Search Icon
Nav Arrow
Idli Dadi
Idli Dadi

ફક્ત એક રૂપિયામાં ઈડલી ખવડાવે છે 82 વર્ષનાં દાદી, 30 વર્ષથી નથી વધાર્યો ભાવ

મોંઘવારી વધવા છતાં છેલ્લાં 30 વર્ષથી નથી વધાર્યો ભાવ, ઓળખાય છે ઈડલી દાદી તરીકે

સાધારણ પતરાનાં શેડવાળા ઘરમાં છે એક માટીનો ચુલો. આ ચુલા પર એક વૃદ્ધ મહિલા ઈડલી બનાવી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ કોઈમ્બતુરનાં વાડિવેલમપાલયમ ગામમાં રહેતી 82 વર્ષની મહિલા એમ. કમલાથલની, જે છેલ્લાં 30 વર્ષોથી માત્ર એક જ રૂપિયામાં ઈડલી વેચી રહ્યા છે. વિશ્વાસ નથી આવતો ને?
મોંઘવારી, વધતી જતી બેરોજગારી અને તકવાદી સ્વાર્થમાં લિપ્ત આ દુનિયામાં પણ શું કોઈ આવું વ્યક્તિ હોઈ શકે? પરંતુ એમ. કમલાથલને મળીને તમને લાગશે કે, માણસ તરીકે આપણી અંદર શું ખોવાઈ ગયુ છે.

એમ. કમલાથલ કહે છે કે, હવે હું 82 વર્ષની થઈ ગઈ છું, જાણતી નથી કે, હજી કેટલા દિવસ વધારે કામ કરી શકીશ. મારા પરિવારમાં બીજુ કોઈ નથી. હું એકલી છું. સવારે સાડા પાંચ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધી કામ કરું છું. હું આનાથી નફો કમાવવા માંગતી નથી. જેટલું મને મળે છે તેને હું જીવન જરૂરિયાતમાં ખર્ચ કરી દઉ છું. મારે દરરોજ લગભગ 400-500 ઈડલીઓનું વેચાણ થઈ જાય છે. આ માટે દરરોજ 300 રૂપિયાનો ખર્ચ થાય છે. ઈડલી વેચીને નફા તરીકે મારે લગભગ 200 રૂપિયાની બચત થઈ જાય છે, જેનાંથી મારું ગુજરાન ચાલી જાય છે. આ કામ કરવામાં મને ખુશી મળે છે.

woman empowerment

મોટા અને નાના શહેરોમાં રહેતાં લોકો કદાચ આ રીતે સાદગી, ઉદારતા અને મહેનત કરીને જીવન જીવી શકે. બજારમાં કીંમતોના ઉતાર-ચડાવની આપણા જીવન ઉપર ઉંડી અસર થાય છે. આપણને કારણ વગર જ જમાખોરી કરવાની આદત થઈ ગઈ છે. આપણને નવા-નવા કપડા અને સુખ સુવિધા જોઈએ, જે આપણને એક સભ્ય સમાજમાં બનાવટી હેસિયત અપાવી શકે છે. આપણે બધા ક્યારેય ખતમ ના થાય એવી પ્રતિસ્પર્ધામાં છીએ.

બીજી તરફ, એક સાધારણ કોટન સાડી પહેરેલાં આ 82 વર્ષીય વૃદ્ધા જેમને જ્યારે પણ પુછવામાં આવે કે, તમને શું જોઈએ છે? તે તેમનો એક જ જવાબ હોય છેકે,- કંઈજ નહી. કમલથાલ એક એવા સાહસિક મહિલા છે જેમને ના તો ફાયદાની ચિંતા છે અને ના તો કોઈ નુકસાનની ચિંતા. 30 વર્ષોમાં ચોખા અને દાળની કિંમતમાં મોટો ઉતાર-ચડાવ આવ્યો તેમ છતાં કમલથાલે તેમની ઈડલીની કિંમતમાં ક્યારેય પણ વધારો કર્યો નથી. તેમની આ સહજ ઉદારતા આજનાં સમયમાં એક મિસાલ છે.

Idli Dadi

મોટાભાગે એકલા રહેતી મહિલાઓ અસુરક્ષાની ભાવનાથી ગ્રસિત હોય છે. તેઓ એવું કહીને પોતાનું જીવન વિતાવે છેકે, અરે મારું કોઈ કરવાવાળું નથી. આ જ અસુરક્ષાની ભાવનાને કારણે ઘણા લોકો પોતાનું આખું જીવન તેમના ભવિષ્યની ચિંતામાં લગાવી દે છે. પરંતુ કમલથાલ અપવાદ છે. તેમને આજે ન તો કશું મેળવવાનો મોહ છે. અને ના તો કશું ખોઈ દેવાનો મલાલ,આ સબક સાથે તે નિર્ભય થઈને વર્તમાનમાં જીવે છે. આ ચિંતામુક્ત અને મસ્ત જીવનશૈલીને કારણે અત્યાર સુધી બિમારીઓએ કમલથાલને સ્પર્શી નથી. તેથી જ આ ઉંમરમાં પણ શારિરીક શ્રમ કરવામાં સક્ષમ છે. તેમના ચહેરાની કરચલીઓમાં પણ પ્રેમ, સ્નેહ અને હાથોની ફુલેલી નસોમાં સંઘર્ષ કરવનો જુસ્સો દેખાય છે.

કમલથાલ જે રીતે એક નાનકડી જગ્યામાં સીમિત સાધનો સાથે ઈડલી બનાવીને લોકોને ખવડાવે છે. તેમને જોઈને એક સરળ જીવન દેખાય છે. જેમાં કોઈ દેખાડો કે આડંબર નથી, બનાવટ નથી. કમલથાલનાં ગ્રાહક સામાન્ય રીતે ખેતીકામ કરતાં મજુરો હોય છે. કેળાનાં પાન ઉપર ઈડલી, સાંભાર અને ચટણી પીરસવામાં આવે છે. લોકો જે રીતે તેને મજા લઈને ખાય છે. તે જોઈને તમે પણ ખાધા વગર રહી શકશો નહી. ઈડલી ખાધા બાદ દરેક લોકો વાંસના ટોપલામાં તેમનાં એંઠા પત્તલ નાખીને નીકળી જાય છે. તે ઘણી સસ્તી અને ઈકો-ફ્રેન્ડલી રીત છે. આ રીતે તમારે ન તો વાસણ ધોવાની જરૂર પડે છે અને કચરો ફેંકવાની પણ કોઈ ચિંતા રહેતી નથી. કારણકે, આ પત્તલને ઢોર ખાઈ લેશે અથવા તો થોડા દિવસોમાં જૈવિક ખાતર બનશે તો તેના ખેતીના કામમાં આવશે..

Idli

વર્ષ 2019માં તેમનો એક વિડીયો વાયરલ થયા બાદ દરેકનું ધ્યાન એમ. કમલથાલ તરફ આકર્ષિત થયુ હતુ. તે બાદ હાલમાં જ તેમને સરકાર દ્વારા એલ.પી.જી. કનેક્શન આપવામાં આવ્યુ છે.

ખબર નહી, આ ગેસ કનેક્શન કમલથાલ માટે કેટલું ઉપયોગી થશે, કારણકે કમલથાલે જીવનભર ચુલ્હામાં લાકડી સળગાવીને ઈડલી બનાવી છે. આ ઉંમરમાં ગેસ પર ઈડલી બનાવવી કદાચ તેમને પસંદ ન આવે. બનાવનારા વ્યક્તિનાં અનુભવી હાથોનો પ્રેમ, ચુલાનો ધીમા તાપનો સ્પર્શ અને ધુમાડાની મીઠી સુગંધ ખાવામાં અનેરો સ્વાદનો રસ ભરી દે છે. આ સ્વાદને દુનિયાનો કોઈ પણ મસાલો કે કોઈ ટેક્નોલોજી પેદા કરી શકતી નથી. કમલથાલ માટે રસોઈ ગેસ પર કામ કરવાનું કેટલું સરળ હશે, તે તો સમય જ જણાવશે.

હાલમાં જ મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ વાયરલ વીડિયોને ટ્વીટર પર શેર કર્યો હતો. કમલાથલનાં ઘરને નવી રીતે બનાવવા માટે ભારત ગેસ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને થાઈરોકેયર ટેક્નોલોજીઝે જવાબદારી લીધી નથી.પરંતુ જેમને જીવનમાં કંઈપણ મેળવવાની મહત્વકાંક્ષા ન હોય, તેમના માટે આ પ્રકારની મદદ કેટલી સાર્થક રહેશે તે કહેવુ મુશ્કેલ છે.

Idli

કોવિડ 19નાં આ સમયમાં જ્યાં એક તરફ અવિશ્વાસ, ડર અને અનિશ્ચિતતાનો મહોલ છે. તો બીજી તરફ લોકો જીવનજરૂરી વસ્તુઓની જમાખોરી અને કાળાબજારી કરી રહ્યા છે. વસ્તુઓની કિંમતોને કૃત્રિમરૂપે વધારવામાં આવી છે. તો પણ આવા સમયમાં કમલથાલે તેની ઈડલીની કિંમતમાં વધારો કર્યો નથી. તે કહે છેકે, ગરીબ પાસેથી વધારે પૈસા લઈને તે શું કરશે? કમલથાલ છેલ્લાં 30 વર્ષોમાં 1 રૂપિયામાં ઈડલી વેચતા દાદીનાં રૂપમાં ચર્ચિત છે, પરંતું કમલથાલનાં જીવનની વાર્તા માનવતા અને એક માણસાઈનું મહત્વ રાખે છે. તેને સારી રીતે દર્શાવે છે.

આપણે પણ ઈચ્છીએ તો ઈડલી દાદીનાં વખાણ કરીએ, તેમની ચર્ચા કરીએ, તેમના વીડિયોને અને તેમની વાર્તાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહીએ અથવા તો તેમના જીવનમાંથી પ્રેરણા લઈને ઈડલી દાદી જેવું કંઈક કરીએ.

મૂળ લેખ: નેહા રૂપડા

આ પણ વાંચો: 62 વર્ષની ઉંમરે આ સુરતનાં દાદી 250 બાળકોને માટે જાતે જ પૌષ્ટિક ભોજન બનાવી જમાડે છે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon