Search Icon
Nav Arrow
Mittal Patel
Mittal Patel

બનવું હતું IAS, હવે વણઝારાઓ માટે ‘દેવદૂત’ બની કામ કરે છે આ યુવતી

‘અપરાધી’ની ઓળખ ધરાવતી પ્રજાતિને હક અપાવવા કામ કરે છે આ યુવતી

IAS બનવાનું સપનું એકબાજુ મૂકીને વિચરતા વિમુક્ત વણઝારા જાતિના જીવનમાં પ્રકાશનું પૂંજ રેલાવનાર મિત્તલ પટેલ અનેક વર્ષોથી ‘અપરાધી’ કહીને તિરસ્કાર પામતા વણઝારાઓની જિંદગી સુધારવામાં લાગ્યા છે. તેમની કોશિશથી લાખો લોકોના જીવનમાં ઘણો જ સુધારો આવ્યો છે. મિત્તલ પટેલનો જન્મ ગુજરાતના મહેસાણાના શંખલપુર જિલ્લામાં થયો હતો. મિત્તલનું સપનું આઈએએસ બનવાનું હતું પરંતુ નસીબે તેને અલગ જ જગ્યાના મુકામે પહોંચાડ્યા હતાં.

જ્યારે તેઓ અમદાવાદમાં UPSC પરીક્ષાની તૈયારીઓ કરવા આવ્યા હતાં ત્યારે તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી જ પત્રકારત્વનો અભ્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમને જિંદગી બદલનારો અનુભવ થયો હતો. આ દરમિયાન શેરડીના ખેતરોમાં કામ કરતા મજૂરોના ઘરે પણ જવાનું થયું હતું.

“હું તેમની સાથે રહેવા માટે જ ગઈ હતી. મેં ત્યાં જઈને જે જોયું તેનાથી મને ખૂબ જ ધક્કો પહોંચ્યો હતો. તેમના તંબુઓ બ્લુ પ્લાસ્ટિકના બનેલા હતાં. જે સરખી રીતે ઉભા પણ રહી શકતા નહોતાં. કોન્ટ્રાક્ટર મારી સાથે વાત કરવા પણ તૈયાર નહોતો કારણકે તેને એવું હતું કે હું એક પત્રકાર છું. આ દરમિયાન મેં એક વ્યક્તિને જોયો જે કોન્ટ્રાક્ટર પાસે રડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, બે વ્યક્તિ આવીને તેની પત્નીને લઈ ગયા અને તેના બાળકને પણ રસ્તા પાસેની કાંટાળી ઝાડીમાં ફેંકી દીધું હતું.”

મિત્તલે તે દિવસના ધ્રુજાવનારા અનુભવને યાદ કર્યો અને કહ્યું કે, પછી હું એક મહિલા સાથે તંબુમાં રહી અને સવાર પડવાની રાહ જોવા લાગી. જ્યારે સવારે ઉઠીને તેને વધારે આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેને જાણવા મળ્યું કે, રાતની ઘટના બાબતે કોઈ જ ફરિયાદ દાખલ નથી થઈ અને જાણે કશું જ બન્યું નથી તે પ્રકારનું વાતાવરણ હતું. આ પછી તેમણે વિચરતી જાતી વિશે જ કામ કરવાનું નક્કી કર્યું અને અમદાવાદમાં જનપદ નામના એનજીઓમાં વોલેન્ટિયર તરીકે સેવા આપવાનું નક્કી કર્યુ હતું. જનપદ સાથે કામ કરતા જ તેને વણઝારા જેવું જીવન પસાર કરતી જાતીઓ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ હતી.

Criminal Tribal community
સોર્સ: ફેસબુક

મિત્તલે યાદ કરતા કહ્યું કે,’મને હજુ પણ યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે વાદીઓ અને મદારીઓ આવતા હતાં. તેઓ પોતાની કળાથી નાના બાળકો સહિત આબાલવૃદ્ધોનું મનોરંજન કરતા હતાં. પરંતુ લાંબા સમયથી આ લોકો જાહેરમાં આવ્યા જ નથી. તો પછી આ બધા ગયા ક્યાં?’

બસ અહીંથી જ તેમને વિચાર આવ્યો કે આ બધાને પડતી તકલીફો દૂર કરવા કશુંક તો કરવું જ જોઈએ.

મિત્તલના જણાવ્યા અનુસાર ભારતમાં આશરે 60 લાખ જેટલી વસ્તી એવી છે જે મુખ્ય પ્રવાહથી વંચિત રહ્યાં છે અને તેમાંથી મોટાભાગના લોકો એવા છે, જે હજુ પણ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે છે. જેમાં મદારીઓથી લઈને નાચતા-ગાતા બજાણીયાઓનો પણ સમાવેશ થાય છે. હજુ વર્ષો થયા પછી પણ તેમની સ્થિતિ જેવી હતી તેવી જ છે.

બ્રિટિશ રુલ સમયે ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ ઓફ 1871 અનુસાર 198 જાતિઓ એવી હતી જેમની ઓળખ ‘અપરાધીઓ’ તરીકે કરવામાં આવી હતી. જોકે, કાયદો ભલે બદલવામાં આવ્યો હોય અને સુધારાઓ થયા હોય પરંતુ આવી જાતિઓ હજુ પણ અસ્તિત્વમાં છે. જે પોતાની ઓળખ માટે સંઘર્ષ કરી રહી હોય. ભારતની વસ્તીના 10% લોકો હજુ એવા જ છે. જે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે અને પોતાનો હક મેળવવા માટે ઝઝૂમી રહ્યાં છે.

મિત્તલની આ જિજ્ઞાસા અને હક અપાવવાનું ઝનૂન સુરેન્દ્રનગરમાં ડફેર કમ્યુનિટી તરફ દોરી ગયું. લોકોએ મિત્તલને ત્યાં ન જવા માટે ખૂબ સમજાવી હતી કારણકે તેમની ઓળખ ‘અપરાધી’ તરીકેની હતી. પરંતુ મિત્તલ આ બધી વાતો અવગણીને પણ તેમને મળવા માટે ગયા હતાં. જ્યારે તેઓ સરપંચ સાથે વાત કરી રહ્યા હતાં તે દરમિયાન અચાનક જ તેમને છોકરાના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી મિત્તલે માતાને કહ્યું કે તે બાળકને દૂધ આપે.

જેના જવાબમાં માતાએ એવું કહ્યું. જે સાંભળીને મિત્તલના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને એ જ ઘડીએ તેણે આવી પ્રજાતિઓને મદદ કરવાનું નક્કી કર્યુ હતું. મિત્તલના જણાવ્યાનુસાર માતાએ કહ્યું કે,’મેં પોતે જ ઘણા દિવસોથી પેટમાં કશું જ નાખ્યું નથી, અને હવે હું મારા બાળકને કેવી રીતે ખવડાવી શકું?’

જે પછી મિત્તલે ડફેર કોમ્યુનિટીના લગ્ન અને તહેવારમાં હાજરી આપવાની શરુ કરી હતી. જેથી તેમની સંસ્કૃતિ વિશે ઉંડાણથી જાણી શકે અને તેમનો વિશ્વાસ પણ જીતી શકે. મિત્તલ ડફેર લોકોના લીડરને પણ મળી હતી. ધીમે ધીમે મિત્તલને આ પ્રજાતિની સમસ્યાઓ વિશે ખ્યાલ આવવા લાગ્યો અને એક પછી એક તેમને પડતી મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવવા લાગી અને કામ કરવા લાગી હતી.

મિત્તલે જણાવ્યું કે,’કોઈપણ સરકારે અત્યાર સુધી આવી પ્રજાતિઓ પ્રત્યે કોઈ જ ધ્યાન આપ્યું નથી. તેમની સમસ્યાઓ જેટલી બહારથી લાગે છે એના કરતા ક્યાંય વધુ અંદરથી ઉંડી અને મુશ્કેલ છે.’ જે પછીથી મિત્તલે જ આ પ્રજાતિને પડતી મુશ્કેલીઓના ઉપાય વિચારવાનું નક્કી કર્યુ હતું. વર્ષ 2006માં મિત્તલે વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)ની સ્થાપના કરી અને વિચરતી જાતિઓને તેમનો હક અપાવવા માટે કામ કરવાનું શરુ કર્યું.

Criminal Tribal Community
સોર્સ: ફેસબુક

મિત્તલે જણાવ્યું કે,’તેમની રહેણીકરણી જ એવી છે કે, તેમની પાસે કોઈ એક નિશ્ચિત સરનામું હોતું જ નથી. જેથી તેમની પાસેથી કોઈ ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા ખૂબ જ મુશ્કેલીભર્યું છે. અમે આશરે 60.000 લોકોને વોટર આઈડી કાર્ડ અપાવ્યા છે અને હજુ પણ ભવિષ્યમાં આ આંકડો વધુ મોટો થાય તેવી આશા રાખી રહ્યાં છીએ.’

VSSMની આ ઉપલબ્ધિ તો માત્ર શરુઆત જ હતી. રાજ્ય સરકાર પણ હવે આવી પ્રજાતિઓની ઓળખ ધીમે ધીમે કરી રહી હતી અને વસ્તી ગણતરી દરમિયાન તેમની જાણકારી પણ મેળવી રહી હતી. આ ઉપરાંત આશરે 1000 કરતા વધારે કુટુંબોને અલગ પ્લોટની ફાળવણી પણ કરવામાં આવી અને દરેક માટે રેશન કાર્ડ પણ બનાવીને આપવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત VSSMએ અત્યાર સુધીમાં અનેક કુટુંબોને કોઈપણ બિઝનેસ શરુ કરવા માટે તેમજ આવી પ્રજાતિઓમાંથી આત્મનિર્ભર બનાવા માટે વ્યાજ વગરની લોન અપાવવામાં મદદ કરી છે.

મિત્તલે જણાવ્યું હતું કે, ‘લોકો પણ આવી વિચરતી વિમુક્ત જાતિ પ્રત્યે થોડા લાગણીશીલ બને અને તેમના વિશે વિચારતા થાય અને તેમને પણ આદર અને માન આપે એવો અમારો પ્રયાસ છે. દુર્ભાગ્યે હજુ પણ કેટલાક વિસ્તારોમાં આવી પ્રજાતિની ઓળખ ‘અપરાધી’ તરીકે જ થાય છે તે કમનસીબી છે.’

VSSM જે કામ કરી રહ્યું છે. તેમાં અગણિત પડકારો પણ રહેલા છે. મિત્તલે આવી પ્રજાતિઓની સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવતી મદદ સામે કેટલી મુશ્કેલીઓ છે તેના વિશે પણ વાત કરી હતી. સૌથી પહેલી સમસ્યા તો એ જ હતી કે આ જ પ્રજાતિમાંથી મોટાભાગના લોકો એવા હતા જે શિક્ષણના અભાવે તે સમજી જ નથી શકતા કે સરકાર તેમના માટે જ જે યોજનાઓ લાવી છે. તે કેટલી ફાયદાકારક છે. જોકે, મિત્તલને વિશ્વાસ છે કે, ધીરે ધીરે પણ VSSM પ્રજાતિઓ માટેનું તેમનું કામ સુપેરે પૂરું કરશે. જે એક ચોક્કસ અસર દર્શાવશે.

મિત્તલે એ પણ જણાવ્યું હતું કે,’હું જાણું છું કે અમે જે દિશા તરફ આગળ વધી રહ્યાં છે તે ધ્યેય રાતોરાત પૂરું થઈ જવાનું નથી. મારા માટે આ લોકો જ મારુ એક કુટુંબ છે. હું તેમને અગણિત ખુશીઓ આપવા ઈચ્છું છું. VSSM આવા લોકો માટે કામ કરવા તેમજ તેમને હકો પ્રત્યે જાગૃત કરવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ મહત્વનું એ છે કે તેમના પણ કેટલાક સપનાઓ છે. જે પૂરા કરવા માટે અમે તેમને વધુ ને વધુ જાગૃત કરીએ.’

મૂળ લેખ: ANAKHA ARIKARA
આ પણ વાંચો:
આ મહિલાની હિંમતને સલામ: ગીરની પ્રથમ મહિલા ગાર્ડ જેણે 12 વર્ષમાં 1,000થી વધારે પ્રાણીઓને રેસ્ક્યૂ કર્યાં!

જો તમારી પણ આવી જ કોઇ હટકે કહાની હોય તો અમને જણાવો gujarati@thebetterindia.com પર

close-icon
_tbi-social-media__share-icon