પંજાબનાં ફાજીલ્કામાં ઢિંગાવલી ગામમાં રહેતાં 60 વર્ષનાં ખેડૂત, સુરેન્દ્ર પાલ અનાજ, તેલિબિયાં,કઠોળ અને ફળોની સાથે સાથે દેશી કપાસની પણ જૈવિક ખેતી કરે છે. તેઓ જાતે પોતાના કપાસનું પ્રોસેસિંગ કરીને તેને ત્વચાને અનુકૂળ આવે એવાં જૈવિક કપડાં પણ બનાવી રહ્યા છે.
આજે દેશમાં ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતીના ખરાબ પરિણામોને સમજીને જૈવિક અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ખાસ કરીને યુવાનો જૈવિક ખેતીને લઈને ઘણા સકારાત્મક છે. તેની સાથે જ લોકોમાં પણ સ્વાસ્થ્ય ખાન-પાનને લઈને ઘણી જાગૃતતા આવી છે. હવે લોકો માત્ર પોષણથી ભરપુર ભોજન જ કરવા નથી માંગતા પરંતુ સાથે પહેરવા માટે જૈવિક સુતરાઉ કપડાની માંગમાં પણ ઘણો વધારો થયો છે. બજારમાં તમને ઘણી એવી બ્રાંડ મળશે, જે જૈવિક સુતરાઉ કપડાનું જ વેચાણ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવાં ખેડૂતની સાથે મુલાકાત કરાવીશુ, જેઓ જૈવિક રીતે કપાસની ખેતી (Organic Cotton Farming) કરવાની સાથે સાથે જૈવિક કપડાઓ પણ બનાવી રહ્યા છે.
પંજાબના ફાજિલકાના ઢિંગાવલી ગામમાં રહેતાં 60 વર્ષીય ખેડૂત સુરેન્દ્ર પાલસિંહે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેમને ખેતી વારસામાં મળી છે. તેઓ કહે છે, “અહીંના લોકો ખેતી કરે છે અથવા ભારતીય સેનામાં સેવા આપે છે. મેં સૈન્યમાં જોડાવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ કારણોસર તે કરી શક્યો નહીં. તેથી, મેં ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે પણ અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને અમે બધાં હળી-મળીને એકસાથે જૈવિક રીતે ખેતી કરીએ છીએ.”

તેઓ જણાવે છે, “અમારા કુટુંબની પાસે ઘણી બધી જમીન છે, તેથી, અમે જૈવિક અને પ્રાકૃતિક રીતે ખેતી કરવી, તેને અમારી જવાબદારી માનીએ છીએ. જ્યારે પૃથ્વી આપણને એટલું બધું આપે છે, ત્યારે આપણે પણ તેની તરફ થોડી ફરજ બજાવવી જોઈએ. હું મારા પિતા અને દાદા પાસેથી શીખ્યો કે જો આપણે જમીન અને કુદરત સાથે રમીએ તો આપણે આપણા અસ્તિત્વને જોખમમાં મુકીશું.”
તેથી, તેમણે ક્યારેય કેમિકલ ફાર્મિંગનો આગ્રહ રાખ્યો ન હતો. જો ક્યારેય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, તો પછી ખૂબ ઓછી માત્રામાં. 1992થી, તેઓ સંપૂર્ણપણે જૈવિક અને કુદરતી ખેતી કરે છે. તેમની પાસે જામફળ, મોસંબી જેવા ફળોના બગીચા છે અને તે ઉપરાંત તે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, તલ, કઠોળ અને કપાસની ખેતી કરે છે. તે જૈવિક પદ્ધતિઓ દ્વારા તેમના ઘર માટે શાકભાજીનું વાવેતર કરે છે. તેઓ કહે છે, “હું મારા પરિવારની લગભગ બધી જરૂરિયાતો માટે કૃષિ પર આધારીત છું. અમારું ખાવાનું પહેલાથી જ આપણી કૃષિ પર આધારીત હતું અને હવે અમે મોટાભાગે અમારા કાર્બનિક કપાસમાંથી જ કપડા બનાવીએ છીએ.”

કપાસની જૈવિક ખેતી
સુરેન્દ્ર તેની ચાર એકર જમીનમાં ઓર્ગેનિક કપાસની ખેતી કરે છે. તેઓ કહે છે, “પહેલાં, ઉત્તર ભારતમાં દેશી કપાસની ખેતી કરવામાં આવતી હતી અને ચરખાઓ અને હેન્ડલૂમ્સ પર સ્પિનિંગ, વણાટ અને કાંતણનું કાપડ બનાવવામાં આવતું હતું. પણ આધુનિકતાના ચક્કરમાં, હવે તમને ચરખા શોધવાથી પણ નહીં મળે. હવે દેશી કપાસ ઉગાડનારા ખેડૂતો પણ ભાગ્યે જ જોવા મળે છે. મોટાભાગના ખેડુતો તેની હાઇબ્રિડ જાત બીટી કપાસનું(BT Cotton) વાવેતર કરે છે. મેં મારા ખેતરોમાં ક્યારેય હાઈબ્રિડ કપાસનું વાવેતર કર્યું નથી.”
આનું મુખ્ય કારણ તેમના પશુધન છે. તેમના ઘરે ગાય અને ભેંસોનો ઉછેર કરવામાં આવે છે અને આ માટે લીલો ઘાસચારો, સરસવની કેક અને કપાસિયાની જરૂરિયાત છે. કપાસની લણણી પછી, જ્યારે તે કાપવામાં આવે છે, ત્યારે તેમાંથી રૂ અને કપાસિયા બને છે. ખેડુતો કાપડના વેપારીઓને રૂ આપે છે અને કપાસિયા પશુઓ માટે ઘાસચારો તરીકે વપરાય છે. પરંતુ સુરેન્દ્ર કહે છે કે, હાઈબ્રિડ કપાસમાંથી બનતા કપાસિયાનાં બી પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે સારા નથી. તેથી, તેઓ હંમેશાં જૈવિક રીતે દેશી કપાસની (Cotton) ખેતી કરે છે.
સુરેન્દ્ર જણાવે છે,“મે મહિનામાં કપાસનું (Cotton) વાવેતર થાય છે. આના એક મહિના પહેલાં, અમે વાવણી માટે ખેતર તૈયાર કરીએ છીએ. જે જમીન પર કપાસનું વાવેતર થવાનું છે, તે જમીનને સારી રીતે ખેડવામાં આવે છે. આ પછી, એક અથવા બે અઠવાડિયા માટે ખેતર ખાલી છોડવામાં આવે છે. જો કે આટલા વર્ષોથી ચાલી આવતી સજીવ ખેતીને કારણે અમારા ખેતરોની જમીન ખૂબ જ ફળદ્રુપ થઈ ગઈ છે, પરંતુ ખેડતા પહેલાં અમે લોકો જમીનમાં જીવામૃત છાંટીએ છીએ. જો અમે ક્યારે શરૂઆતમાં જીવામૃત આપી શકતા નથી, તો પછી ખેડ્યા બાદ અને વાવણી પહેલાં ખેતમાં સિંચાઈની સાથે જીવામૃત આપીએ છીએ.”

તે જમીન ઉપર તેઓ કપાસ લગાવે છે, તેમાં જ કપાસની સાથે કેટલાક એવા પાકોની ખેતી કરે છે, જે જમીનમાં ‘નાઇટ્રોજન ફિક્સેશન‘ તરીકે કામ કરે છે. જેમ કે તેઓ કપાસની સાથે મગ અને મઠની દાળ લગાવે છે. વધારે ઉત્પાદન માટે સારું પોલીનેશન હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું, “પોલીનેશન પક્ષીઓની મદદથી થાય છે. તેથી, અમે કપાસ અને કઠોળની વચ્ચે, બાજરી અથવા જુવારની બે લાઇન લગાવીએ છીએ. કારણ કે, પક્ષીઓ તેમના ફૂલોથી આકર્ષાય છે. ઉપરાંત, ખેતરોની સરહદ પર તુવેર અને ગલગોટાના ફૂલો લગાવવામાં આવે છે. આ રીતે, અમે પોષણ, પોલીનેશન અને જંતુના સંચાલનને કુદરતી રીતે હાથ ધરીએ છીએ. આ રીતે ખેતી કરીને, તમને કોઈ રસાયણોની જરૂર પડતી નથી.”
સુરેન્દ્ર લાંબા સમયથી જૈવિક ખેતી કરે છે. તેઓ કહે છે, “હવે અમારા ખેતરનું વાતાવરણ એવું છે કે પાકને જીવાતો આવે તો પણ અમારે વધારે ચિંતા કરતા નથી. કારણ કે, અમે જાણીએ છીએ કે પ્રકૃતિ તેની જાતે જ તેનું સંચાલન કરશે.”ઓક્ટોબર મહિનામાં કપાસનો પાક લણવામાં આવે છે. સુરેન્દ્ર કહે છે કે તેને એક એકર જમીનમાં ઉત્પાદન કરતાં લગભગ ત્રણથી સાત ક્વિન્ટલ કપાસ મળે છે.

જાતે બનાવી રહ્યા છે જૈવિક સુતરાઉ કપડા
સુરેન્દ્ર કહે છે કે, તેઓ પંજાબમાં જૈવિક ખેતી માટે કામ કરતી સંસ્થા ‘ખેતી વિરાસત મિશન‘ સાથે જોડાયેલાં છે. આ સાથે, તે લોકોમાં સજીવ ખેતી અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે. સજીવ ખેતીની સાથે, ખેતી વિરાસત મિશન ચરખા, પંજાબની પરંપરાગત હસ્તકલા કળાઓ જેવીકે ચરખા, ફુલકરી વગેરેને બચાવવાનાં પણ પ્રયાસ કરી રહ્યા છે. મિશન દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લઈને સુરેન્દ્રને જાણ થઈ કે, કપાસ ઉદ્યોગમાં રસાયણનો ઉપયોગ કરીને સુતરાઉ કાપડ બનાવવામાં આવી રહ્યુ છે. ભલે તેઓ ઓર્ગેનિક કપાસને બજારમાં પહોંચાડી રહ્યા છે, પરંતુ જો રસાયણોનો ઉપયોગ હજી પણ કપડાં બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, તો પછી તેનો ફાયદો શું?
તેથી, વર્ષ 2009થી, તેમણે નક્કી કર્યું કે તે પોતાના કપાસની પ્રક્રિયા કરીને કપડાં બનાવશે. તે કહે છે, “કપાસની પ્રક્રિયા કરવા માટે ચરખા અને હેન્ડલૂમ મેળવવું ખૂબ મુશ્કેલ બન્યું હતું. કારણકે પંજાબમાં કપાસની ખેતી ઓછી થઈ હોવાથી ઘરોમાં ચરખામાં સુતર કાંતવાનું લગભગ ખતમ થઈ ગયુ હતુ. પહેલા દરેક ગામમાં વણકર હતા, જે કપડા વણતા હતા. પરંતુ, હવે તમને આ સમુદાય ક્યાંક પણ મળશે. મેં લગભગ ત્રણ વર્ષથી મારો કપાસ બજારમાં વેચ્યો નથી. પરંતુ, જ્યારે કોઈ હેન્ડલૂમવાળા મળ્યા નહી, ત્યારે મેં ‘પાવર લૂમ’ માં વાત કરી અને 2013માં, મેં તેમની પાસેથી કપાસનાં જૈવિક સુતરાઉ કપડાં તૈયાર કરાવવાનું શરૂ કર્યુ.”

જો કે, આ કપડાં બનાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ, તેઓએ હાર માની ન હતી. તેઓ વધુમાં કહે છે, “એક ક્વિન્ટલ કપાસમાં 100મીટરથી વધુ કાપડ બનાવવામાં આવે છે અને કપડાની માત્રા પણ તમે આ કપડાને જાડું કે પાતળું બનાવી રહ્યા છો તેના પર નિર્ભર છે. સામાન્ય ખેડૂતને બજારમાં એક ક્વિન્ટલ કપાસ વેચવાથી પાંચથી છ હજાર રૂપિયા મળે છે. જ્યારે, અમે એક ક્વિન્ટલ કપાસમાંથી તૈયાર કરેલાં કાપડના વેચાણથી 19 હજાર રૂપિયા સુધીની કમાણી કરીએ છીએ.”
તેઓ હજી પણ પાવર લૂમમાંથી જ કપડાં બનાવડાવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતી વિરાસત મિશનની ટીમે પંજાબના ગામોમાં ચરખા અને હેન્ડલૂમ્સને બચાવવાનું કામ પણ કર્યું છે.
આ મિશનના સભ્ય રૂપાસી ગર્ગ જણાવે છે કે, “અમારો ઉદ્દેશ પંજાબના ખોવાયેલા વારસાને પાછો લાવવાનો છે. છેલ્લા 15-16 વર્ષથી, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે અહીંના દરેક ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે અને આમ સ્થાનિક કળા અને હસ્તકલાને બચાવી શકાય. મહિલાઓ સાથે, અમે ‘ત્રિંજન’ નામનો એક કાર્યક્રમ ચલાવીએ છીએ. જેના દ્વારા, અમે મહિલાઓને ચરખા, હેન્ડલૂમ્સ અને કાર્પેટ બનાવવા જેવા કામોથી જોડીએ છીએ. સુરેન્દ્ર જી જેવા ખેડુતોનો સહયોગ આ કાર્યમાં ખૂબ મદદગાર સાબિત થયો છે. સુરેન્દ્ર જીનો અનુભવ અમને ઘણી મદદ કરે છે. જ્યાં કપાસનું વાવેતર લગભગ ખતમ થઈ ગયું હતું ત્યાં તે દેશી કપાસ ઉગાડીને દાખલો બેસાડી રહ્યા છે.”
આગામી સમયમાં, સુરેન્દ્ર કપડા બનાવવાના મિશન દ્વારા તૈયાર કરવામાં આવતા મહિલા ગ્રુપોને પોતાનો કપાસ આપવાની યોજના પર કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કપાસએ એક એવો પાક છે જેમાં લોકોને ચૂંટવાથી લઈને વણાટ સુધી દરેક તબક્કે રોજગાર મળી શકે છે. જ્યારે કપાસને તેના ખેતરમાં લેવામાં આવે છે, ત્યારે તે એક સમયે લગભગ 45 કામદારોને રોજગાર આપે છે.

કપડાં સીધા ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે
સુરેન્દ્ર જે પણ ઓર્ગેનિક સુતરાઉ કપડા બનાવે છે, તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડે છે. તેઓ કહે છે, “આટલા વર્ષોમાં મારી સાથે સેંકડો ગ્રાહકો જોડાયેલા છે. તેમને ત્યાં અનાજ, દાળ અને ફળો વગેરે અમારા ખેતરોમાંથી અહીં જાય છે. તેથી, જ્યારે અમે કપડા બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમે આ ગ્રાહકોથી શરૂઆત કરી. અમે અમારા બધા કપડા એક જગ્યાએ પહોંચાડતા નથી, પરંતુ ગ્રાહકો આખું વર્ષ અમારી પાસેથી કપડાં ખરીદતા રહે છે.”
આ ઉપરાંત, તેઓને રજાઇ-ગાદલા બનાવવાના ઓર્ડર પણ મળે છે. તે આ કપડાથી રજાઇ-ગાદલાના ખોળ બનાવે છે, જેમાં ફક્ત ઓર્ગેનિક કપાસ ભરાય છે. તે કહે છે કે કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલા કપડાં પહેરીને અથવા અન્ય રીતે તેનો ઉપયોગ કરીને લોકોને ત્વચાને લગતા રોગો થઈ રહ્યા છે. તેથી, ઘણા ગ્રાહકો તેમની પાસેથી જૈવિક કપાસમાંથી બનેલા કપડાં અને રજાઇ-ગાદલા ખરીદે છે. લુધિયાણામાં રહેતાં તેમના એક ગ્રાહક સુપ્રીયા સદને. ન ફક્ત પોતાના માટે પરંતુ ઈંગ્લેન્ડમાં રહેતી તેમની પુત્રી માટે પણ રજાઇ-ગાદલું બનાવડાવીને ઇંગ્લેન્ડ મોકલ્યું છે.
સુપ્રિયાને સિંથેટિક કાપડમાંથી બનેલા રજાઇ અને ગાદલાઓને કારણે ત્વચાની સમસ્યા હતી. પરંતુ, ત્યારથી જ તેઓ જૈવિક કપાસમાંથી બનેલા રજાઇ-ગાદલાનો ઉપયોગ કરે છે, તેમની મુશ્કેલીઓ સમાપ્ત થઈ ગઈ છે. તેમની પુત્રીને પણ આ જ સમસ્યા હતી. તેથી, તેઓએ તેના માટે પણ ઓર્ડર આપીને વસ્તુઓ બનાવડાવી. અન્ય ગ્રાહક સુનૈના વાલિયાએ ત્રણ-ચાર મહિનામાં લગભગ 70 મીટર કાપડની ખરીદી કરી. જલંધરમાં પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધનોનો ધંધો ધરાવનારી સુનૈનાને ‘ખેતી વિરાસત મિશન’ દ્વારા સુરેન્દ્ર વિશે જાણ થઈ.
તેઓ કહે છે, “હું મારા ગ્રાહકોને ‘મેકઅપ રીમુવર’ પણ પ્રદાન કરું છું. અમે મેકઅપ દૂર કરવા માટે, રૂનો ઉપયોગ કરીને તેને ફેંકી દઈએ છીએ, જે પર્યાવરણ માટે સારું નથી. તેથી, જ્યારે મને સુરેન્દ્રજીના ઓર્ગેનિક કપડા વિશે ખબર પડી, ત્યારે મેં તેમની પાસેથી કેટલાક મીટર કાપડ ખરીદ્યુ અને તેમાંથી ઉપયોગી, રીમુવર પેડ બનાવ્યાં. તે ત્વચાના તમામ પ્રકારો માટે યોગ્ય છે. આ માટે, મને મારા ગ્રાહકો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી, હવે હું તેમના ઓર્ગેનિક કપડામાંથી વધુ જુદી જુદી વસ્તુઓ બનાવવાનું વિચારું છું.”
સુરેન્દ્ર કહે છે કે, ફ્રેન્ચ કાપડ ઉદ્યોગસાહસિક કે જેઓ બાળકો માટે સુતરાઉ કપડા વેચે છે, તેના સુતરાઉ કપડાથી બાળકોને ત્વચાની તકલીફ થવા લાગી. આવી સ્થિતિમાં, તેઓ આનું કારણ જાણવા માગતા હતા, એવું જાણવા મળ્યું કે હાઈબ્રિડ કપાસ અને રસાયણોના ઉપયોગને કારણે આવું થઈ રહ્યું છે. તેથી, તેમણે ઓર્ગેનિક કપાસ ઉગાડતા ખેડૂતોના ખેતરો જોવા અને ખેતીની ઝીણવટને સમજવા માટે ભારતની મુલાકાત લીધી. દેશી કપાસની સાથે સુરેન્દ્ર નરમા કપાસ પણ ઉગાડી રહ્યા છે. તે કુદરતી રીતે ખાકી રંગનો હોય છે.
તેમણે કહ્યું, “પહેલાં અહીં નરમા કપાસની ખેતી થતી હતી, પરંતુ હવે તે ખૂબ જ મુશ્કેલીથી મળી આવે છે. મને તેના બીજ શોધવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જ્યારે બીજ માટેની શોધ પૂરી થઈ ત્યારે, મેં તેનું ખૂબ જ નાના સ્તરે વાવેતર કરવાનું શરૂ કર્યું. જો કે, અમે હજી પણ બીજ બનાવવાની સ્થિતિમાં છીએ. જો કે, જ્યારે ફ્રાન્સના એક ઉદ્યોગસાહસિકે આ નરમા કપાસ જોયો ત્યારે તે ચોંકી ગયો. પછી, તેમણે કહ્યું કે જો દેશી કપાસને આવા રંગોમાં મિક્સ કરી દેવામાં આવે તો, કેમિકલ ડાઈ કરવાની જરૂર રહેશે નહીં. અમને તેમની વાતો પણ ગમી ગઈ અને તેથી, હવે અમે એવા પાક ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે કુદરતી ડાઈ બની શકે.”
તેમના તમામ પ્રકારનાં પાક અને પ્રક્રિયાને લીધે, આજે સુરેન્દ્રની વાર્ષિક આવક લાખોમાં છે. પરંતુ, તેઓ કહે છે કે હવે તેની પ્રાથમિકતા માત્ર પૈસા કમાવવાની નથી પરંતુ તે લોકોનું જીવનધોરણ સુધારવા માંગે છે. તે પર્યાવરણના હિતમાં કામ કરીને લોકોને સારો ખોરાક અને કપડાં પ્રદાન કરવા માંગે છે. તેઓ કહે છે, “કૃષિ એ અમારા માટે વ્યવસાય નથી પરંતુ તે અમારી જીવનશૈલી છે. અમારી લગભગ બધી જરૂરિયાતો કૃષિ દ્વારા પૂરી કરવામાં આવી રહી છે, તેથી અમને આ વાતથી ફરક પડતો નથી કે અમારી વાર્ષિક આવક શું છે? આપણે જાતે સારી રીતે જીવીએ છીએ અને કેટલાંક લોકોને રોજગાર આપી રહ્યા છીએ, તેનાથી મોટી બીજી કોઈ કમાણી નથી.”
જો તમે સુરેન્દ્ર પાલ સિંહનો સંપર્ક કરવા માંગતા હો, તો તમે 9417763067 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
તસવીરો: સુરેન્દ્ર પાલ સિંહ
આ પણ વાંચો: ના તો વીજળીનો ખર્ચ, ના તો પાક બગડવાની ચિંતા! આ છે સૌરઉર્જાથી ચાલતુ ફ્રિઝ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.