કોવિડ 19 ના કારણે હજી સુધી શાળાઓ ચાલુ નથી થઈ. શાળાના વર્ગો અને મેદાનો સૂનાં પડ્યાં છે ત્યાં શિક્ષકો વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા પરિશ્રમ કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની શ્રી નવાગામ થાન પ્રાથમિક શાળાની . 1 થી 8 ધોરણ સુધીની આ શાળામાં 645 વિદ્યાર્થીઓ છો અને 17 શિક્ષકો છે. શાળામાં 20 વર્ગો તો છે જ, સાથે-સાથે શાળા પાસે 14 વિઘાનું વિશાળ મેદાન છે. જેમાં અત્યાર સુધીમાં શિક્ષકો વિવિધ ઝાડ અને ઔષધીઓ વાવતા હતા.
લૉકડાઉન દરમિયાન સમય મળતાં શિક્ષકોએ આ સમયનો સદઉપયોગ કરવાનું વિચાર્યું. ફેસબુકમાં બીજી કેટલીક શાળાઓના કિચન ગાર્ડનિંગ વિશે જાણી શાળાના શિક્ષક રાયજાની સૈયદ અને તેજસ ભારડે તેમની શાળામાં પણ કિચન ગાર્ડન બનાવવાનું વિચાર્યું.

આ અંગે વાત કરતાં તેજસભાઇએ કહ્યું, “સરકાર દ્વારા બાળકોને પોષણ મળે એ માટે મધ્યાહન ભોજન આપવામાં આવે છે. પરંતુ મોંઘવારીના સમયમાં તેના માટે મળતા પૈસામાંથી પૂરતાં શાકભાજી આવી શકતાં નથી. તેથી અમે વિચાર્યું કે, શાળાની જ જમીનમાં એક ન્યૂટ્રિશન ગાર્ડન બનાવવામાં આવે તો ભરપૂર શાકભાજી અને ફળો મળે, જેનો સીધો ફાયદો બાળકોને થાય. બાળકોને પૌષ્ટિક ભોજન આપી શકાય, સાથે-સાથે બાળકોને પણ આમાં જોડાંતાં તેઓ પ્રકૃતિ સાથે જોડાય.”

ત્યારબાદ તેમણે આ અંગે શાળામાં છેલ્લા 5 વર્ષથી મધ્યાહન ભોજનનું કાર્ય કરતા મનસુખભાઇ અને તેમનાં પત્ની ટીનુબેનને કરી તો તેમણે રોપાઓ લાવવાથી લઈને ખાતર અને મજૂરી કામની જવાબદારી પોતાના માથે લઈ લીધી. અત્યારે તેમનો આખો પરિવાર આ કામમાં મદદ કરી રહ્યો છે. આ અંગે ગામલોકોને વાત કરતાં ખેડૂતોએ મનરેગા અંતર્ગત ખેતી લાયક માટી નાખી આપી, જમીનને ખેડી આપી અને માટીમાં છાણીયુ ખાતર પણ નાખવામાં આવ્યું. કિચન ગાર્ડન શરૂ કરવા માટે શાળાના શિક્ષકોથી લઈને ગામના વડીલોએ ફાળો આપ્યો અને હવે આ શાળા બની રહી છે બાળકો માટે નંદનવન સમાન.

હવે આ સુંદર કિચન ગાર્ડનમાં ગુલાબી રીંગણના 200 છોડ, ચોકલેટી રીંગણના 200 છોડ, તામેટાના 250 છોડ, કોબીજ અને ફ્લાવરના 200-200 છોડ, મરચાના 50 છોડ વાવવામાં આવ્યા. સાથે-સાથે મૂળા, ગુવાર, બીટ, લસણ, કોથમીર, મેથી, પાલક, લીંબુ, મીઠો લીમડો, દાડમ, જામફળ બધુ જ વાવવામાં આવ્યું છે.

મનસુખભાઇનો પરિવાર ત્યાં શ્રમદાન કરી રહ્યો છે તો શિક્ષકો પણ ખૂબજ મહેનત કરી રહ્યા છે. શાળાનો સમય સવારનો હોવા છતાં શિક્ષકો બપોરનું ટિફિન સાથે લઈને જ આવે છે અને સાંજે 4-5 વાગ્યા સુધી રોકાય છે અને બાળકોના સ્વાગત માટે ન્યૂટ્રિશન ગાર્ડન તૈયાર કરી રહ્યા છે. એટલું જ નહીં, આ કિચન ગાર્ડન માટે થઈ રહેલ ખર્ચનો તેઓ અકાઉન્ટ મેનેજર એપમાં હિસાબ પણ રાખે છે. અને જો કોઇ શિક્ષકને શાકભાજી જોઇએ તો તેમાં બજાર ભાવ પ્રમાણે પૈસા આપીને જ શાકભાજી ખરીદે છે.
આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રાયજાની સાહેબે કહ્યું, “અમારી શાળામાં જગ્યા હતી એટલે આનો આનાથી વધુ સદઉપયોગ બીજો શું હોઇ શકે. સરકારે શાળા અને બાળકો માટે ભૌતિક સુવિધાઓ તો બધી જ આપી છે. શાળામાં કમ્પ્યૂટરથી લઈને આધુનિક લેબ સહિત બધુ જ છે. પરંતુ આજકાલ બાળકોમાં કુપોષણની સમસ્યા સતત વધી રહી છે અમારો આ પ્રયત્ન બહુ ફાયદો આપશે. બાળકોને પૌષ્ટિક ભોજન તો મળશે જ સાથે-સાથે પુસ્તકોમાં તસવીરો જોવાની જગ્યાએ બાળકોને પ્રકૃતિ સાથે સીધી ઓળખ કરાવી સકશું. હવે જ્યારે બાળકો આવશે શાળામાં ત્યારે તેમને ભોજનમાં આ જ શાકભાજી અને ફળો આપશું. અહીં ઉગાડેલ ઔષધિઓની ઓળખ કરાવશું અને તેમના ઉપયોગની સમજણ આપશું.”

હજી શાળાઓ ક્યારે શરૂ થશે એ કઈં નક્કી નથી. એટલે ત્યાં સુધી આ શાકભાજીનું શું કરવું એ પણ બહુ મોટો સવાલ હતો. તો આમાં એડ્યુકેશન ઈનોવેશન બેન્ક અને FOUNDATION FOR AUGMENTING INNOVATION AND RESEARCH IN EDUCATION (FAIR-E) ના સંકેતભાઇ સાવલિયા સાથે વાત કરતાં તેમણે બહુ સરસ ઉપાય આપ્યો. હવે જ્યાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી આ ફળો-શાકભાજી શાળા દ્વારા ગામની ગર્ભવતી મહિલાઓ અને એ વૃદ્ધોને આપવામાં આવશે, જેઓ એકલા રહે છે. જેથી તેમને પણ પૂરતું પોષણ મળતું રહે.
આ બધાં શાકભાજીનું ઉત્પાદન તો શરૂ થઈ જ ગયું છે ત્યાં હવે આ શિક્ષકો હવે એવાં શાકભાજી વાવવાનું શરૂ કરવા ઇચ્છે છે, જે આ વિસ્તારનાં બાળકોએ જોઇ ન હોય. જેમકે બ્રોકોલી, કેપ્સિકમ વેગેરે, જેથી આ બાળકોને નવાં શાકભાજી ખાવા પણ મળે. આ વિસ્તારમાં ક્યાંય બીટના છોડ જોવા નથી મળતા ત્યાં તેમણે બીટ પણ ઉગાડ્યાં છે. તો કેટલીક નવી-નવી ઔષધીઓ પણ વાવવા ઇચ્છે છે. આ માટે તેમણે ગુજરાત મેડિશનલ બોર્ડમાં પણ અરજી કરી છે, જેથી તેમની મદદથી વધુ ઔષધીઓને ઉગાડી શકાય અને તેનું સંવર્ધન કરી શકાય છે.

ગાર્ડનિંગ સિવાય વાત કરીએ તો, આ શિક્ષકોએ આ કોરોના સમયનો બીજો પણ ઘણો સદઉપયોગ કર્યો છે. તેમણે જાતે શાળામાં રંગ-રોગાન કર્યું, શાળાની પાટલીઓને રંગી ઉપર સુંદર ચિત્રો દોર્યાં જેથી બાળકો શાળામાં આવે એટલે તેઓ ખુશ થાય, ભણવામાં તેમનો રસ અને ઉત્સાહ જાગે.

ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે આપણા દેશના આવા ગુરૂજનોને. જો તમે પણ આવું કઈંક કરવા ઇચ્છતા હોય અને તેમની સાથે વાત કરવા ઇચ્છતા હોય તો તેમના ફેસબુક પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ગોંડલમાં આ એન્જિનિયર યુવાને ગાયો માટે બનાવી નંદનવન જેવી ગૌશાળા, વર્ષે થાય છે લાખોની કમાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.