હાલના મોબાઇલ ફોન અને સ્માર્ટવૉચના જમાનામાં પણ, હજુ સારી દિવાલ ઘડિયાળની માંગ છે. આપણામાંના મોટા ભાગના લોકોને નજીકના ભૂતકાળમાં અલાર્મ ઘડિયાળની ઘંટડીના અવાજથી સવારે જાગવાનું પણ યાદ હશે.
કંપનીની શરૂઆત
ઈ.સ 1971 માં મોરબી શહેરમાં ત્રણ ભાગીદારો દ્વારા દિવાલ ઘડિયાળો બનાવવા માટે રૂ.1 લાખના પ્રારંભિક રોકાણ સાથે અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, તેમાનાં એક એટલે ઓધવજી રાઘવજી પટેલ. ધંધાનો કોઈપણ અનુભવ ન હોવા છતાં 55 રૂપિયા પગાર મેળવતા ઓધવજીભાઈને પાર્ટનર બનાવવામાં આવ્યાં કેમ કે બાકીના ભાગીદારોને કોઈ સાયન્સ બ્રેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિની શોધ હતી અને ઓધવજીભાઈ વિજ્ઞાન વિષયના શિક્ષક હતા.
આજે ઓધવજીભાઈના પૌત્ર નેવીલભાઈ પટેલ રૂ.1250 કરોડ ટર્નઓવર અને 450 ડિસ્ટ્રીબ્યુર્સ તથા 45 દેશોમાં નિકાસ ધરાવતી અજંતા ગ્રૃપની કંપની ચલાવે છે.
કંપની શરૂ થયાના પ્રથમ ત્રણ વર્ષ સુધી, કંપનીએ ખોટ કરી, આનાથી ત્રણ ભાગીદારોએ ધંધામાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું, જ્યારે ઓધવજીભાઈએ કંપની ચાલુ રાખવાનો અને તેને આગળ લઈ જવાનો નિર્ણય કર્યો.
અજંતા ઓરપેટ ગ્રૃપ ના સંચાલક નેવિલભાઈએ ધ બેટર ઈન્ડિયાને પોતાની કંપનીએ કેવી રીતે વિકાસ કર્યો તે સમજવામાં મદદ કરી.
ઈ.સ 1975 માં ઓધવજીભાઈ પટેલ તેમના 19 વર્ષીય પુત્ર પ્રવિણભાઈને ધંધામાં લાવ્યા. ત્યારથી કંપની મેન્યુઅલ વૉલ ક્લોક બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

ધંધામાં પરિવર્તન
ધંધામાં પરિવર્તન લાવવા માટે ઓધવજીભાઈ અને પ્રવિણભાઈ જાપાન અને તાઇવાન ગયા અને ક્વાર્ટઝ ટેક્નોલૉજીને ભારતમાં લાવ્યા. આ નવી ટેક્નોલૉજીમાં ઘડીયાળને સમયસર પર રાખવા માટે ક્વાર્ટઝ ક્રિસ્ટલનો ઉપયોગ કરવામાં આવતો, આ તકનીકની સાથે જ ઘડીયાળને ચાવી આપવાનું હવે ભૂતકાળ બની ગયું. આ તકનીક કંપની માટે ગેમ ચેન્જર સાબિત થઈ.
પેઢી દર પેઢીનો કંપનીનો વિકાસ
એક દાયકા પછી, ઈ.સ 1985 માં, કંપનીએ તેમની પોતાની ઇન-હાઉસ ક્વાર્ટઝ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને ત્યારે સ્થાપકોને સમજાઈ ગયું કે તેઓ ઘણું વધારે કરી શકે તેમ છે.

ઓરપેટનો જન્મ
ઈ.સ 1991 અને 1996 ની વચ્ચે, અજંતાએ ઓરપેટ નામની પેટાકંપની બનાવી અને કેલ્ક્યુલેટર અને ટેલિફોન લોન્ચ કર્યા. તે પછી ટૂંકા ગાળામાં જ, ભારતની સૌથી મોટી કેલ્ક્યુલેટર ઉત્પાદક કંપની બની ગઈ. ઓરપેટ કે જે ઓધવજી પટેલના નામ પરથી ઉતરી આવ્યું હતું, તેણે ખૂબ જ ટૂંક સમયગાળામાં વિવિધ ગ્રાહકલક્ષી ઇલેક્ટ્રોનિક્સ અને ઘર વપરાશનાં ઉપકરણો જેવા કે રૂમ હીટર, મિક્સર ગ્રાઇન્ડર, ચોપર્સ, હેન્ડ બ્લેન્ડર, પંખા અને સ્વીચ બોર્ડ પણ બનાવવાનું શરૂ કર્યું.
કંપનીની આ પ્રકારની વિશાળ ઉત્પાદનની શ્રેણીનો શ્રેય નેવિલ તેના પિતાને આપે છે. તેના પિતા વિશે નેવિલ કહે છે, ‘આજે પણ જ્યારે તમે મારા પિતાને મળો ત્યારે પહેલી વસ્તુ જે તમને આકર્ષિત કરે તે છે તેમનો બિન-ઉદ્યોગસાહસિક દેખાવ. તેમનો ધ્યેય ભારતને ગૌરવ અપાવવુ અને એવું કંઈક નિર્માણ કરવું કે જે સમયની માંગ મુજબ હોય અને વર્ષો સુધી ચાલે. તેઓ કંપની કેટલું બનાવે છે તેની સંખ્યા કરવા કેવું બનાવે છે તેની વિશેષ કાળજી લે છે.’ વિશ્વની સૌથી મોટી દિવાલ ઘડિયાળ બનાવનાર કંપની નું બિરુદ મેળવવું એ પ્રવિણની ઉદ્યોગસાહસિક યાત્રાની એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
જો કે, ઓરપેટની કહાનીમાં ફક્ત તેઓએ બનાવેલા ઉત્પાદનો અથવા તેઓની આવક જ મહત્વની નથી પરંતુ તેની ખાસ વાત છે મહિલા સશક્તિકરણ.

મહિલા સશક્તિકરણ
નેવિલભાઈ જણાવે છે કે, ‘અમારી કંપનીમાં કુલ 5600 કર્મચારી છે તેમાંથી 5000 જેટલી મહિલાઓ છે, જે લગભગ 96 ટકા છે. મારા માતા વનીતાબેન કંપનીના પ્રથમ મહિલા કર્મચારી હતાં. તેઓ કંપનીના ઘણાબધા ઓપરેશન સંભાળતા હતા.’
કંપનીમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ કોઈ સહેલું કાર્ય નહોતું કેમ કે 1985-86માં, પ્રવિણભાઈ અને તેમના પત્ની મોરબીમાં ઘરે ઘરે મહિલાઓને કંપનીમાં જોડાવા માટે મનાવવાનો પ્રયાસ કરવા જતા હતા.
નેવિલભાઈ કહે છે ‘આજે મોટા પ્રમાણ મહિલાની સંખ્યા હોવી કંપનીની તાકાતનો મુખ્ય સ્ત્રોત છે, કેમ કે કંપનીના વિકાસમાં સૌથી વધુ ફાળો મહિલાઓનો છે.’

કર્મચારીની કાળજી
નેવિલભાઈ કહે છે કે તેઓ તેમના કર્મચારીઓ માટે નિયમિત તબીબી ચકાસણીનું આયોજન કરે છે, કંપનીમાં સમર્પિત વર્ગ છે કે જ્યાં કર્મચારીઓ અંગ્રેજી ભાષા શીખી શકે છે અને દરેક કર્મચારીને માસિક કરીયાણું (રાશન) આપવામાં આવે છે. આ પ્રથા ચાર દાયકા કરતા વધુ સમયથી ચાલે છે અને અમે તેને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.
નેવિલ ત્રીજી પેઢીના માલિક છે, તેમ સંસ્થામાં પણ ત્રીજી પેઢીના ઘણા કર્મચારીઓ પણ છે. ગુરુગ્રામના ડિસ્ટ્રિબ્યુટર રાહુલ શર્મા કહે છે, “જ્યારે લોકો દિવાલ ઘડિયાળ ખરીદવા માટે સ્ટોરમાં જાય છે, ત્યારે તેઓ ખાસ કરીને અજંતા ઓરપેટની જ ઘડિયાળ માંગે છે. ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણું ઉત્તમ છે, આને લીધે જ બ્રાન્ડ ચાલે છે.”
ગ્રાહકના પ્રતિસાદની ગંભીર નોંધ
નેવિલભાઈ કહે છે આજે પણ કંપનીની પોર્ટલ પર ગ્રાહકોની ફરિયાદ કે પ્રશંસા હોય તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર પ્રવિણભાઈ દ્વારા જોવામાં આવે છે. ગ્રાહકો શું શોધી રહ્યા છે તેનો ખ્યાલ મેળવવા માટે આ ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, ઉત્તર ભારતના વ્યક્તિ દ્વારા મિક્સર ગ્રાઇન્ડર નો ઉપયોગ કંઈ અલગ વસ્તુ બનાવવા માટે કરવામાં આવે છે તો દક્ષિણના રાજ્યોમાં કંઈક અલગ વસ્તુ બનાવવા માટે મિક્સર વાપરવામાં આવે છે. આ નાના તફાવતો ઉત્પાદનોને સફળ કે નિષ્ફળ બનાવે છે. કંપનીનો ઉદ્દેશ્ય, 1971 માં તેની શરૂઆતથી, હંમેશાં તે સુનિશ્ચિત કરવાનું રહ્યું કે ઉત્પાદન સસ્તું તેમજ ઉચ્ચ ગુણવત્તાનું હોવું જોઈએ.
ગ્રાહકોનું વલણ જાણવા માટે નેવિલભાઈ પોતે શોપ પર જાય છે અને ગ્રાહકોની પસંદનું અવલોકન કરે છે અને ટીમ દ્વારા પણ બજારના વલણ પર નજર રાખે છે.
અત્યારે અનબ્રાંડેડ, આયાતી ચીજોથી બજારો છલકાઇ રહી છે ત્યારે ભારતીય બ્રાન્ડ દુનિયામાં ડંકો વગાડી રહી છે તે વાત એક ભારતીય તરીકે ખરેખર આનંદાયક છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 100 વર્ષ પહેલાંની વાનગીઓથી મુંબઈવાસીઓ સાથે દેશ-વિદેશના લાખો સ્વાદ રસિયાઓને ખુશ કરે છે આ સુરતી પરિવાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.