ઇમારતોની ડિઝાઇન કરતી વખતે પર્યાવરણની સંભાળ લેવી, તે જીતેન્દ્ર પી.નાયકની હંમેશા પહેલી પ્રાથમિકતા રહી છે. હુબલીના રહેવાસી જીતેન્દ્ર વ્યવસાયે આર્કિટેક્ટ છે અને છેલ્લા 24 વર્ષથી કામમાં ટકાઉપણું (સસ્ટેનેબ્લિટી) રહે, તેની વિશેષ કાળજી લઈ રહ્યાં છે.
47 વર્ષીય જીતેન્દ્ર કહે છે, “એકવાર ઉપયોગ કરેલી સામગ્રીનો ફરીથી ઉપયોગ કરવો, હંમેશા મારો શોખ રહ્યો છે. એક આર્કિટેક્ટ હોવાને કારણે મેં હુબલીમાં ઘણી જૂની હેરિટેજ સાઇટ્સ નું નવીનીકરણ પણ કર્યું છે. અમે થોડા વર્ષો પહેલા જ ધ્વસ્ત થવાના આરે પહોંચેલી એક ઇમારતને બચાવી અને તેનું આધુનિક આઈટી સેલમાં રૂપાંતરણ કર્યું.
જ્યારે ઇમારતોને પાડવામાં આવે છે અને જો તે પ્રોજેક્ટના આર્કિટેક્ટ તે પોતે હોય છે, તો તે દરેક ઇંટ અને લાકડાના ટુકડાનો હિસાબ રાખે છે. ત્યારબાદ તે સામગ્રીનો ઉપયોગ નવી ઇમારતો બનાવવા માટે કરે છે. આ રીતે ઘણાં ટન સંસાધનો અને કાર્બન ફૂટપ્રિન્ટ ની બચત થઈ જાય છે.
તે હુબલી સ્થિત તેમની આર્કિટેક્ચર ફર્મ ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર વન’ દ્વારા પણ ગ્રાહકોને તેમની સેવાઓ પ્રદાન કરે છે. 15 વર્ષમાં આ ફર્મે સમગ્ર કર્ણાટકમાં 200 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. જો કે, છેલ્લા પાંચ વર્ષથી તેમનું ધ્યાન ફક્ત ગ્રીન બિલ્ડિંગના નિર્માણ પર જ રહ્યું છે.
પરંતુ પાછળથી તેમને લાગ્યું કે તેમના ગ્રાહકોની સારી સમજણ અને જાગરૂકતાના અભાવને લીધે ગ્રીન બિલ્ડિંગનો કોન્સેપ્ટ જ ખતમ થઈ શકે છે.

તેઓ કહે છે, “જો કે, અમે આવી ઘણી બિલ્ડિંગો બનાવી છે જેમાં જૂના થાંભલા, ઇંટો અને પિલ્લર જેવા મટિરિયલનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ દરેક જણ તેને ખુલ્લા મનથી સ્વીકારી શકતા નથી. મોટાભાગના ગ્રાહકોને લાગે છે કે તેઓ જીવનભરમાં એક જ વાર મકાન બનાવે છે જેથી તેઓ જૂની સામગ્રીનો ઉપયોગ ન કરવાનું પસંદ કરે છે. પરંતુ તેમનો આ વિચાર ખોટો છે.”
લગભગ 10 વર્ષ પહેલાં, જ્યારે જીતેન્દ્રને પોતાનું મકાન બનાવવું હતું, ત્યારે તેમને મનગમતું કામ કરવાની તક મળી. છેવટે, એ સમય આવી ગયો હતો કે તે જે પદ્ધતિ લોકોને સમજાવતા, તે પોતાના ઘરમાં વાપરે.
2,500 ચોરસ ફૂટ જમીન પર તેમને જૂની સામગ્રીનો ફરી ઉપયોગ કરી એક સુંદર ઘરનું નિર્માણ કર્યું અને આ રીતે કુલ ખર્ચમાં 40 ટકાની બચત થઈ.
આ ઉપરાંત, ફેરો સિમેન્ટ સ્લેબ જેવા ગ્રીન બિલ્ડિંગ મટિરિયલ્સના ઉપયોગ દ્વારા, તે સ્ટીલનો ઉપયોગ 80 ટકા ઘટાડી શક્યા. આ મટીરીયલ સિમેન્ટનો 60 ટકા વપરાશ પણ ઘટાડે છે.
તેમને ઘરના નિર્માણ અને વેન્ટિલેશન માટે અનન્ય તકનીકોનો પણ ઉપયોગ કર્યો. આ તકનીકની મદદથી, ઘરમાં કોઈ એસીની જરૂર પડતી નથી!
જિતેન્દ્ર કહે છે, “જ્યારે મારું પોતાનું મકાન બનાવવાનો સમય આવ્યો ત્યારે મેં વિચાર્યું કે, આને એક ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે.”

ગ્રીન બિલ્ડીંગ વિઝન
જીતેન્દ્ર તેમના સૌથી પહેલા કામના અનુભવથી, જૂની ઇમારતો અને અવશેષો બચાવવાના મહત્વ અને ઉપયોગિતા વિશે જાણ્યા અને સમજ્યા.
હુબલી સ્થિત બીવીબી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી આર્કિટેક્ચરમાં સ્નાતક થયા પછી, જીતેન્દ્ર અમદાવાદ આવી ગયા, જ્યાં તેમને કે.બી. જૈન અને એસોસિએટ્સ હેઠળ એક વર્ષ કામ કર્યું. અહીંથી જ તેમને અપસાઇક્લિંગ શીખ્યું અને મટીરીયલનો ફરીથી ઉપયોગ કરવાની સંભાવના વિશે ખબર પડી.
યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરવો
સંયુક્ત કુટુંબમાં રહ્યા પછી, જીતેન્દ્રએ 2010 માં પોતાનું ઘર બનાવવાનું નક્કી કર્યું. ત્યારે તેમને લાગ્યું કે ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે તેમના જ્ઞાનનો ઉપયોગ કરવાની આ એક સારી તક છે. તે જમીન જેના પર તેમને મકાન બનાવવાનું હતું તે મુખ્ય શહેરથી 2 કિમી દૂર હતી. પરંતુ થોડાક વર્ષોમાં આસપાસનો વિસ્તાર વિકસિત થઇ ગયો.
ગ્રીન આર્કિટેક્ચરથી લોકોને રૂબરૂ કરાવવા માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો પ્રયોગ કરવો, તે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. તેઓએ બાંધકામ સામગ્રી માટે વાયર મેશ અને સિમેન્ટ મોર્ટારમાંથી ફેરોસેમેન્ટ કહેવાતા પ્રિ-મેઇડ સિમેન્ટ સ્લેબનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આનાથી બાંધકામમાં સરળતા જ નહીં પરંતુ તેના ઓછા વજનના કારણે પણ બાંધકામ ઝડપી થઈ ગયું. અલબત્ત, જીતેન્દ્રનું ઘર નવ મહિનામાં બનીને તૈયાર થઈ ગયું.

પ્રી-કાસ્ટ સ્લેબનો ઉપયોગ ભવનના વિવિધ ભાગોમાં મોટાભાગે ધાબા માટે કરવામાં આવ્યો છે. ગ્રીન આર્કિટેક જીતેન્દ્રએ આ સામગ્રીનો ઉપયોગ કરવાના કેટલાક અન્ય ફાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેઓ કહે છે, “કેમ કે તે પહેલાથી ફેક્ટરીમાં બનાવવામાં આવ્યું છે, તેથી બાંધકામ દરમિયાન વધારે ક્યોરિંગ (પાણી નાખવાની) કરવાની પણ જરૂર નથી પડતી. જ્યારે સિમેન્ટથી બનેલા ઘરોમાં યોગ્ય રીતે ક્યોરિંગ કરવાની ખૂબ જરૂર પડે છે. આ રીતે, ફેરોસેમેન્ટનો ઉપયોગ કરવાથી પાણીનો બગાડ ઘટે છે. જો તમે પરંપરાગત રીતે સિમેન્ટ વડે મકાન બનાવતા હોવ તો 21 દિવસ સુધી દિવાલો પર પાણી છાંટવું જરૂરી છે. જેનાથી એક દિવસમાં લગભગ 3,000 લિટર પાણીનો બગાડ થાય છે!
આનાથી બિલ્ડિંગના પાયા માટે લગભગ 80 ટકા સ્ટીલની બચત થઈ જાય છે. બાંધકામ દરમિયાન સિમેન્ટ અને પત્થરોનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી વધારે પ્રદૂષણ પણ થતું નથી.
આ સિવાય બાંધકામના કામમાં પહેલાથી વપરાયેલા લાકડાનો ફરીથી ઉપયોગ થાય છે. જીતેન્દ્ર સમજાવે છે કે, “જ્યારે મશીનરી બહારથી આયાત કરવામાં આવે છે, ત્યારે તે આ જાડા અલ્પાઇનના લાકડાથી પેક કરવામાં આવે છે, જેથી તેને રસ્તામાં નુકસાન ન થાય. એકવાર તેનો ઉપયોગ થયા પછી તેને બહાર કાઢી દેવામાં આવે છે. મને બેંગ્લોરમાં એક સ્ક્રેપ લાકડાનો વેપારી મળ્યો જે આ ને 32 રૂપિયા પ્રતિ કિલો એટલે કે ભંગાર ના ભાવે વેચી રહ્યો હતો.”

તેની તુલનામાં, જો તેઓએ ફ્રેશ લાકડા ખરીદવાનું નક્કી કર્યું હોત, તો તેનો ખર્ચ 10 ગણો વધુ થયો હોત અને પર્યાવરણ પર વધારાનો ભાર પડ્યો હોત. આનાથી તેમના ખર્ચામાં 40 ટકાનો ઘટાડો લાવવામાં મદદ મળી. આ લાકડાનો ઉપયોગ ઘરની આજુબાજુના વાયરને છુપાવવા માટે પણ કરવામાં આવ્યો.
આ ઉપરાંત ઇન્ટિરિયર ડિઝાઇનર અને જીતેન્દ્રની પત્ની આશા નાઈકે પણ ફર્નિચર બનાવવા માટે સ્ક્રેપ લાકડાનો ઉપયોગ કર્યો.
પર્યાવરણને અનુકૂળ ઘરનું બાંધકામ
આર્કિટેક્ટ હોવાથી જીતેન્દ્ર બિલ્ડિંગના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક જરૂરી ટ્રિકસ જાણે છે. ઘરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ એસી નથી અને તે આર્કિટેક્ચરલ ક્લાઇમેટોલોજીનો કમાલ છે.
જીતેન્દ્રએ કહ્યું કે દક્ષિણ અને પશ્ચિમ દિશાની દિવાલો વધુ તડકો શોષે છે જેનાથી આખું મકાન અંદર સુધી તપી થઈ જાય છે. આ માટે તેમને વાંસના ઝાડ ની દીવાલ ઊભી કરી, મકાનની દિવાલો નું રક્ષણ કરવાનું નક્કી કર્યું. આનાથી દિવાલો પર પડછાયો રહે છે અને ઘર ગરમ નથી થતું. તે ઘરના આંતરિક ભાગને ઓછામાં ઓછું બે ડિગ્રી સુધી ઠંડુ રાખે છે. ઘરનો બીજો એક ભાગ જે સામે આવે છે, તે છે પ્લાસ્ટર વગરની દીવાલો.
જિતેન્દ્ર સમજાવે છે કે તેમને દિવાલોને પ્લાસ્ટર કરવાનું કેમ ટાળ્યું. તે કહે છે કે “મકાનોમાં પ્લાસ્ટર નો ઉપયોગ ફક્ત સુંદરતા વધારવા માટે થાય છે. તે મકાનને કોઈપણ રીતે કોઈ મજબૂતાઈ પ્રદાન નથી કરતું. આ ફક્ત ગરમી વધારે છે અને સમય જતાં દિવાલોને ફરીથી પ્લાસ્ટર કરવાની ચિંતા પણ વધારે છે. એટલે પ્લાસ્ટર ન કરવાથી, અમારે સામગ્રી અને મજૂરી ઓછી ખર્ચ કરવી પડી. “
ઘરને ડિઝાઇન કરતી વખતે જીતેન્દ્રનું સંપૂર્ણ ધ્યાન સારા વેન્ટિલેશન પર હતું. તેમને એર સર્ક્યુલેશન માટે ‘ફનલ ઇફેક્ટ’ તરીકે ઓળખાતી વિંડો અને ઓપનિંગનો ઉપયોગ કર્યો. જેમાં બે નજીક લાગી સપાટીઓ તેમની વચ્ચે હવા ખેંચે છે, જે પવન અથવા પવનની ગતિ વધારવામાં મદદ કરે છે.
મકાનમાં હવાની અવરજવરને સરળ બનાવવા માટે ઉત્તર અને પૂર્વ દિશાઓ પર વેન્ટ્સ ખોલવામાં આવી છે. આ દિવાલોને અનુકૂળ તેમને સ્પ્લિટ વિંડો પણ બનાવી છે, જે ઘરને સંપૂર્ણ રીતે હવાઉજાસવાળું બનાવે છે.

આ સિવાય ફ્લોર પર એક નાની ચોરસ ખુલ્લી જગ્યા છે જે બિલ્ડિંગને બે માળમાં વહેંચે છે. તે સ્પ્લિટ વિંડોઝ દ્વારા બંને બાજુથી હવા મેળવવામાં મદદ કરે છે.
ઊર્જાની બચતને ધ્યાનમાં રાખીને ઘરની ચારો તરફ વિશાળ બારીઓ લાગી છે, જે દિવસભર પ્રાકૃતિક પ્રકાશનો સ્ત્રોત બની રહે છે.
આ ઉપરાંત પાણીનો સંગ્રહ કરવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની સાથે સોલાર હીટિંગ અને પાવર સિસ્ટમની વ્યવસ્થા પણ છે.
જો તમે જીતેન્દ્રને પડકારો વિશે પૂછશો તો તમને ખબર પડશે કે આ પ્રોજેક્ટ તેમનો પેશન હતો અને આમાં તેમની મહેનત સ્પષ્ટ દેખાઈ આવે છે. ગ્રીન બિલ્ડિંગ પર વર્ષો સુધી કામ કર્યા પછી હવે તે જાણે છે કે કોઈપણ મુશ્કેલી નો સામનો કેવી રીતે કરવો.
ગ્રીન હોમમાં રહેતા કોઈપણ સભ્યએ તેના બાંધકામ દરમિયાન લેવામાં આવતી પર્યાવરણની સંભાળનું મહત્વ સમજવું જોઈએ.
તેમની વાત પુરી કરતાં તે કહે છે, “જ્યારે તમે રસોડામાં જાઓ છો, ત્યારે ત્યાં હાજર સામગ્રી જોઈને તમે નક્કી કરો છો કે શું બનાવવાનું છે. અમે આર્કિટેક્ચરમાં આ જ અભિગમ રાખીએ છીએ. આપણી પાસે જે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ આ ધારણાને તોડવી જોઈએ કે નવી સામગ્રીના ઉપયોગથી જ સારું ઘર બને છે. આ સામગ્રીઓનો ઉપયોગ કરીને પણ ખૂબ સુંદર ઘર બનાવી શકાય છે.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: વિજળી, પાણી & પર્યાવરણના બચાવવા માટે રાજકોટની આ હોટેલે લીધાં નોંધપાત્ર પગલાં, અનુસરવા જેવાં છે દરેકે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.