Powered by

Home આધુનિક ખેતી સાઉદી અરેબિયાની નોકરી છોડીને ઘરે ડોલમાં શરૂ કરી મોતીની ખેતી, કરે છે લાખોની કમાણી!

સાઉદી અરેબિયાની નોકરી છોડીને ઘરે ડોલમાં શરૂ કરી મોતીની ખેતી, કરે છે લાખોની કમાણી!

ડોલમાં મોતીની ખેતી કરીને કરે છે લાખોની કમાણી, ઑસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયામાં કરે છે નિકાસ!

By Nisha Jansari
New Update
Pearl Farming

Pearl Farming

જો તમને એવું લાગે છે કે મોતી ફક્ત સમુદ્રના છીપમાં જ થાય છે તો તમારી ધારણા ખોટી છે. કારણે કેરળના કાસરગોડ વિસ્તારમાં એક ખેડૂત છેલ્લા બે દાયકાથી ડોલમાં મોતીની ખેતી કરી રહ્યો છે.

તમે બિલકુલ સાચું જ વાંચ્યું છેં! 65 વર્ષીય કે.જે. માથચન પોતાના તળાવમાં 50થી વધારે ડોલમાં મોતીની ખેતી કરે છે. જેમાંથી મોટા ભાગના મોતી તેઓ ઑસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, કુવૈત અને સ્વિટ્ઝરલેન્ડમાં નિકાસ કરે છે. આથી તેઓ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.

માથચન સાઉદી અરેબિયાના ઢરાનમાં કિંગ ફહદ યુનિવર્સિટી ઑફ પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સમાં દૂરસંચાર વિભાગમાં પ્રોફેસર હતા. આ દરમિયાન તેમને અમારકો ઑઇલ કંપની તરફથી એક અંગ્રેજી અનુવાદક તરીકે ચીન જવાનો મોકો મળ્યો હતો.

Pearl Farming in bucket
Pearl farming at home

આ અંગે માથચને ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, "ચીનના પ્રવાસ દરમિયાન વૂશી સ્થિત દંશુઈ મત્સ્ય સંશોધન કેન્દ્રમાં ગયો હતો. મત્સ્ય પાલન એક એવું ક્ષેત્ર હતું જેમાં મને શરૂઆતથી જ રુચિ રહી છે. આથી મેં તેના વિશે વધારે માહિતી મેળવવાની શરૂઆત કરી હતી. આ અંગે માલુમ પડ્યું કે મોતીના ઉત્પાદન અંગે ડિપ્લોમા કોર્ષ ચાલી રહ્યો છે. મને આ કંઈક નવું લાગ્યું. આથી મેં તેમાં પ્રવેશ મેળવવાનો નિર્ણય કર્યો હતો."

માથચને થોડા દિવસો પછી પોતાની નોકરી છોડી દીધી હતી. જે બાદમાં તેઓ ડિપ્લોમા કરવા માટે ચીન ગયા હતા. તેમનો કોર્ષ છ મહિનામાં પૂર્ણ થયો હતો. તેઓએ 1999માં પોતાના તળાવમાં મોતીની ખેતી કરવાની શરૂઆત કરી હતી.

Pearl
Pearl

આ અંગે તેઓ કહે છે કે, "આ એક ઉતાવળે લેવાયેલો નિર્ણય હતો. અનેક લોકો તેમના આ નિર્ણયની ટીકા કરતા હતા. જોકે, મને વિશ્વાસ હતો કે હું જે કરી રહ્યો છે તેનાથી એક દિવસ સારી એવી કમાણી થશે. આ હું તેમાં આગળ વધતો ગયો હતો."

જે બાદમાં માથચન મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારાઓથી વહેતી નદીઓમાંથી છીપ લાવ્યા હતા. જે બાદમાં તેમનો ઘર આંગણે જ ઉછેર કરવા લાગ્યા હતા. 18 મહિનાની ખેતી બાદ તેમને 50 ડોલ મોતી મળ્યા હતા.

માથચન કહે છે કે, "મેં શરૂઆતમાં લગભગ 1.50 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. એ સમયે મેં લગભગ 4.5 લાખ રૂપિયાના મોતીઓનું ઉત્પાદન કર્યું હતું. આ રીતે મને ત્રણ લાખ રૂપિયાનો ફાયદો થયો હતો. જે બાદમાં મારો આ બિઝનેસ આગળ વધતો ગયો હતો. હવે તો મેં ખેતી શીખવા માંગતા લોકોને શિક્ષણ આપવાનું લાઇસન્સ પણ મેળવી લીધું છે."

કેવી રીતે થાય છે ખેતી

માથચન કહે છે કે "મોતીના ત્રણ પ્રકાર હોય છે- કુત્રિમ, પ્રાકૃતિક અને સંવર્ધિત. હું છેલ્લા 21 વર્ષથી સંવર્ધિત મોતીની ખેતી કરું છું. આની ખેતી કરવા સરળ છે. કારણ કે ભારતમાં તાજા પાણીના છીપ સરળતાથી મળી રહી છે."

તેઓ નીદીઓમાંથી લાવવામાં આવેલા છીપને ખૂબ સાવધાની પૂર્વક ખોલે છે. જે બાદમાં તેમને એક જીવાણુ યુક્ત મેષ કન્ટેનરમાં 15-20 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીમાં ડૂબાડી દેવામાં આવે છે. દોઢ વર્ષમાં નાભિક મોતીના છીપમાં કેલ્શિયમ કોર્બોનેટ જમા કરીને મોતીની એક થેલી બનાવે છે. જેના પર કોટિંગની 540 પરત હોય છે, ત્યારે જઈને એક ઉત્તમ મોતી બને છે.

માથચનના મોટા ભાગના મોતીને ઑસ્ટ્રેલિયા, કુવૈત, સાઉદી અરેબિયા અને સ્વિટ્ઝરલેન્ડમાં નિકાસ કરવામાં આવે છે. આ જગ્યાઓ પર સંવર્ધિત મોતીઓની ખૂબ માંગ રહે છે.

માથચન આ અંગે કહે છે કે, "ભારતીય બજારમાં મોટાભાગે કૃત્રિમ મોતી ઉપલબ્ધ છે. આ મોતી સિન્થેટિક કોટિંગને કારણે સાચા જેવા જ લાગે છે. આ જ કારણે તે સસ્તા પણ હોય છે. એક સાચા મોતીની કિંમત લગભગ 360 રૂપિયા/કેરેટ અથવા 1800 રૂપિયા પ્રતિગ્રામ હોય છે."

માથચને પોતાના ઘરની પાછળના ભાગમાં જથ્થાબંધ ઉત્પાદન માટે એક કુત્રિમ ટેન્ક બનાવી છે. હાલ માથચન સ્થાનિક લોકોની મદદથી ખેતી કામ ઉપરાંત મોતીની ખેતીમાં રસ ધરાવતા લોકોને આ અંગે તાલિમ પણ આપી રહ્યા છે.

online class
Foreign tourists

લૉકડાઉન દરમિયાન ઓનલાઇન ક્લાસ

કોરોના માહમારીને કારણે છેલ્લા સાત મહિનાથી માથચનનો વેપાર મંદ પડી ગયો છે. જોકે, તેમણે પોતાના ક્લાસને ઑનલાઇન શરૂ રાખ્યા હતા. તેઓ પોતાના અનોખા બિઝનેસ આઇડિયાને કારણે લોકોનું ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.

આજકાલ માથચનની ખેતીઓ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ જ કારણ છે કે કેરળની અનેક યુનિવર્સિટી અને ત્યાં સુધી કે કર્ણાટકના મત્સ્ય વિભાગના વિદ્યાર્થીઓએ તેમના ફાર્મની મુલાકાત લીધી છે. આ અંગે તેમણે કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, બેંગલુરુમાં લેક્ચર પણ આપ્યું છે.

"જો હું સાઉદી અરેબિયામાં મારી નોકરી જ ચાલુ રાખતો તો અન્ય લોકો જેવો જ રહેતો. મેં કંઈક એવું કરવાનો પ્રયાસ કર્યો જે અલગ હતું. એ વખત ભારતમાં મોતીની ખેતી પર ખૂબ ઓછી ચર્ચા થતી હતી, મને આનંદ છે કે મેં તે ખેતી શરૂ કરી હતી. આ ક્ષેત્ર વધારે સમૃદ્ધ થઈ રહ્યું છે," માથચને ગર્વ સાથે આ વાત કહી હતી.

મૂળ લેખ: SERENE SARAH ZACHARIAH

આ પણ વાંચો:લૉકડાઉનમાં અપાર્ટમેન્ટના ધાબામાં ઉગાડવાનાં શરૂ કર્યાં શાકભાજી, પડોશીઓને પણ મળે છે ઓર્ગેનિક શાક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.