આજકાલ રીસાઇકલ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ટી-શર્ટ, સ્વેટર, પેન્ટ, વાસણથી લઇને બેંચ બનાવવા સુધી થઈ રહ્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી કહાની બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ભવન/ઘર બનાવવા માટે કરવામાં આવ્યો છે. હકીકતમાં આ કહાની કર્ણાટકાના મેંગલુરુ શહેરની છે. અહીં ટેટ્રા પેક અને ગુટખાના પેકેટમાંથી એક અનોખું ઘર બનાવવામાં આવ્યું છે. આ ઘરને પ્લાસ્ટિક ફૉર ચેન્જ સંસ્થા તરફથી બનાવવવામાં આવ્યું છે, જે એક લાભકારી સંસ્થા છે તેમજ સ્થાનિક એનજીઓને એક ભાગીદાર તરીકે ઉત્તમ આવક અને અવસર પ્રદાન કરવામાં મદદ કરે છે.
“અમારું લક્ષ્ય રીસાઈકલ્ડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ ભવન નિર્માણ માટે કરવાનું છે, જેનાથી સમાજના વંચિત લોકોને ઓછા ખર્ચમાં એક છત મળી રહે,” એમ પ્લાસ્ટિક ફૉર ચેન્જ ઇન્ડિયા ફાઉન્ડેશનના ચીફ ઇમ્પેક્ટ ઑફિસર શિફરાહ જેકબ્સે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું હતું.

ક્યાંથી લાવે છે પ્લાસ્ટિક
આ સંસ્થા કચરો વીણતા અનેક સમાજ પાસેથી પ્લાસ્ટિક ખરીદે છે. આ માટે તેમને યોગ્ય વળતર પણ આપે છે. તેમનો ઉદેશ્ય અસંગઠિત રહેલા પ્લાસ્ટિક રીસાઇક્લિંગ બિઝનેસને સંગઠિત કરવાનો અને કચરો વીણતા લોકોનું જીવન સ્તર સુધારવાનો છે. શિફરાહ કહે છે કે, “અમારા આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ મંગલુરુના પચનાડીમાં હતો, જેને અમે એક મહિલા માટે બનાવ્યો હતો. જે 350 વર્ગ મીટરના વિસ્તારમાં છે અને તેને બનાવવામાં 4.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.”
તેણી વધુમાં કહે છે કે, “મને લાગે છે કે એક સંગઠન હોવાથી ઘરને બનાવતી વખતે અમે દરેક જરૂરિયાત પૂર્ણ નથી કરી શકતા, આથી જ અમે હૈદરાબાદના બામ્બૂ પ્રોજેક્ટ્સનો એક ભાગીદાર તરીકે સાથ લીધો હતો.”

બામ્બૂ પ્રોજેક્ટ્સના સંસ્થાપક પ્રશાંત લિંગમ કહે છે કે, “અમે સામાન્ય રીતે વાંસના ઘર બનાવીએ છીએ પરંતુ જો જરૂર પડે ત્યારે અમે અન્ય સામગ્રીમાંથી પણ ઘર બનાવીએ છીએ. પ્લાસ્ટિક ફૉર ચેન્જ ઇન્ડિયા ફાઉન્ડેશને અમને પ્લાસ્ટિક પૂરું પાડવાની સાથે સાથે ઘર બનાવવા માટે સંપર્ક કર્યો હતો. આ ઘરોને બનાવવાનું કામ સરળ હતું. અહીં બનાવવામાં આવેલા તમામ ઘરો પોર્ટેબલ પણ છે.”
તેઓ કહે છે કે પ્લાસ્ટિકના આ ઘરોને બનાવવા માટે મહત્તમ 10 દિવસ લાગ્યા હતા. વાંસ અને પ્લાસ્ટિકના ઘરોમાં કૂલિંગ ઇફેક્ટ એક સરખી હોય છે. પ્લાસ્ટિક બોર્ડ બનાવતી વખતે તમામ તકેદારી રાખવામાં આવે છે, જેનાથી તે વધારે ગરમ નથી થતું.
પ્રશાંત કહે છે કે, “અમે ઘરની હીટિંગ ક્ષમતા માપવા માટે કોઈ સરકારી સંસ્થા દ્વારા સ્વીકૃત ફોર્મલ ડિટેન્શનલ સ્લેબનો ઉપયોગ નથી કર્યો.”
શિફરાહે કહ્યુ કે, ઘરને બનાવવાનો ખર્ચ 3.5 લાખથી ઓછો કરી શકાય છે. આગામી બે વર્ષમાં તેમની યોજના આવા 100 ઘર બનાવવાની છે.
શિફરાહ કહે છે કે, “આ ખરેખર મુશ્કેલીભર્યો સમય છે. આમાંથી બહાર આવવા માટે આપણે આત્યાધુનિક ટેક્નિક સાથે આગળ વધવું પડશે, જેનાથી સમાજ પર એક સારો પ્રભાવ પડે. પ્લાસ્ટિકના કચરામાંથી ઘર બનાવવા અને મેંગલુરુના વંચિત સમાજ માટે ઑનલાઇન શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના કામથી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.”
રીસાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવેલા ઘરમાં એક મોટા રૂમની સાથે સાથે એક સ્ટોર રૂમ, બાથરૂમ, સસોડું અને ફળિયું પણ છે. આને બનાવવા માટે આશરે 1,500 કિલોમગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હતો.
શિફરાહ કહે છે કે, “ઘરનો પાયો સિમેન્ટ અને અમુક હદ સુધી સ્ટીલનો બનેલો છે. ફ્લોર સિરામિક, ગ્રેનાઇડ અને સંગેમરમરના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. છત અને દીવાલ LDP અને MLP યુક્ત પ્લાસ્ટિકથી બનાવવામાં આવી છે.
આ સંગઠન હાલ ફક્ત એવા લોકો માટે જ ઘર બનાવે છે જેમની પાસે પોતાની જમીન છે. શિફરાહ કહે છે કે, “ઘર બનાવતા પહેલા નિર્માણ સામગ્રી કેટલો સમય સુધી ટકી રહેશે તેનું પરીક્ષણ પણ કરવામાં આવે છે. અમે ખૂબ ઓછા ખર્ચમાં શૌચાલય પણ બનાવી શકીએ છીએ.”
તેમના પ્રયાસોની પ્રશંસા કરતા યૂનાઇટેડ કન્ઝર્વેશન મૂવમેન્ટના સંયોજક જોસેફ હૂવર કહે છે કે, “આટલી ઓછી કિંમતમાં રીસાઇકલ્ડ પ્લાસ્ટિકમાંથી ઘર બનતું જોવું ખૂબ રસપ્રદ છે. પ્લાસ્ટિક ફૉર ચેન્જ ઇન્ડિયા ફાઉન્ડેશનને જે નવિન વિચાર આવ્યો છે તેની હું પ્રશંસા કરું છું.”
આ પણ વાંચો: 9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.