Search Icon
Nav Arrow
Solar Fridge
Solar Fridge

ના તો વીજળીનો ખર્ચ, ના તો પાક બગડવાની ચિંતા! આ છે સૌરઉર્જાથી ચાલતુ ફ્રિઝ

હવે ખેડૂતોને પાક બગડવાની નહિ સતાવે ચિંતા! આ ભારતીય વૈજ્ઞાનિકે બનાવ્યુ છે સૌર ઉર્જાથી ચાલતુ કોલ્ડ સ્ટોરેજ

ખેડૂતોની ખાદ્ય પેદાશોને યોગ્ય રીતે સંગ્રહિત કરવાના સાધનના અભાવને લીધે, તેમને અનેક વખત નુકસાન વેઠવું પડે છે. કોરોના રોગચાળાના કારણે લાગેલાં લોકડાઉનમાં આ પ્રકારનાં અનેક સમાચારો સામે આવ્યા હતા. જ્યારે ખેડૂતોનો પાક સમયસર બજારમાં ન પહોંચવાને કારણે ખરાબ થઈ ગયો હતો. પરંતુ ત્યારે, અજમેરના પિચોલિયા ગામના ખેડૂતો યોગ્ય સ્ટોરેજ તકનીકનો ઉપયોગ કરીને તેમના પાકને બચાવવામાં સફળ રહ્યા છે. હા, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (જેને પુસા સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે) દ્વારા આ ગામમાં ‘પુસા ફાર્મ સનફ્રીજ’ બનાવવામાં આવ્યુ છે. આ એક વિશેષ પ્રકારની ‘કોલ્ડ સ્ટોરેજ ટેકનીક’ (Cold Storage Technique)છે.

આ ‘કોલ્ડ સ્ટોરેજ’ તકનીક હેઠળ, ખેડૂતો તેમની વિવિધ પેદાશો જેમ કે અનાજ, કઠોળ, ફળો, શાકભાજી અને ઇંડા વગેરે સંગ્રહ કરી શકે છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, કૃષિ ઇજનેરી વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સંગીતા ચોપરા અને તેમની ટીમે અમેરિકાના મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકો સાથે મળીને આ ટેક્નિક વિકસાવી છે.

તેના વિશે ડો.ચોપરાએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી બનાવવાનો ઉદ્દેશ ખેડૂતોને સારી સ્ટોરેજ સુવિધાઓ આપવાનો છે. તેમણે ઘણા સમય પહેલા માત્ર ‘ઈવેપોરેટિંગ કૂલિંગ’ (બાષ્પીકરણ ઠંડક) ના સિદ્ધાંત પર એક ટેક્નિક તૈયાર કરી હતી. જેને રાજસ્થાન અને પંજાબના અનેક ગામોમાં લગાવવામાં પણ આવી હતી. પરંતુ, ધીરે ધીરે તેમને લાગ્યું કે આ ટેક્નિકમાં વધુ સુધારો થઈ શકે છે. 2015માં, તેમને આ કોલ્ડ સ્ટોરેજ ટેકનોલોજી વિકસાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ તરફથી ગ્રાન્ટ મળી હતી.

Dr. Sangita
Dr. Sangita

પૂસા ફાર્મ સનફ્રીજ:

53 વર્ષીય વૈજ્ઞાનિક આગળ જણાવે છે, “પુસા ફાર્મ સનફ્રીજ એક અભિનવ, ઑફ-ગ્રીડ, બેટરી રહિત અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા છે, જેને ખેતરોમાં જ બનાવી શકાય છે અને તે વીજળી વિના કામ કરે છે. તે ”ઈવેપોરેટિંગ કૂલિંગ’ અને ‘સોલર રેફ્રિજરેશન’ ટેક્નિકનો ઉપયોગ કરે છે. 10x10x10 (લંબાઈ, પહોળાઈ, ઉંચાઇ) ફૂટનું આ કોલ્ડ સ્ટોરેજ સોલર ઉર્જા સાથે સંપૂર્ણ રીતે કાર્ય કરે છે. તેની છત પર સોલર પેનલ્સ છે, જેની ક્ષમતા પાંચ કિલોવોટ છે. તેમાં ત્રણ કિલોવૉટ ઉર્જાનો ઉપયોગ, કોલ્ડ સ્ટોરેજમાં ફીટ થયેલ 1.2 ટન એર કંડિશનર ચલાવવા માટે ત્રણ કિલોવોટ એનર્જીનો ઉપયોગ થાય છે. દિવસના સમયે, જ્યાં તેની અંદરનું તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ હોય છે, રાત્રે તે આઠથી દસ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે.”

આ ટેક્નોલોજી સામુદાયિક રીતે નાના ખેડૂતો માટે ઘણી ફાયદાકારક છે. આ ટેક્નિકને પોતાના વિભાગમાં લગાવવાની સાથે સાથે, ડૉ. સંગીતાએ રાજસ્થાનના અજમેરના પિચોલીયા ગામ અને હરિયાણાના પાણીપતમાં ચામરાડા ગામ પણ લગાવ્યુ છે. આ સિવાય થોડા સમય પહેલા તેણે દિલ્હીના મેળા ગ્રાઉન્ડમાં પણ પુસા ફાર્મ સનફ્રીજ બનાવ્યુ છે. તે કહે છે, “મેળા ગ્રાઉન્ડમાં બનાવેલું કોલ્ડ સ્ટોરેજ એવું બનાવવામાં આવ્યું છે કે તમે તેને તમારી જરૂરિયાત પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો. કોંક્રિટને બદલે, તેને બનાવવા માટે ફક્ત ધાતુના ફ્રેમ્સ અને પ્લેટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને અલગ કરવું અને તેને બીજા સ્થાને ખસેડીને ફરીથી લગાવવુ એકદમ સરળ છે.”

યુનિટ બનાવવા માટેનો ખર્ચ સાડા ચાર લાખ રૂપિયા કે તેથી વધુ થઈ શકે છે. પરંતુ આ તકનીક ખેડૂતોની કમાણી વધારવામાં મદદરૂપ છે. પિચોલિયા ગામના 36 વર્ષીય ખેડૂત તંવરસિંઘ જણાવે છે, “ગયા વર્ષે માર્ચ મહિનામાં અમારા ગામમાં આ કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યુ હતુ. આને કારણે, લોકડાઉન દરમિયાન, અમારે ખેડુતોને ઘણો ફાયદો થયો. અમે આરામથી અમારા ફળ અને શાકભાજી 10-15 દિવસો સુધી તેની અંદર રાખી શકીએ છીએ.”

તંવરસિંહ તેમની 12 વિઘા જમીનમાં શાકભાજીની ખેતી કરે છે. તેમની પાસે કોઈ એવાં સાધન નથી કે, તે પોતાના માટે કોઈ ખાનગી કોલ્ડ સ્ટોરેજ મેનેજ કરી શકે. પરંતુ ત્યારથી ‘ભારતીય કૃષિ સંશોધન સંસ્થા’ દ્વારા તેમના ગામમાં ‘પુસા ફાર્મ સનફ્રિજ’ બનાવવામાં આવ્યુ છે, તેમને ઘણી રાહત મળી છે. તે કહે છે કે અગાઉ શાકભાજી વેચવા માટે તે દરરોજ માર્કેટ જવું પડતુ હતુ. કારણ કે, એક કે બે દિવસમાં શાકભાજી બગાડવા લાગે છે. પરંતુ, આ કોલ્ડ સ્ટોરેજમાં તે ત્રણથી ચાર દિવસની શાકભાજી એકત્રીત કરીને,તેને મંડીમાં વેચવા જાય છે. આનાથી તેમનું આવવા જવાનું ભાડુ પણ ઓછું થયું છે અને સાથે, તે પણ સારી પેઠે તેનું ઉત્પાદન વેચી શકે છે.

Solar Power Fridge

તેમણે આગળ કહ્યુ કે, “હું કોલ્ડ સ્ટોરેજને કારણે ઘણા દિવસો સુધી ઉપજને તાજી રાખી શકુ છું. જે દિવસે બજારમાં શાકભાજીનો સારો ભાવ હોય છે, તે દિવસે હું ત્યાં જઇને તેને વેચું છું. જેથી તે શાકભાજીના ઉંચા ભાવો પણ મળે છે. અમારા ગામના લગભગ 15 ખેડૂત આ ટેક્નોલોજીનો લાભ લઈ રહ્યા છે.”

ભવિષ્યની યોજના:

સંસ્થાના ‘કૃષિ એન્જીનિયરિંગ’ વિભાગના વડા, ઈન્દર માની કહે છે, ‘અમારો ઉદ્દેશ વધુને વધુ ખેડૂતો સુધી આ ટેક્નોલોજી પહોંચાડવાનો છે. દર વર્ષે, અહીં લગભગ 40% અનાજનો વ્યય થાય છે. કારણ કે, અમારા ખેડૂતો પાસે સંગ્રહ કરવાની યોગ્ય ટેક્નિક નથી. પુસા ફાર્મ્સ સનફ્રીઝ કોલ્ડ સ્ટોરેજ ટેકનોલોજી ઘણી રીતે કાર્ય કરી શકે છે. પહેલાં, તે ખેતરોમાં લગાવી શકાય છે જેથી લણણી પછી, પાક સીધો સ્ટોર કરી શકાય. બીજો, તે મંડીઓ અને બજારોમાં લગાવી કરી શકાય છે, જ્યાં ખેડુતો રોજનું ભાડુ આપીને તેમના ફળો અને શાકભાજી સંગ્રહ કરી શકે છે. આનાથી તેઓને તેમની ઉપજ બગડી જવાના ડરને કારણે નીચા ભાવે વેચવી પડતી નથી.”

Solar Power

તેથી, સંસ્થાના પ્રયાસો છેકે, આ તકનીકીને સરકારની સબસિડી યોજનામાં સામેલ કરવામાં આવે. આ ઉપરાંત, તેઓ ખેડૂત નિર્માતા સંગઠનો (એફપીઓ) સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. માની આગળ જણાવે છે કે, “ખેડૂતોની આવક બમણી કરવાની સરકારની યોજના હેઠળ દસ હજાર જેટલા એફપીઓનું ગઠન થવુ જોઈએ. જો તમામ એફપીઓ પોતપોતાના ખેડૂત જૂથો માટે આ કોલ્ડ સ્ટોરેજ ટેક્નોલોજી રજૂ કરવા આગળ આવે છે, તો અમે મોટા પાયે ખેડૂતોને મદદ કરી શકીશું.”

હાલમાં તેમની તૈયારી દિલ્હીના પલ્લા ગામે પુસા ફાર્મ સનફ્રીજ બનાવવાની છે. તેઓએ આ ટેક્નિકને આગળ વધારવા માટે લાઇસન્સ આપવાનું પણ શરૂ કર્યું છે. જોકે, ફક્ત એક કંપનીને જ આ લાઇસન્સ આપવામાં આવ્યું છે અને બીજી બે-ત્રણ કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. ડો. ચોપરા કહે છે કે આ ટેક્નિકનો વધુ વિકાસ કરીને, તેમણે તેનું રીમોટ-કંટ્રોલ પણ બનાવ્યું છે. જેથી ખેડુતો તેમના ઘરે બેસીને પણ તેનું નિયંત્રણ કરી શકે છે.

જો તમે આ ટેક્નિક વિશે વધુ જાણવા માંગતા હોય અથવા તેને અહીં લગાવવા માંગતા હોય, તો તમે ડો.સંગીતા ચોપડાને dhingra.sangeeta@gmail.com પર ઇમેઇલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગૂગલ મેપ પર પણ જે ગામોનું નિશાન નથી એવા ગામોને વીજળી પૂરી પાડી રહ્યા છે આ એન્જીનિયર!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon