આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતે લોકોની સેવા માટે પોતાની સમગ્ર જિંદગી ખપાવી દેનાર એક એવા સજ્જનની કે જેઓ ખુદ પુષ્કળ અભાવમાં જીવીને મોટા થયા છે પરંતુ વર્ષોથી ઘણાં નિરાધાર અને જરૂરિયાત વાળા લોકોને માનવ સેવા ટ્રસ્ટ તરફથી નિસ્વાર્થ પણે સેવા આપી ક્યારેય અભાવ નથી અનુભવવા દેતા.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈએ જણાવ્યું કે તેમના આ ટ્રસ્ટનો ફક્ત એક જ ઉદ્દેશ છે અને તે માત્ર ને માત્ર દુઃખમાં ફસાયેલા લોકોને મદદ કરવાનો છે. તેઓ આગળ જણાવે છે કે આ આ ટ્રસ્ટની શરૂઆત આજથી 24 વર્ષ પહેલા થઇ હતી અને શરૂઆતમાં 45 લોકો જોડાયા હતા ધીરે ધીરે આ સંસ્થામાં છેલ્લે તેઓ એકલા જ વધ્યા. અને મહત્વની બાબતે એ છે કે તેમ છતાં આ સંસ્થા સેવાના પોતાના કાર્યમાં આટલા વર્ષોથી એકપણ દિવસની રજા પાડ્યા વગર લોક સહયોગના જોરે અડીખમ ઉભી છે.
લાલજીભાઈના માતા પિતા આમ તો ઉપલેટાની નગરપાલિકા ખાતે સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી. તેઓ કહે છે કે મારી બાને નગરપાલિકા તરફથી જે ચણીયા પહેરવા માટે અપાતા તેમાંથી લાલજીભાઈ પોતાના માટે કપડાં સિવડાવી પહેરતા. આવા દિવસો જોઈને મોટા થયેલા લાલજીભાઈએ છેલ્લા 24 વર્ષથી ઉપલેટા ખાતે સેવાધર્મની એવી તો ધૂણી ધખાવી છે કે ભાગ્યે જ કોઈ આ બાબતની કલ્પના કરી શકે. તો ચાલો માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા માનવતાના વિવિધ સેવાકીય કાર્યો વિશે થોડું વિસ્તાર પૂર્વક જાણીએ.

શરૂઆત
લાલજીભાઈ જણાવે છે કે તેઓ પહેલાં ગૌસેવાનું કાર્ય કરતા અને શહેરની પાસે આવેલ ગૌશાળામાં સેવા અર્થે જતા. ત્યાં બીજા એવા ઘણાં લોકો આવતા જેમને દવા, ખોરાક, અને બીજી જે તે જરૂરિયાત રહેતી પણ તેઓ નિરાધાર હોવાના લીધે તેમની એક સીમિત દેખભાળ જ થઇ શકતી. આ બધું જોઈને અમે ત્યાં સેવા અર્થે જતા લોકોએ ભેગા મળી આવા માણસોની સેવા માટેના કાર્ય હેતુ માનવ સેવા ટ્રસ્ટની રચના કરી અને વિવિધ સેવાકીય કાર્યો શરુ કર્યા.
શરૂઆત 12 – 13 ટીફીનથી થઇ અને 14 વર્ષ સાયકલ પર જ સેવા કરી. ઘરે ઘરે ટિફિન ઉઘરાવી અમે જરૂરિયાત મંદોને જમાડતા. ધીમે ધીમે વિવિધ સેવાકાર્યનો વ્યાપ અને કામનું ભારણ વધતા અમે એક અન્નક્ષેત્રની શરૂઆત કરી જેમાં વિવિધ દાતા દ્વારા મળતી મદદથી નિરાધાર અને જરૂરિયાતવાળા લોકોને જમાડવાનું શરુ કર્યું. તેઓ કહે છે કે, આટલા વર્ષોમાં સંસ્થાનો ફક્ત એક જ નિયમ રહ્યો છે કે કોઈ ને ના નથી કહેવાની ભલે એ ગમે ત્યારે કે ગમે તે સમયે આવીને મદદની માંગણી જ કેમ ન કરે.
તેઓ આગળ જણાવે છે કે તેમની સૌથી વધારે લાગણી બાળકો અને સુવાવડી સ્ત્રીઓ પ્રત્યે છે અને આ કારણે જ તેમણે તે માટે એક ખાસ કામ ચાલુ કર્યું કે સુવાવડ વખતે બહેનોને કાયમી શિરો આપવો તથા સાથે સાથે બાજરીનો રોટલો અને મેથીની ભાજીનું શાક પણ. આ ભોજન સિવિલ હોસ્પિટલમાં આવેલી બહેનોને તો સામેથી ચાલીને આપવામાં આવે છે જયારે પ્રાઇવેટમાં કોઈને જરૂર હોય તો તેઓ કોલ કરીને મંગાવે છે.

બાળકો માટે શરુ કર્યા ટ્યુશન ક્લાસ
લાલજીભાઈ જણાવે છે કે,”આર્થિક પછાત વિસ્તારમાં ચાર જગ્યાએ ટ્યુશન ક્લાસીસ શરુ કર્યા, જેને સંસ્કાર કેન્દ્ર નામ આપવામાં આવ્યું. સાંજે 5 થી 7 બે કલાક તે વિસ્તારના બાળકોને ભણાવવામાં આવે છે. અને આ ટ્યુશન ક્લાસીસ આ રીતે જ છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે.
તેઓ બાળકોને કાયમી શનિવારે સંસ્થાના ખર્ચે આસપાસના વિસ્તારમાં ફરવા પણ લઇ જાય છે જેથી બાળકોમાં તેમના તથા સંસ્થાના કાર્ય પ્રત્યે વિશ્વાસ બેસે અને તેઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય.
આમ આ કાર્ય દ્વારા અને સંસ્થાના પ્રયાસો દ્વારા આ જે તે વિસ્તારના નાની ઉંમરે વ્યસનની લત સાથે સંકળાયેલા હોય તેવા 60 આસપાસ છોકરા – છોકરીઓને સુધારવામાં આવ્યા છે અને આગળ જતા આ બધા બાળકોમાંથી 3 થી 4 દીકરીઓ નર્સિંગ કરી આગળ વધી છે તો 2 – 3 છોકરાઓએ કોમ્પ્યુટર ફિલ્ડમાં આગળ વધી કરિયર બનાવી છે.

કુદરતી આપદા વખતે પણ ખડેપગે
લાલજીભાઈ આગળ જણાવે છે કે સંસ્થા ન ફક્ત સામાન્ય દિવસોમાં પણ કુદરતી આપદાઓ વખતે પણ લોકોની સેવા માટે ખડેપગે ઉભી રહે છે. તે વિસ્તારમાં કોઈ પણ કુદરતી હોનારત આવે કે કઈ પણ થઇ જાય તો સંસ્થા લોકોની સેવા માટે દિવસ રાત કંઈ જ નથી જોતી.
કોરોનાના સમયગાળા દરમિયાન જયારે બહારના મજૂરો પગપાળા પલાયન કરી રહ્યા હતા ત્યારે સંસ્થા દ્વારા જમવાનું બનાવવાની સામગ્રી સાથે જે તે જગ્યાએ પહોંચી તે લોકોને જેટલા પણ દિવસ જરૂર રહી તેટલા દિવસ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
સંસ્થા દ્વારા થતા બીજા વિવિધ સેવાકીય કાર્યો
માનવ સેવા ટ્રસ્ટ ફક્ત એક જ ખૂણામાં રહી કાર્ય ન કરતા સેવાના વિવિધ ક્ષેત્રમાં કાર્યો કરે છે. અને તે પણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર ફક્ત અને ફક્ત પરમાર્થના હેતુ માટે અને આ સેવારૂપી રથના સારથી છે લાલજીભાઈ પોતે કે જેઓ દિવસ રાત જોયા વગર સતત લોકોની સેવામાં રચ્યા પચ્યા રહે છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ નીચે મુજબ છે.
મફત ટિફિન સેવા, રક્તદાતા સેવા,બિનવારસી શબના અંતિમ સંસ્કાર, મફત એમ્બ્યુલન્સ સેવા, મફત ટ્યુશન ક્લાસ, સગર્ભા સ્ત્રીઓ માટે દૈનિક આરોગ્યપ્રદ ખોરાક, દર મહિનાના ત્રીજા રવિવારે આંખનો શસ્ત્રક્રિયા કેમ્પ, વગેરે.
આ બધી જ સેવાકીય પ્રવૃત્તિ જે તે દાતાઓના કારણે જ શક્ય છે હું તો ફક્ત એક નિમિત્ત છું તેવું કહેતા લાલજીભાઈ જણાવે છે કે મને માનવ સેવા ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે KPSNA માનવતાવાદી ગ્રુપ નોર્થ અમેરિકાના ગીરીશભાઈ સિણોજીયા તેમજ માનવ જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના આદરણીય કુલીન કાન્ત લુઠીયા સાહેબ તેમજ મલેશિયા કુઆલાલુમ્પુર ખાતે રહેતા ગુજરાતી સમાજના દિપકભાઈનો ખુબ જ સહયોગ મળે છે.

છેલ્લે તેઓ એટલું જ કહે છે કે, સંસ્થા અત્યારે ભાડા મકાનમાં કાર્યરત છે અને મારી ઈચ્છા છે કે અમારે એક માનવ મંદિર બનાવવું છે જેમાં ભગવાનની મૂર્તિ નથી રાખવી પણ જે લોકો નિરાધાર છે, અનાથ છે અને જેમને ખરેખર કાળજીની જરૂર છે તેવા લોકોને રાખી સેવા કરવી છે. તો હજી પણ આ સેવાના કાર્યમાં વધારે લોકો જોડાય અને સંસ્થાને હજી પણ વધારે મદદ કરે તો આ સેવાકાર્યની સુગંધ ન ફક્ત ઉપલેટા કે તેના આસપાસના ક્ષેત્રો સુધી મર્યાદિત રહે પરંતુ તેનાથી પણ ખૂબ આગળ વધે.
જો તમે માનવ સેવા ટ્રસ્ટને કોઈ મદદ કરવા ઇચ્છતા હોવ તો લાલજીભાઈના આપેલ આ નંબર 8000382382 પર કોલ કરી વાત રજૂ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો