Placeholder canvas

ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

વિજળી માટે સોલર ઉર્જા, પીવાનું વરસાદનું પાણી અને શાકભાજી ઘરે ઉગાડેલું, સૌરાષ્ટ્રના આ શિક્ષક દંપતિનું જીવન છે આદર્શ

તમે તમારી આસપાસ એવું કોઈ ઘર જોયું છે, જેમને શાકભાજીનો ખર્ચ આવતો ન હોય, એલપીજી ગેસની બોટલ ભરાવવી પડતી ન હોય, દર મહિને લાઈટ બિલ ભરવું ન પડે. અને છતાં, ઘરમાં પ્રવેશતાં જ ઘર નંદનવન જેવું લાગે, એવું જ અનુભવાય જાણે, કુદરતના સાનિધ્યમાં હોઈએ. બસ આવા જ એક ઘર અને તેને બનાવનાર અંગે વાત કરી રહ્યા છીએ આજે અમે અહીં.

ગીર સોમનાથ તાલુકાના ઉના ગામની વાત છે, જે દીવથી માંડ 22 કિમી જ દૂર છે. અહીં જયદીપસિંહ, તેમનાં પત્ની ઈંદુબા, પુત્ર અને માતા-પિતા સાથે એક સસ્ટેનેબલ ઘરમાં રહે છે. પહેલાં તો તેઓ ભાડાના ઘરમાં રહેતા હતા, પરંતુ પહેલાંથી હંમેશાં એમજ વિચારતા કે, જ્યારે આપણું પોતાનું ઘર હશે ત્યારે તેમાં કાર્બન ફૂટપ્રિંટ ઘટાડી ગ્રીન લાઈફસ્ટાઈલ જીવવાનો ધ્યેય રહેશે. આજથી દોઢ વર્ષ પહેલાં તેમણે પોતાનું ઘર બનાવ્યું. તેમણે ઘરમાં રહેવા આવતાં જ અંદર સોલર હીટર, સોલાર પેનલ નખાવી દીધી અને સાથે-સાથે રસોડામાં ત્રણ નળ નખાવ્યા. જેથી જો રસોઈ માટે વરસાદના પાણીની જરૂર હોય તો, તેમણે વરસાદના પાણીના સંગ્રહ માટે 17,000 લિટરની ટાંકી બનાવડાવી છે, તેમાંથી પાણી આવે, ગરમ પાણીની જરૂર હોય તો, સોલર હીટરમાંથી પાણી આવે અને સામાન્ય પાણીની જરૂર હોય તો એ ત્રીજા નળમાંથી આવે.

Sustainable Home

સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં પાણીની અછત જોવા મળે છે. એટલે જયદીપભાઈએ આંગણમાં વરસાદના પાણીના સંગ્રહ માટે 17,000 લિટરની પાણી બનાવડાવી છે. જે પાણીનો આખા વર્ષ માટે પીવા માટે અને રસોઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. ટાંકી ભરાઈ જાય પછી વધારાના પાણીથી આંગણમાં રહેલ કૂવો રિચાર્જ થાય છે, જેથી અન્ય વપરાશ માટે પણ પાણીની તંગી ન રહે.

તો જયદીપભાઈના પિતાજી જીઈબીમાં નોકરી કરતા હતા એટલે તેમને વિજળીના ઉપયોગ, ઈલેક્ટ્રિકલ સંસાધનો અને સોલાર પાવરના ઉપયોગની જાણકારી બહુ સારી હતી અને તેઓ ઈચ્છતા હતા કે, તેમના ઘરમાં મહત્તમ સોલાર પાવરનો જ ઉપયોગ થાય. એટલે તેમણે ધાબામાં 3 કિલો વૉટ ક્ષમતાની ગ્રીડ ઈન્ટિગ્રેટેડ રૂફ ટોપ સોલર સિસ્ટમ ફિટ કરાવી. અત્યારે સરકાર પણ ઈચ્છ છે કે, મહત્તમ લોકો સોલર પાવરનો ઉપયોગ કરે એટલે તેમને સરકાર દ્વારા મળતા લગભગ 40% ડિસ્કાઉન્ટનો લાભ પણ મળ્યો. એક વખત જે ખર્ચ થાય એટલો તો લગભગ ત્રણ વર્ષના લાઈટ બિલમાં જ વસૂલ થઈ જાય છે, પછી કોઈપણ જાતના ખર્ચ વગર તેનો લાભ લઈ શકાય છે. આ પેનલ્સની 20 વર્ષની વૉરન્ટી પણ આવે છે. આ ઉપરાંત તેમાં કોઈ મેન્ટેનેન્સ પણ નથી, બસ 10-15 દિવસે પેનલ્સને સાફ કરવાની હોય છે, જેથી તેના પર પૂરતો સૂર્યપ્રકાશ પડે.

Save Nature
Save Nature

જયદીપભાઈના ઘરમાં 4 બેડરૂમ છે. જેમાંથી બે બેડરૂમમાં ટીવી છે. આ ઉપરાંત આખા ઘરની લાઈટ, પંખા, ફ્રિઝ, પાણીની મોટર બધુ આમાંથી ચાલે છે. આ ઉપરાંત તેમણે ઈન્ડક્શન કૂકટોપ વસાવ્યું છે, જે ઘરે જ ઉત્પન્ન થઈ વિજળીથી ચાલે છે, એટલે એલપીજીનો પણ બચાવ થાય છે. અત્યારે તેમના ઘરમાં તેઓ વાપરે છે તેનાથી લગભગ બમણી સોલાર એનર્જી ઉત્પન્ન થાય છે. એટલે આ એનર્જી પીજીવીસીએલમાં જમા થાય છે અને દર વર્ષે માર્ચ મહિનામાં હિસાબ કર્યા બાદ તેમને તેના પણ પૈસા મળે છે. જયદીપભાઈના ઘરમાં સોલર સિસ્ટમ લગાવ્યા બાદ તેમાંથી પ્રેરિત થઈને તેમના વિસ્તારમાં અન્ય 12 લોકોએ પણ તેમના ધાબામાં સોલર પેનલ લગાવડાવી છે.

હવે વાત કરીએ જયદીપભાઈનાં પત્ની ઈંદુબાની. આમ તો જયદીપભાઈ અને તેમનાં પત્ની ઈંદુબા બંને સરકારી શાળામાં વિજ્ઞાનનાં શિક્ષક છે, એટલે બંનેને અવનવા પ્રયોગો કરવાનો શોખ તો પહેલાંથી જ છે. તેમની આ કળા અને પ્રકૄતિ પ્રત્યેનો પ્રેમ તેમના શોખ અને કામમાં પણ જોવા મળે છે. તેમના ઘરમાં, ધાબામાં, આસપાસની ખાલી જગ્યામાં અને સોસાયટીના એક ખાલી પ્લોટમાં ઈંદુબાને ઘણી શાકભાજી અને અન્ય વૄક્ષો વાવ્યાં છે. જેથી ઘરના ઉપયોગમાં લેવાતી મોટાભાગની શાકભાજી તેમને તેમના કિચન ગાર્ડનમાંથી મળી રહે છે. બજારમાં રસાયણોથી ઉગાડવામાં આવતી શાકભાજી જ મળતી હોય ત્યાં તેઓ ઑર્ગેનિક શાકભાજી ખાઈને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

Solar energy

જયદીપભાઈ અને ઈંદુબા બંને નોકરી કરતાં હોવા છતાં, જ્યારે પણ સમય મળે ત્યારે આસપાસથી બધાંજ ઝાડનાં પાન ભેગાં કરે છે. આ ઉપરાંત રસોડામાંથી નીકળતા ભીના કચરાની મદદથી ઘરે જ કંપોસ્ટ ખાતર બનાવે છે અને આ ખાતરનો ઉપયોગ તેમના ઝાડ, છોડ અને વેલા માટે કરે છે. જેથી પૌષ્ટિક ફળો-શાકભાજી તો મળે જ છે, સાથે-સાથે ઘરમાંથી નીકળતા કચરાને ઘટાડવામાં પણ સારી એવી સફળતા મળી છે. આ સિવાય રોજ સવારે ઘરમાં ચા બનાવવામાં આવે તેની ભૂકીને પણ તેઓ કચરામાં જવા દેતા નથી. તેને ધોઈને સૂકવી દે છે અને પછી તેનો ઉપયોગ પણ ખાતર તરીકે કરે છે. આ સિવાય નાનકડા ગામડામાં રહેતા હોવાથી આસપાસ ઘણાં ગાય-ભેંસ વગેરે ફરતાં હોય છે. એટલે ક્યાંય છાણ દેખાય તો તેને પણ તરત જ ઈંદુબેન ઘરે લઈ આવે છે અને તેનો ઉપયોગ પણ છાણીયા ખાતર તરીકે કરે છે.

Gujarati News

આ કામમાં ઈંદુબાને તેમના સાસુ-સસરાનો પણ બહુ સારો સહકાર મળે છે. તેઓ નિયમિત આ બધાં જ ઝાડ-છોડને પાણી પાય છે અને સંભાળ રાખે છે. પરંતુ કોઈ કારણસર કે સામાજિક પ્રસંગોમાં તેઓ ક્યાંય બહાર ગયાં હોય તો, જયદીપભાઈ અને ઈંદુબા સવારે વહેલા ઊઠીને બધા જ ઝાડ-છોડને પાણી પાઈ દે છે. કોઈ છોડનો વિકાસ જરા પણ ધીમો થતો લાગે તો તરત જ તેને ઘરે બનાવેલ ખાતર આપે છે અને પૂરતી સંભાળ રાખે છે. તેમના આ કિચન ગાર્ડનમાં તમે રીંગણ, મરચાં, ટામેટાં, વાલોળ, કારેલાં, ચોળા, ફુદીનો, પપૈયાં સહિત અનેક ફળ-શાકભાજી જોવા મળશે.

Gujarat

ઈંદુબાનો પ્રકૃતિપ્રેમ પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે પણ અદભુત છે. ઘરની આસપાસ ગાય-કૂતરાં માટે પાણીનાં કુંડા મૂક્યાં છે. તો તેમના ઘરમાં અલગ-અલગ પક્ષીઓ માટે સુંદર-સુંદર માળા બનાવીને ગોઠવ્યા છે, અને તેના ફળસ્વરૂપે તેમના ઘરે અવનવાં પક્ષીઓ આવે છે, પ્રજનન કરે છે અને તેમનાં બચ્ચાં મોટાં થાય ત્યાં સુધી તેઓ ત્યાં રહે પણ છે. તેમના ઘરમાં વિવિધ જગ્યાએ આપણને પક્ષીઓના ચણ માટે બર્ડ ફીડર, પાણીમાં છબછબીયાં કરવા અને પાણી પીવા કુંડાં અને નાના-ફુવારા જોવા જોવા મળે છે, જેથી સવારે ઊઠીએ ત્યાં પક્ષીઓના આ કલબલાટથી મન પ્રફુલ્લિત થઈ જાય, ઘરમાં બેઠાં-બેઠાં કુદરતના ખોળામાં હોઈએ તેવો અદભુત અનુભવ થાય.

Una

આ સિવાય ઈંદુબા તેમની શાળામાં પણ બાળકીઓને ઝાડ-છોડ અને વિવિધ પક્ષીઓ પ્રત્યે જાણકારી આપતાં રહે છે. તેમનો વિસ્તાર હજી ઘણો અંતરિયાળ છે અને જાગૃતિના અભાવે ઘણાં ઓછાં ઘરમાં શૌચાલય જોવા મળે છે. એટલે તેઓ દીકરીઓને સમજાવે છે કે, ઘરે જીદ કરવી પડે તો કરો, પણ ઘરે શૌચાલય બનાવડાવો, અને તેમના આ મિશનમાં તેમણે ઘણા અંશે સફળતા પણ મળી છે. આજે ઘણાં ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત શાળા સિવાયના સમયમાં તેઓ શાળાની દીકરીઓને વિવિધ હસ્તકળાઓ શીખવાડે છે. જેથી ભવિષ્યમાં તેઓ આત્મનિર્ભર બની શકે. પરિવારને મદદરૂપ બની શકે.

Gujarat School Teacher

આ ઉપરાંત શાળાના પ્રાંગણમાં વધારાની જગ્યામાં તેમણે શાકભાજી વાવ્યાં છે, જેથી મધ્યાહન ભોજનમાં તેનો ઉપયોગ કરી શકાય અને બાળકોને પૌષ્ટિક ભોજન આપી શકાય.

આ બધાં જ કાર્યોમાં પોતાની પ્રેરણા અંગે વાત કરતાં ઈંદુબેન કહે છે, “મારા માતા-પિતા શિક્ષક હતા એટલે આ બધા સંસ્કાર તો મને બાળપણથી જ મળ્યા છે. આ ઉપરાંત ડિસ્કવરી પર એક પ્રોગ્રામ આવતો હતો, બેનફોગલ જેમાં જંગલમાં કોઈ કેવી-કેવી રીતે સર્વાઈવ કરી શકે છે, તે બતાવવામાં આવતું. આ જોઈને મને હંમેશાં એમજ લાગતું કે, કોઈપણ સગવડ વગર આ લોકો આટલું બધુ કરી શકે છે તો, આપણે તો ઘણું વધારે કરી શકીએ છે. અને અમારી આ શરૂઆત પણ ચોક્કસથી રંગ લાવશે. એક સમય એવો પણ આવશે કે, બજાર ઉપર અમારી નિર્ભરતા ખૂબજ ઘટી શકે.”

જો તમને આ લેખ ગમ્યો હોય અને જયદીપભાઈનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: આખા અમદાવાદના મંદિરોમાંથી ફૂલો અને કચરો ભેગો કરી આ યુવાનો બનાવે છે ખાતર, અગરબત્તી & બીજું ઘણું

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X