આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે વસેલ એટિકોપ્પકા (GI Tagged Etikoppaka Toys) ગામનો ઈતિહાસ વર્ષો જૂનો છે. આ ગામનું નામ ચાલુક્ય વંશના એક રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વરાહ નદીના કિનારે વસેલ આ ગામ ખાસ પ્રકારનાં પારંપારિક ‘લાકડાનાં રમકડાં’ માટે જાણીતું છે. આ રમકડાંને ‘એટિકોપ્પકા’ (GI Tagged Etikoppaka Toys) ના નામથી જ ઓળખાય છે. જોકે, એક સમયે આ કળા લુપ્ત થવાની કગાર પર હતી જ્યારે આજે ગામના કારીગરોની સાથે-સાથે બાળકો પણ પ્રાથમિક શાળાનાં બાળકોને મદદરૂપ થઈ શકે તેવાં રમકડાં બનાવે છે.
અને આ શક્ય બન્યું છે, એટિકોપ્પકા ગામના નિવાસી સીવી રાજૂના કારણે. ગામના એક સમૃદ્ધ પરિવારના સીવી રાજૂ પોતાની સ્ટડી પૂરી કર્યા બાદ ગામ પાછા ફર્યા તો પોતાની મૂળ ખેતી સંભાળવા લાગ્યા. ખેતી કરતી વખતે તેમણે વધુ એક વાત નોંધી કે, ગામમાં લાકડાનાં રમકડાં બનાવવાનું કામ ઘટી રહ્યું છે. જે રમકડાં રમીને તેઓ મોટા થયા છે, તેને આમ ખતમ થતાં જોઈને તેમને પણ દિલથી થયું કે, તેઓ આના માટે શું કરી શકે?
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “પારંપારિક લાકડાનાં રમકડાં બનાવવા માટે પ્રાકૃતિક રંગો અને ડાઈનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે બાળકો માટે જરા પણ નુકસાનકારક નહોંતાં. પરંતુ ધીરે-ધીરે પ્રાકૃતિક ડાઈનો ઉપયોગ ઘટવા લાગ્યો અને બજારમાં ઉપલબ્ધ સિન્થેટિક રંગોનો ઉપયોગ વધી ગયો. સાથે-સાથે જંગલો ઘટતાં જતાં કારીગરોને લાકડાની સમસ્યા પણ નડવા લાગી. ધીરે-ધીરે લોકો આ કામ છોડી બીજી જગ્યાએ મજૂરીએ જવા લાગ્યા, જેથી તેમનું ઘર ચાલે.”
પરંતુ વર્ષ 1988 માં રાજૂએ નક્કી કર્યું કે તેઓ આ ‘કાષ્ઠ કળા’ ને લુપ્ત નહીં થવા દે. એટલે તેમણે શિલ્પ કળાઓ માટે કામ કરી રહેલ સંગઠનો અને વહિવટીતંત્રની મદદ લીધી. તેમણે કાફ્ટ્સ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાનો પણ સંપર્ક કર્યો અને પોતાના ગામમાં ‘પદ્માવતી એસોસિએટ્સ’ ની શરૂઆત કરી. તેઓ જણાવે છે કે, તેઓ આ રમકડાંને સ્થાનિક બજારમાંથી બહાર કાઢી રાષ્ટ્રીય પ્રદર્ષનો સુધી લાવ્યા. બધી જ જગ્યાએ લાકડાંનાં રમકડાં માટે સારી પ્રતિક્રિયાઓ મળવા લાગી. રાષ્ટ્રીય સ્તરે સારુ નામ કમાયા બાદ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ રમકડાં એક્સપોર્ટ કરવાની તક મળી.

‘સિંથેટિક રંગ’ ના ઉપયોગના કારણે પાછો આવ્યો ઓર્ડર
વધુમાં તેમણે જણાવ્યું કે, અમને એક બહુ મોટો ઓર્ડર મળ્યો હતો પરંતુ એ રમકડાં મોકલ્યા બાદ પાછાં આવ્યાં. આ બાબતે તેમણે કહ્યું, “આ પહેલાં ક્યારેય અમારાં રમકડાંની ગુણવત્તા પર સવાલ નહોંતા થયા. પરંતુ આ વખતે રમકડાં પાછાં આવ્યાં કારણકે આંતરરાષ્ટ્રીય બજારમાં ‘ક્વૉલિટી ચેક’ દરમિયાન રમકડાં બનાવવા માટે ઉપયોગમાં લેવાય રંગમાં ‘લેડ’ ના અંશ મળ્યા અને સિંથેટિક ડાઈ લોકો માટે ઝહેરી નીવડી શકે છે. એટલે અમને લાગ્યું કે, અમારે અમારી કળાને બચાવવા માટે ફરીથી પારંપારિક રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ.”
આ બાબતે રાજૂએ ગામલોકો સાથે ચર્ચા કરી તો ઘણા જૂના કારીગરોએ જણાવ્યું કે પહેલાં ‘દિવિ-દિવિ’ (Caesalpinia coriaria) નામના ઝાડથી તેમને લાલ રંગ મળતો હતો, જેનો ઉપયોગ તેઓ કરતા હતા. પરંતુ સમય સાથે પ્રાકૃતિક રંગો બનાવવાની પ્રક્રિયા અને કળા ભૂલાતી ગઈ. ત્યારબાદ તેમણે ‘ક્રાફ્ટ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા’ નો સંપર્ક કર્યો, નસીબજોગે તે સમયે કાફ્ટ કાઉન્સિલ પણ કપડાં રંગવા માટે અને પ્રિન્ટ માટે ‘વેજિટેબલ ડાઈ’ પાર કામ કરી રહ્યું હતું. રાજૂએ તેમણે આયોજિત વર્કશૉપમાં ભાગ લીધો અને પ્રાકૃતિક રંગો બનાવવાનું શરૂ કર્યું.

શોધ્યો પ્રાકૃતિક રંગો બનાવવાનો સર્જનાત્મક રસ્તો
રાજૂ જણાવે છે કે, જંગલોમાં જઈને અલગ-અલગ ઝાડ-છોડ શોધ્યા, જેમનાં મૂળ, છાલ, પત્તાં, ફળ, બીજ અને ફૂલોમાંથી પ્રાકૃતિક રંગો મળી શકે છે. જેના પર લગભગ ત્રણ મહિના સુધી અલગ-અલગ પ્રયોગ કર્યા બાદ ઘણા પ્રકારના પ્રાકૃતિક રંગ ઝાડ-છોડમાંથી ભેગા કરવામાં આવ્યા. ત્યાર બાદ આ રંગોને ‘ક્રાફ્ટ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા’ ની મદદથી ટેસ્ટ કરાવવામાં આવ્યા. તેમને બનાવેલ આ રંગોમાં કોઈપણ પ્રકારનાં ઝેરી તત્વો ન મળ્યાં. આ સંપૂર્ણ રીતે જૈવિક હતા. પરંતુ સમસ્યા એ હતી કે, આ રંગ રમકડાં પર કેવી રીતે ચઢાવવા કે રમકડાંની ચમક જળવાઈ રહે.
તેમણે જણાવ્યું, “પ્રાકૃતિક રંગો બનાવવા સરળ હતા પરંતુ તેને જાળવી રાખવા માટે એક ટેક્નિકની જરૂર હતી, કારીગરો કોઈપણ પ્રકારની સમસ્યા વગર તેનો ઉપયોગ કરી શકે. એટલે મેં ફરીથી આ બાબતે સંશોધન શરૂ કર્યું. મેં એક અલગ ટેક્નિક પર કામ કર્યું. હવે અમે સૌથી પહેલાં ફૂલ પત્તાં, બીજ વગેરેને સૂકવીએ છીએ. ત્યારબાદ અલગ-અલગ રીતે કુદરતી રંગો બનાવવામાં આવે છે. જેમકે કેટલાકને દળીને તો કેટલાકને પાણીમાં ઉકાળીને તો કેટલાકને ‘કોલ્ડ પ્રોસેસિંગ કરી. ત્યારબાદ આ રંગોને ‘લાખ’ સાથે મિક્સ કરવામાં આવે છે.”
ત્યારબાદ આ રંગીન લાખથી રમકડાં શણગારવામાં આવે છે અને પછી ‘કેવડા’ (P. tectorius) ના પાનથી ફિનિશિંગ કરવામાં આવે છે, જેથી રમકડાં પર ચમક આવી શકે. આ રીતે રાજૂની ટેક્નિકથી આજે ‘એટિકોપ્પકા’ (GI Tagged Etikoppaka Toys) રમકડાં હર્બલ ડાઈથી બને છે. તેમણે જણાવ્યું કે વર્ષ 1993 થી 2007 સુધી તેમણે બીજાં દેશોમાં પણ આ રમકડાં એક્સપોર્ટ કર્યાં.

160 પરિવારોને મળે છે રોજગાર
એટિકોપ્પકા ગામના 160 કારીગર પરિવારોને રાજૂના પ્રયત્નોના કારણે આજે સારો રોજગાર મળી રહ્યો છે. પ્રાકૃતિક ડાઈથી બનાવવાની સાથે-સાથે રાજૂએ આ રમકડાં માટે ઘણી ઈનોવેટિવ ડિઝાઇન પણ બનાવી છે. તે જણાવે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ તેમના કારીગરો પાસે ‘લર્નિંગ ટૉયજ’ બનાવડાવે છે, જેનો ઉપયોગ પ્રાથમિક શિક્ષણ માટે થઈ રહ્યો છે. સ્થાનિક કારીગરોને શાળા અને એમ.એસ યૂનિવર્સિટી વડોદરા સિવાય, વ્યક્તિગત ડિઝાઈનરો દ્વારા નવી-નવી ડિઝાઇન પર કામ શીખવાડવામાં આવી રહ્યું છે.
એક સ્થાનિક કારીગર, એ. વરલક્ષ્મી જણાવે છે, “રાજૂજીના કારણે અમારું કામ વધ્યું છે અને અમને નામના પણ મળી છે. પહેલાં ઘર ચલાવવું મુશ્કેલ હતું, પરંતુ હવે આવી કોઈ સમસ્યા નથી. તેમના કારણે અમને ઘણા સારા ઑર્ડર્સ મળી રહ્યા છે.” તો, પીઆરવી સત્યનારાયણ કહે છે કે 1993 પહેલાં રાસાયણિક રંગોનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે અમે માત્ર પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરીએ છીએ. જેનો સંપૂર્ણ શ્રેય તેઓ રાજૂને આપે છે. વર્ષ 2017 માં ‘એટિકોપ્પકા’ રમકડાંને GI Tag મળી ગયું છે (GI Tagged Etikoppaka Toys).

સીવી રાજૂને પોતાના આ કામને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન (NIF) તરફથી પણ બહુ મદદ મળી છે. તે કહે છે કે, NIF દ્વારા સૌથી પહેલાં પ્રાકૃતિક ડાઈના પુનરૂદ્ધારની માન્યતા આપવામાં આવી અને અમારા કામને ઓળખ મળી. આ સિવાય, તેમણે આર્થિક સહયોગ પણ આપ્યો. વર્ષ 2002 માં તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમનું તેમના કામ માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માન કર્યું.
તેમણે કહ્યું, “આ સિવાય, વન વિભાગ દ્વારા પણ અમને મદદ મળી છે અને અમે ગ્રામીણોને સરકારની સામુદાયિક વન પ્રબંધન યોજાના સાથે જોડી રહ્યા છીએ, જેથી તેમને રમકડાં બનાવવા માટે લાકડાં મળી શકે. સાથે-સાથે ગામલોકો અલગ-અલગ પ્રકારના છોડ વાવે છે. જેનો ઉપયોગ તેઓ પ્રાકૃતિક રંગો બનાવવા માટે કરે છે. આ ટેક્નિકને કોઈ પણ શીખી શકે છે, પરંતુ પેટન્ટ ન કરાવી શકે.”
આજે આ ગામ સંપૂર્ણ પ્રકારે રસાયણ મુક્ત અને ઈકો-ફ્રેન્ડલી રમકડાં બનાવે છે. ગયા વર્ષે, ‘વોકલ ફોર લોકલ’ ને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘મન કી બાતા’ પ્રોગ્રામમાં સીવી રાજૂના પ્રયત્નોમાંથી પ્રોત્સાહન લેવાની સલાહ આપી હતી. રાજૂ કહે છે કે, આગળ તેમનો ઉદ્દેષ્ય આદિવાસી સમુદાયો સાથે કામ કરવાનો છે. જો કોઈ તેમનાં બનાવેલ રમકડાં અંગે માહિતી ઈચ્છે કે તેને ખરીદવા ઈચ્છે તો તેમને padmavatiassociates@yahoo.com પર ઈમેલ કરી શકે છે.
Photo Credits: Dr. Rajesh Ponnada and Gatha.com
આ પણ વાંચો: ગરમીમાં પણ AC ભૂલાવે તેવી ઠંડારક, દેશી ગાયના છાણમાંથી બનેલા Vedic Plasterમાંથી લાખોની કમાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.