આ કહાની ઉત્તર પ્રદેશના બે યુવકોની છે, જેમણે જૈવિક ખેતી અને પ્રૉસેસિંગ ક્ષેત્રમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. 24 વર્ષની ઉંમરમાં જ આ બંને યુવાઓ અન્ય ખેડૂતોને જૈવિક ખેતી કરવાની તાલિમ આપી રહ્યા છે. એટલું જ નહીં તેઓ પોતે પણ શેરડીની ખેતી કરવાની સાથે સાથે પ્રૉસેસિંગ પણ કરી રહ્યા છે.
આ વાત ઉત્તર પ્રદેશના બુલંદશહરના શાહજહાંપુરના દીપકાંત શર્મા અને હિમાંશુ વાસવાનની છે. લગભગ પાંચ વર્ષથી આ બંને યુવકો જૈવિક ખેતી પ્રત્યે લોકોને જાગૃત કરી રહ્યા છે. દિવસ-રાત મહેનત કરીને બંને યુવાઓએ જૈવિક ખેતીમાં એક મુકામ હાંસલ કર્યું છે. બંનેની ગણતરી આજકાલ સફળ જૈવિક ખેડૂતોમાં થાય છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતો ગોળ આજે મોટાં મોટાં શહેરોમાં જાય છે.
દીપકાંતે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, હિમાંશુ અને તેની પુષ્ઠભૂમિ ખેતી સાથે જોડાયેલી છે. અમે બંને ખેડૂત પરિવારથી છીએ. અમારા બંનેના પરિવાર ખેતી કરે છે. પંરતુ આજે શિક્ષણ વધ્યું છે ત્યારે અમારા બંનેના પરિવારના લોકો એવું ઇચ્છતા હતા કે અમે ભણીગણીને નોકરી કરીએ. આ માટે અમે બંનેએ એન્જીનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ જૈવિક ખેતી વિશે સાંભળ્યા બાદ તેના પ્રત્યે આકર્ષણ વધ્યું હતું. આ માટે અમે ભારત ભૂષણ ત્યાગી પાસે જઈને આ અંગે જાણકારી મેળવી હતી. તેમની પાસેથી જૈવિક ખેતીની તાલિમ મેળવી હતી. જે બાદમાં અમે નક્કી કર્યું કે અમે જૈવિક ખેતી જ કરીશું અને બીજા લોકોને પણ માર્ગદર્શન આપીશું.”

દીપકાંત કહે છે કે તેમના પરિવારની 40 એકર જમીન છે. પરંતુ શરૂઆતમાં તેમના પરિવારોને જૈવિક ખેતીનો તેમનો વિચાર પસંદ આવ્યો ન હતો. ગમે તેમ કરીને તેમણે થોડી જમીન ખેતી કરવા માટે આપી હતી. દીપકાંત અને હિમાંશુ જે શીખ્યા હતા તેનો ઉપયોગ તેઓએ આ જમીનમાં કર્યો હતો. પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને બંનેએ શેરડી ઊગાડી હતી. કારણ કે આ વિસ્તારમાં શેરડીનો પાક વધારે થાય છે.
દીપકાંતે વધુમાં જણાવ્યું કે, “ખેતીની સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો. એન્જીનિયરિંગની ડીગ્રી પણ મેળવી હતી. જે બાદમાં હરિયાણામાં ક્વૉલિટી એન્જીનિયર તરીકે નોકરી પણ મળી ગઈ હતી. ખેતીનું ધ્યાન રાખવા માટે હું દર રવિવારે ખેતર પહોંચી જતો હતો. એક બે વર્ષમાં જ્યારે અમારી ખેતીમાં સારી ઊપજ આવી ત્યારે ઘરના લોકોને પણ વિશ્વાસ આવી ગયો હતો કે અમે ખેતીમાં કંઈક સારું કરી શકીએ છીએ.”
જે બાદમાં બંનેએ નોકરી છોડી દીધી હતી અને ખેતી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. દીપકાંતના ઘરવાળાઓએ શરૂઆતમાં તેમને એક એકર, પછી ચાર એકર અને હવે 20 એકર જમીન ખેતી માટે આપી દીધી છે. બાકીની 20 એકર જમીનમાં પણ તેઓ જૈવિક રીતે જ ખેતી કરી રહ્યા છે. દીપકાંત પાસે જે 20 એકર જમીન છે તેમાં બંને મિત્રોએ મળીને મિશ્રિત ખેતી મૉડલ તૈયાર કર્યું છે. સાથે જ શેરડીનું પ્રૉસેસિંગ યૂનિટ પણ સ્થાપ્યું છે. જેમાં જૈવિક ગોળ બનાવવામાં આવે છે. ખેતી અને પ્રૉસેસિંગ ઉપરાંત બંને મિત્રો અન્ય ખેડૂતોને મફતમાં જૈવિક ખેતીની તાલિમ પણ આપે છે.
ખેતીનું મૉડલ બનાવ્યું

દીપકાંત અને હિમાંશુએ ખેતીમાં જૈવિક પાક ઉપરાંત ખેડૂતો માટે જૈવિક ખૈતીનું મૉડલ પણ બનાવ્યું છે. તેમણે એક એવું મૉડલ બનાવ્યું છે જેમાં એક એકર જમીનમાં ખેડૂત ચારથી પાંચ લાખની કમાણી કરી શકે છે. જેમાં શેરડી, લસણ, રાયડો, હળદર, ચણા, પાલક વગેરેની ખેતી કરી શકે છે. આ મૉડલ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવે છે. આ મૉડલમાં લગભગ દોઢ લાખ સુધીનો ખર્ચ થાય છે, જ્યારે ચારથી પાંચ લાખની કમાણી થાય છે.
આ ઉપરાંત બંનેએ ઔષધિય પાકોની ખેતી કરવા માટેનું પણ મૉડલ બનાવ્યું છે. જેમાં મુખ્ય પાક શતાવરી છે. આ ઉપરાંત અશ્વગંધા, લસણ વગેરે છે. શતાવરીના પાક માટે 18 મહિના લાગે છે, પરંતુ તેની સાથે અન્ય ઔષધિય પાક લઈ શકાય છે. બંનેએ આવા અનેક મૉડલ બનાવ્યા છે, જેનો ખુદ બંને ઉપયોગ કરી રહ્યા છે અને બીજા ખેડૂતોને પણ શીખવી રહ્યા છે.
શેરડીનું પ્રૉસેસિંગ શરૂ કર્યું

દીપકાંત અને હિમાંશુએ ખેતી શરૂ કરી હતી ત્યારે બંનેએ પ્રૉસેસિંગ વિશે વિચાર કર્યો ન હતો. તેમનો ઉદેશ્ય પોતે જૈવિક ખેતી કરવાનો અને બીજાઓને ખેતી સાથે જોડવાનો હતો. પરંતુ જૈવિક ખેતી કર્યાં બાદ સૌથી મોટી સમસ્યા એ આવતી હતી કે પાક તૈયાર થયા બાદ બજારમાં તેની યોગ્ય કિંમત મળતી ન હતી. દરેક ખેડૂત માટે માર્કેટિંગ શક્ય ન હતું. આથી બંનેએ પોતાની સાથે જોડાયેલા ખેડૂતો માટે પ્રૉસેસિંગ યૂનિટ શરૂ કર્યું હતું.
“અમે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે અમારા પ્રૉસેસિંગ યૂનિટમાં સ્વચ્છતા હોય. શેરડીના પ્રૉસેસિંગ યૂનિટ પર અમે ખૂબ ગંદકી જોઈ હતી. આથી અમે નક્કી કર્યું કે અમારા યુનિટમાં દરેક સ્તર પર સ્વચ્છતા હશે.”
કેવી રીતે થાય છે શેરડીનું પ્રૉસેસિંગ:
સૌથી પહેલા શેરડીને સાફ કરવામાં આવે છે, જેનાથી તેમાં માટી કે પાંદડા ન રહે. જે બાદમાં તેનો રસ કાઢવામાં આવે છે.
જે બાદમાં રસને ગાળી લેવામાં આવે છે અને તેને સ્ટોરેજ ટેન્કમાં સ્ટોર કરી દેવામાં આવે છે.
અહીંથી રસને કઢાઈ સુધી પહોંચાડવામાં આવે છે. પ્રથમ કઢાઈમાં તેને ગરમ કરવામાં આવે છે.
જે બાદમાં બીજી કઢાઈમાં તે વધારે ગરમ થઈ જાય છે અને ત્યાંથી ત્રીજી કઢાઈમાં લઈ જવામાં આવે છે.
ત્રીજી કઢાઈમાં તેને વધારે શુદ્ધ કરવા માટે તેમાં પ્રાકૃતિક તત્વો જેવા કે જંગલી ભિંડી અને એલોવેરા ભેળવવામાં આવે છે.

દીપકાંત કહે છે કે મોટોભાગના લોકો શુધ્ધ કરવાના સ્ટેપ પર કેમિકલનો ઉપયોગ કરે છે. પરંતુ અમે પ્રાકૃતિક તત્વોનો જ ઉપયોગ કરીએ છીએ.
જે બાદમાં રસ શુદ્ધ થઈને ચોથી કઢાઈમાં પહોંચે છે, અહીં તે ગોળનું સ્વરૂપ લેવા લાગે છે. તે કઠણ થવા લાગે છે.
જે બાદમાં તેને એક પાત્રમાં ફેંદવામાં આવે છે. તેમાં ફ્લેવર માટે અલગ અલગ તત્વો જેવા કે હળદર, આંબળા, શતાવરી, અશ્વગંધા, તલ અને સૂંઠ ભેળવવામાં આવે છે.
થોડા સમય પછી તે ઘટ્ટ થઈ જાય છે અને તેને સ્ટીલની ટ્રેમાં કાઢી લેવામાં આવે છે.
ટ્રેમાં ગોળ ઠંડો થયા બાદ તેને કટરથી કાપી લેવામાં આવે છે. આ રીતે ગોળ તૈયાર થાય છે.
ગોળ તૈયાર થયા બાદ તેને પેપર બૉક્સમાં પેક કરવામાં આવે છે. અડધા અને એક કિલોના પેકિંગ તૈયાર કરવામાં આવે છે. તેમનો ગોળ હાલ દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોમાં જાય છે. આ ઉપરાંત લોકો સીધા જ તેમના પ્રૉસેસિંગ યૂનિટ પરથી પણ ગોળની ખરીદી કરી શકે છે.

પ્રૉસેસિંગ યૂનિટમાં તેઓ પોતાના ઉપરાંત તેમની જૈવિક ખેતી કરી રહેલા ખેડૂતોની શેરડીનો પણ ગોળ તૈયાર કરે છે. જેનાથી બીજા ખેડૂતોએ આ માટે બીજે જવાની જરૂર પડતી નથી. તેમના પ્રૉસેસિંગ યૂનિટમાં 15 લોકોને રોજગારી પણ મળે છે.
ખેડૂતોને મફતમાં તાલિમ આપે છે
જૈવિક ખેતી કરવાની સાથે સાથે બંને અન્ય ખેડૂતોને મફતમાં તાલિમ પણ આપે છે. શરુઆતમાં બંનેએ 100 ખેડૂતોને જૈવિક ખેતીની તાલિમ આપી હતી. આ માટે તેણે ‘બુલંદ’ નામે પોતાની એક જૂથ બનાવ્યું છે. અત્યાર સુધી બંને 800થી 900 ખેડૂતોને તાલિમ આપી ચુક્યા છે. જેમાં બંને જેવા જ અમુક યુવાઓ પણ સામેલ છે.
વિડીયો જુઓ:
તેઓ કહે છે કે, “સૌથી પહેલા ખેડૂતોને જૈવિક અને પ્રાકૃતિક ખાતર વિશે માહિતી આપવામાં આવે છે. તેમને જૈવિક ખેતી માટે ખેતરને કેવી રીતે તૈયાર કરવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવે છે. જે બાદમાં બીને ખેતરમાં વાવવા માટે કેવી રીતે ઉપયોગમાં લેવા જોઈએ તેની સમજ આપવામાં આવે છે. બાદમાં મિશ્રિત ખેતી કરીને કેવી રીતે વધારે ઉત્પાદન મેળવી શકાય તે સમજાવવામાં આવે છે.” દીપકાંત અને હિમાંશુ 20 એકર જમીનમાં જૈવિક ખેતી કરીને વર્ષે 35 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.

ભવિષ્યની યોજના
દીપકાંત અને હિમાંશુનું કહેવું છે કે ખેતીથી તેઓ કમાણી કરી રહ્યા છે પરંતુ પ્રૉસેસિંગ કરીને તેઓ બીજાઓને રોજગારી આપી રહ્યા છે. હવે તેઓ બાગાયતી ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. થોડી જમીન પર તેઓએ આંબા ઊગાડ્યા છે, આ ઉપરાંત બીજા ફળ અને શાકભાજી પણ ઊગાડ્યા છે.
આવતા વર્ષે તેમની યોજના અથાણું બનાવવાની છે. આ પ્રૉસેસિંગ યૂનિટમાં તેઓ ગામડાની મહિલાઓને રોજગારી આપશે. “પ્રૉસેસિંગથી ખૂબ ફાયદો થાય છે. તમે જાતે જૈવિક ઉત્પાદન કરી રહ્યા છો અને તેને જાતે જ પ્રૉસેસ કરીને ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છો તો તેનાથી સારું શું હોઈ શકે? આ સાથે જ તમે ગામમાં રોજગારી પણ લાવી રહ્યા છો. અમે એવું જ ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે ખેડૂતો જૈવિક ખેતી સાથે જોડાય અને પ્રૉસેસિંગનું મહત્ત્વ પણ સમજે,” તેમ તેમણે અંતમાં કહ્યુ હતું.
જો તમને જૈવિક ખેતી કરવામાં રસ હોય તો તમે દીપકાંત અને હિમાંશુનો 8445897271, 8923262884 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: MBA થયેલી ગૃહિણીએ સંભાળી પિતાની ખેતી, પ્રાકૃતિક ઉપજથી ઘરે જ તૈયાર કરે છે વિવિધ વસ્તુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.