જો આપણે આપણા શહેરો પર નજર કરીએ તો જણાશે કે આપણા બાળપણના સમયમાં શહેરો કંઈક અલગ હતા. ત્યારે તે વધારે હરિયાળીવાળા, સાફ પાણી શુદ્ધ વાતારણ અને પશુ-પક્ષીવાળા હતા, પણ હાલમાં તસ્વીર કંઇક અલગ જ છે. લીલી હરિયાળીની જગ્યાએ હવે બધે જ સીમેન્ટ-કોંક્રિટના જંગલ નજર પડે છે, પાણીના સ્ત્રોત ન બરાબર છે અને જે છે તેમાં પાણી સ્વચ્છ નથી. મોટાભાગના લોકો આને નજરમાં નથી લેતા પણ કેટલાક એવા પણ લોકો છે જેને આમાં કંઈક અલગ અને સારું કરવાનું માધ્યમ બની શકે એમ લાગે છે. અમે વાત કરી રહ્યા છીએ મુંબઇમાં રહેતા બે ભાઈઓની કે જેઓએ શહેરમાં વધતા પ્રદુષણને અને દરિયામાં વધતા કચરાને જોઇને કંઈક અલગ કરવાનું નક્કી કર્યું અને શરૂ કર્યો ઇકો-ફ્રેડન્લી બિઝનેસ.
ઉચ્ચ અભ્યાસ ધરાવતા બે ભાઈઓનો પર્યાવરણ પ્રેમ
મિશાલ પારદીવાલા (34) અને મિકાઇલ પારદીવાલા (31)નું નાનપણ મુંબઈના કોલાબામાં જ વીત્યું હતું. ભણતર માટે બન્ને ભાઇઓ પહેલાં શહેરની બહાર ગયા અને બાદમાં ઓસ્ટ્રલિયા ગયા. વિશાલે આર્ટિકલ્ચરમાં અભ્યાસ કર્યો છે તો મિકાઇલે સોશિયોલૉજીમાં પદવી મેળવી છે. વર્ષ 2012 ની શરૂઆતમાં આ બન્ને ભાઈઓ ભારત આવ્યા અને પોત-પોતાના ક્ષેત્રમાં કામ કરવા લાગ્યા. “જ્યારે અમે મુંબઈ પરત આવ્યા ત્યારે અહીં ઘણું બદલાઈ ગયું હતું. અમારા ઘરથી દેખાતો દરિયો વિવિધજાતના કચરાથી ભરાઈ ગયો હતો. એટલે અમે બન્ને ભાઈ આના વિશે ચર્ચા કરવા લાગ્યા કે પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ?”

પર્યાવરણને બચાવવા માટે તેઓને એ સમાધાન નજરમાં આવ્યું કે વધુમાં વધુ ઝાડ લગાવામાં આવે અને પર્યાવરણ અનુકૂળ હોય તેવા જ ઉત્પાદનો ઉપયોગમાં લેવામાં આવે. આના માટે તે પોતાના સ્તર પર જ કંઇક કરવા માંગતા હતા. મિકાઇલ કહે છે, “થોડા સમય માટે, મિશાલે આર્કિટેક્ચર ક્ષેત્રમાં કામ કર્યું અને મે પિતાની સાથે પ્રોપર્ટી મેનેજમેન્ટનો વ્યવસાય કર્યો. પણ ઘણા વિચાર-વિમર્શ બાદ એક અલગ વ્યવસાય કરવાની શરૂઆત કરી અને નામ આપ્યું ‘ટ્રીવેયર’.”
આવકનો હિસ્સો વૃક્ષારોપણ માટે ખર્ચવામાં આવે છે
‘ટ્રીવેયર’ એક સસ્ટેનેબલ કંપની છે, જેને મિશાલ અને મિકાઇલે પોતાની બચતના પૈસાનું રોકાણ કરીને શરૂ કરી હતી. જેમાં તે લોકોને ટી-શર્ટ, હેંડ સેનિટાઇઝર, ડિયોડ્રેંટ, લિપ બામ જેવા પ્રાકૃતિક અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો વેચે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધા ઉત્પાદનોનું પેકેજીંગ પણ સસ્ટેનેબલ રીતે કરવામાં આવે છે. સાથે જ અહીંથી કરવામાં આવેલ ખરીદીમાંથી મળતી રકમનો કેટલોક હિસ્સો વૃક્ષારોપણ જેવા કાર્યમાં વપરાય છે.

પ્રાકૃતિક અને પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનો
ટ્રીવેરના તમામ ઉત્પાદનો પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જેમ કે તેમની ટી-શર્ટને જૈવિક કપાસ અને ડાઈથી બનાવવામાં આવે છે, આના પેકેજિંગ માટે જુની, નકામી અને કચરામાં ફેકી દીધેલી પ્લાસ્ટીકની બોટલોને સારી રીતે સાફ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે કહે છે, “અમે બન્ને ફેશન અને ટ્રેડની પાછળ નથી ભાગતા. એટલે અમે આ ટી-શર્ટને પણ એવી રીતે ડિઝાઇન કરેલ છે, જે પહેરવામાં આરામદાયક તો છે જ પણ સાથે પર્યાવરણને પણ અનુકૂળ છે. શરૂઆતમાં અમે અમારા મિત્રો અને પરિવારના લોકોને આ ટી-શર્ટ ટ્રાય કરવા માટે આપ્યા તો અમે સારો પ્રતિસાદ મળ્યો”.
આના સિવાય, તેઓએ જોયું કે ખાનગી સ્વચ્છતાના મામલે લોકો જાગૃત છે પણ બજારમાં મળતા કેટલાક ઉત્પાદનો પર્યાવરણને અનુકૂળ નથી એટલે તેઓએ મહીના સુધી શોધ કરીને આલ્કોહોલ અને પૈરાબેનનો ઉપયોગ કર્યા વગર એક ખાસ હેન્ડ સેનિટાઇઝર બનાવ્યું. આને બનાવવા માટે તેઓએ એવા બધા જ શુદ્ધ તેલનો ઉપયોગ કર્યો જે પ્રાકતિક છે અને ચામડી માટે સારા છે. આ રીતે જ તેમણે પ્રાકૃતિક ડિયોડ્રેંટ સ્ટિક બનાવી છે જે આલ્કોહોલ, સલ્ફેટ, એલ્યુમિનિયમની સાથે સાથે કૃત્રિમ સુંગધ રહિત છે.
તેઓએ જણાવ્યું કે ડિયોડ્રેંટ સ્ટિકની પેકેજિંગ માટે, તે રીસાઇકલ કરેલા કાર્ડબોર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આગળ કહે છે “અમારા ઉત્પાદનોની પેકિંગ એવી હોય છે જેને ફરીથી રીસાયકલ કરી શકાય છે. અમે અમારા ઉત્પાદનો માટે વધુમાં વધુ કાર્ડબોર્ડનો ઉપયોગ કરી રહ્યા છીએ. આગળ અમારી કોશિશ અમારા વ્યવસાયને જીરો-વેસ્ટ બનાવવાની છે.”

પડકાર છતાં આગળ વધવામાં મક્કમ
જોકે, આ ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ, સૌથી મોટો પડકાર હમેશાં લોકોમાં જાગૃકતાનો અભાવ હોય છે. તે કહે છે, “ભારતમાં મોટેભાગના મધ્યમ-વર્ગીય પરિવાર છે, જેના માટે સારું ખાવા-પીવાનું અને રહેવાનો પ્રશ્ન જ મુખ્ય સમસ્યા છે અને તે જ પ્રાથમિકતા છે જેથી તેઓની પાસે સમય નથી હોતો કે તેઓ પર્યાવરણ જેવા મામલે વધુ વિચારે. માટે, આપણે તેઓને દોષી માની શકીએ નહીં કે તેઓ પર્યાવરણ અનુકૂળ ઉત્પાદન ખરીદતા નથી.”
છતાં પણ છેલ્લા પાંચ વર્ષમાં, તેમના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પર જળવાયુ પરિવર્તન, પ્લાસ્ટિક પ્રદુષણને લઈને વધતી જાગૃતીને લીધે સારા એવા પ્રમાણમાં પર્યાવરણ અનુકૂળ ઉત્પાદન ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ટ્રીવેયર અત્યારે દર મહિને 250 થી વધુ ઑર્ડર મેળવે છે અને લોકોનો સારું સમર્થન અને પ્રતિક્રિયા મળી રહી છે.
તેમની એક ગ્રાહક કીર્તિ ટિબરેવાલ કહે છે, “હું છેલ્લા બે વર્ષથી ટ્રીવેયરના ઉત્પાદનોનો ઉપયોગ કરી રહી છું અને મને તેમનો ડિયોડ્રેંટ અને લિપ બામ વધુ પસંદ છે. આ બિલકુલ કેમિકલ રહિત હોય છે. જે લોકોની ચામડી સંવેદનશીલ છે, એવા લોકો માટે આ ઉત્પાદન એક સારો વિકલ્પ છે”.
ટ્રીવેયરના બીજા એક ગ્રાહક દક્ષ શર્મા કહે છે કે આજકાલ એવો વ્યવસાય મળવો મુશ્કેલ છે, જે આર્થિક વિકાસ કરતા વધુ પ્રકૃતિ જેવા સંવેદનશીલ મામલા પર કામ કરતો હોય. તે કંપનીના તમામ ઉત્પાદનો વાપરે છે કેમ કે તેણીને ખબર છે કે તે જે ખરીદી રહી છે તેના મારફતે તે પર્યાવરણ માટે કંઈક સારું કરી રહી છે.

વૃક્ષારોપણ પર ભાર
તેમને ત્યાંથી જે કંઈપણ વસ્તુ ખરીદવામાં આવે તેમાંથી મળતી રકમમાંથી કેટલોક ભાગ વૃક્ષારોપણ અભિયાનમાં લગાવવામાં આવે છે. મિશાલ કહે છે “અમે શરૂમાં જ નક્કી કર્યું હતું કે જેટલું બની શકે તેટલું અમે વૃક્ષારોપણ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ ખાલી વૃક્ષો લગાવવું જ પૂરતું નથી તેની સારસંભાળ પણ રાખવી એટલી જ જરૂરી છે જેથી મોટા થઈને છોડમાંથી ઝાડ બને અને હરિયાળીમાં વધારો થાય.”
એટલે જ તેઓ વૃક્ષારોપણ જેવા કાર્ય સાથે સંકળાયેલ સંસ્થા સાથે મળીને કામ કરે છે. તેમને ત્યાંથી વૃક્ષારોપણ અભિયાન માટે ફંડ આપવામાં આવે છે અને તેઓની સાથે સંસ્થાના લોકો, કંપની અને તેમના ગ્રાહકો તરફથી વૃક્ષો વાવવામાં આવે છે. તેઓ જણાવે છે, “વૃક્ષારોપણના કામ માટે ‘CommuniTree‘ અમારા પાર્ટનર છે, અમે તેમને બધાં ફંડ મોકલીએ છીએ અને તેઓ ટીમ સાથે મળીને વૃક્ષારોપણ કરાવે છે.”ટ્રીવેયર દ્વારા ફંડ કરવામાં આવેલ રોપાને રાજસ્થાનના ઉદયપુર અને પંશ્ચિમ બંગાળના સુંદરવનમાં લગાવવામાં આવે છે. સાથે જ આ રોપાને ‘જિયોટૅગ‘ પણ કરવામાં આવે છે.”

જંગલનો વિસ્તાર વધારવમાં મદદ કરે છે કંપની
આ સંસ્થાના પ્રોજેક્ટ લીડ, વરૂણ વિઠલાણી કહે છે કે ટ્રીવેયર કંપની, ભારતના જંગલ વધારવામાં સતત યોગદાન આપી રહી છે. સાથે જ તેમના આ યોગદાનથી ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારની તકોમાં પણ વધારો થાય છે. કંપની તરફથી જેટલા રોપા રોપવામાં આવ્યાં તેનાથી ગ્રામીણ લોકોને 420 દિવસની રોજગારી મળી છે. તે કહે છે દુનિયમાં આ પ્રકારના વ્યવસાયોની જરૂર છે જે પર્યાવરણ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે અને આગળ વધે. ટ્રીવેયર ના સહયોગથી અત્યાર સુધીમાં 4500થી વધુ છોડ લગાવવમાં આવી ચૂક્યા છે.
મિકાઇલ અને મિશાલના ઉત્પાદનોની માંગ વધી રહી છે પણ તેઓએ પોતાના વ્યવસાયને હજુ નાના સ્તર પર જ રાખ્યું છે તેમની ટીમમાં અત્યારે 4 લોકો કામ કરે છે. ઉત્પાદનોના નિર્માણ માટે, તેઓએ અલીબાગમાં એક ‘મહિલા સ્વંય સહાયતા સમૂહ’ ની મહિલાઓને કામ પર રાખ્યા છે. લોકડાઉન સમયે તેનું કામ ઘણા સમય સુધી બંધ રહ્યું પણ નાના સ્તરે કામ હોવાથી વઘુ નુકસાન ન થયું, જોકે તેમનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા છે.
અંતમાં બન્ને ભાઈ માત્ર એટલું જ કહે છે કે તેમની કંપની મારફતે તે લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ બનાવવા માંગે છે. લોકોએ વિકાસની ચાહમાં પર્યાવરણનું અને ઘરતીનું ઘણું જ નુકશાન કર્યું છે જેની ભરપાઈ પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનોની પસંદગી કરીને તેમજ વઘુમાં વધુ વૃક્ષારોપણ કરીને કરી શકાય એમ છે.
જો તમે ‘ટ્રીવેયર’ ના ઉત્પાદનો ઑર્ડર કરવા માંગતા હો અથવા મિકાઇલ અને મિશાલનો સંપર્ક કરવા માંગતા હોય તો અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.