આજના જમાનામાં માતાપિતા સંતાનો પર હંમેશા એવું દબાણ કરતા હોય છે કે તેમનું સંતાન ભણવામાં પ્રથમ નંબરે આવે, તેમનું સંતાન તમામ બાબતોમાં બધાથી આગળ નીકળી જાય. આમ છતાં એવા અનેક લોકો છે જેમણે સાબિત કરી બતાવ્યું છે કે નિષ્ફળતાને પોતાના ભવિષ્યની સફળતાની સીડી બનાવી શકાય છે.
આજની કહાની એક એવા જ IAS મહિલા અધિકારીની છે જેઓ નિષ્ફળતાને કારણે ક્યારેય ડરી ગયા ન હતા.
આઈએએસ અધિકારી મંજૂ શર્મા મૂળ જયપુરના છે. આજકાલ તેઓ ગુજરાતના ઉચ્ચ તેમજ ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. અંજુ શર્મા કદાચ ધોરણ-10ની પ્રી-બોર્ડ પરીક્ષામાં રસાયણ વિજ્ઞાનમાં નાપાસ ન થયા હોત તો દરેક પરીક્ષાની પૂર્વતૈયારી કેવી રીતે કરવી તેની કલા કદાચ તેઓ ક્યારેય જાણી શક્યા ન હોત.
અંજુ શર્માએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “મારે ઘણા પાઠ પૂર્ણ કરવાના હતા અને રાત્રે જમ્યા બાદ મને ડર લાગવા માંડ્યો હતો. મારી તૈયારી એટલી કાચી હતી કે મને લાગ્યું હતું કે હું નાપાસ થઈશ. નાપાસ થવું એ સારી વાત ન હતી. એક સમયે તો હું રડવા જ લાગી હતી. આ પ્રી-બોર્ડ પેપર હતા. મારી આસપાસના લોકો સતત મારા દિમાગમાં એવું ઠસાવી રહ્યા હતા કે દસમાં ધોરણમાં આપણું પ્રદર્શન જ આપણા આગળના અભ્યાસનું સ્વરૂપ નક્કી કરે છે.”
આખરે પરિણામ આવી ગયું હતું. હું રસાયણ વિજ્ઞાનના પેપરમાં નાપાસ થઈ હતી. આમ છતાં મારી માતા મારી પડખે ઊભી રહી હતી. તેણીએ મને સમજાવ્યું કે આવું થઈ જાય છે. પરિણામ બાદ માતાએ એટલું જ કહ્યું કે, “તું તારું મન નાનું ન કરતી.”
અંજુ શર્માાએ જણાવ્યું કે, “મારા માતાપિતા માનતા હતા કે બાળકોએ પોતાની નિષ્ફળતામાંથી શીખ લેવી જોઈએ. તેઓ મારા પરિણામને લઈને દુઃખી ન હતા. મને લાગે છે કે બાળપણમાં મારા મારાપિતાનો જે સહયોગ અને ભરોસો મળ્યો એણે જ મારી દ્રષ્ટી બદલી નાખી હતી અને આજે હું પોતે પણ એક માતા છું તો મારા બાળકોને આ જ વાત સમજાવું છું.”

એક શીખ જે હંમેશા કામ આવી
અંજુને લાગે છે કે બધી વસ્તુ છેલ્લા સમય પર છોડી દેવી અને તૈયારીના અભાવને કારણે મને ઓછા અંક આવ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે જે રાતે તેણીને એવું લાગી રહ્યું હતું કે તેના બધા સપના તૂટી રહ્યા છે એ જ રાત્રે તેણીની અસફળતા તેની આંખ ખોલવાનું પણ કામ કરી રહી હતી.
અંજુને પહેલાથી કરવામાં આવેલી તૈયારીની કિંમત સમજાઈ હતી. જે તેણી માટે સફળતા પ્રાપ્ત કરવાની ફોર્મ્યુલા બની ગઈ હતી. આ ફોર્મ્યુલા એવી હતી કે અભ્યાસક્રમને પહેલા જ પૂર્ણ કરી લેવો અને પરીક્ષાની એક રાત પહેલા જ અભ્યાસથી બ્રેક લઈ લેવો.
અંજુ શર્મા કહે છે કે, “અભ્યાસ માટે આ એેક ફોર્મ્યુલાએ મારી જિંદગી બદલી નાખી હતી. મેં મારા કામના પરિણામ અંગે શીખ્યું હતું. જેણે મને જોખમ ઉઠાવવાનો અનુભવ કરાવ્યો હતો અને એ વાત સ્પષ્ટ કરી કે હું ભવિષ્યમાં શું કરવા માંગું છું. મેં મારી જાતને વચન આપ્યું કે હું જિંદગીની તમામ પરીક્ષા માટે મારી જાતને પહેલાથી જ તૈયાર રાખીશ.”
આ જ મંત્ર સાથે અંજુએ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી બીએસસી અને એમબીએની પરીક્ષા પાસ કરી હતી. એટલું જ નહીં, તેણીએ બંને પરીક્ષામાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યા હતા.
1991માં અંજુએ યૂપીએસસી પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. આ પરીક્ષામાં પણ તેણીએ પહેલાની જ ફોર્મ્યુલા અજમાવી હતી અને પહેલા જ તમામ અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. પરીક્ષાના એક દિવસ પહેલા તેણી ખૂબ ફરી હતી અને આરામ કર્યો હતો.
યૂપીએસસીનું પરિણામ આવ્યું તો તેણી સફળ રહી હતી. આ સમયે અંજુના પાડોશીઓને ખૂબ આશ્ચર્ય થયું હતું. આ બાબતે તેઓ કહે છે, “અમુક લોકો વાત કરી રહ્યા હતા કે, આ છોકરી તો હંમેશા ફરતી રહેતી હતી. તેણે યૂપીએસસી પરીક્ષા કેવી રીતે પાસ કરી લીધી?”

બાળકો અને વાલીઓ માટે સલાહ
અંજુ શર્મા એ વાત પર ભાર આપે છે કે સારા માર્ક્સ મેળવવા અને પ્રતિસ્પર્ધી પરીક્ષામાં પાસ થવાની કોઈ સામાન્ય ફોર્મ્યુલા ન હોઈ શકે. અંજુનું કહેવું છે કે, “આ માટે મજબૂત ઇચ્છાશક્તિની જરૂર છે. પરિણામની ચિંતા કર્યાં વગર પૂરી લગનથી અભ્યાસ કરો. યૂપીએસસીની પરીક્ષામાં તમારું આખું જીવન ન લગાવી દો. યાદ રાખો કે યૂપીએસસીની પરીક્ષા એક પરીક્ષા છે, તમને અન્ય વસ્તુઓ સરખી કરવા માટે ઘણા મોકો મળશે. પોતાની સગવડતા પ્રમાણે અભ્યાસની યોજના તૈયાર કરો.”
સાથે જ અંજુ વાલીઓને સલાહ આપે છે કે, “બાળકો પહેલાથી તણાવમાં હોય છે ત્યારે તેમના પર વધારે બોજ ન નાખો, તેમની સાથે વાતચીત કરો. પરીક્ષાના પરિણામની ચિંતા કર્યા વગર તેમને પ્રેમ કરો અને સહકાર આપો. બાળકોને તેમના પોતાના પર ભરોસો કરવાનું શીખવો. તેમને અસફળતાને અપનાવવાની પણ શીખ આપો.”
આ પણ વાંચો: 24 વર્ષીય યુવકે પોતાના ગામમાં પરત ફરીને શરૂ કરી ‘3 Idiots’ જેવી ઇનોવેશન સ્કૂલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.