Search Icon
Nav Arrow
Organic farming
Organic farming

MBA થયેલી ગૃહિણીએ સંભાળી પિતાની ખેતી, પ્રાકૃતિક ઉપજથી ઘરે જ તૈયાર કરે છે વિવિધ વસ્તુ

પંજાબની પિતા-પુત્રીની જોડીએ ઓર્ગેનિક ખેતીમાં બનાવ્યું નામ, ખેત પેદાશને ઘરે જ પ્રૉસેસ કરીને પહોંચાડે છે ગ્રાહકો સુધી

દેશમાં ખેતીના વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી છે. આજે અમે તમને પંજાબની એક દીકરીની કહાની કહી રહ્યા છીએ, જે પિતા સાથે મળીને પોતાના વડવાઓની જમીન પર ફક્ત જૈવિક ખેતી કરી રહી છે. એટલું જ નહીં પોતાના ઉત્પાદનને ઘરે પ્રૉસેસ કરીને જાતે જ બજારમાં વેચી રહી છે.

પંજાબના લુધિયાણા ખાતે રહેતી પ્રિયંકા ગુપ્તા છેલ્લા પાંચ વર્ષથી પિતા બદ્રીદાસ બંસલની ખેતીનું કામકાજ સંભાળી રહી છે. પ્રિયંકાના પિતાની જમીન સંગરૂરમાં છે. આ માટે તેણી અવારનવાર લુધિયાણાથી આવજા કરે છે.

પિતા-દીકરીની આ જોડી ખેતરમાં તૈયાર થતી વસ્તુઓને પ્રૉસેસ કરીને ગ્રાહકો સુધી પહોંચાડે છે. સંગરૂરની આસપાસ તેમની ખેતીની ખૂબ ચર્ચા છે. આ સાથે જ તેમના ઉત્પાદનો પણ ખૂબ જ લોકપ્રીય છે.

Farmers
Father-Daughter

ફાઇનાન્સમાં એમબીએ થયેલી પ્રિયંકાએ ખેતીને એક નવું જ રૂપ આપ્યું છે. તેણીએ પોતાના ચાર એકરના ખેતરને ‘મધર અર્થ આર્ગેનિક ફાર્મ’ નામ આપ્યું છે. આ જ નામ પર તેણી પોતાના પ્રૉડક્ટ્સનું વેચાણ પણ કરે છે.

પ્રિયંકા દાળ, મકાઈ, ચણા, જુવાર, અળસી, બાજરી, તલ, હળદર, લીલા મરચા, ટામેટા, રીંગણ, શિમલા મરચા અને બટાકા પણ ઊગાડે છે. પ્રિયંકાના ફાર્મ પર કેરી, જામફળ, આમળા, લીમડો, બ્રાહ્મી વગેરેના ઝાડ પણ જોવા મળે છે.

પ્રિયંકાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “મારા પિતાને હંમેશાથી ખેતીનો શોખ રહ્યો છે. તેઓ વીજળી વિભાગમાં કામ કરતા હતા. થોડા વર્ષે પહેલા જ તેઓ નિવૃત્ત થયા છે. નોકરી સમયે પણ તેઓ થોડી થોડી ખેતી કરતા રહેતા હતા. પહેલા અમે નાંગલમાં રહેતા હતા. અહીં ઘરની પાછળ ખાલી જગ્યામાં અમે શાકભાજી ઊગાડતા હતા. 12 વર્ષ ત્યાં રહ્યા બાદ પિતાની બદલી પટિયાલા થઈ ગઈ હતી. પટિયાલામાં ઘરની બાજુમાં જ ખાલી જમીનમાં ખેતી શરૂ કરી હતી. નોકરીની સાથે સાથે ઓર્ગેનિક વસ્તુઓ ઊગાવતા હતા. જેમાંથી જરૂર પ્રમાણે ઘરે રાખતા હતા અને બાકીની વસ્તુઓ સંબંધીઓને વહેંચી દેતા હતા.આ દરમિયાન તેમણે સાંગરુરમાં પોતાનું ઘર બનાવ્યું હતું. કારણ કે નિવૃત્તિ બાદ તેમણે અહીં રહેવાની યોજના બનાવી હતી.”

Food processing

પ્રિયંકાએ જણાવ્યું કે પિતા નિવૃત્ત થયા ત્યાં સુધીમાં માતાનું નિધન તઈ ગયું હતું. આથી બદ્રીનાથે ખેતીમાં સમર્પિત થઈ ગયા હતા. નિવૃત્તિ પછી તેમણે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે તેઓ ખેતી જ કરશે. કારણ કે આ કામમાં તેમને ખૂબ આનંદ આવતો હતો.

પ્રિયંકા કહે છે કે, “પિતાએ ક્યારેય કમાણી માટે ખેતી નથી કરી. તેમનો પ્રયાસ રહેતો કે શુદ્ધ ખાઓ અને બીજાઓને પણ શુદ્ધ વસ્તુ મળી રહે. આજે તેમની ઊંમર 70 વર્ષ છે. હવે હું ખેતીનું કામ જોઈ રહી છું. મારો પ્રયાસ રહે છે કે તમામ વસ્તુઓ પ્રાકૃતિક રીતે ઊગાડવામાં આવે.”

શરૂઆતમાં બદ્રીદાસ તેમના ખેતરમાં થતી વસ્તુઓને વેચતા ન હતા. તેઓ વધારાની વસ્તુઓને વહેંચી દેતા હતા. જોકે, બાદમાં પ્રિયંકાએ ખેતી કામ પોતાના હાથમાં લીધું ત્યારે તેણીએ વસ્તુઓેને પ્રૉસેસ કરવાની શરૂઆત કરી અને તેને બજાર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. બદ્રીદાસે જણાવ્યું કે ખેતીને પ્રૉસેસિંગ સાથે જોડવાનો વિચાર પ્રિયંકાનો છે.

Homemade pickle
Homemade pickle

આ અંગે પ્રિયંકા કહે છે કે, “એક વખત મારા ખેતરમાં હળદરનો ખૂબ સારો પાક થયો હતો. તમામ લોકોને વસ્તુઓ વહેંચી દેવા છતાંય હળદર વધી હતી. મેં કાચી હળદરનું અથાણું બનાવી દીધું હતું. જે પણ લોકો આ અથાણું ચાખતા હતી તેઓ ઑર્ડર આપતા હતા. ત્યારે મારા દિમાગમાં વિચાર આવ્યો કે અમે આ વસ્તુઓને પ્રૉસેસ કરીને વેચી શકીએ છીએ. હળદર બાદ મેં લસણ અને મરચાનું અથાણું બનાવ્યું હતું. એ પણ ફટાફટ વેચાઈ ગયું હતું અને અમારું પ્રૉસેસિંગનું કામ શરૂ થયું હતું.”

ઋતુ પ્રમાણે અને ઉપજ પ્રમાણે પ્રિયંકા આજે 25-30 પ્રકારની પ્રૉડક્ટ બનાવે છે. તમામ વસ્તુ સંગરુર ખાતેથી તેના ઘરના રસોડામાંથી જ પ્રૉસેસ થઈને આવે છે. તમામ વસ્તુઓ પ્રિયંકા પોતાના હાથે જ બનાવે છે. એટલે સુધી કે દાળ પણ તેણી ઘરે જ તૈયાર કરીને પોતાના હાથે જ પેક કરે છે.

પ્રિયંકા કહે છે કે તેણી મરચા, હળદર, લસણ, ગાજર, મૂળા, કારેલા, કેરી વગેરેમાંથી અથાણું, જામ, સૉસ અને જુવાર, બાજરો અને મકાઈમાંથી લોટ અને બિસ્કિટ બનાવે છે.

પ્રિયંકાએ ફૂડ પ્રૉસેસિંગની તાલિમ પણ મેળવી છે. આ અંગે પ્રિયંકાએ કહ્યું કે, “જ્યારે મને લાગ્યું કે પ્રૉસેસિંગમાં આગળ જવું જોઈએ ત્યારે મેં તેની તાલિમ લીધી હતી. તાલિમ વગર જ હું ઘણું બધુ બનાવી શકતી હતી પરંતુ વસ્તુઓમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાય રહે તે માટે તાલિમ જરૂરી છે. આ માટે મેં પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ફૂડ પ્રૉસેસિંગની તાલિમ મેળવી હતી.”

Organic food
Organic Food

આ દરમિયાન પ્રિયંકાએ મધમાખીના ઉછેરની પણ તાલિમ મેળવી હતી. જોકે, આ અંગે તેણે વધારે કામ નથી કર્યું. પ્રિયંકા કહે છે કે ચાર એકર જમીનમાં ખેતી કામ ઉપરાંત તેણીએ પોતાના બાળકોના અભ્યાસ પર પણ ધ્યાન આપવું પડે છે. આથી હાલ તેણી જેટલું છે એ સારું કેમ બને તેના પ્રયાસમાં રહે છે.

એટલું જ નહીં, પ્રિયંકાએ સંગરુર ખાતે ચાર પાંચ મહિલાઓને પણ રોજગારી આપી છે. આ મહિલાઓ દરેક ઋતુમાં કામ કરે છે. અને ક્યારેક જરૂર પડે તો તેણી વધારે મહિલાઓને પણ બોલાવે છે. તમામ કામ ઘર પર જ થાય છે. આથી મહિલાઓને પણ એક સુરક્ષિત વાતાવરણ મળે છે. પ્રિયંકા તેની સૌથી મોટી તાકાત તેણીની આ ટીમને ગણાવે છે. ક્યારેક કોઈ કારણથી પ્રિયંકા જો ખેતીમાં ધ્યાન નથી આપી શકતી તો આ મહિલાઓ કામ સંભાળી લે છે.

ગ્રાહકોની વાત કરીએ તો પ્રિયંકા કહે છે કે તેની આસપાસના લોકો જ વસ્તુઓ ખરીદી લે છે. આ ઉપરાંત તેણી ચાર છૂટક વેપારીઓને પોતાની વસ્તુ આપે છે. પ્રિયંકાના ઉત્પાદનોની હંમેશા માંગ રહે છે, લોકો તેની વસ્તુઓને ખૂબ પસંદ કરવાની સાથે સાથે વિશ્વાસ કરે છે. આ જ કારણે તેના પિતા બદ્રીદાસ આ વિસ્તારમાં ઓર્ગેનિક ખેતી માટે જાણીતા છે.

બદ્રીદાસ કહે છે કે “મારા જીવન માટે પેન્શન જ પૂરતું છે. મેં ક્યારેક પૈસા માટે ખેતી નથી કરી. મને ગર્વ છે કે મારી દીકરી જૈવિક રીતે ખેતી કરી રહી છે અને લોકોને શુદ્ધ વસ્તુઓ આપી રહી છે.”

પ્રિયંકા કહે છે કે, “મારા માટે આનંદની વાત છે કે વર્ષો પછી મરી આસપાસના લોકોને જૈવિક ખેતીનું મહત્ત્વ સમજાયું છે. એક દિવસ મને રેડીયો પર મારી કહાની જણાવવાનો મોકો મળ્યો હતો. જે બાદમાં લોકો મારા ખેતર પર જોવા માટે આવવા લાગ્યા હતા. હવે લોકોને સમજાયું છે કે તેમના ખેતરોની ખરાબ હાલત રસાયણોને કારણે થઈ છે.”

જમીન માટે જૈવિક પોષણ બનાવવા માટે પ્રિયંકા અને બદ્રીદાસ નજીકના ગામમાંથી છાણ અને ગૌમૂત્ર લે છે. આમાંથી જ ખાતર અને પેસ્ટિસાઇડ બનાવે છે. તેઓ પરાર પણ ક્યારેય નથી સળગાવતા. ખેતીમાંથી વધતા કચરાનો ઉપયોગ પણ તેઓ ખાતર બનાવવા માટે કરે છે. પ્રિયંકા કહે છે કે 10-12 વર્ષમાં તેની જમીન એટલી ફળદ્રુપ થઈ ગઈ છે કે તમામ પાક સારા થવા લાગ્યા છે.

ભવિષ્યમાં પ્રિયંકાનો વિચાર છે કે તેણી જૈવિક ખેતી અને શુદ્ધ ભોજન વિશે લોકોમાં જાગૃત્તિ ફેલાવે. પ્રિયંકાનો ઉદેશ્ય છે કે લોકો ઝેરમુક્ત ખેતી કરે જેનાથી આવનારી પેઢીને સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ મળે. પ્રિયંકા કહે છે કે, જો આજે આપણે આપણી આદતો નહીં બદલીએ તો આપણા બાળકોને વારસામાં શું આપીશું?

જો તમને આ કહાનીથી પ્રેરણા મળી છે તો તમે પ્રિયંકા ગુપ્તાનો 98552 34222 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon