મોરબી નજીકના ગાળા ગામના વતની પિયુષભાઈ બોપલીયા અત્યારે મોરબી તેમજ રાજકોટમાં 24*7 કોઈ પણ સમયે જે તે દર્દીને બ્લડની જરૂર પડે તો તેને તાત્કાલિક બ્લડ અપાવવા માટે વર્ષ 2018 થી યુવા આર્મી ગ્રુપ નામની એક એનજીઓ ચલાવે છે.
તેમની આ સંસ્થાનું નામ યુવા આર્મી ગ્રુપ એટલા માટે છે કે પિયુષભાઇએ વર્ષ 2012 થી 2017 માં ઇન્ડિયન આર્મીમાં સેવા આપેલી છે અને ત્યારબાદ વીઆરએસ લઈને અત્યારે મોરબી ખાતે સીરામીક ઇન્ડસ્ટ્રીમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે કાર્યરત છે સાથે સાથે તેમના આ બ્લડ ડૉનેશનના અભિયાન સાથે જોડાયેલા છે.
તેઓ જણાવે છે કે તેમણે 2012 માં આર્મી જોઈન કરેલી. આર્મીમાં નેમ પ્લેટ પર બ્લડ ગ્રુપ પણ સાથે જ લખેલું હોય છે જેથી જે તે બ્લડ ગ્રુપની જરૂર જણાય તો તે વ્યક્તિને તરત બોલાવી શકાય. આ રીત તેમને ખુબ ગમી અને તેના આધારે જ પોતાના શહેરમાં પણ આવી કોઈ વ્યવસ્થિત રીત દ્વારા ગ્રુપ બનાવી સ્વૈછીક બ્લડ ડોનર ઉભા કરવાની તેમને ઈચ્છા થઇ આવી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેઓ આગળ જણાવે છે કે,”2017 માં આર્મીમાં જ હતો તે દરમિયાન ગ્રુપ બનાવેલું જેમાં 20 થી 25 લોકો હતા તેથી એક ભાઈને બ્લડની જરૂર પડી તો તે ગ્રુપના સભ્યો દ્વારા લોકોને મદદ કરવાનું શરુ કરવામાં આવ્યું. આ પહેલના કારણે એક વિચાર આવ્યો કે મોરબીમાં વ્યવસ્થિત રીતે જે તે બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને એક ગ્રુપમાં જોડી મોરબીની અંદર કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂર જણાય તો કોઈ પણ સમયે તેને તાત્કાલિક અપાવી શકાય.
ત્યારબાદ આઠ બ્લડ ગ્રુપ પ્રમાણે દરેક અલગ અલગ બ્લડ ગ્રુપ વાળા લગભગ 450 લોકોને ગ્રુપમાં એડ કરવામાં આવ્યા અને તે માટે મોરબીની દરેક હોસ્પિટલમાં બ્લડગ્રૂપ મેળવવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા. જેથી કોઈ દર્દી એવું આવે કે જેની સાથે તાત્કાલિક કોઈ હાજર ના હોય તો હોસ્પિટલનો કોઈ પણ સ્ટાફ અમને કોલ કરી દે જેથી અમે અમારા ગ્રુપમાંથી નજીકમાં નજીક જે કોઈ હોય તેને ત્યાં પહોંચાડી દઈએ જેથી તે દર્દીનો જીવ બચાવી શકાય.

એક હ્રદયસ્પર્ષી અનુભવ, જેના કારણે થઈ આખા અભિયાનની શરૂઆત
શરૂઆતના એક અનુભવે વિશે તેઓ વાત કરતા કહે છે કે, એક મજુરનો હાથ કપાઈ ગયો હતો અને તેને તાત્કાલીક બ્લડની 15 જેટલી બોટલની જરૂર પડેલી ત્યારે સંસ્થાની નાની શરૂઆત જ હતી અને તે દિવસે અને મોડી રાત સુધી અમે રખડ્યા અને આ રીતે દરેક લોકોને તેમના બ્લડ ગ્રુપ પૂછી પૂછી તથા તેમને મનાવી તે મજુર માટે તેના જ બ્લડ ગ્રુપનું બ્લડ ઉપલબ્ધ કરાવી શક્યા. આ અનુભવ પછી અમને આ કામ કેટલું મહત્વનું છે તે સમજાયું જેને ખરેખર તો અમને શરૂઆતથી જ પ્રેરણા આપી આ કાર્યને મોટાપાયે લઇ જવા માટે.
આ કાર્ય અમે 2018 માં શરુ કરેલું અને અત્યારે પણ કાર્યરત છે. અત્યારે યુવા આર્મી ગ્રુપ રાજકોટ અને મોરબી બંને જગ્યાએ કાર્યરત છે. આજે પણ રોજની ત્રણ બોટલ સુધીની જરૂરિયાત તો રહે જ છે અને તે માટે ગ્રુપના જે તે સભ્યો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં પણ આવે છે. અત્યારે મોરબીના 450 અને રાજકોટ માં 350 લોકો આ ગ્રુપ સાથે જોડાયેલા છે જે નિયમિત પણે બ્લડ ડોનેટ કરે છે. બ્લડ જે આપવામાં આવે છે તે ડોનરના માધ્યમ દ્વારા તાત્કાલીક દર્દીને જ આપવામાં આવે છે. કોરોના સમયે સિવિલ હોસ્પિટલ મોરબીને સો બોટલ બ્લડ એકત્રિત કરીને આપવામાં આવ્યું હતું.
તેઓ આગળ જણાવે છે કે, એક સ્વસ્થ બ્લડ ડોનર ગોતવો પણ ખુબ મુશ્કેલ કાર્ય છે જેમકે જે કોઈનું હિમોગ્લોબીન ઓછું હોય અથવા તેનું વજન ઓછું હોય કે બીજું જે તે કારણ હોય તો પણ તે બ્લડ ડોનેટ કરવા માટે લાયક નથી હોતો. તેથી એક વોલિન્ટિયર ડોનરની દરેક માહિતી એકત્રિત કર્યા પછી તેને ગ્રુપમાં જોડવામાં આવે છે. અને સમયાંતરે તેની હિસ્ટરી ચકાસવામાં આવે છે.
આ રીતે દરેક લોકોની માહિતી સાચવી રાખી જરૂરિયાત વાળા લોકો સુધી આ સ્વૈચ્છીક બ્લડ ડોનરનો સંપર્ક કરાવી જે તે લોકોની બ્લડ માટેની જરૂરિયાત આ સંસ્થા દ્વારા પુરી કરવામાં આવે છે. જો તમે યુવા આર્મી ગ્રુપ વિશે વધારે જાણવા ઈચ્છો તો અહીંયા ક્લિક કરો.
મોરબી તેમજ રાજકોટમાં કોઈ પણ વ્યક્તિને બ્લડની જરૂર જણાય તો તેઓ યુવા આર્મી ગ્રુપના આ નંબર 9349393693 પર સંપર્ક કરી શકે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: મિત્રનું ફેફસાંની બીમારીથી મૃત્યું થતાં યાદમાં ઊંઝામાં શરૂ કરી ફ્રી ઑક્સિજન બેન્ક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.