મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં “હ્યુમિનિટી ઓર્ગેનાઈઝેશન”નો પાયો વર્ષ 2012માં કેટલાક કોલેજના વિદ્યાર્થીઓએ નાખ્યો હતો. તેમનો હેતુ યુવાનો માટે એક પ્લેટફોર્મ બનાવવાનો હતો. જેના દ્વારા તેઓ સમાજના હિત માટે કંઈક કરી શકે. થોડા કોલેજના વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ પહેલ આજે શહેરના સેંકડો લોકો સુધી પહોંચી ગઈ છે. વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો ઉપરાંત ગૃહિણીઓ પણ તેમાં વોલંટિયરિંગ કરી રહી છે.
ધ બેટર ઈન્ડિયાને ગ્રુપનાં સંસ્થાપકોમાંના એક અભિનવસિંહ ચૌહાણ પાસેથી પહેલ વિશે ખબર પડી. 27 વર્ષના અભિનવે સિવીલ એન્જિનિયરિંગ કરીને બે વર્ષ નોકરી કરી હતી અને હવે તે છેલ્લા દોઢ વર્ષથી યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે. પરંતુ તેમણે તેની કોલેજ દરમિયાન શરૂ કરેલું અભિયાન આજે પણ ચાલુ છે.

અભિનવે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “અમારો મુખ્ય ઉદ્દેશ હતો કે સમાજના કાર્યોમાં યુવાનોની ભાગીદારી વધે. ઘણીવાર આપણે જે કાર્ય એકલા કરવા માટે અચકાતા હોઈએ છીએ તે ગ્રુપમાં સરળતાથી થઈ જાય છે. એક-બે લોકોને કદાચ રસ્તા પરથી કચરો વીણવામાં શરમનો અનુભવ થતો હોય, પરંતુ ગ્રુપમાં આ કામ કરવા પર આપણને ગર્વનો અનુભવ થાય છે. બસ આજ વિચારની સાથે અમે હ્યૂમિનિટી ઓર્ગેનાઈઝેશનની શરૂઆત કરી હતી.”
હ્યુમિનિટી ઓર્ગેનાઈઝેશનનાં અંતર્ગત તેઓ શિક્ષણ, ખોરાક, પર્યાવરણ, મહિલા સુરક્ષા, રક્તદાન જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. તેમની પાસે જુદી જુદી થીમ્સ માટે જુદા જુદા અભિયાન છે –
શિક્ષા સંબંધી જેમ કે પુસ્તકો-કૉપી એકત્ર કરીને તેને વહેંચવી, જરૂરિયાતમંદ બાળકોની સ્કૂલ ફીમાં મદદ કરવી અથવા તો પછી તેમને યુનિફોર્મ વગેરે પ્રોવાઈડ કરવું ‘જ્ઞાનદ્રષ્ટિ’ અભિયાન હેઠળ કરવામાં આવે છે. પર્યાવરણના સંરક્ષણ માટે ‘પ્રકૃતિ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત તેઓ લોકોને જાગૃત કરે છે જ, જ્યારે સમય આવે ત્યારે છોડનાં વાવેતરનું અભિયાન પણ ચલાવે છે.

લોકોને ટ્રાફિક પ્રત્યે જાગૃત કરવા અને નિયમો માટે ઈમાનદાર રહેવા માટે પ્રેરિત કરવા માટે તેઓ ટ્રાફિક પોલીસની સાથે મળીને ‘યાત્રા’ અભિયાન ચલાવી રહ્યા છે. તો મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણને શહેરમાં બળ આપવા માટે ‘અપરાજિતા’ અભિયાન છે.
તેના સિવાય, દર વર્ષે 2 ઓક્ટોબરથી તેમનું ‘એક ગુહાર’ અભિયાન દર શરૂ થાય છે. આના દ્વારા, તેઓ શેલ્ટરહોમ અથવા તો પછી ફૂટપાથ પર રાત વિતાવતા બેઘર અને નિરાધાર લોકોને ગરમ કપડાનું વિતરણ કરે છે.

અભિનવ કહે છે, “પહેલા શહેરના લોકો પાસેથી કપડાં, ધાબળા અને ચાદરો વગેરે એકત્રિત કરીએ છીએ અને પછી આ લોકોની પાસે જઈને આપીએ છીએ.”
તેમના કહેવા મુજબ, છેલ્લા બે વર્ષથી, તેમના શહેરમાં ઠંડીથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ છે અને આ વાત તેમના માટે મોટિવેશન છે.
રક્તદાન માટે તેમનું ‘સક્ષમ’ અભિયાન ચાલું છે. તેમના ગ્રુપમાંથી જેવી ક્યાયથી પણ બ્લડ ડોનેશન માટે અપીલ કરવામાં આવે છે તો તરત જ તે વિસ્તારમાં તેનાં વોલેન્ટિયરને સૂચિત કરવામાં આવે છે. જેથી કોઈનું જીવન બચી શકે.

તેમણે વધુમાં કહ્યું, “અમારા રક્તદાનની આ પહેલ અન્ય શહેરોમાં પણ છે. જો કોઈ અન્ય શહેરમાંથી આવી કોઈ ઘટનાની અમને ખબર પડે, તો અમે કોઈને મદદ માટે ત્યાં મોકલવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા જો અમારી કોઈ સાથી છે, તો તેને મદદ માટે મોકલીએ છીએ.’
છેલ્લાં ચાર વર્ષોથી, હ્યુમિનિટી ઓર્ગેનાઈઝેશન લગ્ન અને કાર્યક્રમોમાં થતા અન્નના બગાડને ધ્યાનમાં રાખીને ‘અક્ષયપાત્ર’ અભિયાન પણ ચલાવી રહ્યું છે. આ તેમનું ખાદ્ય સુરક્ષા અભિયાન છે. અભિનવ કહે છે કે, અમારી રેગ્યુલર મિટિગ્સમાં ઘણા વોલેન્ટિયર્સે આ મુદ્દો ઉઠાવ્યો અને પછી અમે તેની ઉપર કામ કરવાનો નિર્ણય કર્યો.
સૌથી પહેલાં, તેમણે અલગ અલગ ગ્રુપ બનાવીને લગ્ન અથવા અન્ય કાર્યક્રમોમાં જઈને લોકોને ‘ફૂડ સેફ્ટી’ વિશે જાગૃત કરવાનું શરૂ કર્યું.
તેમણે કહ્યું, “લગ્નની સિઝન ડિસેમ્બર મહિનાથી શરૂ થાય છે અને આ સમય દરમિયાન મોટાભાગનો ખોરાક બરબાદ થાય છે. સૌ પ્રથમ, અમે લોકોને લગ્નોમાં સમજાવવાનું શરૂ કર્યું અને સાથે જ અમે ફૂડ સેફ્ટીનાં અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લગાવીને આવતા હતા.”
તેમની પહેલ માત્ર જાગૃતિ માટે મર્યાદિત નથી. હ્યુમિનિટી ઓર્ગેનાઈઝેશને પોતાનો એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે, જેના પર કોઈ પણ કોલ કરી તેમની પાસે વધેલો ખોરાક લઈ જવા માટે જાણ કરે છે.

સૂચના મળ્યા પછી, જે વિસ્તારમાંથી ખાવાનું એકત્ર કરવાનું છે, ત્યાંનાં વોલેન્ટિયર્સને કહેવામાં આવે છે. તેઓ સ્થળ પર જઈને ખોરાક એકત્રિત કરે છે અને પછી તેને જરૂરિયાતમંદમાં વહેંચે છે. અભિનવ કહે છે કે તેના મોટાભાગના ફોન કોલ્સ રાત્રે 12 વાગ્યા પછી આવે છે, તેમ છતાં લોકો માટે કંઈક કરવાનો જુસ્સો એટલો છે તેના સાથીઓ તરત જ ત્યાં પહોંચી જાય છે.
હ્યુમનિટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અત્યાર સુધીમાં હજારો લોકો માટે ખાવાનું એકત્ર કરીને તેનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ અભિયાન માટે તેના 35 વોલેન્ટિયર્સ સમર્પિત છે. તેમાંથી મોટાભાગના નોકરીઓ કરે છે અને ઉદ્યોગપતિઓ છે, જે દિવસ દરમિયાન વોલેન્ટિયરિંગ માટે પોતાનો સમય આપી શકતા નથી, તેઓ રાત્રે એક્ટિવ રહે છે.
ફંડિંગ વિશે પૂછતાં તેમણે કહ્યું કે,ગ્રુપનાં દરેક લોકો મહિનાની શરૂઆતમાં 20-20 રૂપિયા એકત્રિત કરે છે. તેનાંથી તેમની પ્રવૃત્તિ મેનેજ થઈ જાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો જ લોકોના કામમાં આવે. ઉદાહરણ તરીકે, પુસ્તક દાન માટે, તેઓ લોકોને અપીલ કરે છે કે તેઓ તેમના જુના પુસ્તકો આપે અને કપડાં માટે પણ તેઓ લોકોની મદદ માંગે છે.
પરંતુ જો ક્યારેય એવું બને છે કે તેમને વધુ ભંડોળની જરૂર હોય, તો સૌ પ્રથમ તેઓ અંદરો-અંદર એકઠા કરવાનો પ્રયાસ કરે છે અને જો તેમ છતાં ઓછા હોય તો તેઓ સોશિયલ મીડિયા પર ક્રાઉડ ફંડિંગ કરે છે. જો કે, તેઓએ હજી સુધી કોઈ પ્રાઈવેટ ફંડિંગ લીધું નથી.
અંતે, તેઓ કહે છે, “અમારો હેતુ લોકોને આત્મનિર્ભર બનાવવાનો છે.” ઉદાહરણ તરીકે, જ્યાંથી અમે ખોરાક એકત્રિત કરીએ છીએ ત્યાંથી, અમે બે-ત્રણ લોકોને અમારી સાથે આવવા માટે કહીએ છીએ. તેમને બતાવીએ છીએકે, તેઓ શહેરમાં કંઈ-કંઈ જગ્યાએ ખાવાનું વહેંચી શકે છે. જેથી આવતી વખતે અમને બોલાવવાને બદલે, તેઓ પોતે પણ આ ઉમદા કામનો લાભ લઈ શકે.”
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે તેમની કોઈ મદદ કરવા માંગો છો તો તેમનાં ફેસબુક પેજ અથવા તો 7869611793 અને 8871435866 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: પૉલીથીન આપો, છોડ લઈ જાઓ: પ્લાસ્ટિકનાં બદલામાં વહેંચ્યા લગભગ 1 લાખ છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.