જમવાની પ્લેટનમાં શિમલા મરચા કે કેપ્સિકમ હોય તો સ્વાદ વધારે ચઢીયાતો બની જાય છે. શિમલા મરચા તમારી દરેક રેસિપીને ખાસ બનાવી દે છે. શિમલ મરચાનો ઉપયોગ આલૂ-શિમલા મરચાના શાકથી લઈને પાસ્તા, પિત્ઝા, જેવી કૉન્ટિનેન્ટલ ડિશિઝ બનાવવામાં થાય છે. વિટામિન A અને Cથી ભરપૂર શિમલા મરચા રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘર પર જ કેવી રીતે શિમલા મરચા ઊગાડી શકાય છે. લુધિયાણામાં રહેતી મોના ચોપડા કહે છે કે ખૂબ જ સરળ રીતે તમે ઘરે જ શિમલા મરચા ઊગાડી શકો છો.
મોનાએ ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, “મારા પિતા લુધિયાણા યુનિવર્સિટીમાં કામ કરતા હતા. તેમને ગાર્ડનિંગનો ખૂબ શોખ હતો. તેઓ કુંડા અને ખાલી પડેલી જગ્યામાં શાકભાજી ઊગાડતા હતા. મેં તેમની પાસેથી બાગકામ શીખ્યું છે.” આજે મોના આપણને ગાર્ડનમાં જ શિમલા મરચા ઊગાડવા અંગે જણાવી રહી છે.
શું શું જોઈએ:
મરચાના બી, કુંડું, પોન્ટિંગ મિક્સ વગેરે.
કેવી રીતે ઊગાડશો:
મોના કહે છે કે તમારા શિમલા મરચાના બી બહારથી ખરીદવાની જરૂર નથી. તમે બજારમાંથી જે શિમલા મરચા ખરીદીને ઘરે લાવો છો તેના બીમાંથી જ તમે ઘરે છોડ ઊગાડી શકો છો. બીને ઊગાડવા માટે બે રીત છે.

પ્રથમ રીત:
તમે શિમલા મરચાને બે ભાગમાં કાપી લો.
તમને ઉપરની બાજુમાં બી દેખાશે. આમાંથી અમુક બી તોડીને શિમલા મરચાની અંદર જ નાખી દો.
હવે શિમલા મરચામાં માટી ભરી દો. આને આશરે આઠથી દસ ઇંચના કુંડામાં લગાવી દો.
ઉપરથી માટી નાખીને તેને ઢાંકી દો.
જરૂર પ્રમાણે પાણી નાખતા રહો.
મોના કહે છે કે પાણી જરૂર હોય એટલું જ આપો કારણ કે વધારે પાણી પણ છોડને નુકસાન પહોંચોડી શકે છે. તમે માટીમાં આંગળી નાખીને તે ભીની છે કે નહીં તે તપાસી શકો છો. એક ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે શરૂઆતમાં તમારે કુંડાને એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં સીધો તડકો ન આવતો હોય એટલે કે જ્યાં થોડો તડકો આવતો હોય ત્યાં કુંડાને રાખી દો.
અંદાજે એક અઠવાડિયામાં બી અંકુરિત થવા લાગશે. છોડ તૈયાર થયા બાદ તેને બાલકની કે પછી છત પર રાખી શકો છો. જેમ જેમ છોડ મોટો થશે તેમ તેમ તેમાં ફૂલ આવવા લાગશે. બાદમાં તેમાં શિમલા મરચા આવશે. આ આખી પ્રક્રિયામાં લગભગ દોઢથી બે મહિનાનો સમય લાગે છે.

બીજી રીત:
શું શું જોઈએ: બે ટિશ્યૂ પેપર, એક ડબ્બો, બી, કુંડું વગેરે.
શિમલા મરચા ઊગાડવાની બીજી રીત ખૂબ જ સરળ છે. આને ફક્ત શિમલા મરચા જ નહીં પરંતુ ટામેટા વગેરે ઉગાડવા માટે પણ ઉપયોગ કરી શકો છો. આ રીતથી મોનાએ તાજેતરમાં જ ટામેટા ઊગાડ્યા છે. મોના કહે છે કે સૌપ્રથમ શિમલા મરચાને કાપીને તેમાંથી બી કાઢી લો.

હવે એક ડબ્બામાં એક ટિશ્યૂ પેપર રાખો અને તેના પર થોડું પાણી છાંટી દો.
પાણી સ્પ્રે કર્યા બાદ બીને તેમાં રાખી દો અને ઉપરથી ટિશ્યૂ પેપર વડે ઢાંકી દો. જે બાદમાં તેના પર સ્પ્રે કરો.
તમારે આ ડબ્બાને ઢાંકણથી બંધ કરી દેવાનો છે.
આશરે એક અઠવાડિયામાં બીમાંથી છોડ તૈયાર થવા લાગશે. જેને તમે સાવધાની પૂર્વક કોઈ કુંડામાં ટ્રાન્સફર કરી દો.
શિમલા મરચાના છોડને જીવજંતુથી બચાવવા માટે મોના કહે છે કે, “સૌથી ઉત્તમ રસ્તો એ છે કે તમે સાબુ કે ડિશવૉશનું પાણી છોડ પર છાંટી દો અથવા લીમડાના તેલનો પણ સ્પ્રે કરી શકો છો. અઠવાડિયામાં એક વખત આવો સ્પ્રે કરવાનો છે.”

આ સાથે જ મોના કહે છે કે છોડને યોગ્ય પોષણ મળે તે જરૂરી છે. “હું અવારનવાર ડુંગળી-કેળાના છોતરા, ચોખાનું પાણી અને કિચનનો બીજી જૈવિક કચરો છોડમાં ઉમેરું છું. ક્યારેક ક્યારેક પાણીમાં દૂધ મિશ્રિત કરીને આપું છું. જેમાં હાજર તત્વોથી છોડને યોગ્ય પોષણ મળી રહી છે.”
મોના કહે છે કે છોડ એક વખતમાં ચારથી પાંચ શિમલા મરચા આપે છે. શિમલા મરચા ઉપરાંત મોના ભીંડા, ટામેટા, કોબીજ, કારેલા, ધાણા પણ ઊગાડે છે. તો રાહ શેની જુઓ છો? તમે પણ ઘરે જ શિમલા મરચા ઊગાડવાનો પ્રયોગ કરી જુઓ.
મૂળ લેખ: Nisha Dagar (https://hindi.thebetterindia.com/52111/how-to-grow-capsicum-at-home-in-pot-mona-chopra-speaks-gardening-india/)
આ પણ વાંચો: ઘરે જ સરળતાથી ઉગાડો અજમાનો છોડ, શરદી-ખાંસી અને રોગપ્રતિકારક શક્તિ માટે છે કારગર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.