નવી દિલ્હી: હર્ષદ મહેતાનું નામ ફરીથી ચર્ચામાં છે. 1992માં હર્ષદ મહેતાઓ કૌભાંડ આચરીને ભારતીય શેર બજારને હચમચાવી દીધું હતું. ત્યાર પછીના આશરે ત્રણ દાયકા બાદ હવે સોની લીવ એપ હર્ષદ મહેતા પર એક વેબ સીરિઝ ‘સ્કેમ-1992’ લાવી છે. આ સીરિઝનું દિગ્દર્શન નેશનલ એવોર્ડ વિજેતા હંસલ મહેતાએ કર્યું છે. આ વેબ શ્રેણી પત્રકાર દેબાશિષ બાસુ અને સુચેતા દલાલની પુસ્તક ‘ધ સ્કેમ’ પરથી બનાવવામાં આવી છે.
આ જ વિષય પર કૂકી ગુલાટી દિગ્દર્શિત ‘ધ બિગ બુલ’ કે જેમાં અભિષેક બચ્ચને રોલ કર્યો છે, આ જ વર્ષ રીલિઝ થઈ રહી છે.
હર્ષદ મહેતા તરફથી ભારતીય સ્ટૉક માર્કેટમાં જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે. હર્ષદ મહેતાએ પદ્ધતિસર આ કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડ બહાર લાવનાર પત્રકાર સુચેતા દલાલે ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આમ તો અમારે આ વેબ સીરિઝ સાથે કંઈ લેવાદેવા નથી, સિવાય બુકમાંથી અમુક વસ્તુઓ લેવામાં આવી છે. 30 વર્ષ પછી આ કૌભાંડ શું હતું તેના વિશે લોકોને જાણવું ગમશે.”
કહેવામાં આવી રહ્યું છે કે મહેતાએ બોમ્બે સ્ટૉક એક્સચેન્જમાં શેર ખરીદવા માટે ભારતીય બેન્કિંગ સિસ્ટમ સાથે 1,000 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ કૌભાંડને કારણે સ્ટૉક એક્ચેન્જની આખી સિસ્ટમ પર અસર પડી હતી. રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી ગયા હતા. આ કૌભાંડને કારણે લાખો પરિવારને અસર પહોંચી હતી. સ્ટૉક માર્કેટમાં પણ કડાકો બોલી ગયો હતો અને એક લાખ કરોડ માર્કેટ કેપનું ધોવાય થયું હતું.
1990ની શરૂઆતમાં ભારતે ઇક્વિટી માર્કેટ શરૂ કર્યું હતું. મહેતાએ સ્થિતિનો ફાયદો ઉઠાવતા શેર માર્કેટમાં હિસ્સો ખરીદવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે બેંકોના વધારે વ્યાજ આપવાની લાલચ આપી હતી અને તેમના તરફથી આપવામાં આવેલા પૈસા શેર માર્કેટમાં લગાવ્યા હતા.
1992માં સુચેતા આ કૌભાંડ બહાર લાવ્યા હતા. હર્ષદ મહેતા જેવું વૈભવી જીવન જીવી રહ્યા હતા તે જાણીને સુચેતાએ તેમની આવકનો સ્ત્રોત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત જાણવા માટે વર્ષો લાગી ગયા હતા. પરિણામ સ્વરૂપ 23 એપ્રિલ, 1992ના રોજ તેણીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની કોલમમાં હર્ષદ મહેતાના કૌભાંડનો ભાંડાફોડ કરી દીધો હતો.
એટલું જ નહીં 1993ના વર્ષમાં સુચેતાએ એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ હતું “The Scam: Who Won, Who Lost, Who Got Away.” આ પુસ્તક હર્ષદ મહેતાના કૌભાંડ પર લખાયું હતું. સુચેતાએ દેબાશિષ બાસુ સાથે મળીને આ પુસ્તક લખ્યું હતું.
સુચેતાનો જન્મ મુંબઈમાં થયો છે. સુચેતા વ્યવસાયે વકીલ છે. તેઓ 1990ના વર્ષમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા વર્તમાનપત્રની બિઝનેસ અને ઇકોનોમિક વિંગ સાથે જોડાયા હતા. હર્ષદ મહેતા ઉપરાંત સુચેતા ઇનરોન સ્કેમ, ધ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા સ્કેમ, ધ કેતન પારેખ સ્કેમ પણ બહાર લાવી ચુક્યા છે.
સુચેતાએ તેની વેબસાઇટ પર લખ્યું છે કે, “ભારતના તમામ નાણાકીય કૌભાંડમાં આ કૌભાંડ ‘માતા’ સમાન હતું. મની માર્કેટમાં દેખરેખનો અભાવ હતો તેનું આ ઉદાહરણ હતું.” સુચેતાએ લખ્યું છે કે કેવી રીતે બેંક અને કોર્પોરેટ હાઉસિસમાંથી સ્ટૉક માર્કેટમાં પૈસા જતા હતા. કેવી રીતે બેંકના પૈસા બ્રોકરના ખાતામાં જતા હતા અને બહાર નીકળતા હતા.

સુચેતાએ 1998માં વિવિધ વર્તમાનપત્રમાં કોલમમાં લખ્યું હતું કે 1998માં હર્ષદ મહેતા કેવી રીતે સ્ટોક માર્ટેમાં પરત આવ્યો હતો.
સુચેતા લખે છે કે, “હર્ષદ મહેતાએ બીએસઈના અધિકારીઓ સાથે મળીને અડધી રાત્રે ટ્રેડિંગ સિસ્ટમ શરૂ કરીને બીપીએલ, વીડિયોકોન અને સ્ટરલાઇટના શેરના ભાવ ભડકે બળતા કરી દીધા હતા. આ કારણે બીએસઈના પ્રમુખ અને ડિરેક્ટરે પોતાની નોકરી ગુમાવી હતી”
ઉલ્લેખનીય છે કે હર્ષદ મહેતા સામે 27 ક્રિમિનલ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2001ના વર્ષમાં 47 વર્ષનું ઉંમરે તેનું નિધન થયું ત્યાં સુધીમાં તે ચાર ગુનામાં દોષિત ઠર્યો હતો. કાર્ડિયાક અરેસ્ટને કારણે હર્ષદ મહેતાનું નિધન થયું હતું.
હર્ષદ મહેતા પર બનાવવામાં આવેલી સીરિઝમાં 1990ના દશકાની એવી ઝલક જોવા મળશે, જ્યારે હર્ષદ મહેતાનું કૌભાંડ તમામ ન્યૂઝ પેપર્સ અને ટીવી ચેનલોની હેડલાઇન બન્યું હતું.
2006ના વર્ષમાં પદ્મ શ્રી એવોર્ડ વિજેતા સુચેતા દલાલે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આ વેબ સીરિઝના મોટાભાગના દર્શકોનો કદાચ ત્યારે જન્મ પણ નહીં થયો હોય. આ ખરેખર અદભૂત છે. હંસલ મહેતા પણ ખૂબ સારા દિગ્દર્શક છે. આ સીરિઝથી ચોક્કસ કંઇક વધારે જ અપેક્ષા છે.”
1992ના વર્ષમાં હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર લાવવા બદલ સુચેતાને ચમેલી દેવી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે, જે પત્રકારત્વના ક્ષેત્રમાં ઉમદા કામ બદલ મીડિયા સંસ્થા તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત ફેમિના વુમન ઑફ સબસ્ટન્સ એવોર્ડથી પણ નવાઝવામાં આવ્યા છે.
આ ઉપરાત સુચેતા ઇન્વેસ્ટર પ્રૉટેક્શન એન્ડ એજ્યુકેશન ફંડના પણ સભ્ય છે, જેની સ્થાપના ભારત સરકાર તરફથી ડિપાર્ટમેન્ટ ઑફ કંપની અફેર્સ અંતર્ગત કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ SEBIની પ્રાઇમરી માર્કેટ એડ્વાઇઝરી કમિટીના સભ્ય પણ છે. સુચેતા કંઝ્યૂમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદના ટ્રસ્ટી તરીકે પણ કામ કરે છે.
મૂળ લેખ: SERENE SARAH ZACHARIAH
આ પણ વાંચો: Tea Stall Business: NRI ચાવાળા પાસેથી જાણો કેવી રીતે ચાનો સ્ટૉલ શરૂ કરશો