આમ તો ગત સદીથી અલગ અલગ મોરચે અમેરિકામાં આવતા દરેક પરદેશી ભારતીય સમૂહની કોઈને કોઈ યાદગાર કહાની રહી છે. વિદેશની ધરતી પર રહીને ભારતીય તરફથી પોતાના, પોતાના પરિવાર અને પોતાની ઓળખ જાળવી રાખવા માટે જે પ્રયાસો થયા તે આજકાલ સાહસની સફળ કહાની બનીને સામે આવી રહ્યા છે. અમેરિકામાં પટેલ બ્રધર્સની કહાની પણ કંઈક આવી જ છે, જે અમેરિકાની સૌથી મોટી, જૂની અને સૌથી વધારે પસંદ કરવામાં આવતી ગ્રોસરી સ્ટોર ચેઇન છે. આખા અમેરિકામાં ફેલાયેલા આ સ્ટોરને 1974માં બે પટેલ ભાઈઓ મફતભાઈ અને તુલસીભાઈએ શરૂ કર્યો હતો.

1968નું એ વર્ષ હતું. 23 વર્ષના મફતભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કર્યા બાદ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડીગ્રી મેળવવા માટે ગુજરાતના મહેસાણા જિલ્લાના ભાંડુ ગામથી શિકાગો આવે છે. તેમની સાથે તેમના પત્ની અને ભાઈ તુલસી પટેલ હોય છે.
શિકાગો ખાતે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મફતભાઈએ જેફ્ફર્સન ઇલેક્ટ્રિક ખાતે ક્વૉલિટી કંટ્રોલર તરીકે કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન પટેલ ભાઈઓ ભારતની પરંપરાગત વાનગીઓને ખૂબ યાદ કરતા હતા. એટલું જ નહીં અમેરિકામાં ભારતીય રસોઈ માટેનો સામાન પર સરળતાથી મળતો ન હતો. તેમને માલુમ પડ્યું કે આ ફક્ત તેમના એકલાની જ નહીં, અહીં રહેતા દરેક ભારતીયની સમસ્યા છે. આથી મફતલાલે આ વાતનું સમાધાન લાવવા માટે કરિયાણાનો નાનો સ્ટોર શરૂ કર્યો, જ્યાં ભારતીય વાનગીઓ માટેની વસ્તુઓ મળી રહે.
મફતભાઈ અને તુલસીએ વિન્ડી સીટીમાં ડેવોન એવન્યૂ ખાતે એક જૂની દુકાન ખરીદી હતી. જે બાદમાં અમદાવાદ ખાતેથી તેમણે મસાલા, કઠોળ, અથાણું કેરી વગેરે મંગાવ્યા હતા. આ રીતે સપ્ટેમ્બર, 1974માં અમેરિકામાં પટેલ ભાઈઓને ઉદય થયો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તુલસીભાઈએ જણાવ્યુ હતુ કે, “અમારી અંદર એક ગુજરાતીને હોય એવી કોઠાસૂઝ હોવાથી ફૂડ સ્ટોર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. અમે એ વાત સારી રીતે જાણતા હતા કે ફૂડ એક એવો બિઝનેસ છે જેમાં ક્યારેય કટોકટી આવતી નથી.”

પટેલ ભાઈઓએ જ્યારે આ સ્ટોર શરૂ કર્યો હતો ત્યારે અમેરિકામાં આવી વસ્તુઓ રાખતા હોય તેવા ચાર સ્ટોર્સ હતા, જ્યાં ભારતીય વસ્તુઓ મળી રહેતી હતી. જોકે, બહુ ટૂંકા સમયમાં પટેલ બ્રધર્સ સ્ટોર ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો. ભારતમાંથી અમેરિકા આવતા મિત્રો અને સંબંધીઓ માટે પ્રથમ વિસામો સ્કોકી ખાતે આવેલું પટેલ હોમ હતું.
તેમાંથી અનેક લોકો અહીં રોકાતા હતા અને ડેવોન એવન્યૂ ખાતે આવેલા પટેલ બ્રધર્સ સ્ટોરમાં અઠવાડિયા કે મહિનાઓ સુધી કામ કરતા હતા. જે બાદમાં મફતભાઈ અને તુલસીભાઈ તેમને કરિયાણાનો સ્ટોર શરૂ કરવામાં મદદ કરતા હતા. એટલે કે તેઓ અન્ય શહેરમાં પટેલ બ્રધર્સની બ્રાંચ ખોલવામાં મદદ કરતા હતા. આ સ્ટોર એવા શહેરોમાં ખોલવામાં આવતા હતા જ્યાં ભારતીય મૂળના લોકો રહેતા હોય.
હાલ અમેરિકામાં પટેલ બ્રધર્સ કરિયાણા સ્ટોર્સની ચેઇન ચલાવનાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. હવે તેઓ કરિયાણા ઉપરાંત વધુ એક સાહસ ખેડવા માટે પ્રયત્નશીલ છે. આ સાહસ એટલે પ્રી-પેક્ડ ભારતીય ભોજન. પટેલ બ્રધર્સે ‘સ્વાદ’ના નામ હેઠળ પોતાની ફૂડ બ્રાન્ડ શરૂ કરી છે. આ બ્રાન્ડ હેઠળ તેઓ વિવિધ રેડીમેડ નાસ્તાનું વેચાણ કરે છે. જેમાં એવી વસ્તુઓ સામેલ છે જેને ફક્ત માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરીને ખાઈ શકાય છે.
1991ના વર્ષમાં પટેલ બ્રધર્શે રાજા ફૂડ્સ નામે વધુ એક બ્રાન્ડ શરૂ કરી હતી. જેના દ્વારા તેઓ સ્ટોર્સને વસ્તુ પૂરી પાડતા હતા. જેમ ભારતમાં પ્રચલિત વાનગીઓ જેમ કે પાલક પનીર, ચિકન ટિક્કા મસાલા, ચના મસાલા વગેરે સામેલ હતા. આ બ્રાન્ડ ખૂબ ઝડપથી પ્રસિદ્ધ થઈ ગઈ હતી. ખાસ કરીને અમેરિકામાં રહેતા બીજી પેઢીના ભારતીયો અને એવા અમેરિકનો જેઓ કંઈક નવું ટ્રાય કરવા માંગે છે, તેમના વચ્ચે આ બ્રાન્ડ ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી. પટેલ બ્રધર્સ સ્ટોર્સ પર મળતી વસ્તુઓમાંથી મોટાભાગની વસ્તુઓ ભારતમાંથી આયાત કરવામાં આવે છે.
દરરોજ ટ્રકો ભરીને સામાન પટેલ બ્રધર્સના વિવિધ સ્ટોર્સમાં જાય છે, અને ફ્રેશ ભારતીય વસ્તુઓ પૂરી પાડે છે. જેમાં બાસમતી ચોખા, મસાલા, વટાણા, કઢી પત્તા, શાકભાજી ભેળ પૂરી મિક્સર, ભારતીય કૂલ્ફી વગેરે સામેલ હોય છે. એટલું જ નહીં, ભારતીય ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને પટેલ બ્રધર્સે અમુક નવીન પ્રકારની વસ્તુઓ પણ બનાવી છે. આ તમામમાં જો કોઈ સૌથી વધારે પ્રસિદ્ધ હોય તો એ સ્ટીલનું એક મશીન છે, જે એકદમ ગોળ રોટલી બનાવે છે. એટલું જ નહીં અહીં તમને બ્રેડમાંથી બનાવેલા ફ્રેશ પાંઉ, પરાઠા અને સ્વાદિષ્ટ થેપલા પણ મળે છે.
એટલું જ નહીં, અમેરિકામાં રહેતા ભારતીય માટે પટેલ બ્રધર્સની દુકાનો હવે કોમ્યુનિટી સેન્ટર બની ગઈ છે. ડેવોન એવન્યૂ કે જ્યાં પટેલ બ્રધર્સે પોતાની પ્રથમ દુકાન શરૂ કરી હતી તે હવે શિકાગોનું લિટલ ઇન્ડિયા બની ગયું છે.
પટેલ બ્રધર્સના સ્ટોર્સમાં જે વસ્તુઓ વેચવામાં આવે છે તેમાં જે તે વસ્તુ પર હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં લેબલ લગાવવામાં આવે છે. આથી જો કોઈ નોન-ભારતીય હોય તો તે પણ આ વસ્તુ અને તેના ઉપયોગ વિશે સારી રીતે જાણી શકે છે. એટલું જ નહીં તેમના તમામ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ તેમના ગ્રાહકોને તેમને શું જોઈએ છે તે અંગે મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. આ જ વસ્તુ છે જે પટેલ બ્રધર્સને અન્ય ભારતીય સ્ટોર્સથી અલગ પાડે છે.

“અમે ભારતીયોની જરૂરીયાતની તમામ વસ્તુઓ વેચનારા કરિયાણા સ્ટોર્સ ધારક છીએ. અમારી દુકાનમાં તમને દળદર, મરચા પાઉડર, ખાખરા, ગાંઠિયા અને થેપલા મળશે. અમે વાસ્તવમાં ભારતીય બ્રાન્ડ છીએ અને અમેરિકામાં રહેતા મોટાભાગના બિન નિવાસી ભારતીયોને વસ્તુઓ આપીએ છીએ. હવે અમારી સપનું 100 સ્ટોર્સ બનાવવાની છું,” ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં તુલસી પટેલે આમ જણાવ્યું હતું.
આજકાલ મફત પટેલ એક નૉન-પ્રૉફિટ સંસ્થાને પોતાનો મોટાભાગનો સમય આપે છે, જ્યારે તેના બે દીકરા રાકેશ અને શ્વેતલ દરરોજનું કામકાજ અને તેમનો બિઝનેસ સંભાળે છે. તેઓ ઇન્ડિયન અમેરિકન મેડિકલ એસોસિએશનના બોર્ડમાં પણ સામેલ છે, જે એક એનજીઓ છે અને જરૂરિયાતમંદ લોકો માટે મફતમાં તબીબી સારવાર આપે છે. એટલું જ નહીં મફતલાલે પોતાના ગામ ભાંડુ ખાતે હૉસ્પિટલ તેમજ અન્ય વિકાસના કામ કરવામાં પણ મદદ કરી છે.
અમદાવાદ ખાતે પટેલ બ્રધર્સે સંવેદના ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, જેમણે કચ્છમાં ભૂકંપ પછી 160 ઘર, એક સ્કૂલ અને મેડિકલ સેન્ટર બનાવ્યું છે. આજે તે શિકાગો ટાઉનશીપ તરીકે ઓળખાય છે. એટલું જ નહીં, આ ફાઉન્ડેશન તરફથી અમદાવાદની એલ.જી. હૉસ્પિટલ ખાતે પ્રથમ બર્ન કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલયને ફાઉન્ડેશન તરફથી બે કરોડ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું છે.
મૂળ લેખ: SANCHARI PAL (https://www.thebetterindia.com/94971/patel-brothers-biggest-indian-grocery-store-chicago-america-gujarat/)
આ પણ વાંચો: જાણો કેવી રીતે ઘરેથી જ શરૂ કરી શકાય બેકરી બિઝનેસ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.