ભારતીય ખાનપાનમાં ઈલાયચીનું વિશેષ મહત્વ છે. તેનો ઉપયોગ ખાવામાં સ્વાદ અને સુંગધ વધારવાની સાથે ઘણા રોગોના ઘરેલું ઉપાય તરીકે થાય છે, ઈલાયચીમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો હોય છે. તે શરીરમાં શરદી-ખાંસીથી લઈને બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં અને પાચન શક્તિને મજબૂત બનાવવામાં અસરકારક છે. જો કે, અનુકૂળ પરિસ્થિતિઓને લીધે, ભારતમાં તેની ખેતી કર્ણાટક, કેરળ અને તામિલનાડુ જેવા વિસ્તારોમાં થાય છે. પરંતુ, તમે તેને કુંડામાં પણ ઉગાડી શકો છો.
દિલ્હીમાં ટેરેસ ગાર્ડનિંગ કરતાં અમિત ચૌધરી આજે અહીં જણાવી રહ્યા છે કે પોટ્સમાં ઈલાયચી કેવી રીતે ઉગાડી શકાય છે.
અમિતે બેટર ઈન્ડિયાને કહ્યું, “ઈલાયચી મોટી અને નાની એમ બે પ્રકારની હોય છે. મોટી ઈલાયચીનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે, જ્યારે નાની ઈલાયચીનો ઉપયોગ ચા, ખાદ્ય અને મીઠાઇ માટે, સુગંધ અને સ્વાદ માટે કરવામાં આવે છે.
તે કહે છે કે તેનો ઉપયોગ ઘણા રોગોમાં ઘરેલું ઉપાય તરીકે પણ થાય છે. ઈલાયચીના ફળની સાથે તેના પાંદડા પણ વપરાય છે. તેનાથી શરીરમાં તાજગીની અનુભૂતિ થાય છે.

કુંડામાં ઈલાયચીનો છોડ કેવી રીતે લગાવશો
અમિત જણાવે છે કે નાની ઈલાયચી બે રીતે ઉગાડવામાં આવે છે – બીજમાંથી અને કટિંગથી.
અમિત કહે છે, “બીજમાંથી ઈલાયચી ઉગાડવી મુશ્કેલ છે, કેમકે સામાન્ય રીતે ઇલાયચી આપણા ઘરોમાં મળે છે. જેને અંકુરિત થવામાં ઘણી મુશ્કેલી થાય છે. જો તમે બીજમાંથી ઈલાયચીનો છોડ તૈયાર કરવા માંગતા હો, તો આ માટે નવા બીજ શોધવાની જરૂર છે.”
તે વધુમાં કહે છે, “તો,ઈલાયચીને કટિંગથી તૈયાર કરવી સરળ છે. તેના છોડ બજારમાં સરળતાથી મળી રહે છે. તેનું વાવેતર કર્યા પછી, 30 થી 45 દિવસમાં પ્લાન્ટ પોતાને ટકાવી રાખવામાં સક્ષમ થઈ જાય છે.”
શું તૈયારી કરશો?
ઈલાયચીની ખેતી માટે સમુદ્રના વિસ્તારો યોગ્ય છે. કારણ કે, તે ભેજવાળા અને વરસાદની ઋતુમાં ઝડપથી વિકસે છે. પરંતુ, સંપૂર્ણ જાળવણી સાથે, આજે તેને ગમે ત્યાં ઉગાડી શકાય છે.
અમિત કહે છે, “કુંડામાં ઈલાયચી રોપવા માટે માટી તૈયાર કરતી વખતે સૌથી વધુ કાળજી લો. ઇલાયચી માટે કાળી માટી અને લાલ માટી સૌથી યોગ્ય છે. તેને કુંડામાં લગાડવા માટે, 40% માટી, 40% ગાયનું છાણ અથવા કૃમિ ખાતર અને 20 ટકા રેતીનો ઉપયોગ કરો. આ છોડના મૂળને સરળતાથી વિકસાવવામાં મદદ કરશે.”
સૂર્ય અને પાણીની વિશેષ કાળજી લો
અમિત કહે છે કે ઈલાયચીના છોડને ખૂબ પાણીની જરૂર હોય છે. તેથી, ઉનાળાના દિવસોમાં બંને વખત સિંચાઈ કરો. જ્યારે શિયાળામાં દર બે દિવસે તેને પાણી આપો. તો, ઈલાયચીનાં છોડને સૂર્યપ્રકાશથી બચાવવો મહત્વપૂર્ણ છે, કારણ કે છોડને વધુ તડકો લાગવાથી સુકાઈ શકે છે. તેથી, કુંડાને છાયડામાં લગાવો અને તેને ફક્ત સવારે અને સાંજે જ તડકામાં રાખો.
કેટલો સમય લાગે છે
અમિત કહે છે, “ઇલાયચીનો છોડ લગાવવાનાં એક-બે મહિના બાદ, તેમાં મૂળ આવવા લાગે છે. અને 3-4 મહિનામાં તેનાં મૂળમાંથી બીજા છોડ આવવાનાં શરૂ થઈ જાય છે. જેની કટિંગ કરીને તેને બીજા પોટ્સમાં લગાવી શકાય છે.”
તે કહે છે, “ઈલાયચીમાં ફળ આવવામાં લગભગ 3 વર્ષનો સમય લાગે છે. અને તેનું આયુષ્ય 10-12 વર્ષનું હોય છે. ત્યાં સુધી, તમે એક છોડમાંથી આખો ઈલાયચીનો બગીચો લગાવી શકો છો.”

કેવી રીતે કુંડામાં લગાવશો
અમિત જણાવે છે કે, કુંડામાં ઇલાયચી રોપવા માટે 14 ઇંચ ઉંડા અને 8 ઇંચ પહોળું કુંડું યોગ્ય છે. તેનાંથી છોડને ઉગવામાં સરળતા રહે છે. જો તમારું કુટુંબ મોટું છે અને તમે કેટલાક મોટા પાયે ઈલાયચી ઉગાડવા માંગો છો, તો 30 લિટરનું ડ્રમ યોગ્ય છે.
શું કરવું
ઈલાયચીમાં સરળતાથી જીવાતો લાગતી નથી. જો તેમાં જીવાતો લાગે તો લીમડાનું તેલ છાંટવું.
ખાતર તરીકે રસોડાનો કચરો અને ગોબરનો ઉપયોગ કરો.
સંપૂર્ણ સિંચાઈ આપો.
છાયડામાં રાખો
લાલ અથવા કાળી માટીનો ઉપયોગ કરો.
શું ન કરવું
અતિશય સૂર્યપ્રકાશથી સુરક્ષિત રાખો.
રસાયણોનો ઉપયોગ કરવાનું ટાળો.
માટીને કઠણ ન થવા દો.
તમે ઇલાયચી ઉગાડવાનાં સંબંધમાં વધારે જાણકારી માટે અમિતનો આ વિડીયો જુઓ.
તો તમે કોની રાહ જોઇ રહ્યા છો, તમે પણ કુંડામાં ઈલાયચી ઉગાડવાનો પ્રયાસ કરો અને તમારા બગીચાને સુંદર બનાવો.
આ પણ વાંચો: બેકાર પ્લાસ્ટિકની બોટલોમાં ઉગાડો મૂળા-ગાજર, જાણો આખી પ્રક્રિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.