દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નેહા ભાટિયાએ લગભગ ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય ક્ષેત્રમાં કામ કર્યું હતું. આ દરમિયાન તેણી અનેક ખેડૂત પરિવાર સાથે સંપર્કમાં આવી હતી. આ દરમિયાન નેહાને માલુમ પડ્યું કે આજનો ખેડૂત દેવાના ભારે નીચે દબાયેલો છે. જે બાદમાં તેણી માસ્ટર્સનો અભ્યાસ કરવા માટે લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ ખાતે ગઈ હતી. અહીં પણ તેણીએ સામજિક સંગઠનો સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આફ્રિકાના દેશમાં તેણીને ખેડૂતોની એવી જ સમસ્યા જોઈ હતી જેવી ભારતમાં હતી.
નેહાએ ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “હું કૃષિ ક્ષેત્રને સમજી રહી હતી. આ દરમિયાન મને માલુમ પડ્યું કે લોકોને પૌષ્ટિક ભોજન નથી મળી રહ્યું. મારા બે નજીકના મિત્રોનું કેન્સરને કારણે મોત થયું હતું. લંડનથી પરત આવ્યા બાદ હું આ અંગે સંશોધન કરવા લાગી હતી. આ દરમિયાન ખૂબ જ ગંભીર કહી શકાય તેવી વાતો સામે આવી હતી.”
નેહાએ જૈવિક અને રસાયણયુક્ત ખેતી વચ્ચેનો તફાવત સમજ્યો હતો. તેણીને માલુમ પડ્યું કે ખેડૂતો હવે પરંપરાગત ખેતીથી મોઢું ફેરવી રહ્યા છે અને તેઓ રસાયણયુક્ત ખેતી પર નિર્ભર થઈ ગયા છે.

આ રસાયણયુક્ત ખેતીએ ફક્ત આપણું ભોજન જ નહીં પરંતુ પાણી, જંગલ, જમીન વગેરેની ગુણવત્તા ઓછી કરી નાખી છે. આ જ કારણે લોકોના જીવનની ગુણવત્તા ખતમ થઈ રહી છે. આ સંશોધન દરમિયાન પુનીત ત્યાગી સાથે નેહાના લગ્ન થઈ ગયા હતા.
નેહા કહે છે કે, “નોઇડામાં અમારા પરિવારની જમીન છે. ત્યાં ખેતી થાય છે. આ જમીનને સ્થાનિક ખેડૂતને ભાડા પર આવી છે. વર્ષે ત્યાંથી અનાજ આવી જાય છે, બધા લોકો નોકરી કરી રહ્યા હોવાથી જમીન વિશે કોઈ નથી પૂછતું. હું જ્યારે પણ સ્વસ્થ ખાવા-પીવાની વાત કરું છું ત્યારે વાત ખેતી પર જ આવીને અટકે છે. જો સારું ઊગશે તો જ સારું ખાવા મળશે.”
જે બાદમાં નેહાએ પોતાની જમીન પર જવાનું નક્કી કર્યું. તપાસ કરી અને ત્યાં જાતે જ ખેતી નક્કી કરવાનું નક્કી કર્યું. આ નિર્ણયમાં પતિ પુનીતે પણ સાથ આપ્યો. નેહાએ અલગ અલગ સાત મહિના સુધી તાલિમ કોર્ષ કર્યાં, દેશમાં અનેક રાજ્યમાં જઈને જૈવિક ખેતીના નિષ્ણાતો વિશે જાણ્યું અને નોઈડા પોતાની જમીન પર પહોંચી ગઈ.
“મેં જ્યારે મારી જમીન પર કામ શરૂ કર્યું ત્યારે તે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. કોઈ સૂક્ષ્મ જીવ ન હતો. ખેતરમાં પક્ષીઓ પણ આવતા ન હતા. કારણ કે આટલા વર્ષોથી રાસાયણનો ઉપયોગ થતો હતો. મને એક વાત સારી રીતે સમજાઈ ગઈ હતી કે આ કામને હું પાર્ટ ટાઇમ ન કરી શકું, આ માટે સંપૂર્ણ સમર્પણ જરૂરી છે,” તેમ નેહાએ જણાવ્યું હતું.

નેહા અને પુનીતે વર્ષ 2017માં પ્રેડિગલ ફાર્મનો પાયો નાખ્યો હતો. પુનીત એ વખતે પોતાનો નોકરી કરી રહ્યો હતો, અને નેહા ખેતી સાથે જોડાઈ ગઈ હતી. બે ત્રણ ખેડૂતો સાથે મળીને નેહાએ તેના ખેતરમાં કામ શરૂ કર્યું હતું. તેમણે એવી રીતે ખેતી શરૂ કરી હતી જેનાથી બીજા ખેડૂતો પણ તેમાંથી શીખ મેળવે. આ માટે જ તેણી એક રોલ મૉડલ તૈયાર કરવા માંગતી હતી.
નેહાએ ખેતીમાં ત્રણ વસ્તુ શરૂ કરી:
1) જૈવિક ખેતી અન ખેડૂતોને તાલિમ
2) ઓપન ફાર્મ- તેણીના ગ્રાહકો ક્યારેય પણ તેના ખેતરમાં આવી શકે છે અને તેણી કેવી રીતે ખેતી કરે છે તે જાણી શકે છે.
3) તાલિમ કાર્યક્રમ: સ્કૂલના બાળકો અને તેમના પરિવારો માટે તેણીએ ખેતરીમાં ફાર્મ સ્કૂલ શરૂ કરી હતી.

આ દરમિયાન બસ છ મહિનામાં જ નેહાની મહેનત રંગ આવવા લાગી હતી. ખેતરમાં પહેલા ન જોવા મળતા નાના જીવો જોવા મળવા લાગ્યા હતા. નેહાએ ખેડૂતોને સમજાવ્યું કે એક કે બે પ્રકારની ખેતી ન કરવાની બદલે મિશ્ર ખેતી પર ધ્યાન આપો. 30-35 પ્રકારની શાકભાજી ઊગાડો. ગાય આધારિક જૈવિક ખેતી શરૂ કરો. ખેડૂતોને પણ ધીમે ધીમે તેણીની વાતોમાં વિશ્વાસ બેસવા લાગ્યો હતો.
લગભગ એક વર્ષ પછી જ્યારે ખેતરમાંથી ઉપજ મળવા લાગી ત્યારે નેહાએ તેના નજીકના તેમજ પરિચિત તમામ લોકોને ખેતર પર બોલાવ્યા હતા અને તમામને જૈવિક વસ્તુઓનો સ્વાદ ચખાડ્યો હતો. સાથે જ નેહાએ લોકોને એવું સમજાવ્યું હતું કે બાળકોને ખેતી સાથે જોડવા ખૂબ જ જરૂરી છે. કારણે આવતીકાલ તો તેઓ જ નક્કી કરવાના છે. જો બાળપણથી જ બાળકોને સ્વસ્થ ખાવાનું સમજાવશો તો તેનો વિકાસ યોગ્ય રીતે થશે. હવે અનેક લોકો નેહાના ખેતર પર તેના બાળકોને મોકલે છે. નેહા તેને બીજ વાવવાથી લઈને તમામ પ્રક્રિયા વિશે સારી રીતે સમજ આપે છે. આ ઉપરાંત અનેક જગ્યાએ તેણી પોતે લેક્ચર લેવા માટે જાય છે.

ખેતી શરૂ કરવાના લગભગ એક વર્ષ બાદ પુનીતે પોતાની નોકરી છોડીને સંપૂર્ણ રીતે ખેતી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતાની ખેતીની ઉપજને શહેરમાં ભરાતા માર્કેટમાં લઈને જતા હતા. અમુક લોકો તેની પાથેથી સીધી જ ખરીદી કરતા હતા. જોકે, આ ગ્રાહકો બનાવવા બિલકુલ સરળ કામ ન હતું.
“ગ્રાહકોને જૈવિક વસ્તુઓ વેચીને તેમને તેમના વિશે સમજાવવું પડતું હતું. આજના સમયમાં બધુ મળે છે પરંતુ તે ખાવાલાયક નથી હોતું તેવું તેમને સમજાવવું પડે છે. અમે ઋતુ પ્રમાણે વસ્તુઓ ઊગાડીએ છીએ. અનેક વખતે લોકો અમારી શાકભાજીના કદ અને રંગ વિશે ફરિયાદ કરે છે. અમારે તેમને સમજાવવું પડે છે કે આ વસ્તુ પ્રકૃતિમાંથી તૈયાર થાય છે. પ્રકૃતિમાંથી તૈયાર થતી વસ્તીઓનો આકાર અને રંગ આપણે ન નક્કી કરી શકીએ,” તેમ તેમણે જણાવ્યું હતું.

નોઇડામાં સફળતા મળ્યાં બાદ નેહા અને પુનીતે મુઝ્ઝફરનગર પાસે અને ઉત્તરાખંડના ભીમતાલ પાસે ફાર્મ શરૂ કર્યું છે. અહીં પણે તેમણે ખેડૂતોને તાલિમ આપીને આ જ મૉડલ વિકસાવ્યું છે. આજે 25 ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે અને સારી એવી ઉપજ મેળવી રહ્યા છે.
લૉકડાઉન દરમિયાન અનેક લોકો નેહા સાથે જોડાયા હતા. પહેલા તેઓ જૈવિક બજારો પર નિર્ભર રહેતા હતા. કોરોનાએ લોકોને જૈવિક શાકભાજીનું મહત્ત્વ સમજાવી દીધું હતું. આથી અનેક લોકો હવે સીધા જ નેહા પાસેથી ખરીદી કરવા લાગ્યા હતા.
નેહા કહે છે કે હજુ પણ તેના રસ્તામાં અનેક પડકારો છે. આ દરમિયાન નેહા નાનાં નાનાં ખેડૂતોને મદદ પણ કરે છે. તેમને જૈવિક ખેતી કેવી રીતે કરવી તેનાથી લઈને માર્કેટિંગ કેવી રીતે કરવું તે સમજાવે છે.

નેહા કહે છે કે, “અમે કોઈને ખોટું નથી કહેતા. જો કોઈને એવું લાગે છે કે પ્રથમ વર્ષથી જ નફો થવા લાગશે તો એવું નથી. અમારા કેસમાં એક સારી વાત એ હતી કે અમારી પોતાની જમીન હતી, છતાં અમે નાના પાયે શરૂઆત કરી હતી. હું તમામને એ જ સલાહ આપું છું કે નાના પાયે શરૂ કરો. અનુભવ મેળવતા જાઓ અને પછી આગળ વધો.”
અંતમાં નેહા અને પુનીતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકોએ રસાયણમુક્ત ઊગાડવા અંગે ધીમે ધીમે વિચાર કરવો જોઈએ. તમે ભલે પોતાના ઘરે થોડું જ ઊગાડો પરંતુ એક વખત પ્રયાસ જરૂર કરો. તમને સારું લાગશે અને એવો અનુભવ પણ થશે કે ખેડૂત કેટલી મહેનત કરે છે. તમને અહેસાસ થશે કે ખેડૂત કેટલી મહેનત કરે છે છતાં બજારમાં તેનો સારો ભાવ નથી મળતો. તમે સકારાત્મક બદલાવનો અનુભવ કરશો અને પોતાની જાતને પ્રકૃતિથી નજીક પામશો.
જો તમે પુનીત અને નેહા સાથે સંપર્ક કરવા માંગો છો તો તેમની વેબસાઇટ પર ક્લિક કરો કે પછી તેમને ફેસબુક પર મેસેજ કરી શકો છો.
આ પણ વાંચો: Infosysની નોકરી જતાં શરૂ કરી ખેતી, ઉજ્જડ જમીનમાં ઉગાડ્યાં ફળો-ચંદનનાં 8000 ઝાડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.