Search Icon
Nav Arrow
Engineer
Engineer

પ્લાસ્ટિકની નકામી બોટલોથી કુંડા, ડોગ શેલ્ટર અને શૌચાલય બનાવડાવી રહ્યો છે આ કબાડી એન્જિનિયર

વેસ્ટમાંથી બેસ્ટ, એન્જિનિયર યુવાનની અનોખી પહેલ, પ્લાસ્ટિકની નકામી બોટલોમાંથી શૌચાલયથી લઈને ડોગ શેલ્ટર જેવા બાંધકામ કરાવે છે

પ્લાસ્ટિક આજે પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર છે. હરિયાણામાં પ્લાસ્ટિકના ઉપયોગ સામે લડવા માટે અનોખી પહેલ કામ આવી રહી છે. અહીં પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ દિવાલના નિર્માણ કામમાં કરવામાં આવી રહ્યો છે.

હરિયાણાના હિસામાં રહેતા જતિન ગૌડે લગભગ બે વર્ષ પહેલા જ એન્જિનિયરિંગ પુરું કર્યું છે. જોકે કોર્સ દરમિયાન એક પેપર રોકાઈ ગયું હોવાથી કોઈ નોકરીમાં લાગી શક્યા નહોતા. પરંતુ બાદમાં તેમનું પેપર ક્લિયર થયું છતાં તેઓ ઘર પર જ હતા અને આ વાત તેમના સગા-સંબંધીઓ કે પરિવારને જ નહીં પોતાને પણ પરેશાન કરતી હતી. પરંતુ તેમને સમજાતું નહોતું કે શું કરવું?

જતિને ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે ઘણીવાર કોલેજ દરમિયાન સમાજ માટે કંઈક કરી છૂટવા અંગે ચર્ચા કરતા હતા. મારા એક મિત્ર યુથ અગેન્સ્ટ રેપ કેમ્પેન સાથે સંકળાયેલા છે અને હું આવું જ કંઈક વિચારતો હતો, જેથી મને ખુશી અને આત્મસંતોષ મળે. આ સમયે હું ઓનલાઈન ચેક કરતો હતો કે શું કરી શકાય? પર્યાવરણ સાથે સંકળાયેલી બાબતો પર આર્ટિકલ વગેરે વાંચતો હતો અને વિચારતો કે આપણી ચારેબાજુ દરેક વસ્તુમાં પ્લાસ્ટિકની હાજરી છે. પરંતુ આપણને દેખાતી નથી અને તેના કારણે પૃથ્વીનું અસ્તિત્વ જોખમમાં છે.

Plastic Bottle
Reuse of plastic bottle

જતિને કચરાના ઢગલાને એકઠો થતા રોકી શકે તે માટે ઈન્ટરનેટ પર અલગ-અલગ રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું. તેને સસ્ટેનેબિલિટીના ત્રણ Rના કોન્સેપ્ટ અંગે જાણવા મળ્યું. જેમાં પહેલો રિડ્યુઝ, રિયુઝ અને રિસાયકલ.

તેમણે આગળ કહ્યું આમ તો મને રિસાયક્લિંગનો કોન્સેપ્ટ સૌથી સારો લાગ્યો પણ મારી પાસે એટલા સાધન નહોતા કે, હું રિસાઈક્લિંગનું સેટઅપ કરી શકું. તે સમયે મને લાગ્યું કે મારે રિડ્યુઝ અને રિયુઝ પર ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી મેં પ્લાસ્ટિકને નાના સ્તર પર કેવી રીતે પહોંચી વળી શકાય અને એક દિવસ ઈન્ટરનેટ પર મેં ઈકો બ્રિક્સ અંગે વાંચ્યું.

Plastic Bottles

શું છે ઈકો બ્રિક?

પ્લાસ્ટિકની જૂની-નકામી બોટલોને ફેંકવાને બદલે તેમાં પ્લાસ્ટિકના રેપર જેવી ચિપ્સ વગેરેના પેકેટ્સ કે પોલિથિનને ભરીને તેનું ઢાંકણું બંધ કરી દે. આ બોટલોનો ઉપયોગ ઈંટોની જગ્યાએ બાંધકામમાં કરી શકાય છે. જેથી તેને ઈકો બ્રિક્સ કહે છે. કારણ કે તેનાથી આપણે પર્યાવરણ બચાવી રહ્યા છીએ.

જતિને આ કોન્સેપ્ટ અંગે વાંચ્યા અને સમજ્યા બાદ પોતાની આસપાસના લોકોનું નિરિક્ષણ કર્યું તો તેને સમજાયું કે ઘણાં લોકો શોખથી જ પ્લાસ્ટિક વેસ્ટનો ઉકેલ લાવે છે. જેમ કે તેના એક કાકા જુની પ્લાસ્ટિક બોટલોમાંથી પ્લાન્ટર બનાવે છે. વર્ટિકલ અને હૈંગિંગ ગાર્ડનમાં તેનો સારો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ તેણે ક્યાંય તેની આસપાસ ઈકો-બ્રિક્સનો ઉપયોગ થતો જોયો નહીં. એવામાં તેણે નિર્ણય કર્યો કે, તે લોકોને આ અંગે જાગૃત કરશે.

Engineer

તેમણે આગળ કહ્યું કે, મેં ઓનલાઈન વાંચ્યું કે, અમેરિકામાં ઈકો-બ્રિક્સથી સેંકડો સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી મેં પણ નિશ્ચય કર્યો કે, આ ક્ષેત્રમાં આગળ વધીશ અને હું પોતાની પ્લાસ્ટિક બોટલો એકઠી કરવાની શરૂઆત કરી. જેમાંથી અમુક બોટલો ભંગારમાંથી પણ ખરીદી અને એક બે લોકોને કામે લગાડી પ્લાસ્ટિક ભરવા માટે કહ્યું. આ કામ માટે મેં તેમને પ્રતિ બોટલ બે રૂપિયા આપ્યા.

પરંતુ જતિનનો આ આઇડિયા કામ ન લાગ્યો કારણ કે, એક તો તેમાં પૈસાનું રોકાણ હતું અને કમાણી થતી નહોતી. તેના પરિવારે પણ વધુ સહયોગ આપ્યો નહીં, કારણ કે તે આર્થિકરૂપથી આત્મનિર્ભર પણ નહોતા. તેના પિતાએ તેને કહ્યું કે, પહેલા તે પોતાના પગ પર ઉભા રહેવા અંગે વિચારે. જતિનને સમજાતું નહોતું કે શું કરવું?

પરંતુ કહે છેને કે જ્યાં ચાહ ત્યાં રાહ હોય છે. જતિને પોતાની પહેલ માટે પોતાનો રસ્તો જાતે તૈયાર કર્યો છે. તેમણે વિચાર્યું આજ નહીં આવતીકાલને પણ સંભાળનારા લોકો એટલે કે બાળકોથી જ શરૂઆત કરવાનો વિચાર કર્યો. તેમણે બાળકોને પહેલા પોતાની આ પહેલ સાથે જોડવાનું મન બનાવ્યું અને શરૂઆત એ સ્કૂલથી જ કરી જ્યાં પોતે ભણ્યા હતા. તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોને પોતાના અભિયાન અંગે જણાવ્યું જેથી પ્લાસ્ટિકના દૂષણને ફેલાતું રોકી શકાય.

Engineer

સ્કૂલમાં તેની વાતને સમજવામાં આવી અને તેમને બાળકો સાથે સેમિનાર કરવાની મંજૂરી મળી ગઈ. જતિને બાળકોને શીખવ્યું કે, કેવી રીતે ઈકો બ્રિક્સ બનાવવામાં આવે છે. તેમણે બાળકોને સમજાવ્યું હવેથી તેઓ કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક કે રેપર અથવા તો પોલિથિન વેગેરેને ફેંકશે નહીં. પરંતુ પોતાની આસપાસના જુની નકામી પ્લાસ્ટિકની બોટલોને એકઠી કરીને તેમાં ભરશે અને ઈકો બ્રિક્સ બનાવશે. ધીમે ધીમે વિદ્યાર્થીઓને આ કામમાં મજા આવવા લાગી અને જોત જોતામાં તેમને એક સ્કૂલમાંથી 700 ઈકો બ્રિક્સ મળી ગઈ.

આ ઈકો બ્રિક્સ દ્વારા તેમણે સ્કૂલમાં જ બાળકો પાસે કુંડા બનાવડાવ્યા અને એક મોટા વડના ઝાડ નીચે બચવા માટે બાઉન્ડ્રી પણ બનાવડાવી. અન્ય સામગ્રી જેમ કે સિમેન્ટ વગેરેનો ખર્ચ સ્કૂલે ઉપાડ્યો. એક સ્કૂલમાં આ રીતે ઈકો ફ્રેન્ડલી ગતિવિધિ જોઈને અન્ય સ્કૂલોએ પણ તેનો સંપર્ક કર્યો. તેઓ કહે છે કે, જેમ જેમ માંગ વધવા લાગી તો તેમણે શહેરના એક બે કાફે સાથે વાત કરી અને તેને પોતાના પ્લાસ્ટિક વેસ્ટ એટલે કે ખાલી બોટલો અને રેપર વગેરે આપવા માટે કહ્યું. કાફે આમપણ કચરો ઉપાડવા માટે કોર્પોરેશનને ફી ચૂકવે છે. તેમણે જ્યારે મારો કોન્સેપ્ટ સાંભળ્યો તો તેઓ માની ગયા અને મારા માટે બોટલોને અલગ રાખવા લાગ્યા. આ રીતે બોટલો એકઠી કરીને અને સ્કૂલના બાળકો પાસે ઈકો-બ્રિક બનાવીને અમે એક સ્કૂલમાં શૌચાલયની દીવાલ અને એક નાનું ડોગ શેલ્ટર બનાવ્યું.

એવું નથી કે સ્કૂલમાં બાળકો સાથે કામ કરવાનું સરળ રહ્યું પણ જ્યાં બાળકોને ગતિવિધિમાં મજા આવી રહી હતી ત્યાં તેના માતા-પિતાના વિરુદ્ધ હતા. અનેક બાળકોના વાલીઓ સ્કૂલ પહોંચ્યા અને આ ગતિવિધિ અંગે પૂછ્યું અને એમ પણ કહ્યું કે બાળકોનું ધ્યાન ભટકે છે. પરંતુ જતિન અને તેના શિક્ષકોએ તેને આ રીતના વિષયો અંગે સમજાવ્યું. આ અંગે વિસ્તારથી વાત કરી અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જો બાળકોને અત્યારથી જ પ્લાસ્ટિકની હાનિકારકતા અંગે જાણ હશે તો આગળ પોતાના જીવનમાં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપગોય કરવા અંગે વિચાર કરશે.

Engineer

આપણે બધાએ આ વાત સમજવાની જરૂર છે કે, બાળકોને જે સારી આદતો પડાવો છે તે જિંદગી ભર સાથે રહે છે. આ મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. બસ આપણે થોડું ધૈર્ય રાખવાની જરૂર છે.

કબાડી જી નામ આપ્યું આના દ્વારા જ તે ધીરે ધીરે હિસાર શહેરમાં બદલાવવા લાવવાના પ્રયાસો કરે છે. સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને જાગૃત કરી રહ્યાં છે.

લોકડાઉન પહેલા જતિને એક કોલેજ મેનેજમેન્ટ સાથે વાત કરીને કેમ્પસમાં ઈકો-બ્રિક્સથી એક કાફેટેરિયા બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો હતો. જેના પર થોડા સમય પહેલા જ કામ શરૂ કર્યું છે. જતિન કહે છે કે, એક બે મહિનામાં આ બનીને તૈયાર થઈ જશે.

હવે તેનો અન્ય સ્કૂલ-કોલેજ દ્વારા પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી આ રીતની ઝૂંબેશ દ્વારા તેમને ત્યાં નિર્માણ કાર્ય કરી શકે. જતિન કહે છે કે, તેમણે અન્ય શહેરોના લોકોને પણ પૂછે છે કે, શું તેઓ તેને આ રીતે ઈકો બ્રિક્સ બનાવીને મોકલી શકે છે. તેમનું માનવું છે કે, આ ઈકો બ્રિક કોન્સેપ્ટ ત્યારે જ સફળ થયો ગણાશે જ્યારે સ્થાનિક સ્તરે પ્લાસ્ટિકના કચરાને સારી રીતે મેનેજ કરવામાં આવે. તેઓ વધુમાં જણાવે છે કે, જો લોકો ટ્રાન્સપોર્ટ કરશે તો આ પ્રક્રિયા મોંઘી પડશે અને પછી પેકેજિંગ વગેરેમાં વેસ્ટ નીકળવા લાગશે.

આથી સારું એ જ છે કે, લોકો પોતાની આસપાસ એવા લોકોને શોધે જે ઈકો બ્રિક્સ પર કામ કરી રહ્યાં છે. જો કોઈ ન મળે તો કોઈ યુવાને પોતે જ પોતાના શહેરની જવાબદારી ઉઠાવવી જોઈએ. તેમાં કોઈ વધુ મહેનત નથી બસ તમારે તકો શોધવાની છે અને લોકોને જાગૃત કરવાના છે.

જતિન છેલ્લા બે વર્ષ આ કામ કરી રહ્યાં છે અને ધીમે ધીમે પોતાની ઝૂંબેશ લોકોમાં આગળ વધારી રહ્યાં છે. તેની સાથે સાથે આજીવિકા માટે તેઓ બાળકોને ટ્યૂશન આપે છે. જેનાથી તેમનો ખિસ્સા ખર્ચ નીકળી જાય છે. હાલ તેમના પ્રયાસો આ ક્ષેત્રમાં જ આગળ વધીને પોતાનો નવો માર્ગ શોધવાની દિશામાં ચાલે છે.
જેથી તેઓ પોતાની સાથે દેશ અને પર્યાવરણ માટે કંઈક કરી શકે,

જતિન ગૌડની આ પહેલ ખરેખર પ્રસંશનીય છે, કારણ કે અત્યાર સુધીમાં હજારો પ્લાસ્ટિકની બોટલો અને અન્ય હાનિકારક પ્લાસ્ટિક વેસ્ટને નદી-નાળા અને લેન્ડફિલ્ડમાં જવાથી રોકી ચૂક્યા છે. અમને આશા છે કે, તેમનાથી પ્રભાવિત થઈને અન્ય યુવાઓ પણ આગળ આવશે અને આ ઉમદા પહેલની ચેઈન બનાવવાનો પ્રયાસ કરશે.

જો હવે તમે તમારા હાથમાં એક પ્લાસ્ટિકની બોટલ પકડો તો વિચારજો કે તેનો ફેંકવા સિવાય શું શું ઉપયોગ કરી શકાય છે?

તમે જો આ પહેલ અંગે જાણવા માગતા હોય તો જતિન ગૌડનો 090531 22979 પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: છત્તીસગઢ: કુંભારે બનાવ્યો 24 કલાક સતત ચાલતો જાદુઇ દિવો, આખા દેશમાંથી આવ્યા ઓર્ડર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon