ કલાકનો છે.
8. તાજમહેલ

વિશ્વની સાત અજાયબીઓમાંની એક, તાજમહેલને ભારતમાં સ્થાપત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક ગણવામાં આવે છે. તે મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા 1632 માં તેની પત્ની મુમતાઝની પ્રેમાળ યાદમાં બનાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે 1653 માં પૂર્ણ થયું હતું.
આ સ્મારકમાં શાહજહાં અને મુમતાઝ બંનેની કબરો સફેદ આરસપહાણની બનેલી છે. તેમની કબરો આધારની મધ્યમાં સ્થિત છે અને અહીંની તમામ બારીઓ એકબીજાથી સમાન અંતરે છે. આ રચનાની બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે પાથની ટાઈલ્સ ચોરસ અને ષટ્કોણમાં એવી રીતે ગોઠવવામાં આવી છે કે તેઓ અષ્ટકોણ બનાવતી દેખાય છે.
મૂળ લેખ: અંજલી કૃષ્ણન
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પાટણના સિદ્ધપુરમાં આવેલ દાઉદી વોરાનાં 200 વર્ષ ઘરોનું આર્કિટેક્ચર આજે પણ છે આકર્ષણરૂપ