Search Icon
Nav Arrow
Gaushala
Gaushala

ગોંડલમાં આ એન્જિનિયર યુવાને ગાયો માટે બનાવી નંદનવન જેવી ગૌશાળા, વર્ષે થાય છે લાખોની કમાણી

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કૉલેજમાં સિવિલમાં માસ્ટર્સ કર્યા બાદ શરદભાઈ ગજેરાએ રાજકોટમાં 8 વર્ષ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી, પરંતુ હંમેશાંથી તેમને ગૌસેવા કરવાની ઇચ્છા રહેતી.

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કૉલેજમાં સિવિલમાં માસ્ટર્સ કર્યા બાદ શરદભાઈ ગજેરાએ રાજકોટમાં 8 વર્ષ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી, પરંતુ હંમેશાંથી તેમને ગૌસેવા કરવાની ઇચ્છા રહેતી.

શરદભાઇ ભણતા ત્યારથી જ તેમને બહારના વાંચનનો બહુ શોખ હતો. જેથી તેમણે વેદોની સાથે-સાથે વિજ્ઞાન અંગે પણ બહુ વાંચ્યું અને ગાય પ્રત્યેની તેમની દિલચસ્પી સતત વધતી જ રહી. ગૌસેવાના ફાયદા, ગાયના દૂધના ફાયદા અને ગૌમૂત્ર તેમજ અન્ય વસ્તુઓના ફાયદા વિશે પણ તેમણે જાણ્યું. આપણા સમાજમાં સમાજમાં ગાયને માન છે પરંતુ જો તેની વાછરડી જન્મે તો લોકો તેને સાચવે પરંતુ વાછરડો જન્મે તો તેતે હડધૂતે. તો બીજી તરફ ગાય દૂધ આપે ત્યાં જ સુધી તેને રાખે પછી તેને કાઢી મૂકે, આ જોઇ શરદભાઇને બહુ દુ:ખ થતું.

Sharadbhai Gajera
Sharadbhai with wife Urvashi and son

આ ઉપરાંત શરદભાઇના પિતાને ડાયાબિટિસ હતો એટલે તેમના સ્વાસ્થ્ય માટે પણ શરદભાઇએ ઘરમાં એક ગાય રાખી હતી. નોકરી કરતા હતા આ દરમિયાન જ શરદભાઇએ નાના પાયે ગૌશાળા બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે શરુઆત બે ગાયથી કરી હતી અને ધીરે-ધીરે તેમાં વધારો કરતા રહ્યા. ત્યારબાદ જૂન, 2019 માં તેમણે કૉલેજમાંથી રાજીનામુ આપ્યું અને અત્યારે તેમનો સંપૂર્ણ સમય ગૌશાળામાં જ આપી રહ્યા છે.

શરદભાઇના સસરા દામજીભાઇ શાળામાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્તિ બાદ સંપૂર્ણ સમય અહીં ગૌશાળામાં જ આપે છે. ઉપરાંત શરદભાઇનાં પત્ની ઉર્વશી બેન પણ પણ ગૌશાળાનાં બધાં જ કામ જાતે કરે છે. તેમનો દીકરો પણ ગાયો અને વાછરડાંને ખૂબજ સાચવે છે. તો ગાયોને દોવા માટે શરદભાઇએ એક ગોવાળ રાખ્યો છે.

Gujarat

શરદભાઇની ઉંમર અત્યારે 36 વર્ષ છે. આટલી નાની ઉંમરે એન્જિનિયર યુવાનનો ગૌસેવામાં અદમ્ય રસ છે. ગોંડલમાં આવેલ શરદભાઇની ગૌશાળામાં અત્યારે નાની-મોટી 36 ગીર ગાયો છે. આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં શરદભાઇ જણાવે છે, “જેમ આપણા ઘરના સભ્યોનાં નામ હોય છે એમજ અમે ગાયોનાં અને વાછરડાંનાં પણ નામ રાખ્યાં છે અને તેમને તેમના નામથી જ બોલાવીએ છીએ. અને માયાથી બંધાયેલ ગાયો તેમનું નામ સાંભળતાં જ દોડી પણ આવે છે. મોટાભાગે વાછરડો જન્મે તો લોકો તેને બહાર મૂકી દે છે, જ્યારે અમારી ગૌશાળામાં 11 વાછરડા છે, અને તેમની પણ અમે પ્રેમથી દેખભાળ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમારા ત્યાં એક ગાય અને એક વાછરડાનું કુદરતી મૃત્યુ થયું તો અમારી ગૌશાળાની બાજુમાં જ અમે સન્માનપૂર્વક વિધિ-વિધાનથી તેમને સમાધી પણ આપી.”

Sharadbhai Gajera

ગાયોના સંવર્ધન માટે તેઓ ખાસ ઇથનો વેટનરીનું ભણ્યા પણ છે. ગાયને વાછરડું જન્મે તેના 7 દિવસ સુધી વાછરડા અને ગાયને સાથે જ રાખવામાં આવે છે, જેથી ગાયનું શરૂઆતનું ધાવણ માત્ર તેના વાછરડાને જ મળે. વિજ્ઞાન અનુસાર આ ધાવણ એટલું બધુ પૌષ્ટિક હોય છે કે, પછી મોટા થયા બાદ તેને માત્ર સૂકું ઘાસ મળે તો પણ ગાય સ્વસ્થ રહે છે. ત્યારબાદ ત્રણ મહિના સુધી ગાયના બે આંચળનું દૂધ તેના વાછરડાને જ આપવામાં આવે છે, જેથી વાછરડાનો પૂરતો શારીરિક વિકાસ થાય.

ગાયના વિકાસની વાત કરતાં શરદભાઇ જણાવે છે, “ગાયના પૌષ્ટિક દૂધ માટે અને તેના સારા સ્વાસ્થ્ય માટે ચૂનાનું પાણી સિંધવ મીઠું, ચૂનાનું પાણી અને ગોળ બહુ મહત્વનો છે. એટલે અમે અઠવાડિયામાં એકવાર ગાયને ચૂનાનું પાણી અને ગોળ આપીએ છીએ. ઉપરાંત સિંધવ મીઠાના ગાંગડા મૂક્યા છે એટલે ગાયને જ્યારે ઇચ્છા થાય ત્યારે ચાટી લે. આ સિવાય અમે ગાયને કાળી જીરી, અજમો, હળદર, ઈંદ્ર જવ વગેરે રોજ સવાર-સાંજ આપીએ છીએ. આ ઉપરાંત જેઠીમધ, અશ્વગંધા અને શતાવરીનો પાવડર પણ ખવડાવીએ છીએ જેથી ગાયનું સ્વાસ્થ્ય સારું રહે.”

Gaushala

શરદભાઇ ગાયોને લીલા ઘાસની સાથે-સાથે સાયલજ, ઝીંજવું ઘાસ, વીડીનું ઘાસ (જેમાં 18-20 સૂકાં ઘાસનું મિશ્રણ), મગફળીનો પાલો, કડબ, કઠોળના પાલા વગેરે ખવડાવે છે. જેથી ગાયોને પૂરતું પોષણ મળી રહે.

શરદભાઈની ગૌશાળામાં વાછરડાં ધાવી લે પછી જે દૂધ વધે એ દોયા બાદ શરદભાઇ વેચે છે. જે આસપાસથી આવી લોકો લઈ જાય છે.

Forest

આ ઉપરાંત શરદભાઇ ગાયના ગોબરમાંથી ધૂપ બત્તી બનાવે છે, જે પ્રયોશા ધૂપબત્તીના નામે પ્રચલિત છે. જેમાં લગભગ 30 પ્રકારની સર્ટિફાઇડ હવન સામગ્રી અને ગાયના ઘીનો ઉપયોગ કરે છે. આ બનાવતાં પહેલાં તેમણે બજારમાં મળતી બધી ધૂપ બત્તીનો અભ્યાસ કર્યો, રિસર્ચ પેપર વાંચ્યાં અને ઘણા લોકોને મળ્યા અને ત્યારબાદ લોકોને ફાયદો આપે એવી ધૂપબત્તી બનાવી. આ માટે શરદભાઇ આદિવાસી વિસ્તારોમાં રહેતા જૂના વૈધોને પણ મળ્યા અને તેમની સલાહ લીધી. આ ઉપરાંત તેઓ વૈધ મિત્રોની સલાહ અનુસાર ગૌમૂત્ર અર્ક પણ બનાવે છે. જેમાં સાદો અર્ક, તુલસી અર્ક અને ઠંડો અર્ક એમ ત્રણ પ્રકારનો અર્ક બનાવે છે.

Dhupbatti

શરદભાઇની આ ગૌશાળામાં આસપાસથી ઘણા પ્રવાસીઓ પણ આવે છે અને તેમનું મન અહીં આવીને પ્રફુલ્લિત થઈ જાય છે. શરદભાઇ ગૌશાળામાં ગાયોને બાંધીને નથી રાખતા. ગાયો મોકળા મને હરી-ફરી શકે છે. તેથી જ આસપાસની શાળાઓવાળા પણ બાળકોને લઈને અહીં આવે છે અને બાળકોને કુદરતના સૌંદર્ય અને પ્રાણીપ્રેમના પાઠ શીખવાડે છે.

આ ઉપરાંત શરદભાઇએ તેમના 16 વિઘાના ખેતરમાં આખુ જંગલ ઊભુ કર્યું છે. જેમાં તેમણે વડ, પીપળા, વાય વરણો, સીસમ, પુત્રી જીવી, ખેર, બહેડા, સીમડા, ગુંદા, કરમા, આંબા, જાસૂદ, પારિજાત વગેરે 60-70 ઝાડ છે. આ સિવાય તેમણે 1400 દાડમ અને 1400 સરગવાનાં ઝાડ પણ વાવ્યાં છે. જેમાં જરા પણ રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ તેઓ નથી કરતા. માત્ર છાણિયા ખાતરનો જ ઉપયોગ કરે છે. શરદભાઇના જણાવ્યા અનુસાર, એકવાર આ બધાં ઝાડ મોટાં થઈ જાય પછી તેઓ ગાયોને પણ અહીં એકદમ ખુલ્લી જ ફરતી મૂકશે, જેથી તેમને પણ વધારે મોકળાશ મળે.

Gau-seva

અત્યારે શિયાળામાં તેમની ગૌશાળાની આસપાસ ઘણાં ભાગ્યે જોવા મળતાં હોય તેવાં પક્ષીઓ, પાટલા ગો, નોટિયા, ઘુવડ, ધામણ વગેરે જોવા મળે છે, જેના કારણે આપણને તેમનું ખેતર એક નાનકડા જંગલ જેવું લાગે.

આ સિવાય શરદભાઇ જેને પણ ઘરે સરગવો વાવવો હોય અને સરગવાનાં બીજ જોઇતાં હોય તેના ઘરે માત્ર કૂરિયરના પૈસા લઈને મોકલે છે. આ અંગે વાત કરતાં શરદભાઇએ કહ્યું, “સરગવો અલગ-અલગ ભાષામાં અલગ-અલગ નામે ઓળખાય છે અને અંગ્રેજીમાં તો લોકો તેને મિરેકલ ટ્રી તરીકે પણ ઓળખાય છે. આ રીતે લોકો વાવે તો લોકોમાં પોષણની ઊણપ ઓછી થાય. આ માટે રાજકોટ સ્પીપાના ડિરેક્ટર શૈલેશભાઇ વેકરિયાએ તેમને ફોન કરી ખાસ અભિનંદન આપ્યાં હતાં. તેમના આ કાર્યથી ગુજરાતભરમાં ઘણી જગ્યાઓએ સરગવાનાં ઝાડ લોકોએ વાવ્યાં.”

Sharadbhai Gajera

ભવિષ્યમાં શરદભાઇ અહીં એક ગૌ કાફે બનાવવાનું વિચારે છે. જમીનથી 15 ફૂટ ઊંચે જંગલને નિહાળતાં-નિહાળતાં લોકો ગાયના દૂધની ચા પાણી શકે.

શરદભાઇની આ ગૌશાળાની વાર્ષિક આવક લગભગ 10-12 લાખ છે, પરંતુ તેમાંથી અડધા રૂપિયા શરદભાઇ ગાયોના પોષય માટે જ ખર્ચી દે છે. જેથી તેમની ગૌશાળાની ગાયો એટલી સ્વસ્થ અને હુષ્ટ-પુષ્ટ હોય છે કે, આવનાર લોકો જોતા રહી જાય છે. 

જો તમને આ લેખમાંથી પ્રેરણા મળી હોય અને તમે આ અંગે વધુ જાણવા ઇચ્છતા હોય તો શરદભાઇ ગજેરાનો +91 99048 29278 પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: 3 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon