રાજકોટના આ રિટાયર્ડ ફોરેસ્ટ ઑફિસર દર અઠવાડિયે ભરે છે ખેડૂત હાટ, જેમાં ખેડૂતોને મફતમાં પૂરી પાડે જગ્યા અને માર્કેટિંગ. એકજ દિવસમાં ખેડૂતો અહીં વેચે છે લગભગ 4 લાખનાં ઉત્પાદનો. સાથે-સાથે પર્યાવરણ માટે તેમનાં કાર્યો છે ખરેખર પ્રેરણાત્મક.
વી.ડી. બાલાસાહેબ, માત્ર રાજકોટ જ નહીં, પરંતુ આખા સૌરાષ્ટ્રનું જાણીતું નામ, તેમાં પણ ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીના તો બહુ લાડલા એવા બાલાસાહેબનાં કાર્યોની વાત કરવા જઈએ તો કદાચ એક દિવસ પણ ઓછો પડે, પરંતુ આજે અમે તમને એક એવા કાર્ય વિશે જણાવી રહ્યા છીએ, જેવું કદાચ આજ સુધી કોઈ વ્યક્તિએ નથી કર્યું, અને તે પણ કોઈપણ જાતના અંગત સ્વાર્થ વગર. જેનાથી સીધો ફાયદો મળે છે આપણા નાના-નાના ખેડૂતો અને ગ્રાહકોને.
તેમનું આખુ નામ તો વીરજીભાઈ દેવજીભાઈ બાલા છે, પરંતુ આખા સૌરાષ્ટ્રમાં તેમને બધા બાલાસાહેબના નામે જ ઓળખે. તેઓ જંગલ ખાતામાં આરએફઓ તરીકે નોકરી કરતા ત્યારથી જ તેઓ પ્રકૃતિ અને નાના-નાના ખેડૂતોની બહુ નજીક તો હતા જ, ત્યાં તેમને પ્રકૃતિની ઓળખ પણ મળી અને જંગલ ખાતામાંથી રિટાયર્ડ થયા બાદ તેમણે પોતાનું જીવન પર્યાવરણ અને સમાજ માટે સમર્પિત કરી દીધું.
વર્ષ 2005 માં તેમણે નવરંગ નેચર ક્લબની સ્થાપના કરી હતી અને નોકરી ચાલુ હતી ત્યારથી જ તેમણે આ અંતર્ગત કામ કરવાનું શરૂ પણ કરી દીધું હતું. વર્ષો જંગલમાં પસાર કર્યાં હોવાથી તેમને વૃક્ષો અને પક્ષીઓની ઓળખ તો બહુ સારી હતી જ. તેમને જોયું કે, ચકલી એકમાત્ર એવું પક્ષી છે, જેને ઝાડ પર માળો બનાવતાં નથી અવડતું. પહેલા સમયમાં તો નળિયાંવાળાં ઘરમાં ચકલીઓને માળા બનાવવા ખૂણા-ખાંચરા મળી રહેતા પરંતુ હવેનાં પાકાં મકાનોમાં આ જગ્યા મળવી દુર્લભ થઈ ગઈ. એટલે ચકલીઓની માળા પણ દિન-પ્રતિદિન ઘટવા લાગી. આ દરમિયાન વર્ષ 2010 માં બાલાસાહેબે ચકલીના માળાની ડિઝાઇન તૈયાર કરી અને દર વર્ષે લગભગ બે લાખ માળાનું વિતરણ કરે છે અને લોકોને આ બાબતે જાગૃત પણ કરે છે.
જંગલ વિસ્તારો અને સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણાઓમાં ફરવાના કારણે બાલાસાહેબે નોંધ્યું કે, ખેડૂતો ઘણાં સારાં-સારાં ઉત્પાદન કરે છે અને વેલ્યુ એડિશન તરીકે તેમાંથી અવનવી વસ્તુઓ પણ બનાવે છે, પરંતુ માર્કેટની પૂરતી જાણ ન હોવાથી તેઓ સીધા ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી, જેના કારણે તેમને પૂરતા ભાવ પણ નથી મળતા. એટલે તેમણે વર્ષ 2012 થી ખેડૂતહાટની શરૂઆત કરી. જેમાં જૈવિક ખેતી કરતા ખેડૂતો, સ્થાનિક કારીગરો, અને ઑર્ગેનિક ઉત્પાદનો બનાવતા લોકોને મફતમાં વેચાણ માટે જગ્યા આપે છે અને સાથે-સાથે તેમને માર્કેટિંગ કરવામાં પણ મદદ કરે છે. અત્યારે સૌરાષ્ટ્રનાં 6 શહેરોમાં મહિનામાં એક વાર આવી ખેડૂત હાટ ભરાય છે. જેમાં જામનગર, રાજકોટ, મોરબી, ધોરાજી, ઉપલેટા અને વાંકાનેરમાં ખેડૂત હાટ ભરાય છે. તો રાજકોટમાં રીંગરોડ પર દર રવિવારે સવારે 8 થી બપોરે 1 વાગે સુધી આવી ખેડૂત હાટ ભરાય છે.
વર્ષ 2012 માં તેઓ ખેડૂતોને સામેથી લઈ આવતા, પરંતુ ધીરે-ધીરે અહીં લોકો તેમને ઓળખતા થયા. એટલે હવે ખેડૂતો સામેથી બાલાસાહેબ અને નવરંગ નેચરક્લબનો સંપર્ક કરવા લાગ્યા. એટલે તેમના નામ, સરનામા અને કામની નોંધણી કર્યા બાદ તેમને જગ્યા આપવામાં આવે છે.
ખેડૂતહાટથી ખેડૂતોને થયેલ સીધો ફાયદો
આ ખેડૂત હાટમાં આવવાના કારણે ખેડૂતો ગ્રાહકોના સીધા સંપર્કમાં આવવા લાગ્યા. વચ્ચેથી વચેટિયા વ્યાપારીઓનો રોલ નીકળી જવાના કારણે ગ્રાહકોને તો યોગ્ય ભાવમાં સંતોષકારક ઉત્પાદનો મળવા જ લાગ્યાં છે, સાથે-સાથે ખેડૂતોને પણ પૂરતા ભાવ મળવા લાગ્યા. જેનું એક ઉદાહરણ આપણ બાલાસાહેબે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “કોરોનાકાળ પહેલાંની વાત છે, માંગરોળ પાસે આવેલ વિસણવાળ ગામ મિનિ કેરળ તરીકે ઓળખાય છે, કારણકે અહીં એટલા મોટાપાયે નારિયેળીઓ છે. તે સમયે અહીં ખેડૂતોને મોટા વ્યાપારીઓ એક નારિયેળના માંડ 12 રૂપિયા આપતા હતા, જ્યારે એ જ નારિયેળ ગ્રાહકોને 40 રૂપિયામાં મળતું હતું. તો અમે અહીંના ખેડૂતોને અહીં ખેડૂત હાટમાં આવવાનું કહ્યું. અહીં તેઓ 20 રૂપિયામાં વેચવા લાગ્યા. જેથી ખેડૂતોને તો એક નારિયેળના 8 રૂપિયા વધારે મળ્યા જ, સાથે-સાથે ગ્રાહકોને બજાર કરતાં અડધા ભાવમાં મળવા લાગ્યાં.”
તો બીજી એક રસપ્રદ વાત કરતાં બાલાસાહેબ જણાવે છે, “સામાન્ય રીતે થોરનો ઉપયોગ આપણા ત્યાં ખેતરમાં વાડ માટે જ થાય, આ સિવાય તેનો બીજો કોઈ ઉપયોગ નથી કરતા. પરંતુ અહીંના ખેડૂતો તેનાં ફળ ફીડલાંનો શરબત બનાવતા થયા છે. આ ફીડલાંનો શરબત સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોય છે, તેમાં ભરપૂર હિમોગ્લોબિન હોય છે. પરંતુ પહેલાં લોકોને તેના વિશે વધારે જાણ ન હોવાથી, ખાસ વેચાણ થતું નહોંતું. પરંતુ આ ખેડૂત હાટ દ્વારા તેમનું યોગ્ય માર્કેટિંગ કરી આપવાથી આજે બહુ જાગૃતિ આવી ગઈ છે. આજે આખા સૌરાષ્ટ્રમાં ફીંડલા શરબતનું લગભગ 1 કરોડ ટર્નઓવર છે.”
રાજકોટના આ ખેડૂત હાટમાં લગભગ દર અઠવાડિયે લગભગ 4 લાખ રૂપિયાનાં ઉત્પાદનોનું વેચાણ થાય છે. જેમાં ઘરે અથાણાં બનાવતા, પાપડ બનાવતા, વિવિધ દાળ બનાવતા, વિવિધ શાકભાજીનું જૈવિક રીતે ઉત્પાદનો કરતાં, રોપા વેચતા, નાના-નાના કારિગરો, કાપડની થેલી વેચતા લોકો અને ખેડૂતો આવે છે. શહેરના ઘણા લોકો એવા છે કે, જેઓ આખા અઠવાડિયાના શાકભાજીની ખરીદી અહીંથી જ કરે છે. અહીં આવતા દરેક ગ્રાહકો માટે પણ ખાસ નિયમ છે કે, તેઓ કાપડની થેલી લઈને આવે તો જ તેમને ખરીદી કરવા માળે છે.
તેમની આ પહેલ અંગે બાલાસાહેબ કહે છે, ત્યારે તો સમાજમાં ઘણી જાગૃતિ આવી છે, અને સૌરાષ્ટ્રમાં લગભગ 450 લોકો તેમના આ કાર્યમાં તેમની સાથે જોડાયા છે. પરંતુ આખા દેશમાં આવી ખેડૂત હાટનું આયોજન કરવાની જરૂર છે. જેથી નાના-નાના ખેડૂતો અને કારીગરોને તેમનાં ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી શકે અને ગ્રાહકોને પણ સંતોષકારક ઉત્પાદનો મળી શકે. આવી ખેડૂત હાટનું આયોજન કરવા ઈચ્છતા લોકોને તેઓ ખાસ સલાહ આપે છે કે, “આ કામ માટે સૌથી વધારે જરૂર છે ધગશ અને મહેનતથી. જો તમે બીજી કોઈપણ જાતની લાલચ વગર આમાં મહેનત કરશો તો ચોક્કસથી તમને સફળતા મળશે.”
આ ઉપરાંત તેમણે 1300 મધની પેટીઓ પણ વસાવી છે. જે તેઓ અલગ-અલગ ખેડૂતોના ખેતરમાં મૂકે છે. જેથી ખેડૂતોને પણ વધારાની આવક મળી રહે અને ખેતરમાં મધની પેટીઓ મૂકાવાના કારણે તેમના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. તેમના આ કામથી 30 લોકોને રોજગાર તો મળે જ છે, સાથે-સાથે તેઓ લોકોને માત્ર 220 રૂપિયા કિલોના ભાવે શુદ્ધ મધ આપે છે. આ મધનું પેકિંગ પણ બાલાસાહેબ જાતે જ તેમના ઘરમાં કરે છે.
બાલાસાહેબના આ નવરંગ નેચરક્લબમાં એક ખાસ નિયમ પણ છે કે, જો તમે કોઈપણ જાતનો નશો કરતા હોવ તો તમને તેમાં સ્થાન નથી મળતું. આ ઉપરાંત તેમાં ધર્મ, સમાજ અને વિસ્તાર પ્રમાણે કોઈપણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી.
અત્યારે ચોમાસુ શરૂ થતાંજ તેઓ દરરોજ લગભગ એક-બે ગામડાંમાં જઈને 1000 ફળવાળા ઝાડના છોડ આપે છે. જેથી લોકો ઘર આગળ તેને વાવે અને હરિયાળી વધવાની સાથે-સાથે લોકોને ઘર આંગણે ફળ પણ મળી રહે. આ બધા જ રોપા તેઓ જે લોકો યોગ્ય રીતે ઉછેર કરે તેવા હોય અને જેમની પાસે જગ્યા પણ હોય તેમને મફતમાં આપે છે. જે દિવસે ડ્રાઈવર હાજર ન હોય એ દિવસે બાલાસાહેબ જાતે ટેમ્પો લઈને રોપા વહેંચવા નીકળી પડે છે, પરંતુ કોઈપણ ભોગે તેમનું આ કામ અટકવું ન જોઈએ એ જ તેમનો મુખ્ય આશય છે.
આ ઉપરાંત તેમણે બીજી પણ એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં હજારો ખેડૂતો જોડાયા છે. ખેતરમાં તમે ભલે બીજો કોઈપણ પાક વાવો, પરંતુ કીનારે બે લાઈન જુવારની વાવવાની, જેથી પક્ષીઓને ચણ મળી રહે.
વર્ષ 2013 માં ચિત્રલેખા મેગેઝિને આખી દુનિયામાંથી 63 લોકોની યાદી બનાવી, જેઓ અલગ-અલગ ક્ષેત્રોમાં સારાં-સારાં કામ કરતા હોય. તેમાં અત્યારના પીએમ નરેન્દ્ર મોદી, પ્રમુખ સ્વામી, રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભવોની સાથે બાલાસાહેબનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે બાલાસાહેમનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ કે તેમઅના આ ભગિરથ કામમાં સહયોગ કરવા ઈચ્છતા હોવ તો તેમને 94275 63898 નંબર પર કૉલ કરી શકો છો.
આ પણ વાંચો: કચ્છના રણમાં 675 કૂવા, વાવોને પુનર્જીવિત કરી હજારો કુટુંબોનું જળ સંકટ ઉકેલવામાં મદદ કરે છે આ મહિલા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167