Powered by

Home હટકે વ્યવસાય ખેડૂતો જે પરાલી બાળી નાખતા તેમાંથી પ્લાયવુડ બનાવી ઊભી કરી કરોડોની કંપની, અટક્યું ઘણું પ્રદૂષણ

ખેડૂતો જે પરાલી બાળી નાખતા તેમાંથી પ્લાયવુડ બનાવી ઊભી કરી કરોડોની કંપની, અટક્યું ઘણું પ્રદૂષણ

ચેન્નાઈનાં આ વ્યક્તિએ પ્રકૃતિને બચાવવા માટે શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, આજે કરે છે કરોડો રૂપિયાની કમાણી

By Mansi Patel
New Update
Save Nature

Save Nature

આપણે બધા જાણીએ છીએ કે ઘઉં અથવા ડાંગરના પાકની લણણી પછી, બાકી રહેલી પરાલીને સળગાવવાથી ઘણા રાજ્યોમાં વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારો થાય છે. સરકારે આ સમસ્યા હલ કરવા માટે અનેક પગલા લીધા છે. તેમજ દરેક રાજ્યમાં સ્થાનિક વહીવટ સતત ખેડુતોને પરાલી ન બાળવા વિનંતી કરે છે. જે લોકો પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેઓ સરકાર અને પ્રશાસનની આ વિનંતીઓનો અમલ કરી રહ્યા છે. આજે અમે તમને એક એવા સ્ટાર્ટઅપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પરાલીમાંથી પ્લાયવુડ બનાવવાનું કામ કરી રહ્યું છે.

અમે ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ, ‘Indowud Design Technology’ વિશે વાત કરી રહ્યા છીએ. આ સ્ટાર્ટઅપને ચેન્નાઈમાં રહેતા 61 વર્ષીય બી.એલ. બેંગાનીએ તેમના પુત્ર વરુણ બેંગાની અને પુત્રી પ્રિયંકા કુચેરીયાની સાથે મળીને શરૂ કર્યુ છે. આ સ્ટાર્ટઅપ દ્વારા તેઓ એગ્રી વેસ્ટ, જેવી કે ડાંગરની પરાલીનો ઉપયોગ કરીને પ્લાયવુડ બનાવી રહ્યા છે. તે એક Natural Fibre Composite (NFC) બોર્ડ છે જેનો ઉપયોગ ફર્નિચર, હોમ ડેકોર અથવા અન્ય વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે. આ બોર્ડ લાકડાના પ્લાયવુડનો એક ઇકો ફ્રેન્ડલી અને ટકાઉ વિકલ્પ છે. બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં, બેંગાનીએ તેમની યાત્રા વિશે વિસ્તૃતમાં જણાવ્યું.

Save environment

બહુજ નાની કરી હતી શરૂઆત

બી.એલ.બેંગાની મૂળ રાજસ્થાનના છે. 1972માં તેઓ પરિવાર સાથે કોલકાતા આવી ગયા હતા. તેમના પિતા કોલકાતાની જૂટ મિલમાં કામ કરતા હતા. તેઓ કહે છે, “તે દિવસોમાં અમારું જીવનસ્તર નીચલા મધ્યમ વર્ગના કુટુંબ જેવું હતું. તેથી જ મેં 10માં પછીથી કામ કરવાનું શરૂ કર્યું. મેં સાંજની શિફ્ટવાળી કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ભણવાની સાથે સાથે નોકરી પણ શરૂ કરી. પહેલા મેં ઓફિસ બોય તરીકે કામ કર્યું. પછી મને દર મહિને માત્ર 100 રૂપિયા મળતા. એ જ રીતે, ઘણી જગ્યાએ કામ કરતી વખતે, મેં બી.કોમ.ની ડિગ્રી પણ પૂર્ણ કરી.”

1987માં, બેંગાની ચેન્નાઈ આવી ગયા અને એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બેંગાનીએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો સુધી એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યા પછી, તેમને પ્લાયવુડ કંપનીમાં માર્કેટિંગ કાર્ય સંભાળવાની તક મળી. બેંગાની હંમેશાં પોતાનું કામ કરવા માંગતા હતા, તેથી પ્લાયવુડ ઉદ્યોગમાં થોડા વર્ષો સુધી કામ કર્યા પછી, તેમણે પોતાની કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ માર્ગે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ તેઓને પોતાના પર વિશ્વાસ હતો. તેમણે કહ્યું, “મને આ ઉદ્યોગ વિશે ખૂબ સારી રીતે જાણ થઈ હતી. હું જાણતો હતો કે જો મેં સખત મહેનત કરી તો મને ચોક્કસ સફળતા મળશે. છેવટે, મારી જાત પર વિશ્વાસ રાખીને, મેં આ જોખમ ઉઠાવી જ લીધુ."

Startup

વર્ષ 1997માં, તેમણે પોતાની કંપની શરૂ કરી, જે હેઠળ તે અન્ય દેશોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પ્લાયવુડ બોર્ડ લાવીને વેચતા હતા. પરંતુ, પછી તેમને લાગ્યું કે, તેમણે આ બોર્ડ જાતે બનાવવું જોઈએ, તેથી 2001માં તેમણે પોતાની ફેક્ટરી પણ શરૂ કરી. તે બોર્ડ બનાવવા માટે બર્મામાંથી કાચો માલ મંગવતા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું, "2010થી, મારો પુત્ર વરુણ પણ કંપનીમાં જોડાયો. પરંતુ, 2014માં, કેટલાક કારણોસર, અમે આ વ્યવસાય છોડી અને કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેથી 2015માં,અમે અમારી કંપનીને બીજા રોકાણકારને આપી અને પોતે એક અલગ જ સ્ટાર્ટઅપ પર કામ કરવાનું શરૂ કર્યું. અમારી પહેલી કંપનીનું ટર્નઓવર કરોડોમાં હતું, પરંતુ કંઇક અલગ કરવાની ચાહમાં, અમે એક નવી કંપની શરૂ કરી.”

વરુણ કહે છે કે,આવું કરવાનું સૌથી મોટું કારણ પર્યાવરણ પ્રત્યેની તેમની વધતી સંવેદનશીલતા હતી. તેઓ કંઈક એવુ કરવા માગતા હતા, જેથી પ્લાયવુડ બનાવવા માટે ઝાડ કાપવા ન પડે. લગભગ બે-અઢી વર્ષ સંશોધન કર્યા પછી, તેમને લાકડાના પ્લાયવુડ બોર્ડ બનાવવાનો માર્ગ શોધી લીધો.

પરાલીમાંથી બનાવ્યુ પ્લાયવુડ બોર્ડ

વરુણે વધુમાં ઉમેર્યું, “ઘણી શોધખોળ કર્યા પછી, અમે કુદરતી ફાઇબર, એગ્રી વેસ્ટ અને કેટલાક અન્ય એડિટિવને ઉમેરીને,આ ઉચ્ચ ગુણવત્તાવાળા NFC બોર્ડ બનાવ્યાં છે. પ્લાયવુડની જેમ, તેનો ઉપયોગ ઘર, હોટલ, કેફે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ ફર્નિચર બનાવવા માટે થઈ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે અમે તેન બનાવવા માટે કોઈ પણ જીવ-જંતુને નુકસાન કર્યું નથી. અમે બધું પ્રકૃતિને અનુકૂળ જ કર્યું છે. અમે અહિંસામાં માનીએ છીએ અને અમારા કાર્યમાં પણ તેનું પાલન કરવા માગીએ છીએ.”

ઇકો ફ્રેન્ડલી હોવા સાથે, NFC બોર્ડ સંપૂર્ણપણે રિસાયક્લેબલ છે. તદુપરાંત, આ ફર્નિચર ઉપર ક્યારેય પણ ઉધઇ લાગશે નહી અને તે પાણીમાં ક્યારેય ખવાશે નહી. અને તેમને કોઈ પણ આકાર સરળતાથી આપી શકાય છે. તમે તમારા ઘર, બગીચા, કાફે, હોટેલ, શાળા, હોસ્પિટલ માટે તેમની પાસેથી ફર્નિચર બનાવી શકો છો. તેમણે વધુમાં ઉમેર્યું, “અમે તેને તમામ પ્રકારના લેબ પરીક્ષણો અને સર્ટિફિકેટ લીધા પછી જ બજારમાં લોન્ચ કર્યા છે. હમણાં અમે વિવિધ ડિસ્ટ્રિબ્યુટર સાથે કામ કરી રહ્યા છીએ, કે જેમને અમે NFC બોર્ડ આપીએ છીએ અને તેઓ ઉત્પાદન બનાવવા માટે તેને આગળ પહોંચાડે છે."

તેમના NFC બોર્ડનો ઉપયોગ કરનારા ડિઝાઇનર, જે. કે. સુતાર જણાવે છે, “મેં આ મટિરિયલનો ઉપયોગ કર્યો છે અને તેની ગુણવત્તા ખૂબ સારી છે. આ બોર્ડ પર સરળતાથી ખીલ્લી લગાવી શકાય છે. અન્ય મટિરિયલની તુલનામાં, અમને તેમા ખૂબ સારા પરિણામો મળ્યા છે."

Gujarati News

પ્રિયંકા જણાવે છે કે આ વિશે વધુ જાગૃતિ લાવવા માટે તેઓ આર્કિટેક્ટ અને ડિઝાઇનર્સની સાથે કામ કરી રહ્યા છે. કારણ કે, તેમના દ્વારા, તેઓ NFC બોર્ડ વિશે સામાન્ય લોકોને પણ કહી શકે છે, જેથી વધુને વધુ લોકો તેના વિશે જાણે અને ફર્નિચરના કામ માટે ઝાડ પરની તેમની નિર્ભરતા ઘટાડે.

તે કહે છે, “જ્યારે પણ આપણે કોઈ વૃક્ષ કાપીએ છીએ, ત્યારે આપણે ઘણા જીવો પાસેથી તેમના ઘર છીનવી લઈએ છીએ, તેથી અમારા પ્રયાસો રહે છેકે, અમે બની શકે તેટલું પ્રકૃતિને અનુકૂળ રહીને કામ કરીએ. સાથે જ અમારો પ્રયાસ છે કે ખેડૂતોને આ સ્ટાર્ટઅપથી વધારાની આવક થતી રહે.”

ટર્નઓવર વિશે વાત કરતા તેમણે કહ્યું કે,“અમારું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે, પરંતુ કોરોના રોગચાળાને કારણે બિઝનેસને સૌથી વધુ અસર થઈ છે. આમ તો અમે વધુ સારા કાલની આશા રાખીએ છીએ. જો બધું સામાન્ય રહ્યુ, તો 2022 સુધીમાં અમારું ટર્નઓવર પહેલા કરતા વધારે હશે. સાથે જ, અમે પ્રયત્ન કરીશું કે અમારી ટેક્નોલોજી શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચે.”

પ્રિયંકા વધુમાં કહે છે કે હાલમાં તેઓ ધાન મિલોમાંથી પરાલી ખરીદી રહ્યા છે, કારણ કે કોરોના રોગચાળો અને લોકડાઉનને કારણે, વિવિધ ખેડૂતોને જઈને મળવાનું શક્ય ન હતુ. પરંતુ, આગળ તેઓની યોજના સીધા જ ખેડૂતો સુધી પહોંચી અને તેમની મદદ કરવાની છે. તેમની સાથે 40 લોકોની ટીમ કાર્યરત છે અને તેમને આશા છે કે વર્ષ 2022 સુધીમાં આ ટીમમાં ઘણા વધુ લોકો જોડાશે.

જો તમે NFC બોર્ડ વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે Indowud Design Technologyની વેબસાઇટ જોઈ શકો છો અથવા [email protected] પર ઈમેલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:ઉપયોગ બાદ માટીમાં દાટવાથી ખાતરમાં ફેરવાઈ જાય છે આ ઈકો-ફ્રેન્ડલી સેનેટરી નેપ્કિન!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.