જો દિલમાં કંઈક સારું કરવાનો જુસ્સો હોય અને ઇરાદા મજબૂત હોય તો પડકાર ગમે તેવો હોય, રસ્તો મળી જ જાય છે. એટલું જ નહીં તમે અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત પણ બનો છો.
આવું જ એક પ્રેરણાત્મક નામ ગુજરાતના વડોદરામાં રહેતા નર્મદાબેન પટેલ છે. 84 વર્ષની ઉંમરે તેઓ જરૂરિયાતમંદ લોકો માટે કંઈ પણ કરી છૂટવા માટે તત્પર રહે છે. વર્ષ 1990માં તેમણે પતિ રામદાસ ભગત સાથે મળીને ‘રામ ભરોસે’ અન્નાશ્રય શરૂ કર્યું હતું.
આ પહેલ અંતર્ગત તેમણે શહેરમાં જરૂરિયાત હોય તેવા લોકને મફતમાં જમવાનું આપવાનું શરૂ કર્યુ હતું. નર્મદાબેન કહે છે કે, “મારા પતિની આવી ઈચ્છા હતી. પહેલા અમે જમવાનું બનાવીને સ્કૂટર પર આપવા માટે જતા હતા. બાદમાં ઘણા બધા લોકો આવવા લાગ્યા હોવાથી અમે રિક્ષામાં જવાનું શરૂ કર્યું હતું.”

ધીમે ધીમે આસપાસના લોકો પણ આ કામથી પ્રભાવિત થયા હતા. લોકોએ આ સારા કામમાં પોતાનું સમર્થન આપવાની શરૂઆત કરી હતી. જે બાદમાં નર્મદાબેને આ કામ માટે એક વેન પણ લીધી હતી. તેમની પહેલનું નામ ‘રામે ભરોસે’ છે. આ જ દિવસ સુધી તેમને કોઈ પણ કામ માટે કંઈ માંગવાની જરૂર નથી પડી.
નર્મદાબેન દરરોજ સવારે છ વાગ્યે ઉઠે છે અને જમવાની બનાવવાનું શરૂ કરે છે. દાળ, શાકભાજી, રોટલી વગેરે બનાવીને મોટાં મોટાં ડબ્બામાં પેક કરીને તેને વેનમાં રાખીને સયાજી હૉસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારના લોકોને જમવાનું આપે છે. નર્મદાબેન દરરોજ 300 લોકોનું પેટ ભરે છે.
તેમના ઘરે દીવાલ પર તમને અનેક સર્ટિફિકેટ અને સન્માનપત્ર જોવા મળશે. તેમના આ કામ માટે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ એપીજે અબ્દુલ કલામે પણ તેમને સન્માનિત કર્યાં હતાં.
“વર્ષ 2001માં મારા પતિ હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. ડૉક્ટરોએ કહ્યુ કે તેઓ વધારે સમય સુધી જીવતા નહીં રહે એટલે વેન્ટિલેટર હટાવી લેવામાં આવે. આ સમયે હું વાનમાં ખાવાનું મૂકીને જરૂરિયાતમંદ લોકોને આપવા માટે ગઈ હતી. મેં ડૉક્ટરોને કહ્યું કે હું આવું ત્યાં સુધી રાજ જુઓ,” તેમ નર્મદાબેને જણાવ્યું હતું.
તેમણે કહ્યુ, મારા પતિ સાજા હોય તો તેઓ પણ મને આ જ કરવાનું કહેતા. પતિના ગયા બાદ પણ નર્મદાબેન આ કામ બહુ સારી રીતે કરે છે. તેણી દરરોજ વધારેમાં વધારે લોકોનું પેટ ભરવાના દ્રઢ નિશ્ચય સાથે જાગે છે. તેમના ચહેરા પર હંમેશા સંતોષની એક મુસ્કાન રહે છે. સાચે જ, નર્મદાબેન અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
આ પણ વાંચો: ‘એટલું જ થાળીમાં લો, જે વ્યર્થ ન જાય ગટરમાં’, આ એક સ્લોગને હજારો લોકોની ભૂખ મટાડી!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.