સ્કેમ 1992 વેબ સિરિઝ, 1992 માં બહાર આવેલ બહુ મોટા શેરબજારના ગોટાળા પર આધારિત છે. આ આખા ગોટાળા પાછળ જેનું ભેજું છે તેવા હર્ષદ મહેતાનો રોલ કર્યો છે ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધીએ. દર્શકોને આ વેબ સિરિઝ એટલી બધી ગમી છે કે, તેને 10 સ્ટાર આપ્યા છે અને ઘણા લોકોએ તો 9 કલાક કરતાં પણ વધુ સમયની સિરિઝ એક રાતમાં જોઇ લીધી છે.
મૂળ સૂરતના વતની એવા પ્રતિક ગાંધીનું શાળાનું ભણતર સૂરતમાં જ થયું છે. શાળાનું ભણતર પૂરું કર્યા બાદ પ્રતિક ગાંધી એન્જિનિયરિંગ માટે મહારાષ્ટ્ર ગયા. અને ત્યાં બહુ સારા રેન્ક સાથે પાસ થયા બાદ નોકરી શરૂ કરી.
સપનાંની નગરી મુંબઈમાં પ્રતિક ગાંધીએ પણ તેમના એક્ટિંગના શોખને પૂરો કરવા કમર કસી. સવારે વહેલા રિહર્સલ કરતા તો દિવસની શિફ્ટમાં નોકરી કરતા. મુંબઈમાં થિએટર કરતાં-કરતાં જ તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું અને હવે હિંદી વેબસિરિઝમાં પણ એક સફળ એક્ટર તરીકે પોતાની જાતને સાબિત કરી.
અહીં અમે જણાવી રહ્યા છીએ પ્રતિક ગાંધી સાથેની રસપ્રદ વાતો:
પ્રશ્ન: વાત એક્ટિંગની હોય કે રિયલ લાઇફની, બહુ રિસ્ક લીધા છે, કેવા સાબિત થયા એ બધા રિસ્ક?
જવાબ: અત્યાર સુધીના અનુભવો જોઇએ તો, બધાં જ રિસ્ક મારા માટે ઈશ્ક જેવાં જ સાબિત થયાં છે.
પ્રશ્ન: તમારી પહેલી વેબ સિરિઝ સ્કેમ 1992 વિશે શું કહેવું છે?
જવાબ: અત્યાર સુધીના કરિયરનો મારો સૌથી મોટો પ્રોજેક્ટ છે. તેમાં પણ હિંદીમાં, મારા માટે બહુ જ મહત્વની છે.
પ્રશ્ન: સ્ટોક માર્કેટનો ભાવ શું છે આજનો?
જવાબ: બસ મારો આઈપીઓ આવવાનો જ છે. ખુલે એટલે ભાવની તો ખબર પડે, પરંતુ હા, તમે રોકાણ કરી શકો છો.

પ્રશ્ન: તમને સ્કેમ 1992 માં આ રોલ મળ્યો ત્યારબાદ તમે શું ખાસ તૈયારીઓ કરી હતી?
જવાબ: સિરિઝ માટે શારીરિક ફેરફાર કરવા પડ્યા. ઘણુ વજન વધારવું પડ્યું. ઉપરાંત હર્ષદ મહેતા તો સપનાંનો સૌદાગર હતો. જેણે પૈસાની ખૂબજ તંગી જોઇ છે. સપનાં મોટાં છે અને સફર શરૂ થાય છે આત્મવિશ્વાસથી. પછી ધીરે-ધીરે એ આત્મવિશ્વાસ કેવી રીતે વધારે પડતા આત્મવિશ્વાસમાં ફેરવાય છે, અને પછી કેવી રીતે તે અભિમાનમાં ફેરવાઈ જાય છે, તેની આખી સફર છે. એટલે મેં તેનો આખો ઇમોશનલ ગ્રાફ બનાવ્યો. અને બસ તેને જ સફળ કરવા મેં પ્રયત્ન કર્યો હતો.
સપનાં જોતાં-જોતાં અને તેને પૂરાં કરતાં-કરતાં તે ક્યારે પોતાનાં જ સપનાંનો ગુલામ બની ગયો, અને ક્યારે તે લાલચમાં ફેરવાઇ ગયાં, બસ એ જ તેને ખબર ન પડી.
પ્રશ્ન: હર્ષદ મહેતા અને તમારા રોલમાં શું સમાનતા છે?
જવાબ: સમાનતાની તો ખબર નહીં પરંતુ કેટલીક બાબતો સાથે હું મારી જાતને સાંકળી શકું છું. જેમકે, તેમનો શરૂઆતનો સંઘર્ષનો સમય. તેઓ પણ મેન સ્ટ્રીમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા ઇચ્છતા હતા, અને એક અલગ જ ચીલો ચાલી રહ્યો હતો, જે તેમને સ્વીકારવા તૈયાર નહોંતો, જગ્યા બનાવવા દેતો નહોંતો. છતાં તેમણે પોતાનો રસ્તો શોધી જગ્યા બનાવી. આ જોતાં આ સફર બીજા ઘણા લોકોની જેમ મારી સાથે પણ રિલેટ કરે છે. હું પણ બોમ્બેની બહારથી આવ્યો હતો અને અહીં જગ્યા બનાવવા મહેનત કરી રહ્યો હતો. લોકોને મળતો હતો, નોકરીની સાથે થિએટર પણ કરતો હતો.
પ્રશ્ન: તમને બાળપણથી જ એક્ટિંગમાં રસ હતો કે, મુંબઈ ગયા બાદ ઇચ્છા થઈ?
જવાબ: હું શાળામાં હતો ત્યારથી જ થિએટર કરતો હતો, અને તે કરતાં-કરતાં જ અહીં પહોંચ્યો છું. બાળપણથી જ મને લાગતું હતું કે, આ એક સ્ટેજ જ એવી જગ્યા છે, જ્યાં મને સૌથી વધારે મજા આવે છે. ત્યાં મારામાં એક અલગ જ શક્તિનો સંચાર થતો હતો અને તે કરતાં-કરતાં જ હું બોમ્બે પહોંચ્યો.
પ્રશ્ન: એન્જિનિયરમાંથી એક્ટર કેવી રીતે બન્યા?
જવાબ: હું ડિસ્ટિક્શન સાથે એન્જિનિયર બન્યો છું. ત્યારબાદ એ જ ફિલ્ડમાં 12-13 વર્ષ કામ કર્યું. બહુ સારુ કૉર્પોરેટ કરિયર હતું મારું. તેની સાથે-સાથે જ હું થિએટર કરતો હતો. 2016 મારી મારી બીજી ગુજરાતી ફિલ્મ ‘રૉન્ગ સાઇડ રાજુ’ રિલિઝ થઈ અને તેને નેશનલ અવોર્ડ મળ્યો ત્યારબાદ મેં નોકરી છોડી.
પ્રશ્ન: મોટાભાગે લોકો મુંબઈ પોતાનાં સપનાં પૂરાં કરવા આવે ત્યારે ભણતર છોડીને આવતા હોય છે, તો તમે બધાંથી અલગ કઈ રીતે?
જવાબ: મેં ‘બે યાર’ માટે નોકરીમાંથી 20 દિવસની રજા લીધી હતી. તેના બે વર્ષ બાદ ‘રૉન્ગ સાઇડ રાજુ’ માટે ફરી 20-22 દિવસની રજા લીધી હતી. તેનું સૌથી મોટું કારણ હું સમજી ગયો હતો કે, આ ફિલ્ડમાં કામ શોધવું પણ હશે તો, મારે ટકવું પડશે અહીં. સતત કામ કરતા રહેવું પડશે. હું જો મારી પસંદનું કામ કરવા ઇચ્છુ , જેમ કે, રોલને પૈસા નહીં પણ સ્ક્રિપ્ટથી તોલુ તો મારી પાસે આવકનો એક સોર્સ હોવો જરૂરી છે. જેથી મારા ઘરનું ભાડું અને ખાવા-પીવાના ખર્ચા નીકળી શકે. હું તો બાળબચ્ચાંવાળો વ્યક્તિ છું. એટલે મને સમજાઇ ગયું હતું કે, આ જ યોગ્ય છે. આ માટે મારે વધારે મહેનત કરવી પડશે, ઊંઘ ઘટાડવી પડશે, કુટુંબને પૂરતો સમય નહીં આપી શકું, પરંતુ આ એકમાત્ર રસ્તો છે, જેથી હું બંને વસ્તુઓને બેલેન્સ કરી સકીશ.
પ્રશ્ન: ક્યારેય એવું થયું છે કે, બહુ સારો રોલ મળતો હોય પરંતુ કોઇ ફેમિલિ કમિટમેન્ટના કારણે હાથમાંથી નીકળી ગયો હોય?
જવાબ: ફેમિલિ કમિટમેન્ટ કરતાં તો પ્રોફેશનલ કમિટમેન્ટ વધારે હતું. ‘બેયાર’ ફિલ્મ બાદ ત્રણ-ચાર ફિલ્મોને મારે ના પાડવી પડી હતી. કારણકે રજાનું બેલેન્સ હોવા છતાં દર વર્ષે 20-22 દિવસની રજા તો ન માંગી શકાય. એટલે બે વર્ષ બાદ ‘રૉન્ગ સાઇડ રાજુ’ આવી અને તેની સ્ક્રિપ્ટ એટલી સારી હતી કે, પછી ફરીથી મેં રજા લીધી.

પ્રશ્ન: તમને હર્ષદ મહેતાનો રોલ કેવી રીતે મળ્યો?
જવાબ: ઑડિશન તો મેં આપ્યું હતું, પરંતુ ડિરેક્ટર હંસલ મહેતાએ મારી ‘બે યાર’ અને ‘રૉન્ગ સાઇડ રાજુ’ બંને ફિલ્મ જોઇ હતી અને થિએટરમાં એક નાટક પણ જોયું હતું. બસ ત્યારથી જ તેમણે મને આ રોલ માટે લેવાનું નક્કી કરી દીધું હતું. મને સિરિઝ આવી ગઈ તેના પછી ખબર પડી કે, તેમણે મારું ઑડિશન જોયું જ નહોંતુ.
પ્રશ્ન: બહુ ઓછા લોકોને આટલી સારી તક મળતી હોય છે. તેને તમે શું કહેશો? નસીબ કે પછી તમારાં આગળનાં કામનું પરિણામ?
જવાબ: નસીબની બહુ રસપ્રદ વ્યાખ્યા છે. જ્યારે તમારી મહેનત રંગ લાવે અને તમને તક મળે ત્યારે તેને નસીબ કહેવાય છે. બસ આ જ રીતે મારાં આટલાં વર્ષોની મહેનત બાદ મારા અનુભવને અંદર ઢાળી હું કઈંક એવું કરી બતાવું, જે દર્શકોને આટલું ગમે. આને નસીબ કહી શકાય, પરંતુ આ માટે મારી પાછળની લાંબી મહેનત પણ હતી.
પ્રશ્ન: સિરિઝનો કોઇ એવો સીન જણાવો, જે તમારા માટે બહુ યાદગાર બની ગયો હોય.
જવાબ: આમ તો અંદર એવા ઘણા સીન છે. પરંતુ અંદર હર્ષદનો મિત્ર સાહિલ સ્યુસાઇડ કરે છે, અને તેની પત્ની આ માટે હર્ષદને જવાબદાર ગણાવે છે, ત્યારે આ સીન ખૂબજ લાગણીશીલ બની જાય છે અને તેને દર્શાવવો ખૂબજ મુશ્કેલ બની જાય છે.
પ્રશ્ન: નોકરીની સાથે-સાથે એક્ટિંગ પણ કરી છે તો, આ દરમિયાન કુટુંબને કેવી રીતે સમય આપ્યો?
જવાબ: મારા આખા કરિયરનો શ્રેય પરિવારની જ જાય છે. પરિવારમાં મારી પત્નીની સાથે-સાથે બધા જ સભ્યોએ ખૂબજ સહયોગ આપ્યો છે. મારું જે સપનું હતું એ આખા પરિવારે સાથે મળીને જોયું અને તેને પૂરુ કરવા, મને ત્યાં સુધી પહોંચાડવા આખા પરિવારે મહેનત કરી છે.
પ્રશ્ન: નાટકમાં કોઇ એવા અનુભવ ખરા જેના કારણે તમારી એક્ટિંગ વધારે ખીલી હોય?
જવાબ: શરૂઆતમાં મેં ઘણાં એવાં નાટક કર્યાં છે, જેમાં એકજ નાટકમાં ઘણા રોલ નિભાવ્યા હોય. એવી તક કદાચ દરેક એક્ટરને નથી મળતી. તેમાં કોઇ મોટા બદલાવ વગર, બસ હાવભાવથી સ્ટેજ પર અલગ-અલગ રોલ ઊભા કરતો હતો હું સ્ટેજ પર. બસ ત્યાંથી જ હું હાવભાવની શક્તિ સમજ્યો. તે સમયે હું 15-25 મિનિટના એકપાત્રિય અભિનય પણ કરતો. ત્યારબાદ 2014 થી બે-બે કલાકના એકપાત્રિય અભિનય કરવાના શરૂ કર્યા. આ એકપાત્રિય અભિનયે જ મને એક સારો અભિનેતા બનાવ્યો.
કારણકે સ્ટેજ પર કોઇ બીજા એક્ટર્સ નથી, કોઇ સેટ નથી, બધુ મારે જ સંભાળવાનું છે, સાથે છે તો માત્ર દર્શકો. તેમને સંભાળવાના છે મારે 2 કલાક માટે. ત્યાંથી મને બહુ શીખવા મળ્યું.

પ્રશ્ન: તમે ઈન્ડસ્ટ્રીમાં બહુ લાંબી સ્ટ્રગલ કરી છે, તો આજકાલ નવા નવા એક્ટર્સ માટે કોઇ ખાસ મેસેજ આપશો.
જવાબ: ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવાની સૌથી મોટી તાકાત સકારાત્મકતાથી જ મળે છે. ઘણી ઘટનાઓ ઘટતી રહે છે અને તેમાંથી મોટાભાગની બાબતો આપણા નિયંત્રણમાં નથી. એટલે એ બધી બાબતો વિશે વિચારી તેના પાછળ સમય બગાડવાનો કોઇ અર્થ નથી. આપણું ધ્યાન આપણી જાતમાં સુધારો લાવવામાં જ હોવું જોઇએ. અને સંપૂર્ણ રીતે સકારાત્મક અભિગમથી એ કામને કરતા રહેવું જોઇએ.
પ્રશ્ન: જીવનમાં ક્યારેય એવો સમય આવ્યો કે, કોઇ ગમતું કામ મળ્યું ન હોય અને ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હોય?
જવાબ: મેં ક્યારેય ડિપ્રેશન બાબતે તો વિચાર્યું જ નથી કદાચ. ઘણીવાર ગમતું કામ ન મળ્યું હોય એવું બન્યું છે, પરંતુ હું એમજ વિચારતો હતો કે, મારા હાથમાં આ નથી આવ્યું તો કદાચ આના કરતાં વધારે સારું મળશે. એટલે જ હું ક્યારેય એ રીતે હતાશ નહોંતો થઈ જતો.
પ્રશ્ન: સવારે ટ્રેનમાં રિહર્સલ માટે જવું પછી નોકરી, સતત દોડધામ, આ બધાથી ક્યારેય કંટાળી ગયા હોય તેવો અનુભવ થયો?
જવાબ: મારા માટે તો આ પેશન હતું, એટલે ત્યાંથી મને તાકાત મળતી હતી. અને હંમેશાં દોડતા રાખવાની પ્રેરણા મળતી. મને તો સવારે સાડા પાંચે રિહર્સલમાં જવું, બે કલાક રિહર્સલ બાદ સીધા ઓફિસ માટે ભાગવું, બહુ ગમતું. મારા ઘરથી ઓફિસ વચ્ચેનું અંદર દોઢ કલાકનું હતું. હું બસમાં કે ટ્રેનમાં ટ્રાવેલ કરતો, જેથી ટ્રાવેલિંગ સમયે હું મારી સ્ક્રિપ્ટ વાંચી શકું. જેથી રિહર્સલ સમયે મારા કારણે કોઇનો સમય ન બગડે. શનિ-રવિ પણ હું ટ્રાવેલ અને શોમાં વ્યસ્ત રહેતો.
આ દરમિયાન સૌથી વધારે નુકસાન કુટુંબનું જ ગયું છે. હું તેમને સમય જ નથી આપી શક્યો. હવે સોરી કહેવાથી પણ કઈં થઈ શકે તેમ નથી.
પ્રશ્ન: તમે ક્યારેય વિચાર્યું હતું કે સ્કેમ 1992 સિરિઝ આટલી સફળ થશે?
જવાબ: જે રીતે હંસલ મહેતા એટલા અનુભવી છે, સોનીની ટીમ એટલી સારી છે, એ રીતે એક બાબત વિચારી હતી કે, એક સારી પ્રોડક્ટ બનશે. પરંતુ આટલી મોટી સફળતા મળશે એટલું નહોંતું વિચાર્યું.
પ્રશ્ન: તમને ક્યારે ખબર પડી કે શો જબરદસ્ત હિટ થયો? તે સમયે તમે શું કરતા હતા?
જવાબ: સૌ પ્રથમ તો રિલિઝ પહેલાં જ અપ્લૉઝની ટીમ અને તેમના હેડ સમીર નાયરે મને જણાવ્યું હતું કે, આ ખરેખર બહુ જબરદસ્ત છે. હંસલ મહેતાને પણ બહુ વિશ્વાસ હતો. રિલિઝ થઈ તેના બીજા દિવસે સવારે ઊઠ્યો તો ખબર પડી કે, એકજ દિવસમાં લોકોએ સાડા નવ કલાકની આખી સિરિઝ જોઇ લીધી હતી. અમને હતું કે, લોકો ધીરે-ધીરે જોશે. રિલિઝ થતાં જ લોકોએ આખી સિરિઝ જોઇ લીધી હતી.
એટલે બીજા દિવસે જે રીતે મને ફોન અને મેસેજ આવવા લાગ્યા એ જોતાં મને પણ એમ લાગવા લાગ્યું હતું કે, આ અચાનક શું થઈ રહ્યું છે મારી સાથે! હજી પણ મારો ફોન સતત બિઝી જ રહે છે.
પ્રશ્ન: હવે આગળ કેવી ઓફર્સ મળી રહી છે? બોલિવૂડમાંથી કોઇ મોટી ઓફર મળી છે?
જવાબ: કેટલીક સારી ઓફર્સ આવી છે. બોલિવૂડની ફિલ્મો અને વેબ સિરિઝ બંનેની. બહુ જલદી કઈંક સારું નક્કી થઈ જ જશે.
પ્રશ્ન: તમારી જાતને એક-બે શબ્દમાં વર્ણવો
જવાબ: સિંપલ મેન
પ્રશ્ન: તમારી બાયોગ્રાફી બને તો તેનું ટાઇટલ શું હોઇ શકે?
જવાબ: સિંપલ મેન
પ્રશ્ન: એક્ટિંગ અને બીજાં કામની સાથે તમે કોઇ સેવાભાવી કામ કરો છો? કોઇ સંસ્થા સાથે જોડાયેલા છો?
જવાબ: જ્યારે પણ મને થોડો-ઘણો સમય મળે ત્યારે થોડું-ઘણિં કામ કરતો રહું છું. ક્યારેક પૈસાથી તો ક્યારેક બીજી રીતે.
પ્રશ્ન: ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ શું છે?
જવાબ: ઈન્ડસ્ટ્રિયલ લાઇફ જીવવાની રીત છે. આ કોઇ એક વિષય નથી. એન્જિનિયરિંગે મને ઘણું આપ્યું છે.
પ્રશ્ન: મુંબઈને બે શબ્દોમાં વર્ણવો
જવાબ: આ સપનાંની નગરી છે. મહેનત કરશો તો, આ શહેર કોઇને નિરાશ નહીં કરે.
પ્રશ્ન: એક્ટિંગમાં કોનું કામ તમને સૌથી વધુ ગમે છે?
જવાબ: અમિતાભ બચ્ચન અને નસરુદ્દિન શાહનું કામ ખૂબજ જબરદસ્ત છે. મને ખૂબજ ગમે છે.
પ્રશ્ન: તમારી સૌથી મનપસંદ ફિલ્મ કઈ છે?
જવાબ: મને બહુ વધારે ફિલ્મો જોવાનો સમય તો નથી મળતો. પરંતુ ‘પરસ્યુડ હેપ્પીનેસ’, ‘કરાટે કિડ’, ‘કુમ્ફુ પાન્ડા’ અને ‘હેલ્લારો’ ખૂબજ ગમી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય ખાણીપીણીની વસ્તુઓ મેળવાનું જૂનું અને જાણીતું નામ એટલે પટેલ બ્રધર્સ સ્ટોર્સ!