જો તમને કોઈ કહે કે કોઈ વ્યક્તિ પોતાના એક એકર જમીનમાંથી છથી 12 લાખની કમાણી કરે છે તો તમને વિશ્વાસ આવશે? આપણને લાગે કે આવું શક્ય નથી. હરિયાણાના ખેડૂત ફૂલ કુમારને પણ એવું જ લાગ્યું હતું. જોકે, તેમણે જાતે જ આવું કરવાનો વિચાર કર્યો અને આજે કહાની કંઈક અલગ જ છે.
હવે ફૂલ કુમાર પોતે કહે છે કે એક એકર જમીનમાં આટલી કમાણી શક્ય છે. આ માટે યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તે જરૂરી છે. રોહતકના ભૈળી માતો ગામમાં રહેતા ફૂલ કુમારે 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. જે બાદમાં પોતાના વડવાઓની સવા ત્રણ એકર જમીનમાં ખેતી શરૂ કરી હતી. ફૂલ કુમારે ખેતી શરૂ કરી તે વર્ષ 1998નું હતું.

છેલ્લા 22 વર્ષનો અનુભવ ફૂલ કુમારે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યો હતો. ફૂલ કુમારના કહેવા પ્રમાણે ખેડૂત તરીકે તેમની જિંદગીમાં અનેક ઉતાર અને ચઢાણ આવ્યા હતા. તેમણે ખેતી શરૂ કરી ત્યારે મોટાભાગે રાસાયણિક ખેતી થતી હતી. મોટાભાગ લોકો કપાસની ખેતી કરતા હતા.
ફૂલ કુમાર કહે છે કે, “રસાયણોમાં ખર્ચ તો વધારે જ આવતો જ હતો પરંતુ ઉપજ પણ એટલી મળતી ન હતી. એક વર્ષમાં દવા છાંટવાનો ખર્ચ 1.25 લાખ થયો હતો જ્યારે અમારે કપાસ 1.15 લાખમાં વેચાયો હતો. આ રીતે તો ઘર ચલાવવું પણ મુશ્કેલી બની ગયું હતું.”
એટલું જ નહીં, વધારે રસાયણોના પ્રયોગથી ખેડૂતોના મોત પણ થતા હતા. તેઓ કહે છે કે દર વર્ષે પેસ્ટ્રીસાઇડથી તેમના ગામમાં ત્રણ-ચાર લોકોનાં મોત થાય છે. ફૂલ કુમારે કહ્યું કે તેમણે ટીવી પર રાજીવ દીક્ષિતનો એક કાર્યક્રમ જોયો હતો, જેમાં તેમણે જૈવિક ખેતી વિશે વાત કરી હતી.

“મેં પ્રથમ વખત સાંભળ્યું કે ખેડૂતો ડીએપી કે યૂરિયા વગર પણ ખેતી કરી શકે છે. રાજીવે સજાવ્યું કે આપણે ફક્ત ઝેર ખાઈ રહ્યા છીએ, કારણ કે ખેતીમાં રસાયણોનો ઉપયોગ થાય છે. એ દિવસે રાજીવે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જો કોઈ ખેડૂત સાંભળી રહ્યો છો તો તે ફક્ત એક અકર જમીનમાં જૈવિક ખેતી શરૂ કરે. એ દિવસે જ મેં નક્કી કરી લીધું હતું કે હું જૈવિક ખેતી કરીશ.”
ફૂલ કુમારે મનમાં નક્કી તો કરી લીધું પરંતુ જૈવિક ખેતી કરવા માટે તેમની પાસે કોઈ અનુભવ ન હતો. તેમણે જૈવિક ખેતી માટે માહિતી મેળવવાનું શરૂ કર્યું. આ સાથે જ 2010ના વર્ષમાં તેમણે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઇવર તરીકે પણ નોકરી શરૂ કરી હતી. તેમનું કહેવું હતું કે ઘર ચલાવવા માટે પૈસાની પણ જરૂર હતી.

2014ના વર્ષમાં તેમણે બસ ડ્રાઇવરની નોકરી છોડી દીધી હતી. ચાર વર્ષમાં એક વાત તેમના દિમાગમાં બરાબર બેસી ગઈ હતી કે જો નોકરી કરશે તો તેમના એકનું જ ભરણપોષણ કરી શકશે. પરંતુ જો જૈવિક ખેતી કરશે તો અનેક ઘરોને પોષણક્ષમ અને સ્વસ્થ ભોજન આપી શકશે. આ રીતે તેઓ સમાજ અને પ્રકૃતિ માટે પણ કંઈક કરી શકશે.
જે બાદમાં ફૂલ કુમારે ખેતી કરવાની શરૂઆત કરી હતી. ક્યારેક નુકસાન તો ક્યારેક ફાયદો થયો પરંતુ તેઓ રસાયણમુક્ત ખેતી કરવાનો પોતાનો નિર્ણય પર અડગ રહ્યા હતા.
આ દરમિયાન તેમની મુલાકાત ઝીરો બજેટ ખેતીના જનક સુભાષ પાલેકર સાથે થઈ હતી. માર્ચ 2017માં પંચકૂલામાં સુભાષ પાલેકરે એક વર્કશૉપનું આયોજન કર્યું હતું. આ દરમિયાન જ્યારે તેમણે સુભાષ પાલેકરની ખેતી વિશે જાણ્યું ત્યારે તેમના લાગ્યું કે હવે તેમને યોગ્ય રસ્તો મળી ગયો છે.

“સાચું કહું તો જ્યારે મને સુભાષ પાલેકરે કહ્યું હતું કે એક એકરમાં છથી 12 લાખની ઉપજ મેળવી શકાય છે ત્યારે હું તેમની સાથે દલીલમાં ઉતરી ગયો હતો. કારણ કે હું છેલ્લા સાત વર્ષથી જૈવિક ખેતી સાથે જોડાયેલો હતો અને મને અનેક વખત નુકસાન પણ થયું હતું. મેં પાલેકરજીની વાતને બરાબર સમજી અને જાણ્યું કે હું ક્યાં ભૂલ કરી રહ્યો હતો. તેમણે મને ‘જંગલ પદ્ધતિ’નો મેપ બનાવીને આપ્યો હતો અને સારી રીતે સમજાવ્યું પણ હતું.”
ફૂલ કુમારે તાલિમ બાદ 2017માં પોતાના ખેતરમાં ‘પંચસ્તરીય જંગલ મૉડલ’ની શરૂઆત કરી હતી. આ મૉડલમાં તેમણે પોણા એકર જમીનમાં માર્કિંગ કરીને 54 લીંબુ, 133 દાડમ, 170 કેળા, 420 સરગવાના ઝાડ લગાવ્યા હતા. તેમણે આ તમામ છોડ બીમાંથી લગાવ્યા હતા. તેઓ કહે છે કે તેમના પહેલા મૉડલમાં 420 કાળા મરીના ઝાડ અને 420 દ્રાક્ષની વેલ પણ લાગશે.
“આ જંગલ પદ્ધતી છે. જેમાં જમીનના એક ટૂકડા પર એક પાકની સાથે બીજો પાક લેવામાં આવે છે. જેમાં જમીનનું મેપિંગ કરીને બી જમીનમાં નાખવામાં આવે છે. જેનાથી ખર્ચ ઓછો થાય છે. કારણ કે છોડ મોંઘા પડે છે. આ મૉડલને વિકસિત થવામાં બે ત્રણ વર્ષનો સમય જરૂર લાગે છે, પરંતુ તમને પ્રથમ વર્ષથી જ કમાણી થવા લાગે છે,” તેમ ફૂલ કુમારે જણાવ્યું હતું.

આ તમામ છોડની વચ્ચે ફૂલ કુમાર દર સિઝનમાં શાકભાજી અને મસાલા પણ ઊગાડે છે. તેમનું આ મૉડલ હવે ત્રણ વર્ષ જૂનું થઈ ગયું છે. જે બાદમાં તેમણે બીજા મૉડલમાં એક એકર જમીન પર જામફળ, મૌસંબી, સીતાફળ જેવા છોડ ઊગાડ્યા છે. તેમનું બીજું મોડલ હાલ સંપૂર્ણ રીતે વિકસિત નથી થયું. આ વર્ષે તેઓ તેમની બાકીની જમીન પર ત્રીજું મૉડલ વિકસિત કરવાના છે.

આ ખેતી સંપૂર્ણ રીતે છાણ અને ગૌમૂત્ર પર આધારિત છે, જેમાં વધારે ખર્ચ નથી કરવો પડતો. મૉડલ જેટલું જૂનું થાય છે એટલી જ કમાણી વધતી જાય છે. પ્રથમ મૉડલમાં ફૂલ કુમારે માત્ર પોણા એકરમાં એક સિઝન દરમિયાન એકથી દોઢ લાખની કમાણી કરી હતી. આ વર્ષે તેમણે અઢી લાખ રૂપિયા સુધી કમાણી કરી હતી.
ફૂલ કુમાર ખેતર પર જ જીવામૃત અને ધનજીવામૃત બનાવે છે. આ માટે તેમણે ચાર ગાય અને બે વાછરડી રાખી છે. ફૂલ કુમારના કહેવા પ્રમાણે પંચસ્તરીય મૉડલથી પાણીની ખપત પણ ઓછી થાય છે. આ કારણે વીજળીનું બિલ પણ ઓછું આવે છે. આ સાથે જ ફૂલ કુમારને તેમની પત્ની પણ આ કામમાં મદદ કરે છે. તેણી દરરોજ ખેતરમાં કોઈને કોઈ કામ કરે છે. ફૂલ કુમાર તમામ કામ જાતે જ કરે છે.

પોતાની ઉપજના માર્કેટિંગ વિશે ફૂલ કુમાર કહે છે કે તેમણે ક્યારેય પણ શાકભાજી કે ફળોની મંડી સુધી નથી જવું પડ્યું. ગ્રાહકો તેમને ત્યાંથી વસ્તુઓ લઈને જાય છે. અમુક ગ્રાહકો નિયમિત રીતે તેમને ફોન કરીને ઑર્ડર બુક કરાવે છે. દર મહિના નવાં નવાં લોકો જોડાતા જાય છે અને વસ્તુઓ તેમને ત્યાંથી ખરીદી કરીને જાય છે. આ રીતે તેમની તમાન ઉપજ સીધી જ ગ્રાહકો સુધી પહોંચે છે.
“એક ખેડૂતને આનાથી વધારે શું જોઈએ? જો કોઈ ખેડૂત દિલથી મહેનત કરે અને યોગ્ય રીતે પાક લે તો 12 લાખથી પણ વધારે કમાણી કરી શકે છે. પરંતુ મહેનત વગર તમે એવું વિચારો કે લાખોમાં કમાણી થાય તો એવું શક્ય નથી. છેલ્લા ત્રણ વર્ષથી હું અને મારી પત્ની ખેતીને સમર્પિત રહ્યા છીએ,” તેમ ફૂલ કુમારે જણાવ્યું હતું.
હવે તેમના ફાર્મ પર દરરોજ ત્રણ મજૂરને રોજગારી પણ મળે છે. ક્યારેક ક્યારેક સિઝનમાં વધારે મજૂરો પણ બોલાવવા પડે છે. સૌથી સારી વાત એ છે કે ફૂલ કુમારને હવે ખેતીમાં પોતાનું અને તેમના પરિવારનો ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે.
જો તમને પણ ફૂલ કુમારની કહાનીથી પ્રેરણા મળી છે તો તમે તેમનો 9992103197 પર રાત્રે 9થી 10 દરમિયાન સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.