Search Icon
Nav Arrow
Roti Maker Machine
Roti Maker Machine

માંની તકલીફ જોઈ આ દીકરાએ બનાવ્યું કલાકમાં 200 રોટલી બનાવતું રોટી મેકર

માંની તકલીફ જોઈ દીકરાએ બનાવ્યું એકજ કલાકમાં રોટલી બનાવતું મશીન, જે ચાલે છે સોલર ઉર્જાથી. આ સિવાય પણ તેમણે બીજાં એવાં ઘણાં મશીન બનાવ્યાં છે, જે સામાન્ય માણસોના જીવનને સરળ બનાવે છે.

આ કહાની છે કર્ણાટકના બોમ્મઈ એન વાસ્તુની, જેમણે એક એવું રોટીમેકર બનાવ્યું છે, જે એક કલાકમાં લગભગ 200 રોટલીઓ બનાવે છે. ચિત્રદુર્ગમાં આવેલ હોસાદુર્ગમાં રહેતા બોમ્મઈ એન વાસ્તુએ જ્યારે જોયું કે, તેમની માંને રોટલી બનાવવામાં તકલીફ પડે છે તો તેમણે એક નવી જ વસ્તુ બનાવી દીધી.

બોમ્મઈએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, તેમને એ સમયે બહુ દુ:ખ થતું હતું, જ્યારે તેમની માંને રોટલી વણતી અને શેકતી જોતા હતા. તેમને આ કામ ખૂબજ થકાવનારું લાગતું હતું. આ જોઈને જ તેમને રોટી મેકર બનાવવાનો વિચાર આવ્યો. બોમ્મઈના રોટીમેકરની ખાસ વાત એ છે કે, તે સોલર પાવરની સાથે-સાથે અલ્ટરનેટિંગ કરંટ પર પણ ચાલે છે. ચલાવવામાં ખૂબજ સરળ છ કિલોના આ મશીન પાછળ માત્ર 15 હજારનો ખર્ચ થયો છે. તેનો આકાર ઈન્ડક્શન સ્ટવ જેવો છે.

રસોઈનો સમય અને મહેનત બંનેની બચત કરતા બોમ્મઈના આ મશીનનાં ખૂબજ વખાણ થયાં છે. તેમણે માત્ર રોટી મેકર જ નહીં પરંતુ આ સિવાય પણ બીજી એવી ઘણી વસ્તુઓ બનાવી છે, જેનાથી સામાન્ય માણસનું જીવન સરળ બને. ચાલો એક નજર કરીએ બોમ્મઈનાં સંશોધનો પર.

Solar Roti Maker

પ્રદૂષણ ઘટાડતો કોલસાનો સ્ટવ
બોમ્મઈ એન વાસ્તુએ એક એવો કોલસા સ્ટવ બનાવ્યો છે, જે પરંપરાગત રસોઈ સંસાધનોની સરખામણીમાં 80% ઓછું પ્રદૂષણ કરે છે. આ વિશે બોમ્મઈ જણાવે છે કે, આવું આમાં લાગેલ એર ફિલ્ટર અને સિલિકૉનના ટુકડાના કારણે થાય છે. તેની કિંમત લગભગ અઢી હજાર રૂપિયા છે. બોમ્મઈ જણાવે છે કે, આ સ્ટવ બનતાં જ તેમણે આ સ્ટવના લગભગ 100 નંગ તો વેચી પણ દીધા હતા. તેમાં તેમણે કૂલિંગ ફેન લગાવી અપગ્રેડ પણ કર્યો છે. તેમના આ સ્ટવની આસપાસના વિસ્તારમાં બહુ માંગ છે. આ સ્ટવે મહિલાઓની દિનચર્યાને બદલી દીધી છે.

Innovation

110 સીસીના એન્જિનનું ટેલર
બોમ્મઈ જણાવે છે કે, જ્યારે તેમણે ખેડૂતો્ની ખેતર ખેડવામાં આવતી તકલી્ફો જોઈ ત્યારે તેમના મનમાં ટિલર બનાવવાનો વિચાર આવ્યો. એટલે તેમણે 110 સીસીનું એન્જિન લગાવી ખેતીમાં મદદ કરતું ટિલર તૈયાર કર્યું. તેમના આ સંશોધનને ખેડૂતોએ પણ બહુ વખાણ્યું. ખાસ કરીને એવા ખેડૂતોએ, જેમની પાસે ટ્રેક્ટર ખરીદવા માટે પૂરતા પૈસા નહોંતા, તેમણે ફટાફટ આ ટિલર ખરીધ્યું. ત્યારબાદ બીજું એક શક્તિશાળી એન્જિન લગાવી બોમ્મઈ આ ટિલરને અપગ્રેડ કરી રહ્યા છે, જેથી તેની ક્ષમતા વધી શકે અને તેના કારણે ખેડૂતોને વધારે ફાયદો મળી શકે.

પાણી મિક્સ પેટ્રોલથી ચાલતા બાઈક પર કરી રહ્યા છે કામ
બોમ્મઈ જણાવે છે કે, તેઓ અત્યારે તેમના વર્કશોપમાં પાણી મિક્સ પેટ્રોલથી ચાલતા બાઈક પર કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, એ રીતે અત્યારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે એ જોતાં જો તેઓ તેમના આ ટ્રાયલમાં સફળ થાય તો, પેટ્રોલના રોજેરોજ વધી રહેલ ભાવથી કંટાળેલ લોકોને મદદ મળી શકે છે. કેટલીક કંપનીઓના પ્રતિનિધીઓને પણ તેમના આ વિચારમાં રસ પડ્યો છે. બોમ્મઈ જણાવે છે, “મેં આને તૈયાર કરવામાં બહુ મહેનત કરી છે, હવે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, તેમનો આ ટ્રાયલ સફળ થાય.”

Innovation

સેરીકલ્ચરનો કોર્સ કર્યો, પરંતુ કામ પોતાનું મનગમતું
ઔપચારિક શિક્ષાની વાત કરીએ તો બોમ્મઈ 10+2 સુધી ભણ્યા છે. ત્યારબાદ નોકરીની શક્યતા જોતાં તેમણે સેરીકલ્ચરમાં એક રોજગારપરક કોર્સ પણ કર્યો, પરંતુ એ ક્ષેત્રમાં આગળ ન વધ્યા. તેમનું ધ્યાન તેમનાં ગમતાં કામ પર હતું એટલે કે, નવી-નવી વસ્તુઓ બનાવવામાં. બોમ્મઈ કહે છે કે, તેમણે ગામના લોકોને નાની-નાની સુવિધાઓ માટે પણ પરેશાન થતા જોયા. તેઓ જણાવે છે કે, ગ્રામીણ વિસ્તારોમાં પડતી મુશ્કેલીઓ જ તેમને હલ શોધવા પ્રેરિત કરે છે. તેઓ ગામલોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી તેમનું જીવન સરળવાના ઉપાયો શોધવા જ, શ્રેષ્ઠ કામ માને છે.

Innovator

આઈડિયાને તેમના વર્કશોપમાં આપે છે આખરી ઓપ
જીવનનાં 46 વર્ષ જોઈ ચૂકેલ બોમ્મઈ એનની સાઈકલની દુકાનની સાથે-સાથે એક વર્કશોપ પણ છે. વર્કશોપ જ એ જગ્યા છે, જ્યાં તેઓ નવી-નવી વસ્તુઓ વિશે વિચારે છે અને પોતાના એ વિચારોને આખરી ઓપ આપવા માટે કામ કરે છે. જ્યારે તેમના એ સંશોધનથી લોકોના ચહેરા પર ખુશી જોવા મળે છે, ત્યારે તેમને પણ સંતોષ થાય છે. બોમ્મઈ પોતાનાં બાળકોને પણ રચનાત્મક કાર્યોમાં ભાગ લેવા ઉત્સાહિત કરે છે. તેમનું કહેવું છે કે, સ્કૂલમાં ભણવાનું તેની જગ્યાએ મહત્વપૂર્ણ છે અને તેને વ્યવહારિક બનાવી જીવનમાં ઉતારવું પણ મહત્વનું છે.

સો ટકા પ્રયત્ન કરો, ચોક્કસથી મળશે સફળતા
બોમ્મઈનું માનવું છે કે, જો તમે તમારા ગમતા કામમાં મહેનત કરતા હોચ તો ચોક્કસથી સફળતા મળશે. તેઓ કહે છે, “માણસ જ્યાં અસફળ થાય છે, ત્યાં તે 100% પ્રયત્ન નથી કરતો અને માત્ર સફળતાની ઈચ્છા રાખે છે. પરંતુ સૌથી વધારે જરૂર છે પ્રયત્નોની. સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો.”

તસવીરો સૌજન્ય: બોમ્મઈ એન વાસ્તુ

મૂળ લેખ: પ્રવેશ કુમારી

આ પણ વાંચો: પંજાબના 60 વર્ષના સુરેન્દ્રપાલ ઓર્ગેનિક કપાસની ખેતી કરી, જૈવિક કપડા બનાવીને કરે છે લાખોની કમાણી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon