એક કિલો મશરુમ ઉગાડવા માટે ઘઉંનું અડધો કિલો ભૂસું અને 50 ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. જેમાં દરરોજ પાંચ લીટર પાણીની જરૂર પડે છે. જે લોકો તાપમાન અંગે નિશ્ચિત નથી તેમણે થર્મોમીટર ખરીદી લેવું જોઈએ.
આજની કહાની ગુજરાતના તાપી જિલ્લાના એક મહિલા એન્જિનિયરની છે. તેણીએ પોતાના પાર્કિગ શેડમાં મશરૂમની ખેતી શરૂ કરી છે. સિવિલ એન્જિનિયર અંજના ગામિત કહે છે કે, જો તમને ક્યારેય પણ મશરૂમની ખેતીનો વિચાર આવે તો ઑર્ગેનિક ઑઇસ્ટર (સીપ) મશરુમનો વિકલ્પ પસંદ કરવો. કારણ કે તેમાં ઓછા રોકાણમાં વધારે વળતર મળે છે. હવે તમને વિચાર આવતો હશે કે એક બાંધકામની નાની કંપની સંભાળતી મહિલા કઈ રીતે મશરૂમની ખેતી કરતી હશે? તો ચાલો આ મહિલા અને તેની મશરુમની ખેતી વિશે જાણીએ.
અંજના છેલ્લા ત્રણ વર્ષથી મશરૂમની ખેતી કરે છે. ગત વર્ષે અંજનાને મશરૂમની ખેતીમાં બે લાખથી વધારે રૂપિયાનો નફો થયો છે. એટલું જ નહીં, પોતાના વિસ્તારમાં મશરૂમની કોઈ માંગ ન હોવા છતાં તેણી પોતાના સંભવિત ખરીદદારોનું બજાર બનાવવામાં સફળ રહી હતી.
અંજનાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “અમારે ત્યાં લોકોને મશરૂમથી થતાં ફાયદા વિશે જાણકારી નથી. મશરૂમને અમારે ત્યાં ચોમાસામાં થતા શેવાળની જેમ ગણવામાં આવે છે. મશરૂમમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો, પ્રાકૃતિક વિટામિન ડી અને એન્ટી ઑક્સિડેન્ટ હોય છે.”
અમુક વર્ષ પહેલા અંજનાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) દ્વારા ચાર દિવસના ‘મશરૂમ ખેતીના માધ્યમથી ઉદ્યમિતા વિકાસ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીંથી તેણીને અમુક સ્પૉન (મશરૂમના બીજ) અને પ્લાસ્ટિકની થેલી મળી હતી. બાદમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ અંજનાને મશરૂમની ખેતી માટે માળખું તૈયાર કરવાથી લઈને જરૂરી માર્ગદર્શન પર પૂરું પાડ્યું હતું.

KVKમાં પ્લાન્ટ સંરક્ષણ વૈજ્ઞાનિક સચિન ચૌહાણ કહે છે કે, “કેવીકેએ હંમેશા ઓછી કે વધારે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. અમારી શિબિરો મારફતો અમે લોકોને એ વિશ્વાસ અપાવીએ છીએ કે ખેતી એ કોઈ રૉકેટ સાયન્સ નથી. આ માટે અમુક ખાસ જ્ઞાનની જરૂર હોય છે, જેને યોગ્ય માર્ગદર્શન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ખેતી પ્રત્યે રસ અને જિજ્ઞાસાને કારણે અંજના સફળ રહી છે. અમને આશા છે કે વધારે મહિલાઓ આગળ આવશે અને પાયાની ખેતી શરૂ કરશે, વેચવા માટે નહીં તો પોતાની જરૂરિયાત માટે તો કરશે.”
સરળ રીત
અંજનાએ પોતાના પાર્કિટ શેડમાં 10×10 ફૂટની જગ્યાને વાંસ અને લીલા રંગની શેડ નેટથી તૈયાર કરી હતી અને મશરુમની ખેતી શરૂ કરી હતી. અંજનાએ પહેલા બે મહિનામાં 140 કિલોગ્રામ મશરૂમનું ઉત્પાદન કર્યું હતું. જેનાથી તેણીએ 30 હજાર રૂપિયાની કમાણી કરી હતી.
છ સરળ ક્રમમાં જાણો મશરૂમની ખેતી કેવી રીતે કરશો
1) ધાન્ય કે ઘઉંના ભૂસાને પાણીમાં પાંચ કલાક સુધી પલાળીને રાખો, જેનાથી તે નરમ થઈ જશે.
2) જીવાણુઓને મારવા માટે ભૂસાને 100 ડિગ્રી તાપમાન પર ગરમ કરો.
3) ભૂસાને પાણીમાંથી સામાન્ય તાપમાન પર ઠંડું થવા દો, તેને એક ધાબળા કે પછી થર્મોકોલથી ઢાંકી દો.
4) ભૂસાને આખી રાત સૂકાવા દો.
5) બીજને ભૂસામાં ભેળવી દો અને પૉલિથીન બેગને કસીને બાંધી દો. આવી જ રીતે 18 દિવસ સુધી રહેવા દો.
6) એક વખત મશરૂમ અંકુરિત થવા લાગે બાદમાં બેગને હટાવી દો અને તેને મૂળ સાથે ઉખાડી લો.

અંજના કહે છે કે આ પ્રક્રિયામાં આશરે 25 દિવસ લાગે છે. 10 કિલો બીજ લગાવવાથી 45 કિલો ઉત્પાદન થાય છે. પ્રક્રિયા ખૂબ સરળ છે પરંતુ તાપમાન, ભેજ અને બીજની ગુણવત્તા વગેરેનું ધ્યાન રાખવું પડે છે. શરૂઆતના દિવસોમાં 80 ખેતી બરબાદ થઈ ગઈ હતી.”
મશરુમમાં સંક્રમણની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અંજના લીમડાના તેલનો ઉપયોગ કરે છે. જ્યારે મશરુમના બીજને ભેજથી બચાવવા માટે તેણી ગ્રીન શેડ નેટને ભીના પડદા ઢાંકી દે છે.
અંજનાએ ધીમે ધીમે ખેતીને વધારી હતી અને બાદમાં 25×25 ફૂટના આખા પાર્કિંગ શેડમાં મશરુમ ઉગાડ્યા હતા. આજે અંજના પાસે મશરુમની 350 થેલી છે.
તેણી કહે છે કે ઘરે જ મશરુમની ખેતી શરૂ કરવા માટે ઓછામાં ઓછી 10×10ની ફૂટની જગ્યા હોવી જોઈએ. કાચો માલ કોઈ પણ નર્સરી કે પછી બાગાયત કેન્દ્ર પરથી મળી જાય છે.
એક કિલો મશરુમ ઉગાડવા માટે ઘઉંનું અડધો કિલો ભૂસું અને 50 ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. જેમાં દરરોજ પાંચ લીટર પાણીની જરૂર પડે છે. જે લોકો તાપમાન અંગે નિશ્ચિત નથી તેમણે થર્મોમીટર ખરીદી લેવું જોઈએ. અંતમાં એક ડોલ અને પ્લાસ્ટિક બેગની વ્યવસ્થા કરવી પડશે.
અંજનાએ પોતાના મશરુમનું માર્કેટિંગ કરવા માટે આંગણવાડી બહેનો અને સ્થાનિક છૂટક દુકાનદારોનો પણ સંપર્ક કર્યો છે. તેણી તેમને મશરૂમ વેચવાની સાથે સાથે તેના ફાયદા વિશે પણ જણાવે છે.
અંતમાં અંજના કહે છે કે, “મને મશરુમના ગ્રાહકોને જાગૃત કરવા માટે થોડો સમય લાગી ગયો હતો. હવે હું મશરૂમની ચિપ્સ, પાઉડર અને અથાણું સહિત મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાનું વિચારી રહી છું, જેના કારણે વેચાણમાં બહુ સમસ્યા ન રહે.”
મૂળ લેખ: ગોપી કારેલિયા
આ પણ વાંચો: પોતાની આગવી કોઠાસૂઝથી કચ્છના 48 ડિગ્રી તાપમાનમાં કચ્છી માડુંએ ઉગાડ્યા સફરજન!