છત્તીસગઢમાં કોંડાગામના રહેવાસી શિલ્પકાર અશોક ચક્રધારીએ 24 થી 30 કલાક ચાલતો માટીનો દિવો બનાવ્યો છે, જેના માટે તાજેતરમાં જ તેમને નેશનલ મેરિટ અવૉર્ડ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા છે.
છત્તીસગઢનો બસ્તર સંભાગ વિવિધ વિદ્યાઓમાં પારંગત હુનરશાળીઓનું જાણીતું ક્ષેત્ર છે. સંભાગના કોંડાગાંમ જિલ્લામાં મસૌરા ગ્રામ પંચાયતના કુંભાર પરામાં રહેતા અશોક ચક્રધારીએ એક જાદુઇ દિવો બનાવ્યો છે, જેની માંગ આખા દેશભરમાંથી આવી છે. આ દિવાને ખરીદવા માટે દિલ્હી, મુંબઈ, ભોપાલ વગેરે જગ્યાઓથી આવવા લાગ્યા છે.
અશોક કાચી માટીને આકાર આપી બોલતી તસવીરો એટલે જે જીવંત મૂર્તીઓ બનાવે છે. બસ્તરના પારંપરિક શિલ્પ ઝિટકૂ-મિટકીના નામથી અશોકે કળા કેન્દ્ર બનાવ્યું છે. ગયા વર્ષે તેમની માટીની કળાથી પ્રભાવિત થઈને કેન્દ્રિય વસ્ત્ર મંત્રાલય દ્વારા તેમને મેરિટ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કર્યા હતા, તો આ વર્ષે અશોક દ્વારા બનાવેલ જાદુઇ દિવા આખા દેશમાં વેચાઇ રહ્યા છે. આ જાદુઇ દિવામાં તેલ સૂકાઇ ગયા બાદ તેલ તેની જાતે જ પૂરાઈ જાય છે અને દિવો સતત ચાલતો જ રહે છે.

કેમ આ દિવો ઓળખાય છે જાદુઇ દિવા તરીકે?
માટીના આ દિવાને બે ભાગમાં બનાવવામાં આવ્યો છે. તેના નીચેના ભાગને એક ગોળાકાર આધાર આપવામાં આવ્યો છે, જેમાં દિવેટ ભરાવવામાં આવે છે. બીજો ભાગ ચાની કિટલીની જેમ એક ગોળાકાર નાનકડી માટલીનું પાત્ર છે, જેમાં તેલ ભરવામાં આવે છે. તેમાંથી આ તેલ નીકળી શકે એ માટે માટીની નળી બનાવવામાં આવી છે. આ ગોળાકાર પાત્રમાં તેલ ભરી આધાર ઉપર ઊંધુ કરી સાંચા પર ફિટ કરવામાં આવે છે. આ દિવાને એ રીતે બનાવવામાં આવ્યો છે કે, તેલ ઓછું થાય એટલે તેલની ધારા તેની મેળે જ શરૂ થઈ જાય છે.
જાદુઇ દિવો બન્યો આવકનું સાધન
આ જાદુઇ દિવો અશોક માટે વરદાન સમાન સાબિત થઈ રહ્યા છે. દુનિયાભરથી તેમને ઓર્ડર મળવા લાગ્યા છે. તેઓ પહેલા રોજના 30 દિવા બનાવતા હતા. પરંતુ હવે સતત વધી રહેલ માંગને જોતાં રોજના 100 દિવા બનાવે છે. વધુ દિવા બનાવવા માટે તેમના 10 સાથી પણ કામ કરી રહ્યા છે અને દિવાળી સુધી માંગ પૂરી કરી શકાય એ માટે પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટની તૈયારી પણ કરવામાં આવી છે.

સંઘર્ષમાં વીત્યું બાળપણ
અશોકનું બાળપણ ખૂબજ સંઘર્ષમાં પસાર થયું છે. માત્ર ચોથા ધોરણ સુધીનું ભણ્યા બાદ તે પિતા સાથે માટીના કામમાં જોડાઇ ગયા. શરૂઆતના સમયમાં ભણતરમાંથી સમય કાઢી કામ કરતા હતા, પરંતુ ધીરે-ધીરે કામમાં જ વ્યસ્ત થઈ ગયા.
અશોક અલગ-અલગ ગામ જઈને લોકોના ઘરમાં માટીનાં નળિયાં બનાવી લગાવતા હતા. બસ ત્યારથી જ અશોકે માટીને જ પોતાની સર્વસ્વ માની લીધી હતી. એક દાયકા પહેલાં તેમના માતા-પિતાનું દેહાંત થયું અને પરિવારની જવાબદારી અશોકના ખભે આવી ગઈ.
અશોક કહે છે, “આજે માટી જ મારું જીવન છે અને માટી જ મારૂ આજીવિકા છે.”

પડકારો સામે હાર્યા નહીં
છેલ્લાં 40 વર્ષોથી કુંભારનું કામ કરી રહેલ અશોક કહે છે, “હવે અમારા કામમાં બહુ પડકારો આવી રહ્યા છે. સ્ટીલ, પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઓફ પેરિસનો સામાન બજારમાં મળતાં લોકો માટીનો સામાન નથી ખરીદતા. જે ખરીદે છે, તેઓ પૂરતો ભાવ આપવા તૈયાર નથી. પાણીની અછત, બદલાતું હવામાન, તૂટવા-ફૂટવાથી થતી ખોટ સામાન્ય છે, પરંતુ આમ છતાં નિરાશ નથી થતો. ઘણા કુંભાર સાથીઓ આ કામ છોડી બીજુ કામ કરવા લાગ્યા છે અને મને પણ કહે છે કે, કઈંક બીજુ કરું, પરંતુ હું સતત માટીના કામમાં જ નવા વિકલ્પ શોધું છું. દર વખત સફળતા નથી મળતી, પરંતુ શીખવા બહુ મળે છે.”

પ્રયોગ અને નવા અખતરાથી મળી સફળતા
આ જાદુઇ દિવો તેમની સતત એક વર્ષની અવિરત મહેનતનું પરિણામ છે. અશોકે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “35 વર્ષ પહેલાં ભોપાલમાં એક પ્રદર્ષન હતું. આ પ્રદર્ષનમાં સરગુજાના એક અનુભવી કલાકારે માટીના નવા-નવા પ્રયોગ કર્યા હતા. આ બધુ જોઇને મને લાગ્યું કે, માટીમાંથી ઘણું બનાવી શકાય છે અને તેની ઉપયોગિતા અમર્યાદિત છે. બસ આ જ વાત યાદ રહી ગઈ અને મેં ગયા વર્ષે જ આ દિવો બનાવવાની શરૂઆત જરી હતી. પહેલાં 3 વાર અસફળતા મળી પરંતુ ચોથી વાર દિવામાં સફળતા મળી. આ અંગે મેં મારા મિત્રોને જણાવ્યું. બધાંએ તેનો ઉપયોગ કરી જોયું અને તેના વિશે સમજ્યું-વિચાર્યું. પછી ધીરે-ધીરે પ્રદેશ અને દેશમાં લોકો સુધી પહોંચ્યો આ દિવો.”

કુંભાર સાથીઓને શીખવાડવા ઇચ્છું છું
અશોકનો હેતુ માત્ર માટીનું કામ કરી માત્ર પૈસા કમાવાનો નહોંતો, પરંતુ આ પરંપરાને જીવિત રાખવાનો છે. પોતાના કામ બાદ તેઓ નવા કુંભારોને પોતાનું કામ શીખવાડે છે. આ કામમાં ભરપૂર શક્યતાઓ છે અને નવી પેઢી મહેનતથી આ કામને નવા શીખરે લઈ જઈ શકે છે. અશોક કહે છે કે, પોતાના કામ બાદ તેઓ નિયમિત રૂપે આ યુવા કલાકારો સાથે બેસે છે અને બધા વધારે સારું કામ કરવા પ્રયત્ન કરે છે. અશોક માટીની મૂર્તિઓ, રોજિંદા ઉપયોગની વસ્તુઓ, સજાવટનો સામાન બનાવી વધુમાં વધુ રોજગારના અવસર ઊભા કરવા ઇચ્છે છે, જેથી કોઇપણ પારંપારિક કામ ન છોડે.

કોંડાગામમાં આ જાદુઇ દિવાની કિંમત 200 રૂપિયા છે. બહારના લોકો માટે પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટની કિંમત અલગથી લાગશે અને તેમને તેમના સરનામા પર મોકલવામાં આવશે. જો તમે પણ આ જાદુઇ દિવો ખરીદવા ઇચ્છતા હોય તો, 9165185483 પર સંપર્ક કરી શકો છો.

અશોક ચક્રધારીનું કામ ખરેખર વખાણવાલાયક છે. આ કલાકાર તેની સતત મહેનત અને કલ્પનાશક્તિના આધારે રોજિંદા કામ માટે નવા-નવા આવિષ્કાર કરી રહ્યો છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં તેમણે માટીનું કામ ન છોડ્યું અને સતત લગનથી કરતા જ રહ્યા, તેમના આ હુનરને સાઇન્ટિફિક સૂજ-બૂજ સાથે જોડવામાં આવે તો, ચોક્કસથી અભૂતપૂર્વ પરિણામ મળી શકે છે. અશોકનો જાદુઇ દિવો તેનું સીધુ ઉદાહરણ છે. તો માટીથી નિર્મિત સામાન પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. ગામડાંમાં રહેતા લોકો જો તેમાં રસ લે તો, ચોક્કસથી ખેતી સિવાય બીજા રોજગારના રસ્તા પણ ખૂલશે.
હોશિયાર અને મહેનતુ કલાકાર અશોકને ધ બેટર ઇન્ડિયા પરિવાર પણ કરે છે સલામ.
મૂળ લેખ: જિનેદ્ર પારખ અને હર્ષ દુબે
આ પણ વાંચો: આ બાયોગેસ પ્લાન્ટને કારણે 5000 પરિવારને LPGની નથી પડતી જરૂર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.