સુરતમાં ખમણની દુકાનમાં સામાન્ય કારીગર તરીકે નોકરી કરતા પિતામ્બરદાસે વર્ષો પહેલાં અમદાવાદમાં શરૂઆત કરી હતી દાસ ખમણની. આજે તેમની ચોથી પેઢી સાચવી રહી છે વારસો. આજે આખા અમદાવાદમાં ફેલાયેલ છે તેમની શાખાઓ.
દાસ ખમણ, જેનાથી અમદાવાદીઓના રવિવારની શરૂઆત થાય છે. અઠવાડિયાના બાકીના દિવસો તો જીવનની રેસમાં દોડવાનું હોય, પરંતુ રવિવારને માણવાનો હોય. એટલે જ રવિવારે સવારે ઊઠીને અમદાવાદીઓ સૌથી પહેલાં ખમણ લેવા દાસ ખમણની દુકાને પહોંચી જાય અને ખમણની સાથે-સાથે પાતરાં, ઢોકળાં, સુરતી લોચો સહિતની વાનગીઓ લઈને ઘરે જાય અને આખો પરિવાર મળીને જયાફત ઉડાવે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દાસ ખમણની શરૂઆત કોણે કરી? દાસ ખમણની શરૂઆત ક્યારે થઈ. તમે પણ આ ખમણ ખાઓ છો અને તમારા પિતાજી અને દાદાજી પણ ખાતા હતા, તો આખરે કેટલાં વર્ષો પહેલાં તેની શરૂઆત થઈ હતી. આજે દાસ ખમણની આ જ રસપ્રદ સફર વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં.
દાસ ખમણની ચોથી પેઢી એટલે કે, અવનેશભાઈ ઠક્કર (મોન્ટુભાઈ)એ ધ બેટર ઈન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જે અમે અહીં શબ્દશ: રજૂ કરીએ છીએ. ”અમારા પરદાદા પિતામ્બરદાસ કાનજીભાઈ ઠક્કરનો જન્મ અમરેલીના વાડિયા ગામે થયો હતો. તેઓ યુવાન વયે નોકરીની શોધમાં સુરત પહોંચ્યા ગયાં હતાં. જ્યાં તેઓ એક ખમણની દુકાનમાં નોકરી કરતાં હતાં. આ દરમિયાન તેમના લગ્ન થઈ ગયાં હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી. નોકરી કરતાં-કરતાં ખૂબ સારી રીતે ખમણ બનાવવાની તેમનામાં ફાવટ આવી ગઈ. આ પછી તેમણે એક દિવસ એવું વિચાર્યું કે, હું અમદાવાદમાં જઈને ખમણનો બિઝનેસ શરૂ કરું. આ પછી તેમણે શેઠને રજૂઆત કરી અને ખમણનો ધંધો ચાલુ કરવા અંગે જણાવ્યું. સુરતમાં શેઠની સામે હરિફાઈ ના કરતાં તેઓ અમદાવાદ આવીને એક ભાડાના મકાનમાં અને બચેલી મૂડી તેમજ તેમના પત્ની નંદુબાના સાથથી ખમણ બનાવવાનું શરૂ કર્યું હતું.
”એક શેર ચણાની દાળ (પાંચસો ગ્રામ), હાથથી દળવાની ઘંટી અને બચેલી મૂડીમાંથી ખમણ બનાવવાની સાધન સામગ્રી વિકસાવી ખમણ બનાવવાની શરૂઆત કરી હતી. ખમણ બનાવીને તેઓ સ્કૂલ અને થિયેટરની બહાર વેચતા હતાં. આમ આ રીતે ખમણ વેચવાની શરૂઆત કરી હતી. આ પછી ધીમે-ધીમે ખમણનું સારું વહેંચાણ થતાં સૌ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે દાણાપીઠમાં દુકાનની શરૂ કરી હતી. પરદાદાનું નામ પિતામ્બરદાસ હોવાથી લોકો તેમને હુલામણા નામથી ”દાસ કાકા” તરીકે બોલાવતાં હતાં. એ રીતે દાસના ખમણની શરૂઆત થઈ હતી. જે આજે રજિસ્ટર્ડ કરેલ છે.”
”આ ઉપરાંત લોખંડી પુરુષ અને સરદાર વલ્લભભાઈ પટેલ જે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ હતાં ત્યારે, તેઓ પણ પિતામ્બર દાસના બનાવેલાં ખમણ ખાતા હતા અને સુધરાઈ કમિટીની મિટિંગમાં પણ તેઓ અલ્પાહારમાં દાસના ખમણનો આગ્રહ રાખતા હતા.”
”આ પછી દાદાના બનાવેલાં ખમણનો સ્વાદ લોકોને દાઢે વળગી ગયો હતો, પણ સંસારમાં વૈરાગ્ય આવતાં અમારા દાદા પિતામ્બરદાસ ગૃહસ્થ જીવન છોડી સાધુ બની ગયા અને જૂનાગઢની કોઈ ગુફામાં સાધુ જીવન જીવતાં હતાં. હજી એ હયાત છે કે, નહીં તે એક પ્રશ્ન છે. અમારા પિતા મોહનલાલ ઠક્કરે એટલું કહ્યું હતું કે, તમારા દાદાના અવસાનના સમાચાર મળેલ નથી. માટે તેમના ફોટાને હાર ચઢાવવો નહીં. જે અમે આજે પણ, પિતામ્બર દાદાના ફોટોને હાર ચઢાવતાં નથી અને તેમની આજ્ઞાનું પાલન આજે પણ કરી રહ્યા છીએ.”
”અમારા પિતાશ્રી મોહનલાલ ઠક્કર (બીજી પેઢી) પોતાના પિતાનો ખમણના ધંધાનો વારસો સાચવ્યો અને ખૂબ જ વિકસીત કર્યો હતો. ધંધાની સાથે તેમને અભિનય કલામાં પણ રૂચી હતી. તેઓ પણ રંગભૂમિમાં કલાકાર મોહન ઠક્કર તરીકે નામના મેળવી હતી. ”મખ્ખીચુસ” નાટક તેમના જમાનાના લોકો યાદ કરે છે. પરદાદા પિતામ્બર દાસ અને મોહનભાઈનો વારસો સાચવવા તેમના ચાર દીકરા આ ધંધા સાથે સંકળાયા અને ધંધાને આગળ વિકસાવવા આજે પણ સાથે જોડાયેલાં છે. ”
”વર્ષ 2008 દરમિયાન અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં માંગ વધતાં મણિનગર ખાતે શાખા શરૂ કરવામાં આવી હતી. મોહનભાઈના પુત્ર ભરતભાઈ ઠક્કર નાનપણથી જ તેમના પિતા સાથે ખમણ બનાવવાની રુચી અને ફાવટ મેળવી હતી. વર્ષોની મહેનત પછી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં દાસના ખમણના આઉટલેટ છે. જે હવે તેમના પુત્ર અવનેશ ઠક્કર એટલે કે હું મોન્ટુભાઈથી ઓળખાઉં છું (ચોથી પેઢી) તે આ ધંધાને આગળ વિકસાવવા કાર્યરત છે.”
”મેં અગિયાર વર્ષની ઉંમરથી મારા પિતા ભરતભાઈ પાસેથી ખમણ બનાવામાં કારખાનામાં કામ કરતાં-કરતાં આ સિદ્ધી હાંસલ કરી છે. અને આજે દાસ ખમણ મોન્ટુભાઈની શાખાઓ મણિનગર, બોપલ, થલતેજ, વંદેમાતરમ અને બોડકદેવ ખાતે કુલ પાંચ શાખા સંભાળી રહ્યો છું.”
”કોઈ પણ સારા ખરાબ પ્રસંગ નિમિત્તે જમણવાર સાથે નાસ્તામાં ખમણની માંગ કાયમ રહેતી હતી. એવા સમયમાં ગરમ આઇટમ બલ્ક ક્વોન્ટિટીમાં લઈ જઈને તે શક્ય નહોતું થતું. માટે એક દિવસ દાસના ખમણની અવનવી વાનગી મહેમાનોને ગરમ ગરમ પીરસવી હોય તે માટે લાઇવ કાઉન્ટરની 2010થી શરૂઆત કરેલી હતી. લગ્ન પ્રસંગ નિમિત્તે દાસની વાનગીઓ તો ખરી જ સાથે બીજી ખમણની બીજી વેરાઇટીસ જેવાં કે ગુલ્ફી ખમણ વિથ ગ્રેવી, ખમણ ચાટ, પાત્રા ચુરમો, આવી અનેક વેરાયટી લાઇવ કાઉન્ટરમાં આપવામાં આવે છે. તેમજ આ સર્વિસ અમદાવાદ તેમજ ગુજરાતમાં લાઇવ કાઉન્ટર થઈ શકે છે.”
”આ ઉપરાંત ભરતભાઈ ઠક્કર ત્રીજી પેઢીને એવી ઇચ્છા હતી કે, સુરતની પ્રખ્યાત આઇટમ સુરતી લોચો આપણાં ગ્રાહકને આપવા માટે આતુર હતાં. માટે ત્રીજી પેઢીનું માર્ગદર્શન અને ચોથી પેઢીની મહેનત બાદ આજે તેર વર્ષથી સુરતી લોચો ઉપલબ્ધ છે. સાથે સુરતના તીખા રસા ખમણ પણ ઉપલબ્ધ છે. ખમણની ક્વોલિટી જાળવવા આજે હું (મોન્ટુભાઈ) જે વારસામાં શીખ્યો છું કે, રાતે બે વાગ્યે ઉઠીને ખમણનો આથો નાખવો હોય કે, કે બીજું કઈ પણ, ગુણવત્તામાં જરા-પણ ઊંચ-નીચ નથી થવા દેતો.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: નાના-મોટા કામ કરી ગુજરાન ચલાવતાં ઈંદુબેને 1960 માં શરૂ કર્યું ખાખરા બનાવી વેચવાનું, આજે બન્યુ મોટું એમ્પાયર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167