Search Icon
Nav Arrow
Organic farming by detroj farmer
Organic farming by detroj farmer

જીવામૃતના પ્રયોગથી ખેડૂતને પાકમાં મળે છે બમણા ભાવ, સાથે 40 ગીર ગાયનું દૂધ, 7 લાખનો નફો

સબસિડીની મદદથી લીધી 40 ગીર ગાયો, તેના છાણનું ખાતર બનાવી કરે છે પ્રાકૃતિક ખેતી, કમાણી લાખોમાં

હવે પરંપરાગત ખેતી અને પશુ પાલનનો વ્યવસાય કરવાનો સમય નથી. છેલ્લા બે દાયકામાં કૃષિ ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તનો આવ્યા છે અને ઉત્પાદનો પણ ખૂબ વધવા લાગ્યું છે. જેને પગલે અનેક ખેડૂતો પ્રયોગો કરીને બમણી આવક રળવા લાગ્યા છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના શિહોર ગામના મહેન્દ્ર રાવલ નામના એક આવા જ પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ 70 વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે અને 40 ગીર ગાયો પણ ધરાવે છે. તેઓ દાડમ અને તુવર બજાર કરતા બમણા ભાવ મેળવે છે.

Mahendra Raval caring his cows
ગાયોની સંભાળ રાખતા મહેન્દ્રભાઈ

ગાયના છાણમાંથી બનાવે છે પ્રાકૃતિક છાણ
આ અંગે મહેન્દ્ર રાવલ કહે છે કે, ‘મારી પાસે લગભગ 70 વિઘા જમીન છે. હું પહેલા સામાન્ય ખેતી કરતો હતો, પણ રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીની અપીલ કરી અને મેં પહેલ કરી.આજે હું મારી બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરુ છું. મારા પિતાજી હંમેશા ગાયની સેવા કરવાનું કહેતા.મારા પિતાજીની એ સલાહ અમે અક્ષરસ: અપનાવી છે. જો કે અમને એમાં રાજ્ય સરકારની યોજનાનો પણ લાભ મળ્યો છે. મને ગાયનું છાણ પ્રાકૃતિક ખેતી કરવામાં અત્યંત ઉપયોગી સાબિત થયું છે. મારી ઉપજ અને આવક બન્ને બમણા થયા છે.

Fertilizer from cow dug
ગાયના છાણમાંથી મહેન્દ્રભાઇ બનાવે છે ખાતર

સરકારની સબસિડીની મદદથી વસાવી 40 ગાય
મહેન્દ્રભાઈ આમ તો મોટા ખેડૂત છે, ખાસ્સી જમીન પણ છે અને દાડમની ખેતી પણ કરે છે. એમણે રાજ્ય સરકારની દૂધાળા પશુ સ્વરોજગાર યોજના (12 દૂધાળા પશુ ફાર્મ સ્થાપના)નો લાભ લીધો છે. આ યોજના અંતર્ગત રૂ. 4,70,000ની સબસિડીના લાભ સાથે એક એક કરતા આજે 40 જેટલી ગીર ગાયો ધરાવે છે. તેમણે ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ પુર્ણ સ્વરૂપે અપનાવ્યો છે. મહેન્દ્રભાઈ આ ગીર ગાયોનો ખુબ સારી રીતે ઉછેર કરે છે. વાર્ષિક 30 હજાર લિટર દૂધ ઉત્પાદનમાંથી વાર્ષિક આવક અંદાજે રૂ. 15થી 17 લાખ અને તેમાંથી અંદાજે 7 લાખનો ચોખ્ખો નફો મેળવે છે. પરંતુ આ ગાયના છાણમાંથી તેઓ ઘન જીવામૃત પણ બનાવે છે.

Getting good results from organic farming
પ્રાકૃતિક ખેતીથી મેળવે છે સારું ઉત્પાદન

પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત છે પાયો
મહેન્દ્રભાઈ આગળ કહે છે કે, ‘પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત એ પાયો છે. 200 લિટર પાણીમાં 10 કિલો છાણ, 10 લિટર ગૌમૂત્ર, 1 કિલો કઠોળનો લોટ, 1 કિલો દેશી ગોળ અને 500 ગ્રામ વડ નીચેની માટીનું મિશ્રણ કરી જીવામૃત તૈયાર કરતો હતો.પરંતુ મેં આ વિસ્તારમાં ઘન જીવામૃત બનાવવાની આગવી પધ્ધતિ વિકસાવી છે. ગાયના 100 કિલો ગ્રામ છાણ, 1 કિલો દેશી ગોળ, 1 કિલો ચણાના લોટનું મિશ્રણ કરી તેમાં 2 લિટર જીવામૃત ઉમેરીને આ મિશ્રણને 48 કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં 3-4 વખત ઉપર નીચે કરી તે સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરી ઘન જીવામૃત બનાવ્યું છે.શક્ય છે કે, રાજ્યમાં અન્ય જગાએ કોઈ બનાવતું હશે પણ દેત્રોજની આસપાસના વિસ્તારમાં મેં પ્રથમ પ્રયોગ કર્યો છે.’

Pomegranate from organic farming
પ્રાકૃતિક ખેતીથી દાડમનો પાક

ગાયોને ખવડાવવા પણ ઉગાડે છે પ્રાકૃતિક ઘાસ
મહેન્દ્રભાઈ ગીર ગાયોના ખવડાવવા માટે પ્રાકૃતિક ઘાસ ઉગાડે છે. કપાસની પાંદડી, યુરિયા કે ખાતર વિનાનું ઘાસ અને જરૂરી મિનરલ્સ, વિટામિન પણ આપે છે. તો ઘન જીવામૃતના સથવારે પ્રાકૃતિક ખેતી કરીને કૂદરતના સાનિધ્ય સાથે ઉપજ અને આવક બમણી મેળવે છે.મહેન્દ્રભાઈએ દાડમના 1500 પ્લાન્ટનો ઉછેર કર્યો છે.બે પાક મેળવ્યા પછી ત્રીજો પાક મેળવવની તૈયારી છે. તો 15 વિઘામાંથી 300 મણ તૂવેર પાકવાની શક્યતા છે. મને બજારમાં જે ભાવ હોય તેના કરતા બમણો ભાવ મળે છે.’ આમ મહેન્દ્રભાઈએ કુદરતના સાનિધ્યની સાથે સાથે આવક અને ઉપજ પણ બમણા કર્યા છે.

તમે પણ મહેન્દ્રભાઇ પાસેથી કઈં જાણવા ઇચ્છતા હોય તો તેમનો 919825124271 પર સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: પાર્કિંગ શેડમાં મશરુમ ઉગાડીને બે લાખ રૂપિયાની કમાણી કરે છે ગુજરાતની આ એન્જિનિયર!

close-icon
_tbi-social-media__share-icon