ડૉક્ટર પ્રિતપાલ કૌર બત્રા, 2016ની બેચના IPS ઓફિસર છે. ડૉક્ટર પ્રિતપાલ કૌરનું પ્રથમ પોસ્ટિંગ નાગાલેન્ડના પૂર્વીય જિલ્લા ત્યુનસાંગ ખાતે થયું હતું. અહીં તેઓ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) તરીકે જોડાયા હતા. SDPO તરીકે જોડાયા બાદથી જ તેણીએ લોકોની સેવા અને ઉમદા કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરતા ડૉક્ટર કૌર કહે છે કે, “આ સ્થળ ખૂબ જ સુંદર હોવાની સાથે સાથે ત્યાંના લોકો ખૂબ જ માયાળું છે. હું 2018માં જ્યારે અહીં આવી ત્યારે મને બિલકુલ અજાણ્યું લાગ્યું ન હતું. હું બહારની હોવા છતાં તેઓએ મને એ વાતનો અહેસાસ થવા દીધો નથી. આ જ કારણે મને અહીંના લોકો માટે મારી નોકરીથી પર જઈને કંઈક બીજું કરવાની પ્રેરણા મળી હતી.” હાલ ડૉ. કૌર નોકલાક જિલ્લાના SP તરીકે ફરજ બજાવે છે.

શિક્ષણ અને ખેતી ક્ષેત્રમાં પોતાના સારા જ્ઞાનનો ઉપયોગ કરીને ડૉ. કૌર UPSC પાસ કરવા માંગતા ઉમેદવારોની મફતમાં કોચિંગ આપે છે. એટલું જ નહીં, પોતાના ખર્ચે આ લોકોને પુસ્તકો અને અભ્યાસનું બીજું મટિરિયલ પણ પૂરું પાડે છે. એટલું જ નહીં, જે લોકો વ્યસનના રવાડે ચડી ગયા હોય તેમને સમજાવે છે અને તેમને જૈવિક ખેતી તરફ વાળે છે.
ડૉક્ટર કૌરનું વતન હરિયાણાનું યમુનાનગર છે. તેમણે નાગા હિલ્સના વિવિધ સમુદાયોમાં ફેલાયેલી ડ્રગ્સ જેવી બદલીઓમાંથી લોકોને મુક્તિ અપાવવામાં તેમજ HIV-AIDS જેવા રોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં ખૂબ સારું કામ કર્યું છે.

પ્રથમ પોસ્ટિંગ
ત્યુનસાંગ ખાતે SDPO તરીકે પોતાના પ્રથમ પોસ્ટિંગ દરમિયાન ડૉક્ટર કૌરે જેલના કેદી, ગુનેગારો સાથે જ નહીં પરંતુ વિવિધ સ્કૂલો, ચર્ચ, વિદ્યાર્થી સંગઠનો અને સમાજ સેવી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહ્યા અને તેમને માર્ગદર્શન આપતા રહ્યા. અહીંના યુવાઓ સાથે મુલાકાત દરમિયાન તેમની ક્ષમતા જોઈને તેઓ મોહિત થઈ ગયા હતા અને તેમના માટે કંઈક કરવાનું નક્કી કર્યું હતું.
ડૉક્ટર કૌરને કોચિંગ ક્લાસનું સેટઅપ કરવામાં મદદ કરનાર ધ એક્સ્ટ્રા આસિસ્ટન્ટ કમિશનર (EAC) ઓરેન્થન કિકોન કહે છે કે, “ત્યુનસાંગ નાગાલેન્ડના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો છે. આ જિલ્લો રાજ્યના અન્ય વિસ્તારથી અલગ પડે છે. કારણ કે આ પહાડી વિસ્તાર છે. અહીં પહાડી વિસ્તારમાં તમને અનેક એવા યુવા મળશે જેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હશે પરંતુ યોગ્ય માર્ગદર્શન વગર તેઓ રાજ્ય કે પછી કેન્દ્રીય પરીક્ષાઓની તૈયારી કરી શકતા નથી. નાગાલેન્ડમાં સરકાર જ સૌથી મોટી નોકરીદાતા છે. અનેક યુવા માટે રાજ્ય સરકારમાં નોકરી મેળવવી એ ગરીબીમાંથી છૂટકારો મેળવવો તેમજ ડ્રગ્સની લતમાંથી છૂટવાનું માધ્યમ છે.”
ડૉક્ટર કૌરનો વિચાર હતો કે યુપીએસસી પરીક્ષા પાસ કરવા માંગતા યુવાઓ માટે કોચિંગ ક્લાસ શરૂ કરવા. આ કામમાં સ્થાનિક તંત્રએ તેમને ખૂબ મદદ કરી. સોશિયલ મીડિયા થકી આ અંગેની જાહેરાત કરવામાં આવી અને તેમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. એસ.પી. ભરત મરકદે આ માટે ડૉ. કૌરને ઓફિસના કોન્ફરન્સ રૂમનો કોચિંગ ક્લાસ તરીકે ઉપયોગ કરવાની છૂટ આપી. એટલું જ નહીં સ્ટડી મટિરિયલ ખરીદવા માટે નાણાકીય મદદ કરી.

ડૉક્ટર કૌરે નવ વિદ્યાર્થીઓ સાથે કોચિંગ ક્લાસ શરૂ કર્યાં હતાં. જે બાદમાં આ સંખ્યા વધીને 50 સુધી પહોંચી હતી. ડૉક્ટર કૌર પોતાના પગારના પૈસામાંથી વિદ્યાર્થીઓ માટે સાહિત્ય મંગાવતા હતા. સમય જતાં બીજા બે EAC કેવિથોતો અને મૌસુનેપ પણ ડૉક્ટર કૌર સાથે જોડાયા હતા. બંને એવા વિદ્યાર્થીઓને મદદ કરતા હતા જેઓ NPSC (નાગાલેન્ડ પબ્લિક સર્વિક કમિશન)ની પરીક્ષા પાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય.
ડૉક્ટર કૌરે જણાવ્યું કે, “કુલ 53 વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓએ નાગાલેન્ડ સીએમ સ્કોલરશીપ પરીક્ષા પાસ કરી છે. બીજા એવા પણ છે જેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની પરીક્ષા પાસ કરી છે. આમાંથી ઘણા આ વર્ષે યુપીએસસીની પરીક્ષા આપશે.”
ડૉક્ટર કૌરની બદલી ત્યુનસાંગ જિલ્લામાંથી નોકલાકના એસપી તરીકે બદલી થઈ ત્યારે પણ તેમણે પોતાની આ પ્રવૃત્તિ શરૂ રાખી હતી. ત્યુનસાંગ જિલ્લામાં ફ્રી કોંચિગ ક્લાસ ઉપરાંત ડૉક્ટર કૌર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે મળીને સ્થાનિક ખેડૂતો માટે પણ કામ કરતા હતા. તેઓ ખેડૂતોને જૈવિક ખેતી માટે સમજાવતા હતા, ખેતી માટે બિયારણ ક્યાંથી મેળવવું, તૈયાર પાકને ક્યાં અને કેવી રીતે વેચવો તે અંગે માર્ગદર્શન આપતા હતા.
ડૉક્ટર કૌરનું એક સાહસ એ પણ હતું કે તેણી સ્કૂલ અને કૉલેજોમાં ડ્રગ નશામુક્તિ અભિયાન ચલાવતા હતા. આ માટે તેઓ પોતાના મેડિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને વ્યસનીઓને સમજાવતા હતા અને તેમને વ્યસન છોડવામાં મદદ કરતા હતા. આ માટે જરૂરી સારવાર પણ કરતા હતા.
આ અંગે EAC ઓરેન્થન કહે છે કે, “ત્યુનસાંગ અને નોકલાક જિલ્લામાં HIV-AIDSના કેસ વધારે જોવા મળે છે. આ ઉપરાંત અહીં ડ્રગ વ્યસનીઓ પણ વધારે છે. ગત વર્ષે ઓગસ્ટમાં મને યાદી મળી હતી કે 74 બાળકો HIV પોઝિટિવ જન્મ્યા હતા. જેમાંથી મોટાભાગના અનાથ હતા. ડૉક્ટર કૌર આ બાળકોનું ધ્યાન રાખતા હતા. અમે આવા બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા. આ તો ડૉક્ટર કૌરના ઉમદા કામનું એકમાત્ર ઉદાહરણ છે.”

સારવાર અને કાઉન્સેલિંગથી પર કામ કર્યું
નોકલાક એ નાગાલેન્ડનો સૌથી નાનો જિલ્લો છે. અહીં મોટાભાગની વસ્તી નાગા આદીવાસી છે. ત્યુનસાંગની જેમ અહીં પણ સ્કૂલ, રસ્તા, હૉસ્પિટલ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. જાગૃતિના અભાવે અહીં યુવાઓ ડ્રગના રવાડે ચડે છે. અહીં HIV-AIDSના કેસ પણ આજ કારણે વધારે છે.
ડૉ. કૌર કહે છે કે, “પોલીસમાં હોવાથી અમે ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે અનેક દરોડાં કરીએ છીએ. પરંતુ પોલીસની સાથે સાથે ડૉક્ટર હોવાથી હું એક પગલું આગળ વિચારું છું. હું તેઓ આ બદીમાંથી છૂટે તે માટે તેમની સારવાર અને કાઉન્સેલિંગ વિશે વિચારું છું. નોકલાક આવ્યા બાદ મેં તેમના વિશે કંઈક વધારે કરવાનું નક્કી કર્યું. મેં તેમનું જીવનધોરણ અન ખાસ કરીને ખેતી સુધરે તે માટે પ્રયાસ શરું કર્યાં. કારણે કે નશામુક્તિ કેન્દ્રમાંથી બહાર આવ્યા બાદ ખેતી જ છે જે તેમને સારી કમાણી કરી આપશે અને તેઓ સારી રીતે જીવન જીવી શકશે.”
જેના પ્રયાસના ભાગરૂપે પોલીસે સપ્ટેમ્બર 2020માં આદિવાસી સંસ્થાઓ, ચર્ચો વગેરેની મદદથી અહીં શિબિરો યોજી હતી. જેમાં તેમણે જૈવિક ખેતી, મધુમાખી ઉછેર, વર્મી કમ્પોસ્ટ વિશે માહિતી આપી. આ શિબિરો એવા 120 લોકો માટે યોજવામાં આવી હતી જેઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા હતા અને જેમની સારવાર ચાલી રહી હતી. “જો 120માંથી ફક્ત 10 લોકોના દિમાગમાં પણ આ વાત ઉતરી જાય તો તેઓ ખેતી કરીને સારી કમાણી કરીને તેનું જીવન બદલી શકે છે,” તેમ ડૉક્ટર કૌર જણાવે છે.
નાગાલેન્ડના પૂર્વ ડીજીપી રુપીન શર્મા કહે છે કે, “ડૉક્ટર કૌર જમીનથી જોડાયેલા અધિકારી છે. તેઓ ખૂબ મહેનતું અધિકારી છે. તેણી પોતાની એનર્જી અને હકારાત્મક અભિગમનો ઉપયોગ લોકોની સમસ્યાનું સમાધાન લાવવા માટે કરે છે. આ જ કારણે ગુનાઓમાં પણ ઘટાડો થયો છે, લોકો પોલીસ અને કોર્ટનો સંપર્ક કરતા ઓછા થયા છે. ડ્રગ્સ મુક્તિ અભિયાન અને યુપીએસસી માટે કોચિંગ શરૂ કરવાના તેના પ્રયાસથી તેઓ ત્યાંના સમાજ સાથે જોડાયેલા રહે છે. આ જ કારણે ત્યાંના સ્થાનિકો તેમને ખૂબ માન આપે છે.”
મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK
આ પણ વાંચો: બનવું હતું IAS, હવે વણઝારાઓ માટે ‘દેવદૂત’ બની કામ કરે છે આ યુવતી