Search Icon
Nav Arrow
Affordable Energy Device
Affordable Energy Device

સૌર ઉર્જાથી ચાર્જ થતાં આ ડિવાઈસથી ચાલી શકે છે પંખો, બલ્બ જેવાં 3 ઈલેક્ટ્રિક સાધનો

બેંગ્લુરૂની મહિલાએ બનાવ્યું છે પોર્ટેબલ સોલર એનર્જી ડિવાઈસ, કલાકમાં ચાર્જ થઈને ઉપયોગમાં લે છે 3 ઈલેક્ટ્રિક ઉપકરણો.

વિશ્વ વિખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક મેળવવી ભારતનાં ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. જ્યારે બેંગ્લોરની પ્રેરણા વાડીકરને આ તક મળી, ત્યારે તેની ખુશીની કોઈ સીમા ન હતી. કારણ કે, આ યુનિવર્સિટીમાંથી MBA કરવા કરતાં વધુ સારું શું હોઈ શકે અને તે પણ શિષ્યવૃત્તિ સાથે? પરંતુ પ્રેરણાએ આ તકનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નહીં પણ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ કર્યો. જ્યારે તેણીએ પ્રવેશ મેળવ્યો ત્યારે તે માત્ર એક વિદ્યાર્થીની હતાં, પરંતુ આજે તેઓ એક શોધક તરીકે ઓળખાય છે.

ઈનોવેશન કરવા ઉપરાંત પ્રેરણાએ અન્ય ઘણી પ્રવૃત્તિઓ પર કામ કર્યું છે. જેના કારણે તેમને તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ‘‘Vice-Chancellor’s Social Impact Award’ એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ 2010 માં આ સન્માન ઓક્સફર્ડ યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડો.એન્ડ્ર્યુ હેમિલ્ટન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એવોર્ડ દર વર્ષે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જે અસાધારણ સિદ્ધિ અને સકારાત્મક સામાજિક પરિવર્તન માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં પ્રેરણાએ કહ્યું, “મને આ એવોર્ડ મારા ઈનોવેશન, ‘જીવા’ પર કામ કરવા અને ‘જીવા ગ્લોબલ‘ શરૂ કરવા તેમજ ઓક્સફોર્ડ ઇન્ડિયા બિઝનેસ કોન્ક્લેવ બનાવવા, ઓક્સફોર્ડશાયરમાં ઇમિગ્રન્ટ સમુદાયો માટે કામ કરવા અને લાંબા સમયથી વ્યક્તિગત અને વ્યાવસાયિક સ્તરે સામાજિક વિકાસના ક્ષેત્રમાં કામ કરવા બદલ આપવામાં આવ્યો છે.”

Affordable Energy Device

પ્રેરણાએ એક પ્રકારનું પોર્ટેબલ એનર્જી ડિવાઇસ બનાવ્યું છે, જે ‘પાવર બેંક’ જેવું દેખાય છે પરંતુ તે તેના કરતા પણ ઘણું ખાસ અને છે અને ઘણા લોકો અને સંસ્થાઓ માટે મદદરૂપ થઈ શકે છે.

દાદી પાસેથી કંઇક અલગ કરવાની પ્રેરણા મળી

પોતાની અહીં સુધીની મુસાફરી વિશે વાત કરતા તેમણે કહ્યું, “મારા ઘરમાં દરેક વ્યક્તિ હંમેશા શિક્ષણ પ્રત્યે સભાન રહે છે. મારા દાદીએ તેમનાં પાંચમાં બાળકના જન્મ પછી પીએચડી કર્યુ હતું. તે એક શાળામાં ભણાવતાં હતાં અને તેમનાં ઘરે પાર્ટ ટાઇમ ફ્રી સ્કૂલ પણ ચલાવતા હતાં. તેઓ શિક્ષણનું મહત્વ સમજતા હતા અને તેથી જ શાળામાં ન જઈ શકે તેવા બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપતાં હતાં. તે મારા માટે સૌથી મોટી પ્રેરણા હતાં કારણ કે, જે જમાનામાં છોકરીઓના શિક્ષણનું કોઈ મહત્વ નહોતું ત્યારે તેમણે દ્રઢતા પૂર્વક કંઈક અલગ કર્યું અને પોતાની ઓળખ બનાવી.”

તેવી જ રીતે, તેમની માતા એક યોગ શિક્ષિકા છે અને તે હંમેશા પ્રેરણાને કહે છે કે વિજ્ઞાનનો ઉપયોગ લોકોની ભલાઈ માટે જ થવો જોઈએ. નાનપણથી જ તેના ઘરમાં હંમેશા કંઈક નવું કરવા, શીખવા અને આગળ વધવા માટેનું વાતાવરણ રહેતું. ત્યારબાદ, જ્યારે તેઓ હની બી નેટવર્ક અને તેના સ્થાપક પ્રોફેસર અનિલ ગુપ્તાના સંપર્કમાં આવ્ય ત્યારે તેમની વિચારસરણી બદલાઈ. કમ્પ્યૂટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ પ્રેરણા IIM બેંગ્લોરમાં દાખલ થઈ. અહીં તેઓ એમબીએ નહીં પરંતુ પબ્લિક પોલિસી પર કોર્સ કરી રહ્યાં હતાં.

Affordable Energy Device

“મારા અભ્યાસ દરમિયાન, મને પ્રોફેસર અનિલ ગુપ્તાને મળવાની તક મળી. હું તેમની સાથે ઘણી સંશોધન યાત્રાઓ પર ગઈ. આ દરમિયાન, મેં ઘણું શીખ્યું કારણ કે સંશોધન યાત્રામાં ઘણા શોધકો, નિષ્ણાતો અને વિવિધ વિચાર અને અનુભવો ધરાવતા લોકોને મળવાનું થતું હોય છે. આ દરમિયાન હું સમજી ગઈ કે ભારતની સમસ્યાઓ શું છે અને આપણી જરૂરિયાત પ્રમાણે આપણે શેની શોધ કરવાની જરૂર છે,”તેણે કહ્યું.

‘જીવા’ શું છે?

પોતાના ઈનોવેશન વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, “જીવા એક પોર્ટેબલ ઉર્જા ઉપકરણ છે. જે ગમે ત્યાં લઇ જઈ શકાય છે. તે પાવર બેંક જેવું દેખાય છે અને ચાર્જ કરવામાં માત્ર એક કલાકનો સમય લાગે છે તથા વીજળી ન હોય ત્યારે તેને સોલર પેનલથી પણ ચાર્જ કરી શકાય છે. તે ઇલેક્ટ્રિક ગ્રેડ અને સોલર પેનલ બંનેથી સજ્જ છે. આથી આ ઉપકરણ વીજળી પર આધારિત નથી. એકવાર ચાર્જ કર્યા પછી, આ ઉપકરણ સાથે તમે ત્રણ ઉપકરણો જેમ કે લાઈટ, પંખો અથવા અન્ય કોઇ ઇલેક્ટ્રિક ઉપકરણ ચલાવી શકો છો.”

એક વાર ચાર્જ થયા બાદ જીવા ચાર થી છ કલાક કામ કરે છે. તેણી કહે છે કે આ ઈનોવેશનનો ઉદ્દેશ શક્ય તેટલા લોકો માટે ઉર્જાને સુલભ બનાવવાનો અને તેને સસ્તી બનાવવાનો છે. તેઓએ આ ઉપકરણ એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે જેઓ લારી-ગલ્લા ચલાવે છે. પ્રેરણા કહે છે કે, તેણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા વિકાસશીલ દેશોમાં પણ ઘણા લોકોને લારી પર પોતાની રોજગારી રળતાં જોયા છે. ખાસ તો તેમણે આવા લોકોના કામને સરળ બનાવવા માટે આ ઉપકરણ તૈયાર કર્યું છે.

લારી-ગલ્લા સિવાય, તેણી કહે છે કે, તેના ઉપકરણનો ઉપયોગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિન રેફ્રિજરેટર, દુકાનોમાં બલ્બ, પંખા અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોના ઘરોને પ્રકાશિત કરવા માટે થઈ શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું, “મેં બેંગલુરુ સ્થિત કંપની, Livaah innovations Pvt Ltdનો સંપર્ક કર્યો અને તેમને મારા વિચાર વિશે જણાવ્યું. મને કંપનીના ડિરેક્ટર ભરત કૃષ્ણ રાવ તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો. તેઓ લાંબા સમયથી ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યા છે. વધુમાં, લિથિયમ આયન ટેકનોલોજી પર કામ કરનારા ડૉ.સત્યાનો પણ સાથ મળ્યો. તેમની મદદથી, મેં મારું આ ડિવાઇસ ડિઝાઇન કર્યું અને તે પછી વારાણસીમાં પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ સફળ રહ્યો અને અમને ઘણા લારી-ગલ્લાવાળા તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો.”

Affordable Energy Model

હાલમાં, તે Livaah કંપની સાથે તેના વ્યાપારી ઉત્પાદન માટે કામ કરી રહી છે. રાવ કહે છે, “અમારી કંપની પહેલેથી જ IoT ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌર અને બેટરીથી ચાલતી પ્રોડક્ટ બનાવી રહી છે. તેથી, પ્રેરણાના વિચાર સાથે કામ કરવું અમારા માટે આનંદની વાત છે.” તેના કાર્યને આગળ વધારવા માટે, પ્રેરણાએ પોતાનું ગ્રીન એનર્જી એન્ટરપ્રાઇઝ, જીવા ગ્લોબલ પણ શરૂ કર્યું છે. આ દ્વારા, તેણી તેના ઉપકરણને નાના ઉદ્યોગસાહસિકો, જાહેર સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ સુધી લઈ જવાનો પ્રયાસ કરશે.

અંતમાં, તેમણે કહ્યું, “અમે ભારતીયો ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ધારણામાં માનીએ છીએ અને તેથી આ ઉપકરણને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ લોકોને ઉપયોગી થઈ શકે.”

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: કિશન દવે

તસવીર સૌજન્ય: પ્રેરણા વાડિકર

આ પણ વાંચો: ખેડૂતની ટેક્નિકથી બન્યાં GI Tag વાળાં લાકડાનાં રમકડાં, 160 પરિવારોને મળવા લાગ્યો રોજગાર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon