Placeholder canvas

12 પાસ ખેડૂતો બનાવી ‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર

12 પાસ ખેડૂતો બનાવી ‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર

એક વિઘા જમીનમાં 60 ટન લાકડાં થાય છે, જેના હિસાબે, સ્વર્ગારોહણમાં અગ્નિ સંસ્કાર કરવાથી 100 વિઘા સુધીનાં જંગલ બચાવી શકાય છે.

આપણા દેશમાં હંમેશથી ઝાડ, નદી અને પર્યાવરણના સંરક્ષણ માટે આંદોલનો કરવામાં આવે છે. વાત પછી ચિપકો આંદોલનની હોય કે, જોધપુરનો અમૃતાદેવી બિશ્નોઈ પ્રસંગ, આ બધી ન વાતો એ વાતના પૂરાવા છે કે, વૃક્ષોના સંરક્ષણ માટે અહીંના લોકો તેમનો જીવ આપવા પણ તૈયાર રહે છે. કદાચ આ બધા જ જાણતા હતા કે, આપણે બધા આ પૃથ્વી પરના બધા જ જીવો સાથે સહ-અસ્તિત્વથી જોડાયેલા છીએ. જીવતા રહેવા માટે જંગલો બચાવવાં ખૂબજ જરૂરી છે.

એક અનુમાનિત આંકડા અનુસાર, ભારતમાં રોજના 26,789 લોકોનાં મૃત્યુ થાય છે. તેમાંથી 80% એટલે કે, 21,431 લોકોનાં મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એક વ્યક્તિના અગ્નિ સંસ્કારમાં 400 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે.

Swargarohan Bhaththi
‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી

શું આજ સુધી કોઇએ આ બાબતે વિચાર્યું છે કે, અગ્નિ સંસ્કારમાં ઉપયોગ થતાં લાકડાંનો ઉપયોગ ઘટાડવામાં આવે તો, રોજનાં કેટલાં લાકડાં બચાવી શકાય?

ગુજરાત, જુનાગઢના કેશોદમાં રહેતા માંડ બારમા ધોરણ સુધી ભણેલા ખેડૂત અર્જુનભાઈ અઘડારના મગજનાં આ વાત લગભગ 40 વર્ષ પહેલાં આવી હતી.

Save environment

કેવી રીતે થઈ શરૂઆત
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અર્જુનભાઈએ કહ્યું, “વાત લગભગ 40 વર્ષ પહેલાંની છે. મારા મામાનું અવસાન થયું ત્યારે હું તેમના અંતિમ સંસ્કારમાં ગયો હતો. તે સમયે મારી ઉંમર માત્ર 14 વર્ષ હતી, મેં જોયું કે, અંતિમ સંસ્કારમાં 400 કિલો કરતાં પણ વધારે લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યાંથી જ મને આ લાકડાંનો ઉપયોગ ઘટાડવાનો વિચાર આવ્યો.”

આજે અર્જુનભાઇની ઉંમર 55 વર્ષ થઈ ગઈ છે. તેઓ કહે છે, “સમય સાથે હું બીજાં કામમાં વ્યસ્ત થઈ ગયો અને અગ્નિ સંસ્કારમાં લાકડાંનો ઉપયોગ કેવી રીતે ઘટાડવો એ અંગે વિચારવાનું પણ બંધ થઈ ગયું.”

Swargarohan

2015 માં એક દિવસ અચાનક તેમના મનમાં વિચાર આવ્યો કે, અગ્નિદાહ ગૃહનો મમી જેવો આકાર હોવો જોઇએ, જેથી લાકડાંની ખપત ઘટી જાય.

એ સમય યાદ કરતાં અર્જુનભાઈ કહે છે, “એક દિવસ હું બે હાથ જોડીને નળથી સીધુ પાણી પીતો હતો, ત્યારે જ મારા મગજમાં વિચાર આવ્યો કે, અગ્નિદાહ ગૃહનો પણ કઈંક આ જ રીતે મમીનો આકાર આપવો જોઈએ.”

પૈસાની અછત હોવા છતાં તેમણે આ આઈડિયા પર આધારિત પ્રોટોટાઇપ તૈયાર કરવાનું શરૂ કર્યું અને સતત 2 વર્ષ સુધી તેના પર કામ કરતા રહ્યા. છેલ્લે 2017 માં તેમનું મોડેલ બનીને તૈયાર થયું. 2017 માં જ પહેલીવાર તેનો ઉપયોગ જુનાગઢના સ્મશાનમાં કરવામાં આવ્યો. જુનાગઢના તત્કાલીન કમિશ્નર વિજય રાજપૂતે તે સમયે તેમની બધી જ રીતે મદદ કરી.

Air pollution

અર્જુનભાઈ જણાવે છે, “મેં એવું અગ્નિદાન ગૃહ બનાવ્યું, જેના ઉપયોગથી માત્ર 70 થી 100 કિલો લાકડાંથી અંતિમ સંસ્કાર થશે. મારો દાવો છે કે, મારા બનાવેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી રોજનાં ઓછામાં ઓછાં 40 એકર જંગલ બચાવી શકાય છે.”

અર્જુનભાઈના અંતિમ સંસ્કારની આ ભઠ્ઠીનું નામ ‘સ્વર્ગારોહણ’ છે. જ્યારે આ મોડેલ સફળ થતાં તેને પ્રમોટ કરવા માટે ‘ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી’ દ્વારા તેમને ફંડિંગ મળી ગયું.

વિડીયો જુઓ:

YouTube player

કેવી રીતે કામ કરે છે ‘સ્વર્ગારોહણ’
‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી વાયુ અને અગ્નિના સંયોજનથી કામ કરે છે. એક હોર્સ પાવર બ્લોઅરથી આગ લાગ્યા બાદ ભઠ્ઠીમાં તેજ હવા આવે છે, જેનાથી ભઠ્ઠીનાં લાકડાં શબ સળગવા લાગે છે. લાકડાં અને શબને રાખવા માટે અલગ-અલગ જાળી લગાવવામાં આવી છે, જેથી આગ સળગવામાં સરળતા રહે. નીચેની જાળી પર લાકડાં મૂકવામાં આવે છે. લાકડાંનાં ઉપર પણ જાળી હોય છે. તેના પર શબ રાખવા જાળી લગાવેલ છે. લોખંડથી બનેલ ઉપરના કવરનો અંદરનો ભાગ સેરા-વૂલથી ભરેલ છે, જે વધારે તાપમાન પણ સહન કરી શકે છે. તેમાં બ્લોઅર અને નૉઝલ પણ છે, જેથી અંતિમ સંસ્કાર દરમિયાન હવા અંદર-બહાર થઈ શકે. ભઠ્ઠીની અંદરની ગરમી 700 ડિગ્રી સેલ્સિયસ થી 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ જાય છે. તેમાં એક સેન્સર આધારિત ટેમ્પ્રેચર મીટર પણ છે, જેથી લોકોને અંદરના તાપમાન વિશે ખબર પડે.

ભઠ્ઠીની અંદરની ગરમી વાતાવરણમાં ન જાય એ માટે ફાયર બ્રિક્સ મટિરિયલમાંથી મમીના આકારનો સાંચો બનાવવામાં આવ્યો છે. હિંદુ ધર્મના રીત-રિવાજો અનુસાર, બે દરવાજાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે – એક મુખ્ય દ્વાર અને બીજો અંતિમ દ્વાર. 80 કિલો સુધીના શબના અગ્નિ સંસ્કારમાં 70-100 કિલો લાકડાંનો ઉપયોગ થાય છે અને સમય દોઢથી બે કલાક લાગે છે.

અર્જુનભાઈ અગ્નિસંસ્કાર માટે લાગતા આ સમયને પણ વધારે માને છે અને ભવિષ્યમાં તેને ઓછો કરવાની સાથે-સાથે લાકડાંનો ઉપયોગ ઘટાડવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે.

Arjunbhai

કઈંક આ રીતે થાય છે પર્યાવરણનું રક્ષણ
અર્જુનભાઈ કહે છે, “સ્વર્ગારોહણથી અગ્નિ સંસ્કાર કરવાથી એક સમયમાં લગભગ 300 કિલો લાકડાં બચશે. 21,431 માંથી 20,000 લોકોના અગ્નિસંસ્કાર જો સ્વર્ગારોહણથી કરવામાં આવે તો, 60 લાખ કિલો લાકડાંની બચત થશે રોજની.”

એક વિઘામાં 60 ટન લાકડાં હોય છે, જેના હિસાબે સ્વર્ગારોહણથી અગ્નિ સંસ્કાર કરવાથી 100 વિઘા સુધીનાં જંગલ બચાવી શકાય છે. બીજી તરફ એક કિલો લાકડાં બાળવાથી 1.650 થી 1.800 કિલો કાર્બનડાયૉક્સાઇડ વાતાવરણમાં ફેલાય છે, તો સ્વર્ગારોહણથી અગ્નિ સંસ્કાર કરવાથી રોજ 99 લાખથી એક કરોડ કિલો સુધીનો કાર્બનડાયોક્સાઇડ વાતાવરણમાથી ઘટશે. આ સિવાય, સંસ્કારમાં અત્યારે જે સમય લાગે છે, તેના કરતાં ઓછા સમયમાં આ ભઠ્ઠીમાં અગ્નિ સંસ્કાર થાય છે અને લગભગ 50 ટકા જેટલા સમયની પણ બચત થાય છે.

Grassroot Innovator

અર્જુનભાઇ દ્વારા નિર્મિત સ્વર્ગારોહણનો બામનાસા (ઘેડ), કેશોદ તાલુકા, જુનાગઢમાં ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંજોગોવસાત એ ભઠ્ઠી ત્યાંથી ઉપાડી બામણાસા રિનોવેશન કરી મૂકવામાં આવી. આ સિવાય જુનાગઢના કેશોદ, આલિધ્રા, અરનિયાલા, દ્વારકાના પાલડી અને ગીર સોમનાથના કોડિનારમાં પણ આ ભઠ્ઠી મૂકવામાં આવી છે. આ બધી જ ભઠ્ઠીઓ 2017 થી અત્યાર સુધીમાં મૂકવામાં આવી છે. આ બધી જ જગ્યાએ ભઠ્ઠીઓ બહુ સરસ રીતે ચાલે છે. સંસ્કાર બાદ અસ્થિઓ એક ટ્રેમાં આવી જાય છે.

આ મોટાભાગની ભઠ્ઠીઓ, વિવિધ સંસ્થાઓની સહાય, ગામજનોના ફાળા, લઘુ સહાય અને દાનની મદદથી મૂકવામાં આવી છે. જેમાં સમયાંતરે અર્જુનભાઇ સુધારા-વધારા કરતા રહે છે.

રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું અર્જુનભાઈનું
પર્યાવરણને જ સર્વસ્વ માનતા અર્જુનભાઇ જૈવિક ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા, પરંતુ ખેતી સાથે-સાથે પોતાની મર્યાદિત આવકમાં કોઇને કોઇ આવિષ્કાર કરવા હંમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. 2020 માં તેમણે પહેલીવાર ફ્લાઈ એશમાંથી ઈંટ બનાવવાનું મશીન બનાવ્યું હતું. આ માટે તેમને વર્ષ 2015 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે ગ્રાસરૂટ ઈનોવેટર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી અર્જુન ભાઇ દર વર્ષે પક્ષીઓ માટે પ્લાસ્ટિકની નકામી બોટલ્સ અને પ્લેટ્સમાંથી મોબાઇલ ચબૂતરા (બર્ડ ફીડર) બનાવી લોકોને મફતમાં આપે છે.

Gujarat Innovator

આજે જ્યારે બધાં પૈસા પાછળ ભાગે છે ત્યાં તેઓ પોતાના સ્તરે પણ કોઇ બદલાવ નથી કરતા ત્યાં અર્જુનભાઈ જેવા લોકો પોતાની મર્યાદિત આવકમાં પણ પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરી બદલાવ લાવી રહ્યા છે. તેમના આ નિ:સ્વાર્થ સેવાભાવ અને જુસ્સાને સલામ!

પોતાના કામ વિશે વાત કરતાં અર્જુનભાઇ જણાવે છે, “આ એક ઐશ્વર્ય કામ છે, જે પર્યાવરણના બચાવ માટે ભગવાન મારા હાથે કરાવે છે. અમે તો લોકોની મદદથી વિવિધ જગ્યાએ આ ભઠ્ઠીઓ મૂકીએ છીએ, પરંતુ આ માટે સરકારે આગળ આવવું જોઇએ. ગામે-ગામ આ ભઠ્ઠીઓ મૂકાવવી જોઇએ, જેથી લાકડાંનો ઉપયોગ ઘટવાથી જંગલો બચશે અને હવાનું પ્રદૂષણ પણ ઘટશે.”

અર્જુનભાઇના આવિષ્કારો અને તેમનાં કામ વિશે વધુ જાણવા માટે તમે તેમને 09904119954 પર કૉલ કરી શકો છો, અથવા svargarohan@gmail.com પર ઈમેલ પણ કરી શકો છો.

મૂળ લેખ: મોઈનુદ્દીન ચિશ્તી

આ પણ વાંચો: 24 વર્ષીય યુવકે પોતાના ગામમાં પરત ફરીને શરૂ કરી ‘3 Idiots’ જેવી ઇનોવેશન સ્કૂલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X