અત્યાર સુધી તમે ફળો, દૂધ, ચોકલેટ, શાકભાજીમાંથી આઈસક્રીમ બનતી હોવા વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેક રાગી અને જુવાર જેવા ધાન્યમાંથી પણ આઈસક્રીમ બને છે તેવું સાંભળ્યું છે? તમને કદાચ આશ્ચર્ય થશે પરંતુ કોઈમ્બતુરની એક બ્રાન્ડ આઘમે આ શક્ય બનાવ્યું છે. જેએસએસ નેચર ફૂડ્સના સ્ટાર્ટઅપની બ્રાન્ડ આઘમ ગ્રાહકોને પૌષ્ટિક અનાજમાંથી બનાવેલી આઈસક્રીમ ખવડાવી રહી છે. આઈસક્રીમ ઉપરાંત આઘમ પરંપરાગત રીતથી બનાવેલા મસાલા તેમજ રાગીથી બનાવેલા નૂડલ્સ પણ વેચે છે.
32 વર્ષીય ભાર્ગવ આર.એ ગત વર્ષે આઘમનો પાયો નાખ્યો હતો. આજે આ બ્રાન્ડને કોઈમ્બતુર બહાર પણ લોકો ઓળખવા લાગ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા ભાર્ગવના પરિવારમાં ક્યારેય કોઈએ બિઝનેસ વિશે વિચાર્યું પણ ન હતું. પરંતુ ભાર્ગવ હંમેશા કંઈક નવું કરવા માંગતા હતા. ભાર્ગવે સ્કૂલ પછી સ્નાતક સુધીનો અભ્યાસ ડિસ્ટન્સ લર્નિંગથી કર્યો છે. જે બાદમાં નાની નાની નોકરી કરી હતી. પછી એક શૉ રૂમમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. જે બાદમાં મોબાઇલ એક્સેસરીઝનું પોતાનું કામ શરૂ કર્યું હતું.
ભાર્ગવે જણાવ્યું હતું કે ફૂડ બિઝનેસમાં આવ્યા પહેલા તે બાંધકામ ક્ષેત્રમાં કામ સાથે જોડાયેલા હતા. ભાર્ગવે જણાવ્યું કે, “મને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાનો લગભગ 17 વર્ષનો અનુભવ છે. ફૂડ બિઝનેસમાં આવવાની કહાની થોડી લાંબી છે. મેં નવ વર્ષના અભ્યાસ બાદ પોતાની બ્રાન્ડ શરૂ કરી છે. મારો ઉદેશ્ય ગ્રાહકો સાથે સીધા જ જોડાઈને પરંપરાગત અને પ્રાકૃતિક રીતે બનેલા ખાદ્ય પદાર્થો લોકો માટે ઉપલબ્ધ કરાવવાનો છે.”

ભાર્ગવને હંમેશા જ કોઈ ઉત્પાદન અને તેની બનાવટની રીતે વિશે જાણવાની જિજ્ઞાસા રહી છે. જે બાદમાં તેમણે આસપાસ બનતા ખાવાની વસ્તુઓ પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. ભાર્ગવને માલુમ પડ્યું કે લોકો પોતાના મૂળ અને પરંપરાગત સ્વાદને ભૂલી ગયા છે. આથી જ તેમણે લોકો સુધી તેમને પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો.
“હું કામની સાથે સાથે તેના પર રિસર્ચ પણ કરું છું. સૌથી પહેલું કામ ફૂડ માર્કેટને સમજવાનું હતું. જે બાદમાં ગ્રાહકો અને તે પછી અહીંના પરંપરાગત રૉ મટિરિયલ વિશે. માર્કેટ સિસર્ચની સાથે સાથે મેં ખેડૂતોનો પણ સંપર્ક કર્યો હતો. એવા ખેડૂતો જેઓ પ્રાકૃતિક અને પરંપરાગત રીતથી ખેતી કરી રહ્યા છે. આ તમામ કામમાં મારા અમુક મિત્રોએ પણ મદદ કરી હતી,” તેમ ભાર્ગવે જણાવ્યું હતું.

ભાર્ગવે અલગ અલગ ખેડૂતો પાસેથી અલગ અલગ અનાજ અને મસાલા ખરીદીને તેમના ખેતરની બાજુમાં જ પ્રૉસેસિંગ યૂનિટમાં તેમને બનાવવાની શરૂઆત કરી હતી. મસાલા પછી અન્ય પ્રોડક્ટ જેવી કે વેર્મેસિલી અને નૂડલ્સ પર કામ શરૂ કર્યું હતું. પ્રોડક્ટને બનાવવામાં ભાર્ગવને તેના મિત્રોની સાથે પરિવારના લોકો પણ મદદ કરતા હતા. આશરે 35 લોકોએ તેના ફૂડના ટેસ્ટિંગમાં ભાગ લીધો હતો. ભાર્ગવના મતે જે લોકોએ તેમની પ્રૉડક્ટનું ટેસ્ટિંગ કર્યું હતું તેઓ જ તેમના પ્રથમ ગ્રાહક પણ બન્યા હતા.
“આ 35 લોકોએ જ મારી પ્રૉડક્ટનું માર્કેટિંગ કર્યું હતું. આ રીતે આજે સેંકડો લોકો આઘમ બ્રાન્ડની પ્રૉડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે. જે ગ્રાહકોએ શરૂઆત 50 રૂપિયાના ઑર્ડરથી કરી હતી તેઓ આજકાલ 1500-2000 રૂપિયાનો ઑર્ડર કરે છે,” તેમ ભાર્ગવે જણાવ્યું હતું.

આઘમ બ્રાન્ડ અંતર્ગત આજે નવ પ્રકારના અનાજમાંથી સેવૈયા, નૂડલ્સ, શુદ્ધ જંગલી મધ અને મિલેટ્સથી બનેલી આઈસક્રીમનું વેચાણ કરવામાં આવે છે. ભાર્ગવના જણાવ્યા પ્રમાણે દર મહિને તેમને ગ્રૉસરી પ્રૉડક્ટના આશરે 5,000 ઑર્ડર મળે છે. આ ઉપરાંત આઈસક્રીમ પાર્લરમાં દરરોજ 50થી 60 ઑર્ડર મળે છે. રાગીમાંથી બનાવવામાં આવેલી આઇસક્રીમ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો પસંદ કરે છે. હાલ કોરોના મહામરીમાં તેઓ તમામ પ્રકારની સાવધાની રાખે છે.
ભાર્ગવ તરફથી વેચવામાં આવતી આઇસક્રીમમાં કોઈ જ આર્ટિફિશિયલ તત્વો નથી ઉમેરવામાં આવતા. તેમાં તમામ તત્વો પ્રાકૃતિક હોય છે. હાલ ભાર્ગવ અને તેમની ટીમ 50 પ્રકારની પ્રૉડક્ટનું વેચાણ કરે છે. જોકે, આગામી સમયમાં આ યાદી ખૂબ લાંબી થશે.
રોકાણ વિશે ભાર્ગવે જણાવ્યું હતું કે તેમણે આ બિઝનેસ એકમદ શરૂ નહોતો કર્યો પરંતુ અન્ય કામ ચાલુ રાખીને થોડું થોડું નવું કરતા રહેતા હતા. લગભગ નવ વર્ષ સુધી તેમણે તૈયારી કરી હતી અને બાદમાં એક બ્રાન્ડ શરૂ કરી હતી. આથી એકદમ મોટા રોકાણની જરૂરી પડી ન હતી. આ ઉપરાંત પોતાની પ્રૉડક્ટ્સને જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું.
ભાર્ગવે કહે છે કે, “ડીલર્સ અને સુપરમાર્કેટ્સને પોતાની પ્રૉડક્ટ્સ વેચવા આપવા કરતા મેં જાતે જ તેમને ગ્રાહકો સુધી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. મોટાં મોટાં ડીલર્સને બદલે મે ગૃહિણીઓને આગળ આવવા માટે કહ્યું હતું. આ જ કારણે પ્રૉડક્ટ્સના માર્કેટિંગ માટે પણ કોઈ ખર્ચ કરવો પડ્યો ન હતો.”

લૉકડાઉન વિશે ભાર્ગવે કહ્યુ કે, આ સમય ખરેખર મુશ્કેલીભર્યો હતો પરંતુ જેવી રીતે મારા સ્ટાર્ટઅપ માટે આ સમય મુશ્કેલીભર્યો હતો તેવી જ રીતે મોટાં મોટાં બિઝનેસ માટે પણ મુશ્કેલીભર્યો હતો. સ્ટાર્ટઅપને તો ઓછું નુકસાન થયું પરંતુ મોટા ઉદ્યોગોઓ તો વધારે નુકસાન સહન કરવું પડ્યું છે.
ભાર્ગવ કહે છે કે, “એક બિઝનેસમેન હોવાની આ ખૂબી છે કે તમે વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે સંભાળી રાખો છે. આથી હું તમામને સલાહ આપું છું કે કોઈ એક વસ્તુ પર અટકી ન રહો. પોતાના બિઝનેસ સાથે સાથે દરરોજ નવું નવું શીખતા રહો. દરરોજ કંઈક નવું શીખો જેથી ખરાબ સમયમાં પણ તમે ટકી રહો.”
ભાર્ગવ કહે છે કે, “આપણે ત્યાં નોકરીને સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ આનાથી તમે દેશની અર્થવ્યવસ્થા માટે શું કરી શકો છો તેના પર ધ્યાન રાખવું જરૂરી છે. આપણું અર્થતંત્ર ત્યારે જ સારું થશે જ્યારે લોકો ઉદ્યમ બજારમાં આવશે. આથી હું દરેકને સલાહ આપું છું કે જો તમારું બાળક કંઈક શરૂ કરવા માંગે છે તો તેને ઈમાનદારીપૂર્વક આ રસ્તે આગળ વધવા માટે પ્રેરણા આપો. આ ઉપરાંત એ પણ જરૂરી છે કે દરેક ભારતીય સારી અને ગુણવત્તાયુક્ત વસ્તુઓનું સમર્થન કરે.”
જો તમે પણ ભાર્ગવ સાથે સંપર્ક કરવા માંગો છો તો તેના ફેસબુક પેજ પર ક્લિક કરી શકો છો.
આ પણ વાંચો: ગોંડલમાં આ એન્જિનિયર યુવાને ગાયો માટે બનાવી નંદનવન જેવી ગૌશાળા, વર્ષે થાય છે લાખોની કમાણી