ગુજરાતના જાણીતા આર્કિટેક્ટ, મનોજ પટેલ, વિદ્યાનગરમાં ડીસી પટેલ સ્કૂલ ઑફ આર્કિટેક્ચરના ત્રીજા વર્ષના વિદ્યાર્થી હતા, જ્યારે તેમને પહેલીવાર સસ્ટેનેબલ આર્કિટેક્ચર વિશે ખબર પડી.
જોકે, તેમણે આ વિષય અંગે થોડા સેમેન્ટરમાં જ જાણ્યું. પરંતુ આ આખા કૉન્સેપ્ટથી તેઓ એટલા પ્રભાવિત થયા કે, 2014 માં અમદાવાદની સીઈપીટી યૂનિવર્સિટીથી તેમણે ક્લાઇમેન્ટ ચેન્ક એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં માસ્ટર્સ કર્યું. પરંતુ આ વિષય અંગે વધુ જાણતાં તેમને સમજાયું કે, ફિલ્ડમાં તેને લાગૂ કરવામાં અને પુસ્તકોમાં બહુ મોટું અંતર છે. મનોજ તેમના કેટલાક સાથી આર્કિટેક્ટને મળ્યા, જેઓ ગ્રીન હાઉસ બનાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ટેક્નિકને લાગૂ કરી રહ્યા હતા, પરંતુ તેમાં મનોજનું મન ન માન્યું.

મનોજ વિચારતા હતા કે, લોકો જ્યારે ઘર કે ઓફિસ બનાવતી વખતે આધુનિક સીમેન્ટ, કાચ, સંગેમરમર જેવી સામગ્રી વાપરે છે તો પછી સોલર પેનલ કે રેન વૉટર હાર્વેસ્ટિંગ મોડેલ કેમ લગાવડાવે છે. તેમને આશ્ચર્ય થતું હતું કે, આધુનિક અપાર્ટમેન્ટ્સ સાથે લોકો માટી અને લાકડા જેવી ટકાઉ વસ્તુઓનો ઉપયોગ કેમ નથી કરતા.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મનોજ જણાવે છે, “ઘર બનાવવું હવે બહુ મોંઘુ થઈ ગયું છે અને મોટા ભાગના લોકો પારંપરિક રીતે બનાવવા ઇચ્છે છે. મારો ઉદ્દેશ્ય એ હતો કે, આધુનિક ડિઝાઇન સાથે પારંપારીક રીતો અને સ્થાનિક નિર્માણ સામગ્રીનો ઉપયોગ કરી ઘર બનાવવું. હું મોટાભાગે ઉત્પાદન સામગ્રી આયાત કરવાનું ટાળું છું અને તેની જગ્યાએ હાથથી બનેલ અને કઈંક અલગ વસ્તુઓને પ્રાધાન્ય આપું છું.”
કઈંક અલગ કરવાની ચાહતમાં 32 વર્ષના મનોજે 2015 માં ‘મનોજ પટેલ ડિઝાઇન સ્ટૂડિયો’ (એમપીડીએસ) નામથી પોતાની ફર્મ શરૂ કરી. મનોજની ઈકો-ફ્રેન્ડલી આર્કિટેક્ચરલ ફર્મ આજે પારંપરિક રીતોને પુનર્જીવિત કરે છે. મનોજ અપાર્ટમેન્ટ, રેસ્ટોરાં, ઓફિસ અને ડિસ્કોના નિર્માણ માટે પ્રાકૃતિક રોશની અને ફરીથી ઉપયોગમાં કરી શકાય એવી વસ્તુઓનો ઉપયોગ કરે છે.

તેમની તકનીકોમાં સૌથી અલગ અને ખાસ વાત એ છે કે, તેઓ લોકલ સામાન અને માટીની લાલ ટાઇલ્સનો ઉપયોગ કરે છે. મનોજ 40 ટકા માટીની ટાઇલ્સનો ઉપયોગ કરે છે, જે ખૂબજ સસ્તામાં બને છે. ખૂબજ સુંદર દેખાવાની સાથે તેને લહેરદાર અને બોક્સના આકારમાં પણ ડિઝાઇન કરવામાં આવે છે. આ ટાઇલ્સને ઈમારતના સામેના ભાગમાં લગાવવાની સાથે-સાથે મનોજ તેનો ઉપયોગ છોડ માટે કૂંડાં માટે પણ કરે છે. તેમાં પાણી લાંબા સમય સુધી રહે છે. તે હવાને પણ ઠંડી કરવાનું કામ કરે છે.
માટીની ટાઇલ્સને ઉપયોગ કરવા પાછળની પ્રેરણા અંગે મનોજ જણાવે છે કે, “ગુજરાતમાં છત બનાવવા માટે લાલ નળીયાંનો ઉપયોગ પહેલાં બહુ થતો હતો. આ અંતે અધ્યયન કરતાં ખબર પડી કે, તેને ખાસ ગરમી અને વરસાદ જેવી સ્થિતિનો સામનો કરવા ડિઝાઇન કરવામાં આવી છે. આ કિટક પ્રતિરોધી અને ફાયર પ્રૂફ છે, સાથે-સાથે તે લાંબા સમય સુધી ટકે પણ છે. કોઇપણ આર્કિટેક્ટ માટે આ વિશેષતાઓ એક ખજાના સમાન છે.”
માટીની ટાઇલ્સને મુખ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવા અંગેનો નિર્ણય કરતાં પહેલાં મનોજે બજારમાં અધ્યયન પણ કર્યું. મનોજને આ જાણીને ખૂબજ આશ્ચર્ય થયું કે, ગુજરાતના મોરબી જિલ્લામાં માટીની ટાઇલ્સ બનાવતી 50 ટકા ફેક્ટરીઓ સતત ઘટતી માંગના કારણે બંધ થઈ ગઈ હતી. વધુમાં તેમણે કહ્યું, “આ વ્યવસાયથી થતું નુકસાન માત્ર કારખાનાઓ પૂરતું સીમિત નથી. નાના કુંભારોને પણ તેની અસર થઈ છે. તેમની તો માત્ર નોકરી જ નથી ગઈ પરંતુ તેમની તો કળા જ ખતમ થઈ રહી છે.”

એટલે જ લાલ ટાઇલ્સનો ઉપયોગ મનોજ, તેમના ગ્રાહકો અને કુંભાર બધા માટે ફાયદાકારક છે.
લાલ ટાઇલ્સથી લઈને ફરીથી ઉપયોગમાં લેવાતા સામાન સુધી, આવો નજર કરીએ મનોજની ત્રણ ટકાઉ અને સ્થાયી પરિયોજનાઓ પર
- ઘરના સામેના ભાગ માટે માટીની ટાઇલ્સ
ગ્રાહકોની માંગ હતી કે, એક સસ્ટેનેબલ દ્રષ્ટિકોણ સાથે આધુનિક સામગ્રીનો ઉપયોગ કરાવામાં આવે અને તે બજેટમાં પણ હોય. જોકે મનોજ બહુ ઉત્સાહિત હતા, કારણકે આ ટાઈલ્સ સાથેનો તેમનો પહેલો પ્રયોગ હતો. તેમણે ઈમારતના બહારના ભાગમાં વી આકારના ઢાળવાળી માટીની ટાઇલ્સનો ઉપયોગ કર્યો.
ગ્રાહકને બતાવતાં પહેલાં મનોજે ઓફિસમાં તેનો 50 દિવસનો ટ્રાયલ કર્યો. વાતાવરણની સ્થિતિ, ભેજ, ટકાઉપણું બધાની તપાસ કરી અને તેમનો આ પ્રોટોટાઇપ સફળ રહ્યો. આ ટાઇલ્સનું વૉટરપ્રૂફિંગ તપાસવા તેમણે આ ટાઇલ્સને 24 કલાક પાણીમાં પણ રાખી. 40 ટકા ટાઇલ્સ માટે તેની લાગત શૂન્ય રહી અને બાકીની માટે 15,000 ખર્ચ થયો. તેમણે કહ્યું, “અમે તૂટેલી ટાઇલ્સનો ઉપયોગ કરો. જેમાં 20 ટકા ટ્રાન્સપોર્ટેશન દરમિયાન તૂટી હતી.”

સૂર્યની રોશનીને ધ્યાનમાં રાખી ટાઇલ્સનું ઝિગ-ઝેગ લેયરિંગ કરવામાં આવ્યું. ટાઇલ્સ આખો દિવસ છાંયડો આપે છે અને તેનાથી તાપમાન પણ ઠંડુ રહે છે. ઘરના માલિક સંજય ગાંધી કહે છે, “અમને અમારા નવા ઘરથી બહુ સંતોષ છે કારણકે તેમાં રસચાત્મકતા અને જળવાયુને ધ્યાનમાં રાખી ગરમીની સમસ્યાનો હલ કાઢવામાં આવ્યો છે. જેનો ઉપયોગ અમે જૂનાં ઘરોમાં કરતાં હતાં. જેનાથી ઘણા લોકો આકર્ષિત થાય છે અને સ્થાનીક લોકોની સાથે-સાથે ઘણા પ્રવાસીઓ પણ આ બાબતે પૂછપરછ કરે છે.”

- શૂન્ય કાર્બન ફૂટપ્રિંટ સાથે રેસ્ટોરાં
વડોદરામાં રહેતા મનોજના ગ્રાહક તેમની રેસ્ટોરાં ‘કેશવ કુટીર’ નું નિર્માણ 5 વર્ષ માટેના ભાડા પાટા પર લેવામાં આવેલ જમીન પર કરવા ઇચ્છતા હતાં, જેમાં કૉંટ્રાક્ટ સમાપ્ત થવાની શક્યતા પણ હતી. એટલે આટલા ઓછા સમય માટે એક રેસ્ટોરાંનું નિર્માણ મોંઘુ પડી શકે છે, એટલે તેમણે સલાહ આપી કે, સરળતાથી તોડી શકાય અને બીજે લઈ જઈ શકાય તેવું કરવું. અને ગ્રાહક આ માટે તૈયાર પણ થઈ ગયા. પરંતુ તેમણે શરત મૂકી કે આકર્ષક, જીવંત, રંગીન દેખાવી જોઇએ અને વાતાવરણ પણ ઠંડુ રહેવું જોઇએ.

છતથી આવતી ગરમીને ઘટાડવા માટે નકામા થર્મોકોલને ઈંસુલેશન તરીકે લગાવવામાં આવ્યા. જેનાથી ઈંસુલેશનનો ખર્ચ બહુ ઘટી ગયો. 1600 વર્ગફૂટના વિસ્તાર માટે માત્ર 2000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. આ ડાયનેમિક લુક આપવા માટે, રેસ્ટોરાંનું ઈન્ટિરિયર જિગ-જેગ પેટર્નમાં કરવામાં આવ્યું. સુંદર દેખાવાની સાથે, મેટલ શીટને પણ સ્થાનાંતરિક્ત કરી ફરીથી બીજી જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે, આ પ્રક્રિયામાં કાર્બન ફૂટપ્રિંટ શૂન્ય રહે છે.

- ફરીથી ઉપયોગમાં લેવાયેલ 90% વસ્તુઓથી બન્યો ડિસ્કો
ઉપર જણાવેલ રેસ્ટોરાંની જેમ અહીં પણ ગ્રાહક તેના ડિસ્કોનું નિર્માણ કરવા ઇચ્છતા હતા. તેઓ પણ ઇચ્છતા હતા કે, તે જીવંત પણ લાગે અને તેને સરળતાથી દૂર પણ કરી શકાય. આ તેમના પડકારભર્યા પ્રોજેક્ટમાંનો એક હતો, કારણકે મનોજ અને તેમની ટીમને ફરીથી ઉપયોગ કરી શકાય એ સામગ્રીઓને હજી શોધવાની હતી. વધુમાં ગીતોનો ઊંચો અવાજ સંભળાય અને લોકોનો ડાન્સ અટકે નહીં.

ઘણા મહિનાઓના રિસર્ચ અને પ્રયોગ બાદ મનોજને થોડી વેસ્ટ પ્રોડક્ટ્સ મળી. તેમણે ડિસ્કોના એન્ટ્રેન્સમાં ટિનના ઢાંકણનો ઉપયોગ કર્યો અને યુવાનોને આકર્ષિત કરવા માટે તેને વિવિધ રંગોથી પેન્ટ કર્યું. બાર બનાવવા માટે ચાર બેરલનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રવેશ દ્વારનું નિર્માણ નકામા પડેલ પ્લાયવુડથી કરવામાં આવ્યું. બેસવાની વ્યવસ્થા માટે ડંપ યાર્ડમાંથી કારની 76 સીટો ખરીદવામાં આવી. રસોઇ, મૉકટેલ, ડીજે બૂથ અને બેસવાની જગ્યાની વચ્ચે ડિવાઇડર તરીકે રાખમાંથી બનેલ ઈંટો લગાવવામાં આવી. સજાવટ માટે, તેમણે બેકાર બીયરની બોટલો, પાઇપ અને કાગળનાં આર્ટિફિશિયલ ફૂલોનો ઉપયોગ કર્યો.

તેમના પાંચ વર્ષના કરિયરમાં, મનોજે 50 કરતાં પણ વધારે ટકાઉ પરિયોજનાઓ પર કામ કર્યું છે અને તેમાંથી લગભગ 12 માં ફરીથી ઉપયોગમાં લેવાયેલ માટીની ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ઘણા મજૂરોને રોજગારી મળી છે. એક અનુભવી આર્કિટેક્ટ તરીકે તેઓ ઈકો-ફ્રેન્ડલી રીતોને તો પ્રોત્સાહન આપે જ છે, સાથે-સાથે એ વાતનું પણ ધ્યાન આપે છે કે, તેનો ખર્ચ પણ ઓછો થાય, જેથી ગ્રાહકોને પણ લાભ મળે.
મનોજના જણાવ્યા અનુસાર, આ પ્રયોગોથી ઈન્ટિરિયર ડિઝાઇનનો ખર્ચ 50 ટકા ઘટી જાય છે અને બિલ્ડિંગના નિર્માણના ખર્ચમાં 20-30 ટકાનો ઘટાડો થાય છે. તેનાથી ટકાઉપણુ, સુંદરતા, તાપમાન નિયંત્રણ સુવિધાઓની સાથે-સાથે ખર્ચ પણ ઘટે છે. કોણ જાણતું હતું કે, ઈમારતનું નિર્માણ પણ આપણા પર્યાવરણની સારી દિશામાં યોગદાન આપી શકે છે.
મનોજનો સંપર્ક કરવા અહીં ક્લિક કરો!
આ પણ વાંચો: પ્લાસ્ટર વગરના આ ઘરને બનાવવામાં લાગ્યા ત્રણ વર્ષ, ક્યારેય નથી ભરવું પડતું વીજળી કે પાણીનું બિલ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.