Placeholder canvas

ઘરમાં આવતી ચકલીઓની સંખ્યા ઘટતાં ચિંતા થઈ આ ગુજરાતી વ્યાપારીને, ઘરે-ઘરે જઈને લગાવી આપે છે માળા

ઘરમાં આવતી ચકલીઓની સંખ્યા ઘટતાં ચિંતા થઈ આ ગુજરાતી વ્યાપારીને, ઘરે-ઘરે જઈને લગાવી આપે છે માળા

અત્યાર સુધીમાં 50,000 માળા, 25,000 પાણીનાં કૂંડાં અને 15,000 બર્ડ ફીડર લગાવી ચૂક્યા છે નરેન્દ્રભાઇ

45 વર્ષના નરેન્દ્રભાઇ ફળદુ મૂળ મગફળીના વ્યાપારી છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામ ભાયાવદરમાં વસતા નરેન્દ્રભાઇને પહેલાંથી પ્રકૃતિ સાથે બહુ પ્રેમ. પહેલા તેમના ઘરના આંગણામાં રોજ 40-50 ચકલીઓ ચણવા આવતી હતી. પરંતુ અચાનક જ તેની સંખ્યા ઘટવા લાગી અને માંડ 6-7 ચકલીઓ આવતી. આ દરમિયાન સમાચાર માધ્યમોમાં પણ ચકલીની ઘટતી સંખ્યા બાબતે ચર્ચા જોઇ લગભગ 7 વર્ષ પહેલાં નરેન્દ્રભાઇને પણ લાગ્યું કે, આ બાબતે ખરેખર ઠોસ પગલાં ભરવાની જરૂર છે.

“અમે નાના હતા ત્યારથી જ અમારા ઘરે ચકલીઓ ચણવા આવતી. તે સમયે અમે દાણા-લોટ વગેરે નાખતા રોજ 40-50 ચકલીઓ આવતી, આ સંખ્યા ઘટીને 6-7 થઈ ગઈ. આ જોઇને એમ લાગ્યું કે, હવે પાછી આ સંખ્યા 40-50 કરવી છે અને શરૂ કર્યું આ અભિયાન.”

bird nest

અત્યારના સમયમાં પાકાં મકાનોના કારણે ચકલીને માળા બનાવવાની સમસ્યા નડે છે. પહેલાંના સમયમાં કાચાં મકાનોમાં ચકલીઓ માળા બનાવી શકતી. એટલે તે સમયે બઝારમાં 10 રૂપિયાનો ચકલીનો માળો મળતો એ લાવીને મૂક્યો. ધીરે-ધીરે અનુભવોથી ખબર પડી કે ચકલીને માટીના માળા કરતાં પૂંઠાનો માળો વધારે અનુકૂળ આવે છે.

તો બીજે ક્યાંય જગ્યા ન મળતાં ચકલીને કાંટાળાં ઝાડ પર માળો બનાવવો પડે છે, પરંતુ ત્યાં પણ તેને શિકારી પક્ષીઓ અને પ્રાણીઓનું જોખમ તો હોય જ. એટલે હવે જરૂર હતી લોકોમાં જાગૃતિ લાવવાની.

Bird nest

આ માટે સૌપ્રથમ 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી. જેનાથી ગામલોકોને પણ ખબર પડી કે, તેઓ ચકલીના માળા, ચણ માટેનાં ફીડર અને પાણી માટેનાં કૂંડાં સૌને મફતમાં આપે છે. તેમની આ બધી પ્રવૃત્તિઓ જોઇ તેમના એક મિત્ર દાન આપવા માટે પણ આગળ આવ્યા. તો નરેન્દ્રભાઇએ તેમને પૈસાની જગ્યાએ માળા બનાવવાનો માલ મોકલવા કહ્યું. ત્યારથી દર વર્ષે એ ભાઇ નરેન્દ્રભાઇને 40-50 હજાર રૂપિયાના માળા અને કૂંડાં બનાવવાનો સામાન મોકલાવે. જેને પછી નરેન્દ્રભાઇ ગામે-ગામ ફરી-ફરી લોકોના ઘરે-ઘરે જઈને જાતે લગાવી આપે.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં નરેન્દ્રભાઇએ કહ્યું કે, “દિવસ દરમિયાન તો વ્યવસાયમાં વ્યસ્ત હોવાના કારણે હું દરરોજ રાત્રે 2 કલાક આ કામ માટે ફાળવું છું. ઘણા લોકો એક્સાથે 5-7 માળા માંગે અને અમે આપીએ પછી એમાંથી ભાગ્યે એકાદ જ લગાવે. બાકીના નકામા જ જાય. એટલે અમે જાતે જ જઈને તેમને માળા લગાવી આપીએ છીએ.”

Save sparrow

આ સિવાય બીજા પણ ઘણા ખાસ અભિયાન ચલાવે છે નરેન્દ્રભાઇ.

 • સૌરાષ્ટ્રમાં નવરાત્રી દરમિયાન માતાજીની ગરબી મૂકે છે લોકો ઘરમાં. તો નરેન્દ્રભાઇએ અભિયાન શરૂ કર્યું કે, આ નવરાત્રીમાં ઘરમાં પાકા ગરબાનું સ્થાપન કરો અને નવરાત્રી પછી આ ગરબાને પાણીમાં પધરાવાની જગ્યાએ તેમાં ચકલીનો માળો બનાવો. ઓગળે નહીં તેવા ગરબામાં માળો બનાવવાથી ચકલીને પણ પક્કુ ઘર મળશે. 80 ટકા લોકોએ સહકાર પણ આપ્યો અને નરેન્દ્રભાઇને તે ગરબામાંથી માળો બનાવવા આપ્યા. તો જે લોકો નહોંતા માનતા તેમને નરેન્દ્રભાઇએ સમજાવ્યું કે, તમે આ ગરબો પાણીમાં પધરાવશો તો, તેમાં રહેલ ઘીવાળી રૂની વાટ માછલી ખાઇ જશે. અને તેનાથી માછલીઓનાં અવસાન થશે. જેનાથી બીજા પણ ઘણા લોકો સાથ આપવા તૈયાર થયા.
 • કોઇના ઘરે બાળકનો જન્મ થાય કે કોઇ બીજા શુભ સમાચાર હોય તો, તેઓ લોકોને સમાજાવે છે કે, તમે પેંડા કે મીઠાઇને પેક કરી પૂંઠાના કે માટીના માળામાં આપો. જેથી એક આખી સકારાત્મક ચેન ઊભી થશે. વધુમાં વધુ લોકો સુધી માળા પહોંચશે અને પંખીઓને ઘર મળશે.
 • મરણ પ્રસંગમાં પણ લોકોને જમાડવાની, લાડુ આપવાની પ્રથા છે. તો તેમની પ્રેરણાથી લોકો આ સમયે પણ લોકોને માળા આપતા થયા છે.
 • તો ઘણા લોકો બાળકોનો જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી ઉજવે, આવનાર મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં માળા આપે છે. આમ ધીરે-ધીરે તેમના દ્વારા બનાવેલ સકારાત્મક ચેન આગળ વધી રહી છે.
Save nature

આસપાસના ત્રણચાર છોકરાઓ અને તેમના પુત્રને લઈને રાત પડે નરેન્દ્રભાઇ નીકળી પડે અને જેના પણ ઘરે માળો, કૂંડુ કે ફીડર લગાવવાનું હોય તેમાં મદદ કરે. તો વિશ્વ ચકલી દિવસ માટે લોકોને માળા આપવા માટે આસપાસના લોકો તેમની મદદે આવે છે. માળામાંથી પૂંઠાં છપાઇને આવ્યાં હોય એટલે તેમાંથી માળા બનાવવા આસપાસની મહિલાઓ સાંજે આવી જાય અને 3-4 હજાર માળા બનાવી આપે.

તો ધ બેટર ઈન્ડિયા સાથે રસપ્રદ માહિતી જણાવતાં નરેન્દ્રભાઇએ કહ્યું, “સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન ચકલી ઈંડાં આપતી હોય છે. એટલે ચકલી અને તેનાં બચ્ચાંને આશારો મળી રહે અને શિકારી પક્ષીઓ અને કૂતરાં-બિલાડીઓથી બચાવી શકાય એ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા આ સમયે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. જેથી લોકો તેમના ઘરે, આંગણામાં માળો બાંધવા પ્રેરાય અને ચકલીઓને આશરો મળી રહે.”

Save birds

તો ચકલીઓના સંવર્ધન અને રક્ષણ માટે તેઓ ઋતુ પ્રમાણે લોકોને સમજાવે છે. ફેબ્રુઆરી-માર્ચમાં લોકોને માળા લગાવવાનું સમજાવે છે તો, ચોમાસામાં ચકલીઓના ચણની જરૂર હોય છે એટલે બર્ડ ફીડર અને ચબુતરા લગાવવાનું જણાવે છે. તો ઉનાળામાં પાણીની જરૂર હોય છે એટલે પાણીનાં કૂંડાં મૂકવાનું જણાવે છે.

જો લોકો ઘરે જૂનાં હેલ્મેટ પડ્યાં હોય, તો તેમાંથી કાચ કાઢી માળાની જેમ લટકાવવાનું સમજાવે છે. હેલમેટની ઉપર જો રંગ કરી દેવામાં આવે તો તે સુંદર માળો બની જાય છે. તો જૂનાં પૂંઠાં, સાવરણીની સળીઓ વગેરેમાંથી પણ સુંદર માળો બનાવે છે. જે ચકલીને ઘર આપવાની સાથે-સાથે ઘરની શોભા પણ વધારે છે.

bird nests

આ સિવાય તેઓ પક્ષી બચાવ માટે બીજું પણ એક ખાસ અભિયાન ચલાવે છે. આસપાસ ક્યાંય પણ કોઇ ઘાયલ પક્ષી મળે તો તરત જ તેઓ નજીકની પક્ષી હોસ્પિટલ પહોંચાડે છે. તો આસપાસના ગામમાં પણ પક્ષી ઘાયલ થયું હોય અને કોઇ તેમને જણાવે તો, તેઓ તેમને કહે છે કે, ત્યાંથી આવી રહેલ બસમાં પક્ષી મોકલી આપો અમે તરત જ તેની સારવાર કરાવશું. આવું ઉત્તરાયણ સમયે બહુ જોવા મળતું હોય છે. પતંગના દોરાના કારણે ઘણાં પક્ષીઓ ઘાયલ થાય છે અને તેઓ તેમની સારવાર કરાવે છે.

તેમનાં કાર્યોથી પ્રભાવિત થઈને વન વગડો નામના ફેસબુક પેજના એડમિન કનુભાઇ યોગી તેમને ઘરે મળવા ગયા. આ પેજમાં પ્રકૃતિની સુંદરતા અને સંવર્ઘનની પોસ્ટ મૂકવામાં આવે છે, જેથી વધુમાં વધુ લોકો પ્રકૃતિની નજીક આવે.

Narendrabhai
Narendrabhai with Kanubhai

દર વર્ષે નરેન્દ્રભાઇએ આસપાસથી 75 હજારનું દાન મળે છે આ કાર્યો માટે તો આટલા જ રૂપિયા તેઓ જાતે પણ ખર્ચે છે. અત્યાર સુધીમાં તેઓ આસપાસનાં 200 ગામડાંમાં લગભગ 50,000 માળા, 25,000 પાણીનાં કૂંડાં અને 15,000 બર્ડફીડર વહેંચી ચૂક્યા છે. તેમણે તેમના પોતાના ગામમાં વિવિધ ઝાડ પર લગભગ 1500 માળા લટકાવ્યા છે, જેથી ત્યાં પણ ચકલીઓ તેમનું ઘર બનાવી શકે છે.

આ સિવાય તેઓ વિવિધ સેમિનાર અને પ્રોગ્રામ પણ કરે છે. જેમાં તેઓ લોકોને સમજાવે છે કે, પક્ષીઓને કે કૂતરાંને ગાંઠિયા, ચવાણું કે બિસ્કિટ ન ખવડાવો. તેમનું પાચનતંત્ર આ બધુ પચાવી શકતું નથી. જેના કારણે તેમના પેટમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે ચકલીઓને અનાજનું ચણ અને કૂતરાંને રોટલી-રોટલા જ ખવડાવવા જોઇએ. આ માટે તેઓ તેમના પુત્રને પણ સતત પ્રેરણા આપે છે અને તેમના આ પ્રયત્નો રંગ પણ લાવ્યા છે. તેમની આસપાસના વિસ્તારોમાં ચકલીઓની સંખ્યા પહેલાં કરતાં બમણી થઈ છે.

sparrow day

તો વિવિધ પોસ્ટ દ્વારા તેઓ લોકોને સમજાવે છે કે, નખ કાપીને જ્યાં-ત્યાં ન નાખો. ચકલીઓ તેને ચોખા સમજીને ખાઇ જાય છે અને તેમનું મૃત્યુ થાય છે. આ જ રીતે લોકો ચિંગમ ખાઇને ગમેત્યાં ફેંકી દેતા હોય છે તેને ચકલી લોટ સમજી ખાઇ લેતી હોય છે અને મોંતને ભેટે છે. ઘણા લોકો વાળ ઓળ્યા બાદ તૂટેલા વાળની ગૂંચ ગમે ત્યાં ફેંકી છે, જેમાં ચકલીનાં નાનાં-નાનાં બચ્ચાંના પગ ફસાઇ જાય છે. એટલે આ બાબતે લોકોને સમજાવે છે કે, આવી-બધી વસ્તુઓ રસ્તામાં ન ફેંકે.

હવે વિશ્વ ચકલી દિવસ અને ચકલીઓ માટે પ્રજનન સમય નજીક છે ત્યાં માળા બનાવવાનું કામ પણ જોરશોરમાં ચાલુ છે. પૂંઠા અને માટીના એમ માળા બનાવડાવે છે નરેન્દ્રભાઇ. તેઓ પૂંઠાનો એક માળો માત્ર 6.5 રૂપિયામાં આપે છે. તો માટીના માળા તેઓ ભાવનગર મુકેશભાઇ પ્રજાપતિ પાસે બનાવડાવે છે. મોટા માળાની કિંમત 15 રૂપિયા અને નાના માળાની કિંમત 10 રૂપિયા છે. જો તમે પણ મુકેશભાઇ પાસેથી આવો માળો ઇચ્છતા હોય તો 9979958841 પર સંપર્ક કરી શકો છો.

જો તમને પણ નરેન્દ્રભાઇનાં કામ ગમ્યાં હોય અને તેમના વિશે વધુ જાણવું હોય કે, માળા જોઇતા હોય તો +91 98989 72320 પર તેમનો સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: ચકલી કાકા: સિમેન્ટના જંગલમાં 26 પ્રકારના પક્ષીઓ માટે આશ્રયસ્થાન છે તેમનું ઘર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X