અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં રહેતા ઝોરાવર પુરોહિત વર્ષ 2012માં એક ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરનું કામ કરતા હતા. તેમણે પ્રથમ દિવસથી જોયું કે અહીં પ્લાસ્ટિકના કચરાનો અંબાર છે.
આથી તેમણે નક્કી કર્યું કે તેઓ ક્યારેક બિઝનેસ શરૂ કરશે તો તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય. ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્ટરની સાથે સાથે ઝોરાવરે મુસાફરોના ટૂર ગાઈડ તરીકે કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તેઓ મુસાફરોને સારી હૉટલ શોધવામાં મદદ કરતા હતા.
આ અંગે તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, “‘ટ્રેનિંગ સેશન દરમિયાન મારા ગ્રાહકો મને અહીંના સારો રિસૉર્ટ અને ખાવા અંગે પૂછતા હતા. આથી મેં તેમના રહેવા અને જમવા માટેની ઉત્તમ વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું હતું.”
“આજકાલ અહીં બાંધકામ માટે જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણે અહીં પ્રદૂષણ પણ વધી ગયું છે. આનાથી પર્યાવરણને ખૂબ નુકસાન થઈ રહ્યું હતું,” 31 વર્ષીય ઝોરાવરે જણાવ્યું હતું.
તેઓ કહે છે કે અંડમાન 580 દ્વીપથી મળીને બન્યો છે. પરંતુ અહીં પ્લાસ્ટિકના રિસાઇકલિંગ માટે કોઈ વ્યવસ્થા નથી. આથી તેમણે આઉટબેક હેવલૉક રિસોર્ટ બનાવવાનું વિચાર્યું હતું.
જે બાદમાં ઝોરાવરે વર્ષ 2017માં પોતાના ત્રણ મિત્રો અખિલ વર્મા, આદિત્ય વર્મા અને રોહિત પાઠક સાથે મળીને આઉટબેક હેવલૉકને શરૂ કર્યો હતો. આ સંપૂર્ણ રીતે પર્યાવરણને અનુકૂળ છે. આ રિસોર્ટ દ્વીપ પર બેકાર પડેલી 5,00,000 બોટલોને રિસાઇકલ કરીને બનાવવામાં આવ્યો છે.
કેવી રીતે બનાવી હોટલ?

હોટલ બનાવવા માટે સૌથી પહેલા ફ્રાંસીસ આર્કિટેક્ચર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ભવન બનાવવા માટે કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં પ્લાસ્ટિકની બોટલોમાં રેતી અને ધૂળ ભરવામાં આવે છે. જે ઇંટોની સરખામણીમાં 10 ગણી વધારે મજબૂત અને જળરોધી હોય છે. આ માટે ચારેય મિત્રોએ ડમ્પયાર્ડમાં પડેલી બોટલો એકઠી કરવાની શરૂઆત કરી અને હોટલનું નિર્માણ કામ શરૂ કર્યું હતું.
ઝોરાવર કહે છે કે, “અમે પાંચ લાખ બેકાર બોટલ એકઠી કરી. આ ઉપરાંત 500 કિલો રબર વેસ્ટ પણ એકઠો કર્યો હતો. બોટલોનો ઉપયોગ લક્ઝરી રુમ બનાવવા માટે થયો છે, જ્યારે રબરનો ઉપયોગ રિસૉર્ટનો ફૂટપાથ બનાવવા માટે થયો હતો.”
શું હતા પડકાર?
ઝોરાવર કહે છે કે, “હોટલને બનાવવા માટે અમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે અમને આનો કોઈ જ અનુભવ ન હતો. મજૂરોને બોટલનો ઉપયોગ કરીને રુમ બનાવવાનું શીખવવું ખરેખર મુશ્કેલ હતું. આથી ઇંટોના ચણતર કરતા વધારે સમય લાગી ગયો હતો. પરંતુ અંતે પરિણામ ખરેખર સારું આવ્યું હતું.”
તેમના રિસૉર્ટમાં આઠ જંગલ વ્યૂ લક્ઝરી રૂમ અને 60 સીટર કેફે પણ છે.

આજે આ હોટલમાં કુલ 9 કર્મચારી છે. જોકે, લૉકડાઉન દરમિયાન તેમના બિઝનેસને ખૂબ નુકસાન થયું હતું.
આ અંગે અખિલ કહે છે કે, “કોરોના વૈશ્વિક મહામારીએ અમરી બિઝનેસને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. આ મહામારી પહેલા અમારે ત્યાં દરરોજ 80 મહેમાન આવતા હતા. આશા છે કે આ અમારો બિઝનેસ ફરીથી પાટા પર ચઢી જશે.”
તેઓ દરરોજ 4,200 રૂપિયા ચાર્જ કરે છે. જેમાં મહેમાનોને વાઈફાઈથી લઈને ભોજન સુધીની સુવિધા આપવામાં આવે છે. આ હોટલને બનાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેઓ વર્ષમાં 1.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે.
ખૂબ સકારાત્મક અસર
આવી રીતે હોટલ બનાવ્યા બાદ અહીંના સ્થાનિક લોકોમાં આ પ્રકારનાં બાંધકામ માટે ખૂબ જિજ્ઞાસા થઈ હતી.
આ અંગે અખિલ કહે છે કે, “આજે અમારી પાસે આ પ્રકારનું બાંધકામ કેવી રીતે થઈ શકે તે જાણવા અનેક લોકો આવે છે. અમે તે લોકોને ખૂબ જ પ્રોત્સાહિત કરીએ છીએ. કારણ કે પર્યાવરણ સંબંધિત પડકારોને જોઈને આ ખૂબ જ જરૂરી છે. આ ઊપરાંત પરંપરાગત બાંધકામની સરખાણીમાં વ્યક્તિગત રીતે આ ખૂબ જ લાભકારી પણ છે.”
આ રિસૉર્ટમાં કેળા અને નારિયેળના ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો લગાવવામાં આવ્યા છે. આ સાથે જ અહીં એક ઑર્ગેનિક કિચન પણ છે.

આ અંગે અખિલ કહે છે કે, “અમે ગ્રાહકો માટે જમવાનું અમારા બગીચામાં ઊગાવવામાં આવેલી વસ્તુઓમાંથી બનાવીએ છીએ. આનાથી અમારું ભોજન સ્વાદિષ્ટ અને હાઇજેનિક બને છે. અહીં અમે બ્રેડ અને પિઝા બેઝ પણ તૈયાર કરીએ છીએ.”
પ્રવાસ કેવી રીતે કરશો:
અંડમાનના પ્રવાસ પહેલા તમારે અમુક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.
આદિત્ય કહે છે કે, “પોર્ટ બ્લેયર એરપોર્ટથી બોટમાં હવેલૉક પહોંચવામાં લગભગ 2 કલાક લાગે છે. સામાન્ય રીતે અમને અમારા મહેમાનો ફ્લાઇટ અંગે પહેલાથી જ માહિતી આપી દે છે. અમે એ પ્રમાણે હોડીની વ્યવસ્થા કરીએ છીએ. હેવલોક આવ્યા પછી અમે રિસોર્ટ સુધી તેમને પહોંચાડવા માટે કેબની વ્યવસ્થા કરીએ છીએ.”
તેઓ કહે છે કે, “બોટની ટિકિટ કન્ફર્મ થયા વગર અંડમાન દ્વીપનો પ્રવાસ વર્જિત છે. અહીં મહેમાનો માટે પ્રાઇવેટ ઉપરાંત સરકારી બોટ પણ ચાલે છે, જે પ્રમાણમાં થોડી સસ્તી છે. આ જૂની બોટ હોય છે, જેની ટિકિટ તમારે એજન્ટો પાસેથી લેવાની હોય છે. જ્યારે ખાનગી બોટ નવી હોય છે, જેની ટિકિટ ઑનલાઇન મળે છે.”
હાલ તમામ મિત્રો પોર્ટ બ્લેયરમાં એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
આ અંગે આદિત્ય કહે છે કે, “આઉટબેક હેવલૉકની સરખાણીમાં અમારો નવો પ્રોજેક્ટ ફક્ત એક કેફે અને સિસોર્ટ પૂરતો મર્યાદિત નથી. નવો પ્રોજેક્ટ એગ્રી બિઝનેસ મૉડલ પર તૈયાર કરી રહ્યા છીએ. આ પ્રોજેક્ટને પણ અમે નકામી બોટલનો ઉપયોગ કરીને બનાવી રહ્યા છીએ. અમે 2022ના અંત સુધીમાં તેને લૉંચ કરવાનું વિચાાર રહ્યા છીએ.”
મૂળ લેખ: SANJANA SANTHOSH
આ પણ વાંચો: પૉલીથીન આપો, છોડ લઈ જાઓ: પ્લાસ્ટિકનાં બદલામાં વહેંચ્યા લગભગ 1 લાખ છોડ