Search Icon
Nav Arrow
Urban Farming
Urban Farming

અમદાવાદની આ યુવતી ફેમિલી બિઝનેસને છોડીને કરી રહી છે જૈવિક ખેતી

મળો અમદાવાદની સેલ્ફ-લર્ન્ડ ખેડૂતને જે જૈવિક ખેતી કરીને ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી અને ફળો

ગુજરાતના અમદાવાદમાં ઉછરેલી 32 વર્ષીય હર્ષિકા પટેલ હંમેશાથી જ સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રત્યે ખૂબ જાગૃત રહી છે. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણે રિયલ એસ્ટેટનો પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો હતો. પરંતુ એક ફિટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવામાં વિશ્વાસ રાખનારી હર્ષિકાએ બિઝનેસથી અલગ પોતાની ફિટનેસ ક્લબ ‘ધ પિલેટ્સ’ સ્ટુડિયો શરૂ કર્યો.

બેટર ઈન્ડિયા સાથે વાત કરતા હર્ષિકા કહે છે, “એક હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે પોતાના ખાવા-પીવાની વસ્તુઓ ઉપર ધ્યાન આપવું પણ બહુજ જરૂરી છે. અને કોણ એવું ન ઈચ્છે કે તેમનું ખાવા-પીવાનું પેસ્ટિસાઈડ્સ અને કેમિકલ ફ્રી હોય.”

એટલા માટે તેમણે પોતાના ઘરમાં ખાવામાં વપરાતી શાકભાજીઓ ઉગાડવાનું શરૂ કર્યુ. હર્ષિકા જણાવે છેકે, ત્રણ વર્ષ પહેલાં વર્ષ 2016માં તેમના જન્મદિવસે તેમના પરિવારે તેમને શહેરનાં શિલજ વિસ્તારમાં 5 વીઘા જમીન ભેટમાં આપી હતી.

Urban Farming
Harshika Patel

હર્ષિકાની શરૂઆત

હું ઘણીવાર વિચારતી હતીકે, મારે જાતે ઝાડ-છોડ ઉગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ જ્યારે મને આ જમીન મળી ત્યારે મે વિચાર્યુકે, એની ઉપર જ ફાર્મિંગ કેમ ન કરવામાં આવે, તેણે કહ્યુ, બસ ત્યારથી મે ખેતીની શરૂઆત કરી હતી.

હર્ષિકાને ખેતી કરવા અંગે આ પહેલાં કોઈ અનુભવ નહોતો. પરંતુ તે પછી તેણે ખચકાટ વિના ઝાડ અને છોડ રોપવાનું શરૂ કર્યું. તેણે અડધા વીઘા જમીનમાં એક બગીચો બનાવ્યો અને બાકીના સાડા ચાર વીઘા જમીનમાં શાકભાજી અને ફળો વગેરે ઉગાડ્યા હતા.

“ખેતીની બાબતમાં હું આત્મશિક્ષિત છું કારણ કે મેં ક્યાંયથી કોઈ તાલીમ લીધી નથી. મેં બધા અનુભવો જાતે કર્યા, અનુભવોમાંથી શીખી અને હવે હું મારા ખેતરનું સંચાલન ખૂબ સારી રીતે કરી રહી છું.”

Farm
Farm Products

હર્ષિકા પોતાના ફાર્મ ‘ગ્રીન ગ્રીડ્સ’માં મોસમી ફળ અને શાકભાજી ઉગાડે છે. ઉનાળામાં તમને અહીં દૂધી, તુરિયા, ટમેટા, બટાકા જેવા શાકભાજી જોવા મળશે, પછી શિયાળામાં બધા લીલા પાંદડાવાળા શાકભાજી, જેવા કે પાલક, મેથી, ધાણા, મૂળો, કોબી, ફુલાવર, ભીંડા વગેરે જોવા મળશે. તેણી તેના ખેતરમાં જે પણ ઉગાડે છે, તે તે તેના પરિવાર, સંબંધીઓ અને મિત્રોમાં વહેંચી દે છે.

તે કહે છે કે, તે એવી રીતે રોટેશનમાં શાકબાજી ઉગાડે છેકે,તેમના પરિવારનાં લોકોને બધી ઋતુમાં બહારથી શાકભાજી લેવાની જરૂર ન પડે.

Farm
Farm

જાતે બનાવે છે જૈવિક ખાતર

હર્ષિકા તેના ખેતરમાં બધું જ જૈવિક પદ્ધતિઓથી ઉગાડે છે. તે જણાવે છે, “ખેતરમાં જે પણ એગ્રો-વેસ્ટ નીકળે છે, અમે તેને ક્યારેય પણ ફેંકતા કે સળગાવતા નથી. “ખેતરમાં જ એક ખાડો ખોદેલો છે, અમે તેમાં જ અમારો બધો જ એગ્રો-વેસ્ટ નાંખતા રહીએ છીએ. પછી જ્યારે તેમાંથી ખાતર બને છે, ત્યારે તે જ ખાતરનો ઉપયોગ ખેતી માટે કરીએ છીએ.

આ ઉપરાંત, તેઓ ખેતીના જૈવિક ઉત્પાદનો બનાવવા માટે ગાયનું છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. તેના દરેક જાણીતા લોકો જેમના ઘરે હર્ષિકાનાં ફાર્મમાંથી શાકભાજી અને ફળો જાય છે, તેઓ ફોન કરીને ફરી શાકભાજી મોકલવા માટે કહે છે. જૈવિક શાકભાજીનો સ્વાદ તો એકદમ અલગ હોય જ છે, પરંતુ સાથે જ તે કેમિકલવાળી શાકભાજી કરતા ઓછા સમયમાં રંધાઈને તૈયાર પણ થઈ જાય છે.

એટલા માટે જ હર્ષિકા, ગમે તેટલું બીઝી શેડ્યૂલ હોય તો પણ પોતાના ફાર્મ માટે જરૂર સમય કાઢે છે. તે કહે છે, “જો તમે ગાર્ડનિંગને તમારા શોખ તરીકે લો છો, તો તમે તમારા સમયને આરામથી મેનેજ કરી શકો છો. તમારે બસ તેને તમારા રૂટિનનો ભાગ બનાવવાનો છે, જેમ બાકી વસ્તુઓ જરૂરી છે તેમ આ પણ જરૂરી છે.”

ઘરમાંથી પણ મળ્યો સપોર્ટ

“શરૂઆતમાં, પહેલા વર્ષમાં ઘણી સમસ્યાઓ થઈ હતી, કારણ કે મને ખેતી વિશે કોઈ જાણ ન હતી. પરંતુ પહેલાં વર્ષના અનુભવોએ મને ઘણું શીખવ્યું અને પછી બીજા વર્ષથી અમારું ફાર્મ સ્ટેબલ થઈ ગયુ હતુ,” તેણે જણાવ્યુ.

Urban Farming

આ સિવાય તેમના પરિવારજનોએ તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો. હર્ષિકા હસતા-હસતા કહે છેકે, તેનાં લગ્ન પટેલ પરિવારમાં થયા છે. અને ગુજરાતમાં પટેલો ખેતી માટે જાણીતા હોય છે. એટલા માટે તેમના પરિવારનાં લોકો ઈચ્છતા હતાકે, કોઈ તો ખેતી સાથે જોડાયેલું કોઈ કામ કરે. એટલા માટે જ્યારે તેણે શરૂઆત કરી તો પહેલાં તો લોકોએ તેના બહુજ વખાણ કર્યા અને તેને હિંમત આપી હતી.

ટાઈમ મેનેજમેન્ટ વિશે તેણી કહે છે કે, એકવાર તમને લાગશે કે તમે નહી કરી શકો. પરંતુ તમારે પ્રયત્ન કરવો જોઈએ. જો તમે 10 માંથી 5 વખત નિષ્ફળ ગયા,તો તે પછીના પાંચ વખત તમારી સફળતાની સંભાવના છે. તેથી, હારવાની જરૂર નથી. ફક્ત એકવાર સ્ટાર્ટ કરો કારણ કે પછી તમે જવાબદારી સાથે દરેક વસ્તુને સંભાળી શકો છો.

“શરૂમાં, થોડું વધારે ધ્યાન મારે આપવું પડતુ હતુ. પરંતુ હવે હું સપ્તાહમાં એક-બે દિવસ જ ફાર્મ પર જઉ છું. ગયા વર્ષે અમે 12 સપ્તાહ સુધી વિંટર ગાર્ડનિંગ વર્કશોપ પણ કર્યો હતો. દર રવિવારે લોકો ફાર્મ ઉપર આવતા હતા અને અમે લોકો કંઈક નવું કરતા હતા. ઘણો સારો અનુભવ રહ્યો હતો. આ વર્ષે બીજી જગ્યાએ ફોકસ હોવાને કારણે અમે વર્કશોપ કરી શક્યા નથી. પરંતુ તેમણે અંતે કહ્યુ, મને આશા છેકે, આગામી સમયમાં અમે આવું કંઈક કરતાં રહીશું.

બેટર ઈન્ડિયા હર્ષિકા પટેલની પ્રશંસા કરે છે અને આશા છે કે દેશના લોકો કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનનું મહત્વ સમજશે. જો તમે આ વાર્તાથી પ્રભાવિત થયા છો તો હર્ષિકા પટેલનો સંપર્ક કરવા તેના ફેસબુક પેજ પર જાઓ.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: અમદાવાદની આ મહિલાએ બાલ્કનીમાં ઉગાડ્યા 300 થી વધુ છોડ, 1000 લોકોને શીખવાડ્યું ગાર્ડનિંગ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon